એ કૃપા સૌ પર કરે એવા દયાળુ દેવ છે તો ય ભોળાનાથને તો નેત્ર ત્રીજું હોય છે

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- આ સાહેબ આજના જમાનામાં મૂરખ કહેવાય એટલી હદે ભોળા છે. બાળક જેવું નિષ્પાપ હૈયું. જતું કરવાની ભાવના અને ઉદારતા એટલી ઊંચી કે એ જોઈને મારો તો જીવ બળી જાય
સાં જ પડયે બધુંય શાક ખાલી કરીને ઘેર જવાનું હોય એટલે શાકની લારીવાળાઓ શાકના ભાવ ઘટાડી નાખે એને લીધે સરસપુરની શાક માર્કેટમાં સાંજે જબરજસ્ત ભીડ રહેતી હતી. શ્રાવણ માસ હોવાથી કેળાની ચારેક લારી ઉપર વધારે ભીડ હતી. છત્રીસ વર્ષની ઉમા નીચે બેઠેલા પાથરણાવાળા પાસે ઝૂકીને ભીંડા પસંદ કરી રહી હતી એ જ વખતે એના બરડામાં હળવો ધબ્બો પડયો એટલે એણે ચમકીને ગરદન ઘૂમાવીને પાછળ જોયું.
''અરે, વિશાખા ! તું અહીં ક્યાંથી ?'' પિયરની જૂની બહેનપણીને જોઈને ઉમાનો ચહેરો આનંદથી ખીલી ઊઠયો. ઉત્સાહભેર એ વિશાખાને ભેટી પડી.
''મારા મિસ્ટરને અહીંની હાઈસ્કૂલમાં નોકરી મળી એટલે ગારિયાધાર છોડી દીધું. દસેક દિવસથી અહીં વાસણશેરીમાં રહેવા આવ્યા છીએ…'' વિશાખા ઉત્સાહથી બોલતી હતી. ''મને એટલી ખબર હતી કે તારું સાસરું પણ સરસપુરમાં જ છે, એટલે રોજ સાંજે અહીં તને શોધતી હતી.''
''આજે તો જડી ગઈને ?'' ઉમાએ હસીને કહ્યું અને એ પછી સહેજ સંકોચથી સમજાવ્યું. ''વિશુ, અત્યારે મામાજી જમવા આવવાના છે એટલે જલ્દી ઘેર જવું પડશે. કાલે શાંતિથી ઘેર આવ. આઠ વર્ષની વાતો કરવાની છે, એટલે સમય લઈને આવજે. બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધી હું સાવ નવરી
હોઉં છું.''
પરસ્પર મોબાઈલ નંબર અને સરનામાની આપ-લે કરીને બંને સખીઓ છૂટી પડી.
બીજા દિવસે બપોરે એક વાગ્યે વિશાખા ઉમાના ઘેર આવી ગઈ. ''વાઉ ! તારા ઘરમાં તો હવા-ઉજાસ ઇર્ષા આવે એવા છે. અમારું ઘર લગીર અંધારિયું છે…'' વિશાખાએ નિરીક્ષણ કરીને કહ્યું. એની વાત સાચી હતી. ઓટલો. એ પછી બેઠક જેવો રૂમ અને ત્યાંથી જ પહેલે માળ જવા માટે દાદરો. બેઠક પછી ખુલ્લો ચોક અને એમાં ડાબી બાજુ રસોડું અને બાથરૂમ. ચોક પછી આઠેક ફૂટની ઓસરી અને ત્યાં લાંબા લાંબા ત્રણ ઓરડા.
''ઉપર પણ આટલો જ એરિયા હશેને ?'' વિશાખાએ પૂછ્યું.
''ઉપર મારા જેઠ રહે છે. અમને ચોકનો લાભ મળે અને એમને ધાબાનો ફાયદો…'' ઓસરીમાં પાટ ઉપર વિશાખાને બેસાડીને ઉમાએ એની પાસે બેસીને સમજાવ્યું. ''આઠ વર્ષ અગાઉ લગ્ન કરીને અહીં આવી ત્યારે તો મારા સાસુ જીવતાં હતાં અને એક જ રસોડું હતું. પાંચ વર્ષ પહેલાં એ ગુજરી ગયાં ત્યારથી રસોડા અલગ થઈ ગયાં. જેઠ-જેઠાણી ઉપર રહે છે…'' એણે હસીને ઉમેર્યું. ''અહીં હું, મારા ભોળાનાથ અને અમારો સ્વીટુ જલસાથી રહીએ છીએ.''
''અલી, તારા વરને ભોળાનાથ કેમ કહે છે ? એમનું સાચું નામ
શું છે?''
''શ્રાવણ મહિનાના સોમવારે જ એમનો જન્મ થયેલો, એટલે મારા સસરાએ સોમનાથ નામ પાડેલું…. ઉમાએ હસીને સમજાવ્યું. પણ આ સાહેબ આજના જમાનામાં મૂરખ કહેવાય એટલી હદે ભોળા છે. બાળક જેવું નિષ્પાપ હૈયું. સામેવાળો એમનું અહિત કરતો હોય એ દેખાય તોય પેલાને માફ કરી દે. જતું કરવાની ભાવના અને ઉદારતા એટલી ઊંચી કે એ જોઈને મારો તો જીવ બળી જાય. બાકી કોઈ એબ કે વ્યસન નથી એટલે સુખેથી સંસાર ચાલે છે. ચોર્યાસી વર્ષના સસરાને લકવો થઈ ગયો છે. એ અમારી સાથે રહે છે. જેઠાણીને પૈસાનું અભિમાન છે એટલે એમને એ નથી રાખતી. પથારીવશ સસરાની સગા બાપની જેમ ચાકરી કરું છું…એણે આદરથી ઉમેર્યું. એ ભગવાનના માણસની હાજરીનો ઘરમાં જરાયે ભાર ના લાગે. કાન સરવા પણ જીભ થોથવાય છે. કંઈક કહેવું હોય તો લખીને કહે છે. બે ટાઈમ જમવા ને ત્રણ ટાઈમ ચા જોઈએ. એ સિવાય કોઈ કચકચ નહીં….
રસોડામાં ઉમા ચા બનાવતી હતી. વિશાખા એની પાસે ખુરશીમાં બેસીને સાંભળતી હતી.
મારા ભોળાનાથમાં વ્યવહારની સૂઝ ઓછી એટલે ઘસાવું પડે છે. મારા જેઠ ચાલાક અને ઉત્સાદ છે. એમની સરખામણીમાં મારા મિસ્ટર બિચારા ભોળિયા શંભુ જેવા. બધા સાથે રહેતા હતા ત્યારે ઘરમાં કંઈક ચર્ચા થતી હોય, એમાંય કોઈ એમને કંઈ પૂછે નહીં. એમની જાણે કોઈ ગણતરી જ નહીં. એમનો જ ભાવ ના પૂછાતો હોય એમાં મારી શી વિસાત ? સાસુજીનો સ્વભાવ આકરો હતો એ કબૂલ છતાં, ખોટું નહીં બોલું, એમણે ક્યારેય કોઈ વેરો-આંતરો નથી કર્યો. બંને ભાઈઓ માટે એમને એકસરખી લાગણી હતી. ભગવાને એક મહેરબાની કરી છે. જેઠને ત્યાં ત્રણ દીકરીનો વસ્તાર, દીકરો નથી… આગળ બોલતી વખતે એના અવાજમાં ગર્વ ઉમેરાયો. એ ત્રણેય બહેનોનો એકનો એક ભાઈ એટલે મારો સ્વીટુડો. સાચું નામ તો સિદ્ધાર્થ છે, પણ અમે બધા વહાલથી સ્વીટુ જ કહીએ છીએ. દેવના ચક્કર જેવો એવો રૂપાળો કે મોટો થશે ત્યારે ઋત્વિક રોશન જેવો દેખાશે. વળી અવાજમાં કડવાશ ભળી. કદાચ એને લીધે જ મારી જેઠાણી ઇર્ષાથી બળતી હશે.
તારા ભોળાનાથ અત્યારે કરે છે શું ? વિશાખાએ સાહજિકતાથી પૂછ્યું પણ એને જવાબ આપતી વખતે ઉમાએ ઉભરો ઠાલવ્યો.
એમને હું અમસ્તા ભોળાનાથ નથી કહેતી પોસ્ટ ઓફિસની સામે રોડ ઉપર અંબિકા હોટલનું મોટું બોર્ડ તરત દેખાય એવું છે. એ ધમધમતી હોટલ મારા સસરાની મહેનતનું ફળ. શાંતિભાઈ પંચાલને બદલે એ શાંતિભાઈ હોટલવાળા તરીકે જ ઓળખાતા. સાસુ ગુજરી ગયા અને સસરાને લકવો થઈ ગયો કે તરત મારા જેઠે જામી ગેયલી હોટલ ઉપર કબજો જમાવી દીધો. મારા ભોળાનાથને એમણે કહી દીધું કે તું હજું જુવાન છે. તારી રીતે ક્યાંક જગ્યા શોધીને નવો ધંધો જમાવી દે. મારા જેઠે ચાલાકી કરીને મૂંડી નાખ્યા તોય મારા મહાદેવના હૈયામાં જરાયે કડવાશ નહીં. એ તો મોટાભાઈ..મોટા ભાઈ કહીને પ્રેમથી વાતો કરે. સાચું કહું, વિશુ ! એ જોઈને મારું લોહી ઉકળી ઉઠેલું. એમને તતડાવી નાખ્યા, તોય હસીને મને એટલું જ કહે કે હાથમાંથી ઝૂંટવી જશે, પણ કપાળમાંથી કોઈ થોડું લૂંટી જવાનું છે ? ભોળાનાથ ભગવાન ! મારા વરે એ પછી તો બે-ચાર મિત્રોની મદદથી આગળના ચાર રસ્તે પાનનો ગલ્લો શરૂ કર્યો અને એ સારો ચાલ્યો એટલે માણસ રાખીને ત્યાં ચાની કીટલી પણ જમાવી દીધી. આજે ગલ્લો ને કીટલી ધૂમ ચાલે છે અને રોટલાની તકલીફ નથી પડતી.
બંને બહેનપણીઓએ બે કલાક વાતો કરી. એ પછી વિશાખાએ વિદાય લીધી.
વીસેક દિવસ પછી શાકબજારમાં ઉમા દેખાઈ એટલે વિશાખા એની પાસે ગઈ. ઉમાએ સફેદ સાડલો પહેર્યો હતો. આ મારા જેઠાણી… સાથે સફેદ સાડીમાં બીજી સ્ત્રી હતી એનો પરિચય કરાવીને ઉમાએ કહ્યું. કાલે મારા સસરા દેવલોક પામ્યા એટલે હવે પંદરેક દિવસ અમારે બધાએ સાથે રહેવાનું છે. સાંત્વના પાઠવીને વિશાખાએ થોડી વાર એમની સાથે વાતો કરી.
બીજી સવારે વિશાખા બાથરૂમમાં લપસી પગે ફ્રેકચર થયું એટલે દોઢ મહિના સુધી ઘરમાં જ રહેવું પડયું. એની સાસુ જોડે રહેતાં હતાં, એ એને અત્યારે આશીર્વાદરૂપ લાગ્યું.
ઘરમાંથી બહાર નીકળવાની ડૉક્ટરે છૂટ આપી એટલે એ જ દિવસે એ ઉમાને મળવા માટે પહોંચી ગઈ. ઉમાના ચહેરાની ચમક જોઈને એને સુખદ આશ્ચર્ય થયું. પોતાની ઈજાની રામકહાણી સંભળાવ્યા પછી એણે પૂછ્યું, અલી, કોઈ ખુશખબર છે ?
મારો ભાઈ અહીં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને તૂટી મરતો હતો…ઉમાએ જાણકારી આપી. એને નોકરી છોડાવીને અમારો ગલ્લો અને કીટલી એને ચલાવવા આપી દીધી.
તો પછી તારા મિસ્ટર ? વિશાખાએ તરત પૂછ્યું.
એ ફૂલટાઈમ અમારી અંબિકા હોટલ ચલાવે છે. ઉમાનો અવાજ ઉત્સાહથી છલકાતો હતો. બાપાનું બારમું-તેરમું પત્યું એના ત્રીજા દિવસે વકીલ અને ચાર ભાઈબંધો સાથે મારા ભોળાનાથ અંબિકા હોટલ પર પહોંચી ગયા. આડીતેડી વાત કરવાને બદલે મારા જેઠને સીધું જ કહ્યું કે મોટાભાઈ, એક મહિનાની મુદત આપું છું તમને. એ પછી મારે કબજો જોઈશે. એ પછી એકેય દિવસની મુદત નહીં વધારું એટલે ખાસ કહું છું કે એક મહિનામાં ક્યાંક બીજે સેટિંગ કરી નાખજો.. હાથમાં હતા એ દસ્તાવેજ બતાવીને મોટાભાઈને સમજાવી દીધું કે બાપાએ બુદ્ધિ વાપરીને વિલ બનાવ્યું છે. તમે અને હું જે રીતે ઉપર-નીચે રહીએ છીએ એ જ રીતે મકાન વહેંચી આપ્યું છે, એટલે એમાં તો જૈસે થે એવી જ પરિસ્થિતિ રહેશે. પણ આ હોટલમાં તમારો કોઈ હિસ્સો નથી. બાપાએ ચોખ્ખું લખી આપ્યું છે કે આખી અંબિકા હોટલની માલિકી મારા નાના દીકરા સોમનાથને આપું છું. મોટાભાઈ, બાપાની અંતિમ ઇચ્છાનો કાયદેસર અમલ કરવાની આપણી જવાબદારી છે. આમ તો અબઘડી કબજો ેલવાની મારી કાનૂની સત્તા છે, પરંતુ લોહીનો સંબંધ છે એટલે મોટાભાઈને એક મહિનાની મુદત આપવાની ફરજ છે.
હર્ષાવેશમાં એક સાથે આટલું બોલ્યા પછી ઉમાએ વિશાખા સામે જોયું.
આ બધી વાતની મને તો ખબર જ નહોતી. હોટલનો કબજો લીધો અને નવેસરથી રંગરોગાન કરાવીને ઉદ્ઘાટન કરવાનું હતું એ દિવસે મને ત્યાં લઈ ગયા ત્યારે એમના આ પરાક્રમની મને ખબર પડી ! હું તો દંગ રહી ગઈ ! ધડ દઈને પૂછ્યું કે હે મારા મહાદેવ ! મિલકતના મુદ્દે આવો મારફાડ મિજાજ ક્યાંથી લાવ્યા ?
વિશાખાના હાથ પોતાના હાથમાં જકડીને એ ઉત્સાહથી બોલતી હતી. એમણે મને કહ્યું કે મોટાએ લુચ્ચાઈ કરીને મને હોટલમાંથી કાઢી મૂકેલો, એ ડંખ તો હૈયામાં ચચરતો હતો. મારી દશા જોઈને બાપા દુઃખી હતા. મોટા સામે મોંઢામોંઢ લડવાની એમની ઇચ્છા કે શક્તિ નહોતી. હુંય વેદનાથી વલોવાઈ રહ્યો હતો, એ છતાં મારી દશા પણ બાપા જેવી જ હતી. છેલ્લે ના રહેવાયું ત્યારે મેં પૂછ્યું કે બાપા, હોટલમાં મારો કોઈ હિસ્સો નહીં ? આંખમાં ઝળઝળિયાં સાથે એ મારી સામે તાકી રહ્યા. એ પછી એમણે કાગળમાં લખ્યું કે મોટાની લુચ્ચાઈ પછી તારી દશા જોઈને મનેય પીડા થાય છે એ છતાં, તમારા બે ભાઈ વચ્ચે વિખવાદ થાય એ જીવતેજીવ મારાથી નહીં જીરવાય. એ છતાં મેં વિચારી લીધું છે. તું કોઈ સારા વકીલને પકડી લાવ. મારે જે લખવું છે એ હું લખી આપીશ. સાંભળ, મારી આંખ મિંચાય એ પછી આખી હોટલ તારી !''
લગીર અટકીને ઉમાએ ઊંડો શ્વાસ લીધો. ભોળાનાથનો સ્વભાવ દિલદાર એટલે પાનના ગલ્લે રોજ આવતા એક વકીલ એમના ભાઈબંધ થઈ ગયેલા. એમને વાત કરી એટલે એ સાહેબ સ્ટેમ્પપેપર લઈને આવી ગયા. એ બોલતા ગયા એ પ્રમાણે બાપાએ લખાણ કરી આપ્યું. સાક્ષી, સહી-સિક્કાની પળોજણ પૂરી કરીને એમણે પાકા પાયે કામ પતાવી આપ્યું. બાપાના મૃત્યુ પછી જ એનો ઉપયોગ કરવાનો હતો એટલે ભોળાનાથે એ પેપર્સ સંતાડી રાખેલા.
ઉમાડી, તારા ભોળાનાથે તો ભારે કરી ! વિશાખાએ ખુશખુશાલ થઈને ઉમાના બરડામાં ધબ્બો માર્યો. હસીને બોલી ભૂલભૂલામણીવાળી ભોળાનાથની ભેદી ભભૂતીનો ચમત્કાર !
ઉમા પણ હસી પડી, મેં ય એમને આવું કંઈક કહેલું ત્યારે મારા માથે ટપલી મારીને એ હસી પડેલા. ઉમાએ ખુલાસો કર્યો. પછી મારો કાન પકડીને સમજાવ્યું કે ભોળાનાથ…ભોળાનાથ કહીને તું મારી મજાક કરતી હતી પણ એક વાત તારા મગજમાંથી વિસરાઈ ગયેલી…શંકરદાદાના કપાળમાં એક ત્રીજું નેત્ર પણ હોય છે, એ તું ભૂલી ગયેલી, ડોબી ! અંતિમ ઉપાય તરીકે એકાદ યુગ પછી ભોળાનાથ એ ત્રીજી આંખ ઉઘાડે ત્યારે બધું ભસ્મીભૂત કરીને ભુક્કા કાઢી નાખે !
ઉમા ઉત્સાહથી બોલતી હતી અને વિશાખા રાજી થઈને સાંભળથી હતી.
(શીર્ષક પંક્તિ : લેખક)




