Shatdal

પંપા તીરે હમ્પી કરે રક્ષણ સ્થાપત્યોનાં

By GS Team
11 Aug 20265 mins read
પંપા તીરે હમ્પી કરે રક્ષણ સ્થાપત્યોનાં
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

'હમ્પી'નામ 'પંપા' (તુંગભદ્રાનદી) ઉપરથી ઉતરી આવ્યું
દક્ષિણ ભારતના કર્ણાટક રાજયમાં પ્રાચીન-મધ્યકાલીન સ્થાપત્યોની વિશાળ શ્રેણીના પ્રદેશો- બદામી આઈહોલ અને પટ્ટદકલ પછી વારો છે. 'હમ્પી'નો ત્રણ શતાબ્દીઓથી ભુલાઈ ગયેલું, ત્યજાઈ ગયેલું આ શહેર અદ્વિતીય છે. જેને યુનેસ્કોએ 'હેરિટેજ'ની કક્ષામાં મૂક્યું છે. હોયસીલા અને વિજયનગર રાજવંશ દરમ્યાન એનો દરજ્જો અવ્વલ નંબરનો હતો. ૧૩૩૬માં એને રાજધાની તરીકેની ઓળખ મળેલી. પરંતુ એ નગર તો અગાઉના કલ્યાણ, ચાલુક્ય અને હોયસાલા રાજવંશોના સમયથી સ્થાપત્ય-ખાસ કરીને મંદિર કળા માટે પ્રસિદ્ધ હતું જ. બલ્કે એ તો વિપુલ સ્મારક રાશિના ખજાના તરીકે પંકાયેલું. વિજયનગરના શાસન દરમ્યાન એને પુન : ઓળખ મળી અને ધાર્મિક, ધર્મનિરપેક્ષ અને તથા લશ્કરી સ્થાપત્યો ફરીથી પ્રકાશમાં આવ્યા. દંડકારણ્યમાં પંપા સરોવર સંદર્ભે પણ કન્નડભાષી લોકોએ પંપાનું હમ્પા અને હમ્પાનું હમ્પી કરી નાખ્યું. બ્રહ્માની દીકરી પંપા શુધ્ધતા, સમર્પણ અને પ્રવાહીરૂપ હોવાને કારણે પણ પંકાઈ ગયેલી. તેમાં ઉમેરાયા સ્થાપત્યો- વિવિધ શૈલીનાં મંદિરો રૂપે અને કળાને પ્રોત્સાહન આપી પાંખમાં લેનારા, આશ્ચયદાતા રાજાઓએ નિત નવા પ્રકલ્પો થકી દક્ષિણ ભારતને મંદિર સ્થાપત્ય ક્ષેત્રે ઊંચા આસને મૂકી આપું. આપ્યું વિજયનગર રાજવંશને પ્રાચીન સ્થાપત્યનો મળેલો તૈયાર દલ્લો ફળ્યો. અલબત્ત એમાં એ રાજાઓએ એ વારસાનું જતન કર્યું અને સ્થાપત્યોને નૂતન જીવન પ્રાપ્ત થયું. તેને નવાં સ્વરૂપો અને વાઘા મળ્યા. એ સમૃદ્ધિને રાજાઓએ વધુ સમૃધ્ધ બનાવી નવા રંગરૂપજાળમાં એને ઝબોળી. પ્રાચીન સમયનાં ભીંતચિત્રો અને છતચિત્રો આજેય થોડાં કળાય છે તેનો શ્રેય વિજયનગરના રાજવંશને જાય છે.
હમ્પીના ભગ્નાવશેષો આળસ મરડીને ઉભા થયા
વિજયનગર રાજવંશના રાજનૈતિક દૃષ્ટિકોણ મુજબ એના રાજાઓએ પ્રાચીન મંદિરોને જીવાડયાં, નવાં સ્થાપત્યોને લઈને એમણે કલાવિશ્વમાં નામ નોંધાવ્યું. જગ જાહેરવાત એ છે કે તેરમી-ચૌદમી સદીથી એમણે કળાક્ષેત્રે ધ્યાનાકર્ષક પ્રયોગો-પ્રકલ્પો હાથ ધર્યા. પછી તો આ નવા નગરે ચૌદિશથી આવેલ માનવમહેરામણ ઉભરાવા લાગ્યા. વિજેતા કહેવાતા હમ્પીના ઉગતા સિતારે સાત કિલ્લાઓની સજ્જડ દીવાલો થકી એને સુરક્ષા પ્રાપ્ત થઈ. સાંપ્રત સમયે જે નવાં સ્થાપત્યો બન્યાં, નવાં સાહિત્ય સર્જન થયાં એણે હમ્પીની જતી જાહોજલાલીને જાણે કે પાછીવાળી એનામાં પ્રગતિનો પવન ભરાયો. રાજાઓ, મહારાજનો અને આમ જનતાએ પણ ઉત્ખનનમાં રસ લીધો અને હમ્પીનો વૈભવ સજીવન થયો. સાક્ષર પ્રવાસીઓએ આ શહેરના ઇતિહાસને પુન:જિવિત કરી, એના નવા-જૂના ઇતિહાસને નવેસરથી શબ્દે મઢ્યો અને એનાં ચિત્રો, રેખાંકનો તથા તસવીરોને રસિકોને ચરણે ધર્યા. સંશોધકોએ અનેક મંથનો પશ્ચાત્ તાજગીભર્યા નવનીત થકી ઉત્સુકોને સંતુષ્ટ અને પ્રફુલ્લિત કરી મૂક્યાં. લેખકો જહોન એમ ફ્રિટઝ અને જ્યોર્જ મિશેલે તો હમ્પીની ઝીણી ઝીણી કલાત્મક હકીકતોનો કેવો રસથાળ પીરસ્યો ! વળી અમદાવાદના આર્કિટેકટ શ્રી સ્નેહલ શાહે સ્થાપત્ય અને કળાનો ગુલાલ ઉડાડવા સારુ ઉપરોક્ત લેખકોએ લખેલા પુસ્તકોનો સદુપયોગ કરવા એને પોતાના અંગત સંગ્રહમાં સ્થાન આપ્યું. ખરે જ આમ જ્ઞાન અને આનંદની અનુભૂતિ થતી રહે તો બહોળા જનસમાજને એનો લ્હાવો મળે ! કર્ણાટકના જિલ્લા વિજયનગરમાં કૃષ્ણદેવરાયા નામના દૂરદેશી અને આદિ અનેક કળાઓને પ્રોત્સાહન આપ્યું અને પછી તો એ સિલસિલો બરકરાર રહ્યો. અહીના અનેરા મંદિર વિજયવિઠ્ઠલ મંદિરનો સમાવેશ વિશ્વના બહુમૂલ્ય મંદિરોની હરોળમાં થાય છે.
સખત પાષાણમાંથી સ્ફૂટ થાય કોમળ સૂરાવલિ
૧૫૫૪ની સાલમાં મૂળ મંદિર સાથે નવાં મંડપો એવી રીતે જોડાયા કે જાણે એ આદિથી સાથે જ હતા. સભામંડપ, રંગમંડપ સાથે કલ્યાણ મંડપમ (લગ્ન મંડપ) અને ઉત્સવમંડપ જોડાયા. એનાં અલંકૃત, સ્તંભો મહામંડપ (મુખ્ય મંડપ)ને વાચા આપે છે. તે મંદિરના પ્રાંગણમાં છે. તેમાં યોધ્ધાઓ, ઘોડા, હરી અન્ય અન્ય લલિતકળાઓના બુદ્ધા, સ્થાપત્ય ઉપર શોભે છે. મોઘેરા આભૂષણોની જેમ ! મુખ્ય દ્વારે તો બે હાથી ઝૂલતા દેખાય. સ્વાગત કરતા હોય એમ ! અંદરના ચાલીસ સ્તંભો છતની સાથે જોડાઇ શ્રેણી બનાવે છે. દરેક સ્તંભ દસ ફૂટના છે. આજ મંડપમાં વચ્ચોવચ્ચ સોળ અત્યંત કલાત્મક નકશીવાળા સ્તંભો છે. તેની ઉપર નરસિંહ અને વ્યાલ બિરાજ્યા છે. આ લંબચોરસ ખંડની છત ઉપર સમૃદ્ધ ડિઝાઈન જોવા મળે, તો અલંકૃતસ્તંભો પોતાના લાસ્ય સભર અંકનને લીધે આ વિશાળ ભવ્ય સ્મારકને અતિરિકત સૌંદર્ય બક્ષે છે. આગળ રથ પર વિષ્ણુવાહન ગરૂડનું શિલ્પ ગર્ભગૃહ તરફ જવા પ્રેરે. રંગમંડપમાં ૫૬ સાંગીતિક સ્તંભો છે. જેને સારેગામા સ્તંભો કહેવાય છે. એમાંથી એક સમયે સંગીતના સૂરો વહેતા જેને હવે સ્પર્શ કરવાના પ્રતિબંધો છે. સંગીત વાદ્યો પ્રમાણે મુખ્ય સ્તંભોની રચના કરાઈ હતી. દરેક મુખ્ય સ્તંભ સાત નાના સ્તંભોથી ઘેરાયેલો છે. જેમાંથી અલગ અલગ સૂરાવલિઓ પ્રગટે તાલવાદ્ય, સ્વરવાદ્ય (તારવાદ્ય) અને ફૂકવાધ પ્રમાણેએ શ્રોતાઓને ડોલાવે..અને હા ! પ્રત્યેક મોનોલિથિક (એક શિલા) સ્તંભ પડઘો પાડી શકતો અને સંગીતની નોટ્સ ને જીવંત કરતો ! આ આશ્ચર્યજનક વાદ્યોથી પ્રેરાઈ એનું રહસ્ય પામવા અનેક લોકોમાંથી કોઈ સફળ થયું નથી. આ પરિસરમાંથી કોને નીકળવું ગમે !
લસરકો
દંડકારણ્યના દારૂણ વનને સુગ્રથિત ઉપવનમાં ફેરવી નાખ્યું છે વિજયનગરનાં સ્થાપત્યોએ.

ખાસ દક્ષિણ ભારતીય દ્રવિડ શૈલીનાં વિશાળ સ્થાપત્યો
પ્રાચીન વિઠ્ઠલ મંદિરના ભૌતિક દેહસૌંદર્યમાં રાજા કૃષ્ણદેવરાયે મહત્તમ સુધારા-વધારા કરી તેનું મહત્ત્વ વધારી દીધું હતું. વિશાળ મહામંડપ મુખ્ય પવિત્ર સ્થળની શોભામાં અને તેની કળા સંદર્ભે છલકાતી ગરિમામાં ઉમેરો કરે છે. આ રાજાનો નામોલ્લેખ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમના પદોમાં પણ થયેલ છે. વૈવિધ્યપૂર્ણ વિધિ-વિધન અને ઉત્સવો દરમ્યાન ગર્ભગૃહમાં બિરાજમાન મુખ્ય દેવ-વિઠ્ઠલનાં પણ માન-પાન-સ્થાન -શાન વધી જાય છે. આ સ્થળની નુકશી-કોતરણીનાં અદભુત મંડાણ પૂર્વે થયેલા સર્જન સાથે જોડાઈને અનેરી આભા ઊભી કરે છે. આસપાસ બે દેવીઓનાં સ્થાન કલ્યાણ મંડપ અને રંગમંડપ સાથે એકરૂપ થતાં ભાસે છે. મંદિરના મૂળ સ્થાપત્યની આગળ રથ સ્વરૂપે ગરૂડવાહન મંડપ વિષ્ણુના દશાવતારમાંના એક કૃષ્ણની ગાથા કરે છે. ચારે પૈડાં અસાધારણ નકશીઓથી રૂપાળાં, વેગીલાં અને જોરદાર લાગે ! આગલાં બે પૈડાં તો એક સમયે ચક્રની જેમ આવર્તન પણ કરતાં. ઊંચા દ્વાર (પ્રકાર) ત્રણ બાજુએ વિશાળ રાયાગોપુરમ સહ દેખાય. વિઠ્ઠલમંદિરનું આ અજબગજબનું સ્થાપત્ય અન્ય ભારતીય બે મંદિરોની યાદ અપાવે છે. ઓડીશાના સૂર્યમંદિરની સંરચનામાં પણ ચક્ર (પૈડાં) અને સૂર્યના રથ તથા તેના કિરણોનું મહાત્મ્ય દર્શાવાયું છે. ચૈન્નાઈનાં દરિયાકિનારે મામલ્લાપુરમ (મહાબલિપુરમ્) શ્યામલ પાખાણનાં રથાકાર મંદિરોનાં શિલ્પ સમાન સ્થાપત્યો ધરાવે છે. ત્રણે શ્રી સ્થળો કળાની ચરમ સીમા વટાવી ગયા હોય એવું લાગે. અરે ! ભારત સરકારે તો હમ્પીના પ્રસ્તુત મંદિરને રૂપિયા ૫૦ની નોટ ઉપર છાપી તેને ભારતના ઘરે ઘરે પહોંચતું કરી તેને સન્માન બક્ષ્યું છે. હમ્પીની અપવાદરૂપ હસ્તકળા આશ્ચર્યકારક છે. બેનમૂન છે જેની વાર્તા કહે છે તેના પથ્થરના સ્થાપત્યો. પંદરમી સદીમાં સર્જાયેલ આ કૌતુક-આ વિસ્મય આજ સુધી જીવંત ભાસે છે.