Shatdal

યુવાનોમાં હાર્ટ ઍટેકનું પ્રમાણ વધ્યું છે

By GS Team
4 Aug 20264 mins read
યુવાનોમાં હાર્ટ ઍટેકનું પ્રમાણ વધ્યું છે
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

હાર્ટ અટેક આવ્યો હોય એવા દર્દીમાં યુવાનોનું પ્રમાણ આપણે ત્યાં ૧૫ ટકા જેટલે પહોંચી રહ્યું છે, જ્યારે ફાસ્ટ લાઇફ ધરાવતા પશ્ચિમના અમુક દેશોમાં યુવાનોની સંખ્યા બેથી અઢી ટકા જેટલી જ છે. એનો મતલબ કે ભારતમાં હૃદયની બીમારી પ્રમાણમાં ઘણી વહેલી (નાની ઉંમરે) દરવાજે ટકોરા મારે છે. ઘણીવાર આપણે નાની નાની ચેતવણીને ગણકારતા નથી. પરિણામે ક્યારેક રોગ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને સામે ઊભો રહે. સાઇલન્ટ હાર્ટ ઍટેકને છાતીમાં થોડા દુખાવા કે મામૂલી ગભરામણ ગણીને આપણે ઇગ્નોર કરીઅ, પરંતુ તબીબી આંકડા કહે છે કે તબિયત બહુ બગડે ત્યારે ઍન્જિયોગ્રાફી કરાવવા આવતા ૪૦થી ૪૫ ટકા દર્દીના શરીરમાં ટ્રિપલ વેસલ બ્લોકેજ હોવાનું દેખાય છે. ટ્રિપલ વેસલ બ્લોકેજ એટલે હૃદયની ત્રણેત્રણ મુખ્ય નળીમાં અવરોધ! જેટલા વધુ અવરોધ એટલી હૃદયને વધુ તકલીફ.
ચ્યુઇંગમની શોધ કઈ રીતે થઈ?
થોમસ આદમ્સ નામનો અમેરિકન ફોટોગ્રાફર ૧૮૭૦માં રબરની ચીજો બનાવતો હતો. ત્યારે રબરના રસનો ઉપયોગ બે ચીજોને સાંધવામાં થતો હતો. રબરની તંગી પડી એટલે થોમસ આદમ્સે રબરને બદલે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતાં ગુંદરનો ઉપયોગ કરવા માંડયો. તેણે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતા ગુંદરનો લોંદો બનાવ્યો, પરંતુ રબરના રસને બદલે ગુંદરથી ફોટોગ્રાફીની ચીજોને સાંધવાનો પ્રયોગ નિષ્ફળ ગયો એટલે ગુંદરનો લોંદો તેના સ્ટુડિયોમાં પડી રહ્યો. તે પછી થોમસ આદમ્સ જ્યારે પણ કામ કરીને થાકે અને કંટાળે ત્યારે પેલા ગુંદરના લોંદામાંથી કટકો લઇને મોઢાંમાં નાખે અને ચગળ્યા કરે. એ પછી આદમ્સને વિચાર આવ્યો કે ગુંદરમાં થોડી મીઠાશ અને સુંગંધ ઉમેરી હોય તો તેને ચગળવાની ઓર મઝા આવે. થોમસ આદમ્સે ફોટોગ્રાફીનું કામ છોડીને ગુંદરના લોંદામાં ફલેવર ભેળવીને ચોસલાં બનાવવા માંડયા. તેને ઘણા મિત્રોએ ચેતવણી આપી કે આવા તરંગીવેડા ન કરે અને મૂળ ધંધો કરે. પણ ૧૮૭૨માં પહેલાં જગતની પ્રથમ ચ્યુઇંગમ બજારમાં મૂકાઈ અને અમેરિકાના ખેડૂતોને એટલી બધી ગમી ગઈ કે થોમસ આદમ્સે ૨૦ વર્ષમાં છ માળની ફેક્ટરી બનાવીને ચ્યુઇંગમ વેચવા માંડી.
ઓવરવેઇટ નહીં સૂપરસાઇઝ કહો
પતલી સોટા જેવી કાયા ધરાવવાના વળગણથી પીડાતા અને તે માટે હંમેશાં ડાયેટિંગ કરતા અમેરિકનોના દેશમાં મોટિયાઓ પણ ગાંજ્યા જાય તેવા નથી. ડાયાન ઇલિક નામથી છોકરીએ ૨૦ વર્ષથી ઉપરના અને ૨૦ સ્ટોનથી વધુ વજન ધરાવતા ઓવરવેઇટ સ્ત્રી-પુરુષો માટે ડિસ્કો-કલબ ખોલી છે. નામ પણ અવું જ રાખ્યું છે : વેલ રાઉન્ડેડ કલબ (ગોળમટોળ લોકોની કલબ). ર્હોડ આઇલેન્ડના ક્રેન્સ્ટન શહેરમાં શરૂ થયેલી આ કલબને અટલી સફળતા મળી કે બાજુના કનેક્ટિક્ટમાં બીજી ક્લબ ખોલવી પડી. જોતજાતાંમાં અમેરિકામાં તેનો ચેપ ફેલાઈ ગયો. જ્યાં ગુજરાતીઓ પણ વસે છે તે ન્યુ જર્સીમાં લાર્જ ઍન્કાઉન્ટર્સ નામનું ગ્રુપ ઊભું થયું છે તેમાં ત્રણસો જેટલી સ્ત્રીઓનું વજન ૨૦ સ્ટોનથી ૩૫ સ્ટોન સુધીનું છે. થોડા સમયમાં આ ગ્રુપ જાડી સ્ત્રીઓને કામણગારી બનાવે તેવાં ઉપવસ્ત્રોની સ્પર્ધા યોજશે. જાડી બહેનો નોર્મલ ક્લબોમાં ભાગ લઈ શકતી નથી ત્યાં પતલા માણસોની વચ્ચે તેને અવું લાગે છે કે પોતે બીજા કરતાં વધુ જગ્યા રોકે છે.
કયા આંસુ ઉમદા
કેનેડાના ટોરોન્ટો શહેરની યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ દારૂ પીનારાએ કેટલો દારૂ પીધો છે તે માપવા માટે તેના આંસુનું પૃથ:કરણ કરવાની રીત શોધી કાઢી છે. માણસ દારૂ પીએ ત્યારે તેના લોહીમાં આલ્કોહોલ આવી જાય છે. પરંતુ આંસુમાં પણ આલ્કોહોલનું પ્રમાણ દેખાઈ આવે છે. દારૂ પીનારાઓ કેટલો દારૂ પીધો છે તે માપવા કેનેડાના વિજ્ઞાનીઓ લોહીનું નહીં પણ આંસુનું પરીક્ષણ કરે છે. સ્ત્રીના આંસુ વિષે વિજ્ઞાનીઓએ બીજી પણ શોધ કરી છે. બાળક જન્મે પછી ત્રણથી પાંચ દિવસ સુધી સુવાવડી સ્ત્રીને કોઈપણ કારણ વગર આંસુ આવે છે. સ્ત્રીને કોઈ પણ જાતનું ઑપરેશન કરાય ત્યાર પછી થોડા દિવસ તેની આંખનાં આંસુ સુકાતા નથી. આનું કારણ એ છે કે એ દિવસોમાં સ્ત્રીના શરીરના હોર્મોન્સ અકદમ ઓછા થઈ જાય છે. આ આંસુ જરૂરી પણ હોય છે. ઇંગ્લેન્ડના કોર્નવોલ શહેરના એક ડૉક્ટર કહે છે કે, 'સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે સ્ત્રીએ થોડો થોડો સમય રડવું જ જોઇએ.' ગર્ભવતી થયેલી સ્ત્રી હોય ત્યારે ડૉક્ટરના કહ્યા વગર તે કોઈપણ કારણવગર રોજ એકલી એકલી આંસુ પાડી લે છે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિઅ જરૂરી પણ છે. આંસુનું પણ એક શાસ્ત્ર છે. અમેરિકાના વિજ્ઞાની કહે છે કે, 'આંસુ પાડવાથી મગજનું ટેન્શન ઓછું થાય છે અને બ્લડ પ્રેશર ઘટે છે. અમેરિકાના 'ઍમ. ઍસ.' મૅગેઝિને સર્વેક્ષણ કર્યું તો માલૂમ પડયું કે માત્ર છ ટકા સ્ત્રી એવી હતી જેણે મહિનાભરમાં આંસુ પાડયા ન હોય. સ્ત્રીઓ નિયમિત રીતે અને નિયત સમયે રડે જ છે.

સાઉદી અરેબિયામાં ઊંટડીના દૂધની ડેરી
યુરોપમાં દૂધની ડેરીમાં ગાયો જ હોય છે ત્યારે સાઉદી અરેબિયામાં ઊંટડીઓના દૂધની ડેરીઓ છે સાઉદીના સુલતાન મુજાહીમ-ડેરીમાં ગાયો કે ભેંશો નથી પણ ઊંટડીઓ જ છે. ઊંટડીનાં દૂધમાંથી માખણ પણ કઢાય છે. ગાયુના દૂધને સંસ્કૃતમાં ગવાક્ષિર, અરબીમાં લબાન-અલ-બકર, પર્શિયનમાં શિરેગાવો, અને તમિલમાં પાલુ કહે છે. ઊંટડીના દૂધને અરબીમાં ફમાલ કહે છે અને પર્શિયનમાં શતુર કહે છે. ઊંટડીનું દૂધ કબજિયાત હટાવે છે. આરબો રાત્રે ઊંટડીના દૂધમાં મધ અને ખજૂર નાખીને પીએ છે. ઊંટડીનું દૂધ રાત્રે પીવાથી કામવાસના વધે છે. ગધેડીનું દૂધ મુંબઈમાં ઘણા પારસી દમના રોગમાં દવા તરીકે વાપરે છે. આદુનો રસ ગધેડીના દૂધમાં નાંખીને પીવાથી દમ મટે છે. જિદ્દા અને મક્કાની સુપરમાર્કેટમાં પેકેટમાં ઊંટડીનું દૂધ મળે છે. પણ ગધેડીનું દૂધ તે રીતે વેચી શકાતું નથી. ગધેડીનું દૂધ અડધા કલાક પછી બગડી જાય છે. પહેલાં આરબ-બે દુઇન જાતિમાં દૂધ વેચવું તેને શરમ મનાતી હતી. હજી પણ સાઉદી અરેબિયાના ગામડાંમાં ઊંટડીનું દૂધ કયાંક મફત મળે છે. હવે તો ઊંટડીનું દૂધ આધુનિક પેકેટમાં યુરોપમાં પણ નિકાસ થાય છે.