ઊંઘ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ ?

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ઊંઘ પણ એક વિચિત્ર બાબત છે. માણસને નાનપણથી એવું શિખવાડાય છે કે દિવસમાં સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઇએ, પરંતુ મોટાભાગે આ પ્રમાણ જળવાતું નથી. કેટલાકને બહુ થોડી ઊંઘ મળે છે તો કેટલાક વધુપડતું સૂઈ નાંખે છે. યુનિવર્સિટી ઓફ બફેલોએ હાથ ધરેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે રોજ આઠ કલાકથી વધુ નિદ્રા લેવા છતાં જેમને થાક વર્તાયા કરે છે એમનું સ્ટ્રોક (પક્ષાઘાત)થી મૃત્યુ થવાની શક્યતા બીજા લોકોની સરખામણી ત્રણ ગણી વધી જાય છે. ઊંઘણશી લોકોના શરીરમાં કોઈક એવી સમસ્યા હોય છે જેને કારણે એમને ગાઢ નિદ્રા નથી મળતી અને કદાચ એને કારણે જ એમને સ્ટ્રોકનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે.
૧૮મી સદીનું યુરોપ અને ભારત
૧૮૧૫થી ૧૮૩૦ના ગાળામાં ભારત સૌથી વધુ સુખી, સંસ્કૃત અને શિસ્તપ્રિય દેશ હતો. એ પંદર વર્ષના ગાળામાં નેપોલિયને યુરોપને લગભગ નષ્ટ કરીને પોતાનું મોત નોતર્યું હતું. બ્રિટિશ સૈનિકો અમેરિકનોની કતલ કરતા હતા. એ સમયનું પેરિસ અંધકાર યુગમાંથી પસાર થતું હતું. અર્ધોઅરધ પેરિસની વસતિનાં બાળકો બાસ્ટર્ડ હતા એટલે કે લગ્ન કર્યા વગર સ્ત્રીઓએ બાળકોને જન્મ આપેલા. ચીનમાં દુષ્ટ રાજપુરુષો લાંચ લઇને અફીણની પેટીઓની દાણચોરી કરવા દેતા હતા. લંડન શહેરની એકેએક શેરી ભિખારીઓથી ભરપૂર રહેતી. કોઇને દુકાન પરવડતી નહીં. આખું લંડન શહેર ફેરિયાઓથી ભરપૂર હતું. ગ્રીસમાં ખેડૂતો ગુલામ બનીને ખેતી કરતા હતાં. અમેરિકાના પ્રમુખ ઍન્ડ્રુ જેક્સન કોઇની સાથે દલીલે ચઢી જાય તો બાથમબાથ પર આવી જતા. સામસામા છરા લઇને ઝઘડતા. ચહેરો લોહીલુહાણ હોય અને હાથમાં છરો હોય તેવું ઍન્ડ્રુ જેક્સનનું દ્રશ્ય ઘણીવાર જોવા મળતું. હારેલો નેપોલિયન આપઘાત કરવા માટેનું માદળિયું ગળામાં લટકાવીને ફરતો હતો. એ પછી તેના સાથીદાર મેટરનીચના મહેણાથી ચિઢાઇને નેપોલિયન તેની હેટ ફગાવીને કહે છે : 'હું મારી ગાદી ગુમાવીશ તે તો ખરું, પણ હું મારી સાથે સાથે આખી દુનિયાને બરબાદ કરીને જ જંપીશ.'
આકાશમાંથી ત્રાટકતી
વીજળી અને અગમનિગમ
વિચિત્ર ઘટનાઓને નોંધતા અંગ્રેજ તંત્રી પોલ સ્લીવકિંગ પાસે વિચિત્ર ઘટનાઓનો કોઈ પાર નથી. તેમણે વીજળી અંગેના ઘણા સાચા દાખલા ભેગા કર્યા છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ વિસ્તારનાં શ્રીમતી જેનિફર રોબર્ટસ તેમના બંગલામાં બેસીને સ્ટિફન કિંગ નામના લેખકની 'ધ ડેડ ઝોન' નામની નવલકથા વાંચતાં હતાં. આ નવલકથાના પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર વીજળી પડવાથી એક માણસ મરી જતો હોય તેવું ચિત્ર કલાકારે દોર્યું છે. આ પુસ્તક ખોલીને વાંચવા જાય છે ત્યાં જ શ્રીમતી જેનિફર ઉપર વીજળી ત્રાટકે છે. જેનિફરને હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમણે કહ્યું, 'સૌથી બિહામણી વાત એ હતી કે મારા શરીર પર વીજળી ત્રાટક્યા પછી મારું શરીર તેના કદ કરતાં ૧૦ ગણું ફૂલી ગયું હોય તેવું મને લાગ્યું. મને એવી લાગણી થવા માંડી કે હમણાં જ મારું શરીર ફુગ્ગાની જેમ ફૂટી જશે. એક રબરની ખાસ ગાદીને કારણે હું બચી ગઈ. વીજળી પડવાથી થતા મરણ કે અકસ્માતના સમાચારો વાર્તા જેવા હોય છે. અમેરિકાના ફલોરિડા રાજ્યના સેંટ પીટસબર્ગ શહેરના કેવિન કલાહાન નામના યુવકની વાત સાંભળો. તેનો પ્રસંગ અને 'યુ.અસ.એ. ટુ-ડે' નામના અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિકના અંકમાં પ્રગટ થયો હતો. કેવિન કલાહાને માર્ચના અંતમાં તેની પત્ની ઉપર રસોડાની છરીથી ઘા કરીને તેનું ગળું અને પીઠ કાપી નાખ્યાં. ત્રણ દિવસ પછી એટલે કે ૧લી એપ્રિલે કેવિન માછલાં પકડવા જતો હતો ત્યારે રસ્તામાં તે બેહોશ થઈ ગયો. તેના ઉપર વીજળી ત્રાટકી હતી. તેની પત્ની હોસ્પિટલમાં જે પથારી ઉપર સારવાર લેતી હતી તેની બાજુમાં જ તેને પથારી મળી!
જાતભાતના પ્રાણીઓના અંગોનો વિચિત્ર ઉપયોગ
ગેંડાનાં શીંગડાં, હરણની વળવાળી શીંગડીઓ, વાઘની જનનેન્દ્રિય, સીલ પ્રાણીની પૂંછડી અને રીંછનું મૂત્રાશય આ બધા જ પ્રાણીઓનાં અંગો દવા તરીકે અને ખાસ કરીને કામોત્તેજકના વધારવા માટે વપરાય છે. દક્ષિણ કોરિયાના સિઉલ શહેર અને તાયવાનના સાયગોન શહેરમાં તેમ જ અમેરિકાના ચાયના ટાઉનમાં આ બધાં અંગો વેચાય છે. ગેંડાઓની જગતભરમાં કતલ થઈ ગઈ છે અને હવે માત્ર ૧૧,૦૦૦ ગેંડા આખા વિશ્વમાં જીવે છે. ઉત્તર અમેરિકામાં ૫૦૦ જેટલા કાળા રીંછને મારીને તેનાં મૂત્રાશયને વેચવામાં આવતાં હતાં. ટેનિસ બોલના કદના મૂત્રાશયની કિંમત રૂ. ૪૮,૦૦૦૦ આવે છે. યમન નામના આરબોના દેશમાં ખંજરના હેન્ડલ બનાવવા ગેંડાનું શીંગડું રૂ. ૭૫ લાખમાં વેચાય છે. આફ્રિકામાં કાળી ચામડીના ગેંડાની સંખ્યા ૧૯૮૦માં ૧૪,૬૪૦ની હતી ઘટીને ૩,૭૦૦ની થઈ ગઈ છે. ભારતમાં ૧,૭૦૦ જેટલા ગેંડા જીવે છે. તે બધા આસામ બાજુ છે. ગેંડાના શીંગડાની દવા રૂ. ૫૦૦૦ની એક ગ્રામ મળે છે. કોરિયામાં તેની ફર્ટિલિટી પીલ્સ એટલે કે બાળક પેદા કરવાની ફળદ્રુપતા વધારનારી ટીકડી બને છે.
હોલીવૂડનું નામકરણ
હોલીવૂડનો પ્રથમ મોશન પિક્ચર સ્ટુડિયો, નેસ્ટર કોર્પોરેશન, ૧૯૧૧માં સનસેટ બુલેવાર્ડ ખાતે એક બારમાં શરૂ કરવામાં આવ્યો હતો. એકાદ વરસની અંદર તો શહેરમાં બીજા વીસેક જેટલા સ્ટુડિયો શરૂ થઈ ગયા, જે બધા મળીને વરસે ૬૦૦ ફિલ્મો તૈયાર કરતા, અમેરિકામાં લાઇવ થિયેટરો, પેની આરકેડ્સ અને વોડેવીલેનું સ્થાન સિનેમાએ લઈ લીધા પછી ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં મોટી મહેલાતો જેવી ઇમારતો અને બંગલાઓ ડઝનોની સંખ્યામાં તોડી પાડવામાં આવ્યા હતા અને તેની જગ્યાઅ સ્ટુડિયો અને ઉદ્યોગના લોકો માટે નિવાસો બાંધવામાં આવ્યા હતા. મકાનોના વિસ્તાર માઉન્ટ લી પર વિશાળ કદનું 'હોલીવૂડ' નામ મૂકવામાં આવ્યું. જેના પ્રત્યેક અક્ષરની ઊંચાઈ પચાસ ફૂટની છે. અહીં 'હોલીવૂડલેન્ડ'માંથી લેન્ડ શબ્દ કાઢી નાખવામાં આવ્યો હતો અને માત્ર 'હોલીવૂડ' નામ રખાયું જે આજે પણ અમેરિકાનું એક મહત્ત્વનું સ્થળ છે.




