Shatdal

ભાગ્યની ગેબી રમત ક્યાં કોઈને સમજાય છે જે હતું એ લ્યો ફરીથી હાથ લાગી જાય છે

By GS Team
11 Aug 20268 mins read
ભાગ્યની ગેબી રમત ક્યાં કોઈને સમજાય છે જે હતું એ લ્યો ફરીથી હાથ લાગી જાય છે
  • યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
  • ''એ ડોબાએ એની જાતે કન્યા પસંદ કરી લીધી. મહિના પછી ડિસેમ્બરની આઠમી તારીખે મુંબઈમાં લગ્ન કરવાનું પણ નક્કી કરી નાખ્યું છે.''

મા થે આભ તૂટી પડયું હોય એમ ઉદાસી ઓઢીને મંજુબા અને એમના પતિ વિનુભાઈ ગૂમસૂમ બેઠાં હતાં. સંધ્યા સમય થઈ ગયો હતો એટલે ગામની શેરીમાં ઝાંખા પ્રકાશવાળી સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી. સમાચાર સાંભળ્યા પછી ભૂખ-તરસ મરી પરવારી હતી, એટલે રસોઈ બનાવવાનું તો મંજુબાને ક્યાંથી સૂઝે ? પગ પાણી થઈ ગયા હતા અને હૈયામાં જાણે કોઈ શારડી ફેરવતું હોય એવી વેદનાથી એ વલોવાઈ રહ્યાં હતાં.
''મંજુબા, મેળવણ છે ?'' બાજુના ઘરમાં રહેતી સુશીલા હાથમાં વાટકી લઈને ઘરમાં આવી. આ નાના ગામમાં દરેક ઘરના બારણાં ખુલ્લાં જ રહેતાં હતાં. પચાસ વર્ષની સુશીલા ગામની પ્રાથમિક શાળાની આચાર્યા હતી. સમજદાર અને મદદગાર હોવાની સાથે એ બોલવામાં બિન્દાસ હતી. અત્યારે એ અંદર તો આવી પણ બંનેના ઊતરેલા ચહેરા જોઈને એના પગ થંભી ગયા.
''મંજુબા, શું થયું ?'' વાડકી બાજુ પર મૂકીને એ મંજુબાની પાસે બેસી ગઈ. સહાનુભૂતિપૂર્વક પૂછ્યું. ''તમે બંને આટલાં ઢીલાં કેમ છો ? કંઈક તો બોલો! થયું છે શું ?''
એને જવાબ આપવાને બદલે મંજુબાએ પતિ સામે જોયું. વિનુભાઈ ચહેરા પર પારાવાર પીડા હતી. એ છતાં, આંખના ઈશારાથી એમણે હા પાડી, એ મંજુબાએ મોેં ખોલ્યું. ''ત્રણ કલાક પહેલા ધીરીયાનો ફોન આવ્યો હતો…''
ધીરેન એટલે એ બંનેનો એક નો એક દીકરો. વિનુભાઈની અગાઉ તો આ ગામમાં જ કરિયાણાની મોટી દુકાન હતી, સાથોસાથ સિઝનમાં એ કાલા-કપાસનો પણ કારોબાર કરતા હતા. દસેક વર્ષ અગાઉ આંખની તકલીફ થઈ એ પછી એમણે દુકાન વેચી નાખીને કારોબાર સમેટી લીધો હતો અને નિવૃત્તિ ભોગવતા હતા. ધીરેન અમદાવાદ હોસ્ટેલમાં રહીને સારી રીતે ભણીને સી.એ. થયો. બે વર્ષથી એ મુંબઈમાં નોકરી કરતો હતો. દર મહિને મા-બાપને સારી એવી રકમ મોકલતો હતો.
''એ ડોબાએ એની જાતે કન્યા પસંદ કરી લીધી. મહિના પછી ડિસેમ્બરની આઠમી તારીખે મુંબઈમાં લગ્ન કરવાનું પણ નક્કી કરી નાખ્યું છે.''
'' અરે મંજુબા, આટલા સારા સમાચાર પછી તમારે તો હરખથી પેંડા વહેંચવાના હોય, એને બદલે સોગિયું મોઢું કરીને કેમ બેઠાં છો ?…'' સુશીલાએ ઉત્સાહથી કહ્યું, ''તમારો ધીરેન કાચો નથી. સો ગરણે ગાળીને પાણી પીવે એવો ચાલાક છે. એની પસંદગીમાં કોઈ કચાશ ના હોય.''
મંજુબા અને વિનુભાઈની સામે જોઈને એણે વાસ્તવિકતા સમજાવી. ''અહીં બેસીને તમે એના માટે કેવી કન્યા શોધવાના હતા ? ગામડાંની કોઈ છોકરીને તમે પસંદ કરો, એના કરતાં એણે એની મરજીથી મુંબઈમાંથી કોઈ મનગમતી મહારાણી શોધી કાઢી, એમાં ખોટું
શું છે ?''
બંનેની સામે જોઈને સુશીલા હજુ ઉત્સાહથી બોલતી હતી. ''ચિંતા ના કરો. ધીરેનને તો મેં ય નાનપણથી મોટો થતો જોયો છે. નાનો હતો ને મારા ઘેર આવે ત્યારે જો વાડીમાંથી બોર આવ્યાં હોય અને હું થાળી એની સામે મૂકું તો તો સૌથી સારાં પાકાં ટબોરાં જેવાં બોર એ કાચી સેકન્ડમાં વીણીને ઉપાડી લેતો હતો. વગર ટયુશને સી.એ.ની અઘરી પરીક્ષા પહેલી ટ્રાયલે પાસ કરે એ પંડિત પત્નીની પસંદગીમાં પાછો ના પડે., મંજુબા!
હસીને મંજુબાના ખભે હાથ મૂકીને એણે ઉમર્યું, ''તમે ને વિનુદાદા અપટુડેટ નવાં કપડાં સિવડાવીને મુંબઈ જવાની તૈયારી કરો. વરના મા-બાપ તરીકે તમારો વટ પડવો જોઈએ. અમનેય સાથે લઈ જવા પડશે. લગનનો જલસો અમેય માણશું. મારી વાત ખોટી છે ?''
પડોશી વૃદ્ધ દંપતીની પીડા હળવી કરવા માટે પોતે આટલું બોલી, એ છતાં એ બંને ઉપર કોઈ અસર કેમ નથી ? બંનેના ચહેરાની ઉદાસી હજુ અકબંધ હતી, એટલે સુશીલાને નવાઈ લાગી, પણ એ હાર માને એવી નહોતી. એણે હવે વિનુભાઈ સામે જોયું. ''વિનુદાદા, તમારા લોહી ઉપર તમને વિશ્વાસ નથી ? તમારા સંસ્કારથી ઘડાયેલો દીકરો કોઈ આલતું-ફાલતું કન્યાને પસંદ કરે ખરો ?''
એણે હળવેથી પૂછ્યું, '''ધીરેને ફોનમાં એવું તો શું કહ્યું કે તમો ભાંગી પડયાં છો?' એની પસંદગી ઉપર શ્રધ્ધા રાખો. મને તો ગળા સુધીની ખાતરી છે કે એણે તમારું ઘર દીપાવે એવી અપ્સરા પસંદ કરી હશે.. ''એ વૃધ્ધ દંપતીની મનોદશાનું અનુમાન કરીને એણે ઉમર્યું.'' ''આટલો મોટો નિર્ણય કરતાં અગાઉ એણે તમને પૂછ્યું નહીં, એ એની ભૂલ કહેવાય. એ માટે તો હું પણ એને લડીશ. એ છતાં, મોટું મન રાખીને એને માફ કરી દો. આખી જિંદગી એણે એ પાત્રની સાથે પસાર કરવાની છે એટલે બધું વિચારીને જ એણે નિર્ણય કર્યો હશે. તમારી કાળજી રાખે એવી કન્યા જ એણે પસંદ કરી હશે.''
હજુ એ બંને આઘાતમાંથી બહાર નથી આવ્યાં, એ જોઈને વર્ગમાં વિદ્યાર્થીઓને ધમકાવતી હોય એમ સુશીલાએ લગીર મોટા અવાજે પૂછ્યું. ''એણે કંઈક તો કહ્યું હશે ને ? મુંબઈમાંથી એણે કોઈ ચુડેલ કે ડાકણ તો પસંદ નથી કરીને ?''
ચુડેલથીયે ચાર ચાસણી ચડે એવી ડાકણને ડફોળ દીકરાએ પસંદ કરી છે! અમારું સત્યાનાશ વાળનાર વેરીની વંતરીને એ વરવાનો છે!… ''ઉશ્કેરાટથી ધૂ્રજતા અવાજે આટલું બોલીને નિ:સાસો નાખીને વિનુભાઈ ચૂપ થઈ ગયા. એ બોલ્યા એમાં કંઈ ટપ્પી નહોતી પડી એટલે સુશીલાએ પ્રશ્નાર્થ નજરે મંજુબા સામે જોયું.
''દસેક વર્ષ પહેલાં તારા વિનુદાદાએ કાલા-કપાસનો ધંધો સંકેલી લેવો પડયો હતો અને ધમધોકાર દુકાન પણ વેચી દેવી હતી, એ તો તને ખબર છે ને ?'' મંજુબાએ મોં ખોલ્યું. ''આંખની તકલીફ કંઈ એટલી બધી નહોતી, પણ આ બરબાદીનું સાચું કારણ વાલજી દામોદર ! એ માણસ તો યાદ છેને ? એની જોડે ભાગીદારી કરવાની મૂર્ખામી તારા દાદાએ કરેલી. ભરોસો મૂકીને ભોળાભાવે દાદાને અને તાલુકાના આઠ-દસ વેપારીઓને આવી રીતે નવડાવીને રાતોરાત ગામ છોડીને એ ભાગી ગયેલો. ગીલીન્ડર એવો કે એણે તો ક્યાંય મત્તુ માર્યું જ નહોતું. બીજાઓના ગળામાં ગાળિયો પહેરાવેલો. બેન્કનું દેવું ચૂકવા અને આબરૂ સાચવવા માટે ધંધો બંધ કરીને દુકાન વેચી પડેલી. આખી જિંદગીની બધી બચત અને મરણમૂડી જેવા મારા તમામ દાગીના સાફ થઈ ગયેલા ભગવાન ઉપર ભરોસો હતો એટલે બાંધી મુઠ્ઠી રાખીને પેટે પાટા બાંધીને ધીરીયાને ભણાવ્યો….''
એક શ્વાસે આટલું કહીને એ લગીર અટક્યાં. સુશીલા ધ્યાનથી સાંભળતી હતી.
એ વાલજી તારા દાદા કરતાં પાંચ વર્ષ મોટો. બહુ મોટી ઉંમરે એને ત્યાં એક દીકરીનો જનમ થયેલો. અહીં ભાગીને વાલજી મુંબઈ પહોંચી ગયેલો, એ હમણાં ખબર પડી. ત્યાંય એ હરામીએ કંઈક કોઠાં-કબાડાં કર્યા હશે. એની એકની એક દીકરી ધીરીયાને ગમી ગઈ ! એને એ રૂપસુંદરી જોડે જ લગ્ન કરવા છે''
સુશીલાના હાથ પોતાના હાથમાં જકડીને એમણે પૂછ્યું.''તું જ કહે અમારું ધનોતપનોત કાઢી નાખનાર એ ધૂતારાની છોકરીને ઘરમાં કઈ રીતે આવકારવી ? એ ઝેરીલા નાગરાજની દીકરી પણ નાગણ જ હોય ને ?
સુશીલા ચબરાક હતી. રસોડામાં નજર ફેરવીને એણે જોઈ લીધું કે આ ડોસા-ડોસીએ બપોરની ચા પણ હજુ પીધી નથી. ઝડપથી ઊભી થઈને એ બારણાં પાસે ગઈ. ત્યાં ઉભા રહીને જ એણે બૂમ પાડીને પોતાની દીકરીને કહ્યું,''નેહા, ફટાફટ સરસ મજાની ચા બનાવીને અમારા ત્રણેય માટે અહીં આપી જા''
''દીકરાએ કરેલી મૂર્ખામીથી ઝેર પીવાનું મન થાય છે, અને તું ચાની વાત કરે છે ? સુશીલા પાછી આવીને પાસે બેઠી એટલે મંજુબાએ એને ઠપકો આપ્યો.'' એ દુશ્મનની દીકરી ઘરમાં આવીને દાટ વાળી નાખશે. અમે ધીરીયાને ધડ દઈને ના પાડી, પણ એ જગદંબાએ એવો જાદૂ કર્યો છે કે ધીરીયો જીદે ચડયો છે. આટલાં વર્ષમાં પહેલી વાર એ અમારી સામે પડયો, એ કારસ્તાન પેલી વંતરીનું!''
ત્રણ કપ ચા લઈને નેહા આવી. મંજુબા અને વિનુભાઈને ચા આપીને સુશીલાએ એમની સામે એવી રીતે જોયું કે આજ્ઞાંકિત વિદ્યાર્થીની માફક એમણે ચા પીવી પડી.
''મંજુબા, વિનુદાદા તમારાથી ઉંમરમાં ભલે નાની છું, પણ મારી વાત ધ્યાનથી સાંભળો…'' સુશીલાએ રણકતા અવાજે સમજાવ્યું. ''વાલજીની છોકરી… એ ડામિસની દીકરી… એ એક જ ધૂનમાં તમારું મગજ અટકી ગયું છે, એટલે બીજા કોઈ દ્રષ્ટિકોણથી વિચારવાનું તમને સૂઝતું નથી. મારી વાત સમજો. બાપ ગમે તેવો બદમાશ હોય તો પણ દીકરો તો સંસારની સારપ લઈને જ અવતરે! બાપના અવગુણનો ઓછાયો દીકરીને ક્યારેય ના અડે,મંજુબા! વિનુદાદા, મારી વાત સમજો એનો દીકરો હોત અને આપણી દીકરી એના ઘરમાં આપવાની હોત તો હું ના પાડતી, પણ આપણે તો લક્ષ્મીને વધાવવાની છે, એમાં શું વાંધો છે?''
આટલી પ્રસ્તાવના બાંધ્યા પછી મૂળ મુદ્દા પર આવવા માટે સુશીલાએ શબ્દો ગોઠવીને એ બંને સામે જોયું. ''માણસ ગમે એટલાં કોઠાં-કબાડાં કરે, પણ ઉપરવાળાના ચોપડામાં તો એકે એક એન્ટ્રીની નોંધ લેવાતી હોય છે .મને જવાબ આપો. તમને ચૂનો લગાડીને વાલજી ભાગી ગયો. ધારો કે આવું ના બન્યું હોત તો એ પૈસા આજની તારીખે પણ તમારી પાસે રહ્યાં હોતને ?''
ડોસા-ડોસીએ હકારમાં માથું હલાવ્યું ''અંતે તો એ દલ્લો તમે ધીરેનને જ આપવાના હતા ને ?''
ડોસા-ડોસીએ ફરીથી હકારમાં માથું હલાવ્યું ''વિનુદાદા, વાલજી તમારાથી પાંચેક વર્ષ મોટો છે. એકવાર અમારી નિશાળના કાર્યક્રમમાં એ આવેલો ત્યારે સાવ મોળી ચા પીધેલી, ત્યારે ખબર પડેલી કે એને જોરદાર ડાયાબિટિસ છે. એ ડામિસે આખી જિંદગી ચિટિંગ કરીને કરોડોનો દલ્લો ભેગો કર્યો હશે. હવે મને જવાબ આપો. એ અક્કરમી ઉપર જશે ત્યારે એક કાણિયો પૈસોય એની સાથે લઈ જવાનો છે ?''
ડોસા-ડોસીએ નકારમાં માથું ધૂણાવ્યું. ''એકની એક દીકરી છે એટલે એની બધી મિલકત દીકરી-જમાઈ સિવાય કોને મળશે ?''
પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલા એ વૃધ્ધ દંપતીને સુશીલાએ સમજાવ્યું. ''વિનુદાદા, મંજુબા, વાલજીએ ગમે તેવી ચાલાકી કરી તોય અંતે તો હરીફરીને બધુંય ધીરેનના હાથમાં જ આવવાનું છે. વાલજી વેવાઈએ આખી જિંદગી આપણા ધીરેન માટે મહેનત કરી એમ માનીને રાજી થવાનું! કોઈ ગમે તેટલી ગરબડ કરે તોય છેલ્લે તો ઠાકર ઠેકાણે રાખે છે, એ તમને હવે સમજાય છે ને ?''
એ બંનેના ચહેરા પર પથરાયેલી હળવાશ જોઈને સુશીલા ઊભી ગઈ. ''આજે ટ્રાયલ માટે નેહાએ મસ્ત મોહનથાળ બનાવ્યો છે. વાડીએથી તાજી મેથી આવી છે. મારા સમ છે, તમે હવે રસોઈ ના બનાવતા…'' એણે હસીને ઉમેર્યું. ''તમારા ધીરેને જે મીર માર્યો છે એની ખુશાલીમાં ગરમાગરમ મેથીના ગોટા અને મોહનથાળની પાર્ટી આ પડોશી તરફથી !''
(શીર્ષક પંક્તિ લેખક)