સ્પોર્ટ્સમાં હરિયાણા કેવી રીતે 'ચીન' બન્યું?

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ટેલેન્ટ ઓળખો, તેને યોગ્ય રમત આપો, નિષ્ણાત કોચ આપો, સતત સ્પર્ધામાં ઉતારો અને અંતે મેડલ સુધી પહોંચાડો…આ આખી સાંકળ હરિયાણાની તાકાત બની છે
- 29 ઓગસ્ટ
નેશનલ સ્પોર્ટ્સ ડે
આં તરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર ભારત માટે સૌથી વધુ મેડલ જીતાડનારા ખેલાડીઓ કયા રાજ્યમાંથી આવે છે? સવાલ સરળ છે, પરંતુ તેનો જવાબ ભારતના રમતગમતના ભવિષ્યની આખી તસવીર બદલી નાખે છે. આ સવાલનો જવાબ છેલ્લા દોઢ દાયકામાં વારંવાર એક જ રાજ્ય તરફ ઈશારો કરે છે…હરિયાણા.દેશની કુલ વસ્તીમાં આશરે બે ટકાનો હિસ્સો ધરાવતું હરિયાણા ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ મંચો પર ભારતા મેડલ ટેબલમાં અસાધારણ યોગદાન ેઆપે છે. હરિયાણા સરકારના તાજેતરના આંકડા પ્રમાણે ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિક્સથી ૨૦૨૬ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ સુધી આ ત્રણ મોટા મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં હરિયાણાના ખેલાડીઓએ ૭૧ ગોલ્ડ, ૫૮ સિલ્વર અને ૭૮ બ્રોન્ઝકુલ ૨૦૭ મેડલ જીત્યા છે.
આ કોઈ એક રમત, એક ખેલાડી કે એક પેઢીની સફળતા નથી. આ એક એવી વ્યવસ્થાનું પરિણામ છે, જેમાં પ્રતિભા શોધાય છે, ઘડાય છે, પરખાય છે અને પછી પોડિયમ સુધી પોંખાય છે. છેલ્લે વર્ષ ૨૦૨૪માં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક્સ તેનું તાજું ઉદાહરણ હતું. ભારતના છ મેડલમાંથી ચાર મેડલ હરિયાણાના ખેલાડીઓના હતા. જેમાં નીરજ ચોપરાના સિલ્વર, મનુ ભાકરના બે બ્રોન્ઝ અને અમન સેહરાવતના બ્રોન્ઝનો સમાવેશ થાય છે. મનુ ભાકર બે મેડલ સાથે ભારતની સૌથી મોટી વ્યક્તિગત સફળતાઓમાંની એક બની. તાજેતરમાં ૨૦૨૬ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતના ૧૩ ગોલ્ડમાંથી સાત ગોલ્ડ હરિયાણાના ખેલાડીઓએ અપાવ્યા હતા.
આંકડા અહીં અટકતા નથી, તેઓ સવાલ પૂછે છે…આખરે હરિયાણામાં એવું શું છે? શું ત્યાં દેશનાં સૌથી ભવ્ય સ્ટેડિયમ છે? શું ત્યાં દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ બજેટ છે? આ બંને સવાલનો જવાબ છે 'ના'. તો પછી હરિયાણાના ગામડાંમાંથી એક પછી એક ઓલિમ્પિયન, વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ચેમ્પિયન કેમ નીકળે છે? તેનો જવાબ કદાચ સ્ટેડિયમની ચાર દીવાલોની અંદર નહીં, પરંતુ તેની બહાર છે. હરિયાણામાં રમત અનેક વિસ્તારોમાં માત્ર રમત નથી રહીત તે જીવનશૈલી, સામાજિક પ્રતિષ્ઠા અને કારકિર્દી બની ગઈ છે. ગામડાના અખાડાથી લઈને બોક્સિંગ રિંગ સુધી, શૂટિંગ રેન્જથી લઈને એથ્લેટિક્સ ટ્રેક સુધી એક એવી ચેન છે જેમાં બાળકની પ્રતિભા વહેલી ઉંમરે ઓળખાય છે, તેને તાલીમ મળે છે, સ્પર્ધાનો અનુભવ મળે છે અને મેડલ જીત્યા પછી કારકિર્દીની સુરક્ષા પણ મળે છે.
એટલે હરિયાણાને 'ચીન' કહેવું અહીં કોઈ સત્તાવાર વર્ગીકરણ નથી. તે મેડલ બનાવતી વ્યવસ્થાની ઉપમા છે. ચીનની જેમ હરિયાણામાં પણ રમતનું મૂલ્યાંકન માત્ર ભાગીદારીથી નહીં, પરિણામથી થાય છે. 'ટેલેન્ટ ઓળખો, તેને યોગ્ય રમત આપો, નિષ્ણાત કોચ આપો, સતત સ્પર્ધામાં ઉતારો અને અંતે મેડલ સુધી પહોંચાડો…'આ આખી સાંકળ હરિયાણાની તાકાત બની છે. હરિયાણાએ એક વાત સાબિત કરી છે, 'મેડલ માટે હંમેશાં મેગા સિટી જરૂરી નથી પણ મેગા મેન્ટાલિટી જરૂરી છે.'
પરંતુ ભારતની રમતગમતની કહાણી માત્ર હરિયાણાની નથી. પંજાબનું નામ આવે એટલે ભારતીય હોકીની ગૌરવગાથા આંખ સામે તરવરે છે. જલંધરની હોકી સ્ટિક, પટિયાલાની સ્પોર્ટ્સ સંસ્કૃતિ અને પંજાબના ગામડાંના મેદાનો ભારતની રમતગમતની જૂની ઓળખનો હિસ્સો રહ્યા છે. હવે રાજ્ય આ પરંપરાને આધુનિક માળખા સાથે ફરી જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૦૨૩-૨૪ના આશરે ?૩૫૦ કરોડથી વધારી ૨૦૨૬-૨૭માં પંજાબનું સ્પોર્ટ્સ બજેટ ૧,૭૯૧ કરોડ કરવામાં આવ્યું છે. કોચની સંખ્યા ૫૦૦થી વધીને ૨,૪૫૮ અને રમત મેદાનોની સંખ્યા ૩,૧૦૦ સુધી પહોંચાડવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. ૨૦૨૩ના એશિયન ગેમ્સમાં પંજાબના ખેલાડીઓએ ૨૦ મેડલ જીત્યા હતા. પંજાબનો પાઠ એટલો જ મહત્વનો છે, 'પરંપરા જો નીતિ સાથે જોડાય તો જૂની રમતની આત્મા ફરી મેડલમાં ફેરવાઈ શકે છે.'
પછી આવે છે મહારાષ્ટ્ર. તેની તાકાત છે, 'વિસ્તાર, વૈવિધ્ય અને વિશાળ પ્રતિભા આધાર'. મુંબઈ, પુણે, નાગપુર સહિતનાં શહેરોમાં સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, યુનિવસટીઓ અને વ્યાવસાયિક રમતગમતનું મોટું નેટવર્ક છે. શૂટિંગ, બેડમિન્ટન, કુસ્તી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ સહિત અનેક રમતોમાં મહારાષ્ટ્ર સતત પ્રતિભા પૂરી પાડે છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રની કામગીરી તેનો સંકેત આપે છે. ૨૦૨૩માં રાજ્ય ૧૬૧ મેડલ અને ૫૬ ગોલ્ડ સાથે ટોચે રહ્યું હતું.પરંતુ મહારાષ્ટ્રની વિશાળતા જ તેની એક પડકાર પણ છે. અહીં પ્રતિભા ઘણી છે, પરંતુ રાજ્યના દરેક ખૂણેથી પ્રતિભાને સમાન રીતે શોધવી, તાલીમ આપવી અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવી હરિયાણા જેવા પ્રમાણમાં નાના રાજ્ય કરતાં વધુ મુશ્કેલ છે.
તમિલનાડુનો રસ્તો ફરી અલગ છે. ચેસથી લઈને એથ્લેટિક્સ, બેડમિન્ટન અને અન્ય રમતો સુધી રાજ્યએ પોતાની મજબૂત ઓળખ બનાવી છે. ૨૦૨૬-૨૭માં યુથ વેલ્ફેર અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે રૂપિયા ૧,૦૫૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શાળાના સ્તરે રમતને વધુ નિયમિત બનાવવી, દરરોજ એક કલાક રમત-કસરત જેવી પહેલો બતાવે છે કે તમિલનાડુનું ધ્યાન માત્ર આજના મેડલ પર નહીં, આવતીકાલના ખેલાડી પર છે.અને અહીં એક સુંદર સત્ય છુપાયેલું છે. મેડલનું વૃક્ષ પોડિયમ પર ઊગતું નથી, તેનું બીજ શાળાના મેદાનમાં વાવવામાં આવે છે.
કર્ણાટટકની વાત કરીએ તો બેંગાલુરુએ રાજ્યને અલગ ફાયદો આપ્યો છે. ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપનું શહેર હવે એથ્લેટિક્સ, ટેનિસ, બેડમિન્ટન માટે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.કર્ણાટકનું મોડલ કહે છે, 'સરકાર એકલું બધું કરી શકે નહીં. ખાનગી ક્ષેત્ર, ટેક્નોલોજી અને રમતવિજ્ઞાાનને પણ મેદાનમાં ઉતારવા પડે.'
અને પછી આવે છે ઓડિશા. અહીં રમતગમતની કહાણી જ અલગ રીતે લખાઈ છે. જો હરિયાણાને 'ચીન' કહેવું હોય એટલે કે મેડલ બનાવતી વ્યવસ્થા, તો ઓડિશાને 'અમેરિકા' કહેવાની ઉપમા વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈ-પરફોર્મન્સ ઈકોસિસ્ટમના અર્થમાં આપી શકાય. પરંતુ ભુવનેશ્વરનું ંકલિંગા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને રાઉરકેલાનું મુંડા હોકી સ્ટેડિયમ બતાવે છે કે ઓડિશાએ રમતને માત્ર સ્ટેડિયમ બાંધવાનું કામ માન્યું નથી.ત્યાં રમત સાથે વિવિધ સ્પોર્ટ્સ સુવિધા સાથે હાઇ પર્ફોમન્સ સેન્ટરને જોડવાનો પ્રયાસ થયો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરીને રાજ્યએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત ઉપયોગમાં રાખ્યું છે.હરિયાણા મેડલ તરફ દોડે છેત ઓડિશા મેડલ માટેનું વાતાવરણ બનાવે છે.અને હવે ગુજરાત…આપણા રાજ્યની રમતગમતની વાત અહીંથી સૌથી રસપ્રદ બની જાય છે. કારણ કે ગુજરાત પાસે હવે મહત્ત્વાકાંક્ષા પણ છે અને નાણાં પણ.
૨૦૨૬-૨૭ના બજેટમાંસ્પોર્ટ્સ માટે ૧,૩૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ રકમ માત્ર બજેટની એક લાઇન નથી. તે ગુજરાતની રમતગમતની દિશામાં આવેલા મોટા પરિવર્તનની જાહેરાત છે.અમદાવાદ હવે માત્ર ક્રિકેટનું શહેર રહેવાનું નથી. ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ર્ંઓલિમ્પિક કક્ષાની માળખાગત સુવિધાની મહત્ત્વાકાંક્ષા સાથે અમદાવાદને એક મલ્ટી-સ્પોર્ટ સિટી બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. એસવીપી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સહિત ૩૩૫ એકરમાં રમતગમતની વિશાળ સુવિધાઓ વિકસાવવાની યોજના છે.પરંતુ અહીં જ ગુજરાત સામે સૌથી મોટો સવાલ ઊભો થાય છે…શું સ્ટેડિયમ મેડલ જીતે છે? ના.મેડલ ખેલાડી જીતે છે. અને ખેલાડી માત્ર ટ્રેક, પૂલ કે સ્ટેડિયમથી બનતો નથી. તેને બાળપણથી શોધવો પડે છે. યોગ્ય કોચ આપવો પડે છે, માળખાગત સુવિધા-પ્રોત્સાહન આપવું પડે છે. સૌથી અગત્યનું તેને નિષ્ફળ થવાની છૂટ અને ફરી ઊભા થવાની વ્યવસ્થા આપવી પડે છે. અહીં ગુજરાત માટે હરિયાણા સૌથી મોટો પાઠ છે.હરિયાણાએ મેડલ પહેલાં માનસિકતા બનાવી, ઓડિશાએ મેડલ પહેલાં માળખું બનાવ્યું, મહારાષ્ટ્ર પાસે વિસ્તાર અને વિવિધતા છે, પંજાબ પાસે પરંપરા અને રમતની સંસ્કૃતિ છે, તમિલનાડુ શાળામાંથી ટેલેન્ટ પાઇપલાઇન ઊભી કરી રહ્યું છે, કર્ણાટક ટેક્નોલોજી અને ખાનગી ક્ષેત્રને રમત સાથે જોડી રહ્યું છે.અને ગુજરાત?ગુજરાત હવે આ બધામાંથી પોતાનું મોડલ બનાવવાની દોડમાં છે. આ દોડમાં ગુજરાત પાસે મોટો ફાયદો છે, તે શૂન્યથી શરૂઆત નથી કરી રહ્યું. રાજ્ય પાસે આથક શક્તિ છે, મોટા શહેરો છે, યુનિવસટીઓ છે, ખાનગી ક્ષેત્ર છે, આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની મહત્ત્વાકાંક્ષા છે અને હવે વિશાળ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થઈ રહ્યું છે. ગુજરાતના આગામી દાયકાની રમતગમતની અસલી કસોટી છે. રમતગમતની દુનિયામાં એક કડવું સત્ય છે. બજેટની જાહેરાત તાળીઓ અપાવે છે, સ્ટેડિયમની ઈમારત તસવીરો અપાવે છે, પરંતુ મેડલ જ ઈતિહાસ લખે છે. એટલે ૨૯ ઓગસ્ટનો નેશનલ સ્પોર્ટ્સ ડે ગુજરાત માટે માત્ર ઉજવણીનો દિવસ નથી. તે આત્મમંથનનો દિવસ છે. જ્યારે ૨૦૩૬ કે ૨૦૪૦ના ઓલિમ્પિક્સમાં ભારતનું નામ પોડિયમ પર બોલાશે ત્યારે એક સવાલ વધુ મહત્વનો હશે, તે પોડિયમ પર ગુજરાતનું નામ કેટલા વખત હશે? કારણ કે આખરે રમતગમતની સફળતા ઈમારતની ઊંચાઈથી નહીં, પોડિયમની ઊંચાઈથી માપાય છે.અને ગુજરાત માટે હવે અસલી દોડ શરૂ થઈ છે…'સ્ટેડિયમથી પોડિયમ સુધીની દોડ…..'




