Shatdal

સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનોં સબકો સલામ

By GS Team
11 Aug 20263 mins read
સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનોં સબકો સલામ
  • ગેસ્ટ પોસ્ટ
  • સૌમ્ય જોશી - જિજ્ઞા વ્યાસ

'સ લામ, સબકો સલામ!'- મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની આ માતબર કૃતિ છે. સુરેશ દલાલે તેનો ગુજરાતીમાં સુંદર ભાવાનુવાદ કર્યો છે. આવી યાદગાર કૃતિને જ્યારે ઔર એક ઉત્તમ કવિનો સ્પર્શ મળે, અને એ કવિ પાછા પ્રથમકક્ષ રંગકર્મી પણ હોય, ત્યારે જાદુ સર્જાયા વગર ન રહે. વાત થઈ રહી છે સૌમ્ય જોશી અને જાનદાર અભિનેત્રી જિજ્ઞા વ્યાસના બળકટ પઠનની. 'જમાવટ'ના પ્લેટફોર્મ પર એમણે દેવાંશી જોશીને સંયુક્ત મુલાકાત તો આપી જ, સાથે સાથે 'સલામ, સબકો સલામ' કવિતાની નાટયત્મક રજૂઆત પણ કરી, જેની અલગ રીલ બની ને તે ખૂબ વાઇરલ થઈ. મુક્તપણે વહેતી આ કવિતાનું બંધારણ જ એવું છે કે તે એકાધિક વર્ઝનની શક્યતાઓ ઊઘાડી આપે. આ સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસનું વર્ઝન છે. તો પ્રસ્તુત છે…
સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ
જેના હાથમાં દંડો એને સલામ
લાતના ભઈથી ડાબો હાથ
કુલા પર રાખીને જમણા હાથે સલામ
સલામ પ્યારે ભાઈઓ ઐર બહેનો સબકો સલામ
ડોળા કાઢેલી દરેક આંખને સલામ
સિંદૂર થાપેલા પથ્થરને સલામ
લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ
દેવળના દેવની ધાકને સલામ
દેવ અને ધર્મનો કોન્ટ્રેક્ટ લેનારને સલામ
ખાલી હાથમાંથી વીંટી કાઢનાર ભુવાને સલામ
હવામાંથી વીટી કાઢનાર મોટા ભુવાને સલામ
શનિને સલામ, મંગળને સલામ
ભીતિના પ્રત્યેક કોન્ટ્રેક્ટરને સલામ
સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ
મા પર જિંદગીભર ઘુરકતા બાપને સલામ
બાપ પર ઘુરકતા સાહેબને સલામ
સાહેબ પર ઘુરકતા મોટા સાહેબને સલામ
સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ
નાકા પરના દાદાને સલામ
દારૂની ભઠ્ઠીવાળાને સલામ
સ્મગલરને સલામ, મટકાવાળાને સલામ
લોકશાહીને સલામ, ઠોકશાહીને સલામ
દરને સલામ, દરના ઉંદરને સલામ
ઘરના વાંદાને સલામ
દરારવાળી ભીંતોને સલામ
ને કંતાયેલી પત્નીને સલામ
અમારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશને સલામ
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ સુ-પરંપરાઓને સલામ
જાતિભેદના ઉકરડાને સલામ
એ ઉકરડામાંથી સત્તાનો પાક મારનારને સલામ
ચૂંટણીને સલામ ચૂંટણી ફંડને સલામ
અદૃશ્ય મુક્કાને સલામ
મતના આંધળા સિક્કાને સલામ
સલામ સલામ સલામ
સલામ સલામ પ્યારે ભાઈઓ બહેનો સબકો સલામ
…અને આ સલામોની ના ઓળંગી શકાતી ભીંતને સલામ
ભીત મારી આસપાસ
ભીત તારી આસપાસ
ભીંતામિ ભીંતાવ: ભીંતામ:
ભીંત ભીંત આસપાસ
ભીત ભીતિની
ભીતને કાન હોય છે
એટલે પ્રત્યેક ભીંતને ભીતિ
પ્રત્યેક ભીંતની
નાની નાની ભીંતોની પ્રચંડ ભીંત
અદૃશ્ય પૂરી દેનારી
ભીંત સામે ઊભા રહો
જીભ કાપી ઊભા રહો
કાન મારી ઊભા રહો
આંખ બંધ કરી ઊભા રહો
નીચે ઊભા રહો.
કોઈ ખોવાઈ ગયું.
-કોણ?
ખબર જ ના પડી.
ચારેકની વાચા ગઈ.
-કોની?
ખબર જ ના પડી.
ત્રણેકની આંખ ગઈ.
-કોની?
ખબર જ ના પડી.
એક સાથે બોલો ભાઈ…
સર્વ ભીંતો સર્વના
સર્વના કલ્યાણ માટે
એક બોલ્યો નહી.
એ દેખાતો બંધ થયો
-કોને?
ખબર જ ના પડી
ભીંતની ટેવ પડશે, ટેવની ભીત થશે
ભીંતને શિસ્ત જોઈએ, શિસ્તને ભીત જોઈએ
એક દો તીન ચાર
ભીંતવાળાનું ભેજું હોશિયાર
જય બોલો ભાઈ જય બોલો…
આ ભીંતોની જય બોલો
ભીંતને સલામ
ભીંત પર બાંધેલા જાળાને સલામ
એ જાળામાં ફસાયેલા તમને અને અમને સલામ
એ જાળા જેના હાથમાં છે એ સત્તા સંપત્તિના માઈ-બાપોને સલામ
કારણ કે સત્તા સંપત્તિના હલકાઓનો દેશ કહું
તો રસ્તા પર રોકશે
હલકટ લાચારોનો દેશ કહું
તો નોકરી પરથી કાઢશે.
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું
તો રસ્તા પર ઝૂડશે.
એટલે સૌથી પહેલા તો
મારા નપુંસકત્વને સલામ
પછી ઠોકી શકનાર પ્રત્યેક હાટને સલામ
અને એ પછી અલબત જ આ મારા સુ-ઉદાત્ત સુમંગળ દેશને સલામ
આ દેશની મહાન પરંપરાઓને
સલામ સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનો
સબકો સલામ
અનેક હાથ હોત ને તો અનેક હાથે કરી હોત સલામ
લેકિન માફ કરના ભાઈઓ ઔર બહેનો
હાથ તો ખાલી બે જ
…ને એમાં ડાબો તો લાતના ભયથી રાખ્યો છે કુલા પર
એટલે ફક્ત જમણા હાથે સલામ
સલામ પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ