Shatdal

પતિ કે ભૂત?

By GS Team
4 Aug 20264 mins read
પતિ કે ભૂત?
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • તે બહાર આવી તો તેનો પતિ ભાવિન ગુમ ! તો મને મળવા કોણ આવ્યું હતું?

ભા રતી સાંજના છ વાગ્યાથી પોતાના જન્મદિવસે પતિ ભાવિનની રાહ જોતી ઘડિયાળ જોયા કરતી હતી. તેમના લગ્નને આઠ વરસ થઇ ગયા હતા. શરૂઆતના ત્રણ - ચાર વરસ તો પ્રેમના ઉન્માદ અને નવા લગ્નના આનંદમાં ક્યાં વીતી ગયા એ ખબર જ ના પડી. પછી ધીમેધીમે ખટરાગ વધવા લાગ્યો. છેલ્લા બે વરસથી નાનીનાની બાબતે બન્ને વચ્ચે વાદ વિવાદ અને છેલ્લે અબોલા વધી ગયા હતા.
આખો દિવસ કામ કરીને ઓફીસના કર્મચારીઓ જોડે માથાફોડ કરીને સાંજે ભાવિન ઘરે આવે ત્યારે ભારતીની નાની મોટી બાબતે ટકટક ચાલુ થઇ જતી. બુટ બહાર કાઢીને આવ, કાર્પેટ બગડી જશે, આ નેપકીન અહિયાં કેમ મુક્યો છે, તારી બેગ તેના ઠેકાણે મૂકી દે, વિગેરે નાની મોટી એટલી બધી સૂચનાઓ આપી દે કે થાકી ગયેલો ભાવિન ત્રાસી જાય.
ગયા અઠવાડીએ જ ભાવિને 'એક કપ ચા મળશે,' કહ્યુંને ભારતીની ટીકટીક ચાલુ, 'બેગ તેની જગ્યાએ મુક, બુટ કાઢીને સ્ટેન્ડની અંદર ગોઠવી બારણું બરાબર બંધ કરી દે. ભાવિન સારૂ, સારૂ કરતો જ રહ્યો, પણ ચા બનીને આવી જ નહીં. ભાવિન કંટાળી ગયો. બહાર સોસાયટીના નાકે જઈ ગલ્લાની ચા પીધી. ભારતી બોલી, હું તો સૂચનો આપવામાં ભૂલી જ ગઈ.
ભાવિને કઈ જવાબ ના આપ્યો. તો પણ ભારતીની ટકટક તો ચાલુ જ હતી. ભાવીનનો મૂડ ઓફ થઇ ગયો. બન્ને વચ્ચે અબોલા થઇ ગયા. રાત્રે પણ બન્ને જણા પીઠ ફેરવીને સુઈ જતા. લગ્નજીવન પણ માણવાનું બંધ!
ભારતી પસ્તાઈ રહી હતી. આજે મારો બર્થડે ભાવિનને યાદ હશે કે નહીં! ત્યાંતો બેલ વાગ્યો. હાય ભારતી ! હેપી બર્થ ડે !' હાથમાં સુંદર ફૂલોના બુકે સાથે ભાવિનને ઉભો જોઈ ભારતી ખુશ થઇ ગઈ. 'ચાલ, તૈયાર થઇ જા, ડીનર માટે સારી હોટેલમાં જઈએ.'
ત્યાંતો અંદર બેડરૂમમાં લેન્ડલાઇન પર ફોન આવ્યો. 'હેલો, તમે ભાવિન પંડયાના શું થાવ ?'
'હું તેની પત્ની ભારતી છું. શું થયું ?'
'તત્કાલ અહીં હેલ્થમોર હોસ્પીટલમાં આવો. તમારા પતિનું એક્સીડેન્ટમાં મોત થયું છે. અમે પોલીસને જાણ કરી દીધી છે. હું ડૉ. અમીન બોલું છું.'
'એ તો અહીં આવ્યા છે,' ભારતી હડબડાઈ ગઈ 'આ શું છે?'
તે બહાર આવી તો તેનો પતિ ભાવિન ગુમ ! તો મને મળવા કોણ આવ્યું હતું ? ભારતી ગભરાઈ, ભાવીનનું ભૂત કે સાચુકલો ભાવિન ??
તેણે મનમાં વિચાર્યું, મેં બહુ ટીકટીક અને ચોખ્ખાઈની મેંથી મારી ભાવિનને હૈરાન કરેલ છે. હવેથી જો તે મળી જાય તો હું તેને પૂર્ણ પ્રેમ આપીશ, જરાય હેરાન નહીં કરું. હવે શું થાય ? રાંડયા પછીનું ડહાપણ શા કામનું ?
તે દોડતી બહાર નીકળી રિક્ષા કરી. પ્રહલાદનગરની હેલ્થમોર હોસ્પિટલ પહોચી. લાશનું મોઢું છુંદાઈ ગયું હોવાથી ઓળખાય તેમ નહોતી, પણ ભારતીએ તેના પતિનો ઓવરકોટ અને આઈકાર્ડ ઓળખી કાઢયા. તેમાં લખેલ લેન્ડલાઇન નંબર પર અમે તમને ફોન કરી બોલાવી લીધા. ભારતી રડવા લાગી, અરેરે ! મેં ભાવિન સાથે આજે સવારે પણ અબોલા રાખી મોટી ભૂલ કરી.
સેટેલાઈટનાં પીઆઈ ચૌહાણ સાહેબ આવી ગયા. તેમણે લાશ ને પીએમ માટે મોકલી આપવા સુચના આપી.
ભારતીને રડતી જોઈ ચૌહાણ સાહેબે સાંત્વના આપતાં કહ્યું. 'અમે તરત જ એક્સીડેન્ટ કરનાર ટ્રક ડ્રાઈવરને પકડી પાડીશું.'
ભારતીએ પુછયું 'એમનો મોબાઈલ નથી મળ્યો ?'
'અરે હા ! તેનો મોબાઈલ ચોરનારને અમે પકડી પાડયો છે, અત્યારે તે અમારી કસ્ટડીમાં છે.' ચૌહાણ સાહેબે કહ્યું.
'પણ એ તો હમણાં ઘેર આવ્યા હતા.' 'બહેન, એ તો તમે એમને યાદ કરતા હશો, એટલે ભ્રમ થયો હશે.' ચૌહાણ સાહેબે કહ્યું.
'સાહેબ એમનું ભૂત કે પલીત તો નહીં હોય ને !' ભારતી રડતાં રડતાં બોલી.
'ચાલો, તમને તેમનો મોબાઈલ ચોર બતાડું.' કહી ચૌહાણ સાહેબ ભારતીને સેટેલાઈટ પોલીસ સ્ટેશન લઇ ગયા.
કસ્ટડીના સળિયા પાછળ ભાવિનને જોઈ ભારતી હેબતાઈ ગઈ. 'ભૂત, ભૂત.' બુમ પાડી.
'અરે! ભારતી હું ભાવિન જ છું.' તેણે બધી ડીટેઇલમાં ઓળખાણ આપતા બધાને નવાઈ લાગી.
'આ શું થઇ ગયું, સમજ પડતી નથી.' ભારતી પોતાના પતિને જીવતા જોઈ ખુશ થઇ ગઈ. અને હવે કોઈ દિવસ એમની સાથે ઝગડીશ નહીં, એવી માનતા માની.
'હું ઓફિસથી આવતો હતો, ત્યાં એક વૃધ્ધ ભિખારી ખુલ્લો ઠંડીથી ધ્રુજી રહ્યો હતો, એટલે મેં મારો ઓવરકોટ તેને પહેરાવી દીધો. તેના ખિસ્સામાં મારું આઇકાર્ડ હતું, તે જોઈ હોસ્પિટલમાંથી ડોકટરે કાર્ડમાંથી લેન્ડલાઇન પર ઘેર ફોન કર્યો. હું તારી બર્થડે પર બુકે લઈને આવ્યો. તને અંદર લેન્ડલાઇન પર હોસ્પીટલથી અને મને આઈ કાર્ડનાં મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો. મને ઓર્ડર કર્યો, તરત જ સેટેલાઈટ પોલીસ સ્ટેશન આવી જા, નહીતર તને પકડી લઈશું, કારણ કે તેમણે મને મોબાઈલ ચોર માની લીધો. આવો ધમકીભર્યો ફોન હોવાથી, તને કહ્યા વગર હું સેટેલાઈટ પોલીસ સ્ટેશન આવતાં જમાદાર ખોડુભાએ મને કાંઈ બોલવા જ ના દીધો. અને મોબાઈલ ચોર માની કસ્ટડીમાં પૂરી દીધો.' ભાવિને આખી ગોટાળા સભર કથા સંભળાવી.
આખી ગરબડવાળી કહાની સાંભળી પોલીસ સ્ટાફ અને ભારતી આભા બની ગયા.
ભારતી તો ભાવિનને જીવતો જોઈ ગળગળી થઇ ગઈ, અને ભગવાનનો આભાર માનતી રડી પડી. મનમાં બબડી. 'હવે હું ક્યારેય તારી સાથે ટકટક કે ઝગડા નહીં કરું.'
લાસ્ટ સ્ટ્રોક
જ્યાં સુધી આપણું માણસ સાથે હોય છે, ત્યાં સુધી તેની કદર થતી નથી પણ ઝગડા જ સુઝે છે, પણ તેની ગેરહયાતીની જાણ થતા જ હાંજા ગગડી જાય છે. તો હયાતીમા જ સાચવીને પ્રેમથી રહો ને !