Shatdal

સિગરેટનું વ્યસન છોડવાથી કેટલા ઝડપી ફાયદા થાય?

By GS Team
6 Oct 20265 mins read
સિગરેટનું વ્યસન છોડવાથી કેટલા ઝડપી ફાયદા થાય?
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

તમે સિગારેટ પીવાનું બંધ કરો એટલે વીસ જ મિનિટમાં તમારું બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા નોર્મલ થઈ જાય છે. આઠ જ કલાકમાં શરીરમાં નિકોટિન અને કાર્બન મોનોક્સાઇડનું લેવલ અડધું થઈ જાય છે અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ નોર્મલ થઈ જાય છે. ધારો કે તમે ૨૪ કલાક સુધી સિગારેટ ન પીધી તો લોહીમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી ગેસ સદંતર નામશેષ થઈ જાય છે અને ફેફસા ચોખ્ખાચણાંક થવા લાગે છે. બીજા ૪૮ કલાકમાં તો તમારા શરીરમાં નિકોટિનનો એક અંશ રહેતો નથી. બીજી તરફ સ્વાદેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય વધુ સતેજ બને છે. ત્રણ દિવસમાં તો બંધાણીઓના બોલવા સાથે આવતો સિસોટી જેવો અવાજ પણ બંધ થઈ જાય છે. સિગારેટ છોડયા પછી ૧૪ દિવસમાં તમે શરીરમાં નવું જામ અને તાજગી અનુભવતા થઈ જાવ છો. લોહીનું પરિભ્રમણ સુધરે છે અને માણસ પોતાને ફિઝિકલી એકદમ ફિટ માનવા લાગે છે.

જાસૂસી માટે સબમરીન શા માટે શ્રેષ્ઠ?
સબમરીનની જાસૂસી પ્રવૃત્તિ શીતયુદ્ધ દરમિયાન જોરમાં હતી. એ વખતે અમેરિકન સબમરીનો સોવિયેત સંઘની સરહદમાં ઘૂસીને માહિતી મેળવી આવી હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા હતા. સિત્તેરના દાયકામાં તો આઇવી બેલ્સ નામના એક સબમરીન પ્રોજેક્ટ દ્વારા અમેરિકન નૌસેનાએ દરિયાના પેટાળમાં પથરાયેલાં સોવિયેત કેબલ શોધી કાઢેલાં અને તેમાંથી વહેતી અત્યંત ઉપયોગી માહિતી લાંબા સમય સુધી ચોરી હતી. છેવટે ૧૯૮૧માં અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીના રોનાલ્ડ પેલ્ટન નામના એક અધિકારીએ પોતાના દેશની આ જાસૂસી વિશેની માહિતી સોવિયેત સંઘને વેચીને કમાણી કરી લીધી ત્યારે અમેરિકાનો ભાંડો ફૂટયો અને આઇવી બેલ્સ પ્રોજેક્ટનો અંત આવ્યો. અત્યારે તો દરિયાઇ પ્રવૃત્તિ પર જાસૂસી કરવા માટેનાં અત્યંત આધુનિક ઉપકરણો પણ ઉપલબ્ધ છે. આકાશમાં તરતા સેટેલાઇટો, માણસ વગર ચાલતાં વિમાનો તથા દરિયામાં એકલાં ઊભાં રહીને અવાજનાં મોજાં ઝીલતાં એન્ટેના જેવી આધુનિક સગવડોને કારણે સબમરીનોની જરૂર ઘટી હોવાની દલીલ કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ એવો પણ અભિપ્રાય છે કે દરિયાઈ જાસૂસીમાં સબમરીનનો કોઈ વિકલ્પ નથી. 'સબમરીનમાં જે ખૂબીઓ છે તે બીજાં કોઈ સાધનોમાં નથી. સેટેલાઇટ ચિત્રોમાં ઘણી વાર જે ચીજ હોતી જ નથી તેની હાજરીનો ભ્રમ થાય છે. તેના બદલે સબમરીન લઈને નીકળ્યા બાદ જે માહિતી મેળવવામાં આવે છે તે એકદમ નક્કર હોય છે. એ માહિતી સગાં આંખ-કાન દ્વારા મેળવી હોવાને કારણે ભ્રામક હોવાની કોઈ શક્યતા રહેતી નથી.'


લોહીની ખતરનાક બિમારી : હિમોફિલિયા
સામાન્ય માણસના શરીર પર નાનો-મોટો જખમ થાય, તેના પર દવા ન લગાડીએ તો પણ થોડા સમયમાં લોહી નીકળતું બંધ થઈ જાય. તાજા ઘામાંથી લોહી વહેતું વહેતું છેવટે અટકી જાય અને ત્યાં ગઠ્ઠો જામી જાય. આમાં આપણે કંઈ કરવું પડતું નથી. શરીરમાં રહેલા સિક્યોરિટી ગાર્ડ્ઝ આવા સંજોગોમાં પોતે જ કામે લાગી જાય છે, પરંતુ હિમોફિલિક પેશન્ટની વાત જુદી છે. એમના શરીરમાં કુદરતે બહુ નબળું સુરક્ષા તંત્ર મૂક્યું છે. કોઈપણ અંગમાંથી લોહી નીકળવાનું શરૂ થાય પછી તે અટકવાનું નામ જ નથી લેતું. ચામડી કપાઈ જાય તો ધડધડાટ કરતું લોહી બહાર વહેવા માંડે અને મૂઢ માર વાગે તો શરીરની અંદર રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય, બંને પરિસ્થિતિ જીવલેણ નીવડી શકે. વિશ્વમાં દર ચાલીસ હજારે એક વ્યક્તિ હિમોફિલિક હોવાનો અંદાજ અત્યાર સુધી મૂકાતો હતો, પરંતુ હવે ઘણા સંશોધકોઅ ભય વ્યક્ત કર્યો છે કે આપણે માનીઅ છીએ તેનાથી બમણી સંખ્યામાં હિમોફિલિયાના દરદીઓ આપણી વચ્ચે વસે છે. સરળ શબ્દોમાં કહીએ તો હિમોફિલિયા લોહીની બીમારી છે. આપણા શરીરમાં વહેતું લોહી જુદા જુદા ઘટકનું બનેલું છે. લાલકણ, શ્વેતકણ, પ્લેટલેટ્સ અને પ્લાઝમા. પ્લાઝમામાં રહેલા જુદા જુદા તેર પ્રકારના પ્રોટીન ફેક્ટર તરીકે પણ ઓળખાય છે. આ ફેક્ટર લોહીના ગંઠાવા માટે અટલે કે ક્લોટિંગ માટે જવાબદાર હોય છે, પરંતુ લોહીની અંદર આમાંથી અક પણ ફેક્ટર ગેરહાજર હોય તો બ્લડ ક્લોટિંગ એટલે કે લોહી જામી જવાની પ્રક્રિયા સાવ ધીમી પડી જાય. મોટા ભાગના હિમોફિલિક પેશન્ટ્સના બ્લડમાં આઠ અને નવ નંબરના ફેક્ટરની ગેરહાજરી હોય છે. હજી આજની તારીખમાં પણ ભારતની અંદર અવાં અનેક શહેર અને ગામ છે જ્યાંની હોસ્પિટલમાં હિમોફિલિયા ટેસ્ટિંગની સગવડ નથી. માણસને છેક સુધી ખબર જ ન પડે કે તેને કેવી ગંભીર બીમારી વળગેલી છે. એમાંને અમાં મરી જાય ત્યાં સુધી હિમોફિલિયાના નામથી અજાણ રહે એવું પણ બનતું હશે.


શરીર ધર્મ વિશેના પૂર્વગ્રહો
આપણા મનમાં શરીરના ધર્મ વિશે પૂર્વગ્રહો હોય છે, અને અ કેટલા સાચા છે? આંખોમાં કાજળ આંજવાથી આંખો મોટી થાય છે, ગરમી નીકળી જાય છે એવી રૂઢ માન્યતા છે. પણ કાજળમાં ઍટ્રોપીન છે, જે નુકશાન કર્તા છે બાળકને દાંત આવે છે એટલે ઝાડા થાય છે એ માન્યતામાં સત્ય હોતું નથી. ગળ્યું કે મીઠું ખવડાવવાથી બાળકના પેટમાં કૃમિ થાય છે એવી એક માન્યતા છે પણ ખરેખર તો કલૂષિત પાણી કે આહારને લીધે કૃમિના ઇંડા પેટમાં જાય છે જેનાથી કૃમિ થાય છે. સુન્નત અથવા સરકમસીશનમાં શિશ્નની ઉપરી અંતિમ પિનાઇલ ચામડી કાપી લેવામાં આવે છે, જેને કારણે એ ચામડીની નીચે જામી જતો સ્મેગ્મા નામના સફેદ પદાર્થનો સંગ્રહ થતો નથી, પણ આ ચામડી હોય તો કેન્સર થવાની સંભાવના વધારે રહે છે એ મંતવ્ય વિજ્ઞાનસિદ્ધ નથી. હિન્દુઓમાં સુન્નત નથી માટે આ પ્રકારનું કેન્સર પણ વધારે છે એવો તર્ક વિજ્ઞાન દ્વારા પ્રતિપાદિત થતો નથી. બાળક ચાલતું ન થાય ત્યાં સુધી બાળકને ઘટ્ટ આહાર ન આપવો જાઇઅ. ડોક્ટરો કાજળ કે સુરમો આંખમાં લગાવવાના સમર્થક નથી. આંખ શરીર કરતાં સામાન્યત: ઠંડી હોય છે.


સૌથી ગીચ ટ્રાફિક જામવાળા વિશ્વના દસ શહેરો કયા છે?
જો તમે એમ માનતા હો કે આપણું મુંબઈ જેવું શહેર ટ્રાફિક જામની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી અવ્વલ શહેર છે, તો તમે ભૂલો છો. સૌથી ખરાબ ટ્રાફિક જામવાળા વિશ્વના ટોચના ૧૦ શહેરો આ પ્રમાણે છે. (૧) મોસ્કો (રશિયા) (૨) ઇસ્તમબૂલ (ટર્કી) (૩) રીઓ-ડી-જાનેરો (બ્રાઝિલ) (૪) મેક્સિકો સિટી (મેકિસકો) (૫) સાઓ પૌલો (બ્રાઝિલ) (૬) પાલેરમો (ઇટાલી) (૭) વોર્શો (પોલેન્ડ) (૮) રોમ (ઇટાલી) (૯) લોશ અઁજલસ (યુઍસઍ) (૧૦) ડબ્લીન (આર્યલેન્ડ)