Shatdal
જે પાપી ના હોય, એ પથ્થર ફેંકે...
By GS Team
21 Jul 20264 mins read

શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
કોઈને ધનનો નશો હોય છે, કોઈને પદનો નશો હોય છે, કોઈને રૂપનો નશો હોય છે, કોઈને જ્ઞાનનો નશો હોય છે, કોઈને પ્રસિદ્ધિનો નશો હોય છે
કોણ મદિરા સાથ રેડે મોજ અંદર ? પૂછ મા
કોણ મદિરા સાથ રેડે મોજ અંદર ? પૂછ મા
મયકદામાં કોણ છે સાકી ખરેખર ? પૂછ મા
પ્રશ્ન જ્યારે લોકને પૂછ્યો સહુનાં પાપનો,
લુપ્ત ક્યારે થઈ ગયાં બધાય પથ્થર ? પૂછ મા.
આંસુઓ લુછાય ત્યારે ત્યાં જ મળતાં હોય છે,
અન્ય ક્યાં મળતાં હશે અલ્લાહ ઇશ્વર ? પૂછ મા.
કેટલાં ખોયા ખજાના પાદરે તારા અમે,
તો'ય કાં રોતી નથી ચોધાર ભાદર ? પૂછ મા
તેં મને આપી પરંતુ મેં કદી ઓઢી નથી,
સાવ મેલી થઈ ચૂકી છે કેમ ચાદર ? પૂછ મા
જોઈ મેં જેવી હતી તેવી નથી આપી શક્યો,
આ ગઝલમાં ખૂટતાં બે ચાર અક્ષર પૂછ મા.
ચેતશે તેઓ વિરલ આહલેક તારી સાંભળી,
આપમેળે આવશે સાચા મછંદર,
પૂછ મા.
- વિરલ શુકલ
અમિતાભ બચ્ચનના શરાબી ફિલ્મનું એક ગીત યાદ આવી રહ્યું છે.
નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ…
આ પહેલા પંક્તિ અનિલ ધવનની ફિલ્મમાં ૧૯૭૨ માં ગીત રૂપે આવી ગઈ છે. મૂળ આ શેર આરિફ જલાલીનો છે.
ખુદ અપની મસ્તી હૈ જિસને મચાઈ હૈ હલચલ,
નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ
મદિરા સાથે જ્યાં સુધી મન જોડાતું નથી, શરીર જોડાતું નથી, મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રક્રિયા થતી નથી ત્યાં સુધી એ એક પ્રવાહી જ છે. જામની અંદર, પ્યાલીની અંદર મદિરા-દારૂ-મય-શરાબની સાથે એક મસ્તી પણ કોણ નાંખતું હોય છે એ પ્રત્યેક પીનાર જ જાણતું હોય છે. આ જગત આખ્ખું ય મયખાનું છે. તેમાં કોણ કોને પાય છે એ પણ એક મોટો પ્રશ્ન છે. કોઈને ધનનો નશો હોય છે, કોઈને પદનો નશો હોય છે, કોઈને રૂપનો નશો હોય છે, કોઈને જ્ઞાનનો નશો હોય છે, કોઈને પ્રસિદ્ધિનો નશો હોય છે. પણ ગઝલમાં જાણે નશો, જામ, સાકી, મયકદા આવા શબ્દો આવે છે ત્યારે એ પ્રતિક બનીને આવે છે. ઇશ્વરને માશુકા તરીકે જોવામાં આવે છે. આપણે સૌ એના આશિક છીએ. મદિરા એટલે ભક્તિ. સૂરાલય એટલે જગત. જામ એટલે શરીર. હવે આ સંદર્ભના થોડાક શેર જોઈએ. વધુ સમજાશે વધુ માણવાની મજા પડશે.
જીંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
મરીઝ સાહેબનો આ પ્રસિદ્ધ શેર જીંદગી અને આયુષ્યના સંદર્ભમાં છે. આપણે આડી-અવળી વાતોમાં જીંદગીને વેડફી નાંખવાની જરૂર નથી. શરીરરૂપી જે જામ છે એ પણ ગળી રહ્યું છે. વૃદ્ધ થઈ રહ્યું છે અને એમાયં આયુષ્યરૂપી મદિરા ઓછી છે. પ્રત્યેક ક્ષણને જીવી લેવાની હોય છે. ક્યારેક જામ અને સૂરાને સુખના સંદર્ભમાં ય જોવાયા છે.
ગમ કરો નહીં કે વીતે છે જીંદગી લિઝ્ઝત વિના,
થાવ ખુશ પીધા વિના પણ જામ ખાલી થાય છે. - બેફામ
જીંદગી સુખ વગર પૂરી થઈ રહી છે એનું દુ:ખ ના લગાડો. પીધા વગર પણ આખો જામ ખાલી થઈ રહ્યો છે એનો આનંદ મનાવો. જાણે બિલકુલ સામા છેડાની વાત. અમૃત ઘાયલના બે શેર યાદ આવે છે.
નિરંતર પાય છે કોઈ નિરંતર પીવું છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.
દારૂ પીતા પહેલા 'ચિયર્સ' કરવાનો રિવાજ છે કારણ ? દારૂને જોઈ શકાય છે, પી શકાય છે, સૂંઘી શકાય છે પણ સાંભળી શકાતો નથી. જાણે ચિસર્ય દ્વારા બે જામ ટકરાવીને સંગાથે પીનારની સાથે દારૂના રણકારને સાંભળવાની વાત છે. આપણને પ્રત્યેક ક્ષણે આ કુદરત, ઇશ્વર આપણું અસ્તિત્વ એ અમર મદિરા પીવડાવી જ રહ્યું છે પરંતુ આપણને કોઈ દેખાતું જ નથી અને ખરી વાત એ છે કે આપણને પીતા પણ નથી આવડતું. ઘાયલનો એ જ સંદર્ભમાં બીજો શેર જોઈએ.
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે જે
શરાબ નથી
બાત નિકલી હૈ બડી દૂર તલક જાયેગી… વિરલ શુકલના ગઝલ સંગ્રહ 'શબ્દ એક જ મિલા' વાંચતા-વાંચતા એક ગઝલ પાસે અટકી જવાયું અને આપણી યાત્રા ગઝલની દિશામાં આગળ વધી. મત્લાના પહેલા શેરમાં તેમણે જણાવ્યું છે કે કોણ આ મદિરાની સાથે એક મસ્તી પણ રેડી રહ્યું છે એ તમે પૂછતા નહીં કારણ કે એ મસ્તી રેડનાર સાકીની નજર હોય છે. મરીઝનો શેર યાદ આવે છે.
મરીઝ હું આ ગઝલ અર્પણ કરું છું મારા સાકીને,
કે દિલવાળા જ સમજે છે કે કોનું નામ છે સાકી.
આ સ્થૂળ અર્થની વાત નથી. સૂક્ષ્મ અર્થમાં દરેક દિલવાળા વ્યક્તિની પાસે એક સાકી હોય છે. ગઝલના બીજા શેરમાં બહુ સુંદર વાત થઈ છે. ફરી પાછું પેલું ફિલ્મી ગીત યાદ આવે. પથ્થર મારવાનો પાપી સ્ત્રી ઉપર એને જ અધિકાર છે જેણે પાપ ના કર્યું હોય જે પાપી ના હોય, કદાચ આ રોટી ફિલ્મનું ગીત છે.
જિસને પાપ ના કિયા હો જો પાપી ન હો…
અહીં એ વાત જરાક જુદી રીતે કહેવાયઈ છે. જ્યારે સૌને એમના પાપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે બધાના હાથમાં જે પથ્થર હતા એ કઈ પળે ગૂમ થઈ ગયા એ કોઈને ખબર જ ના પડી. કોઈના આંસુને લુછીએ છીએ ને ત્યારે એ પવિત્ર કાર્યમાં ઈશ્વર ઊભો હોય છે. જીંદગીની ચાદર ક્યારેય ઓઢી નહીં છતાંય કેમ મેલી થઈ ગઈ ? આવા પ્રશ્નો અને જવાબો આપણી વિરલ શુકલની બંને ગઝલો માણીએ.
યાર તમારો
એક જ વાંધો
યાર તમારો એક જ વાંધો,
લાલી કરવા લાફો ખાધો ?
પાર નહિ રે ભોંઠામણનો ?
તેર મૂકી કાં ત્રણને સાંધો ?
ઉકેલતાં ઉકલી જવાના -
અમથી અંતરગાંઠ ન બાંધો.
રડતી વખતે ક્યાં ભાગી ગ્યા ?
શ્વાસ ખૂટયા તો દ્યો છો કાંધો.
દિલ ખોલીને વાત કરી લો,
અંદર અંદર આમ ન બાધો
અન્નકૂટથી અકળાયો છે,
છે ત્રેવડ ? તો ભાજી રાંધો.
બત્રીસ કોઠે જ્ઞાન વિરલ છે,
ગઝલ બઝલ સંભળાવો સાધો.




