ગોરી ચલો ના હંસ કી ચાલ

- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'પેલો વિપુલ રોજ મારી પાછળ પાછળ આવે છે અને સીટીમાં ગંદા ગંદા ગાયનો વગાડીને મને હેરાન કરે છે !'
'લાગે છે તો એ જ…'
સૂર્યોદય સહકારી બેન્કના મેનેજર વિપુલ ત્રિપાઠીની નજર એક લોનની અરજી ઉપર પડી, ત્યારે નામ જોઈને જ એમની આંખ ચમકી હતી.
'રજનીબાળા પુરોહિત ? ક્યાંક એ જ તો નહીં હોય ?' કેમકે આજથી ૩૦ વરસ પહેલાં પણ છોકરીઓનાં આવાં જુનવાણી નામો કોઈ પાડતું નહોતું.
વિપુલ ત્રિપાઠીએ લોનની અરજી સાથે જોડેલાં પેપર્સ જોયાં. એમાં આધારકાર્ડનો ફોટો તો આમ પણ ઓળખાય તેવો નહોતો. પણ ઓળખના પુરાવા તરીકે જેવું સ્કૂલ લિવીંગ સર્ટિફીકેટ જોયું કે તરત મનમાં ઝબકારો થયો:
'આ તો એ જ ! કપડવંજની 'ન્યુ આદર્શ, વિદ્યામંદિર' વાળી છોકરી ! બે લાંબા ચોટલા… એ પણ છેડેથી વાળીને ઉપરના ભાગે સ્કૂલ ડ્રેસની ભૂરી રિબીન વડે બાંધેલા…કપાળમાં ઝીણો ચાંલ્લો….અને પગમાં પાતળી સેરની ઝાંઝર…!'
વિપુલ ત્રિપાઠીની નજર સમક્ષ સ્કૂલના એ દિવસો તરવરી ઊઠયા. રજનીબાળા અને પોતે એક જ સ્કૂલમાં ભણતા હતા. એક જ ગલીમાંથી નીકળીને નાની બજાર વટાવ્યા પછી પેલા ખુલ્લા મેદાનમાંથી સ્કૂલે જવાનો શોર્ટ-કટ પકડતા હતા…
'શું એ મને આજે પણ ઓળખી શકે ?' વિપુલ ત્રિપાઠીને એક વિચાર આવતાં તેમણે પટાવાળા માટે બેલ વગાડી. પટાવાળો આવ્યો.
'જરા જુઓને, આ લોનની અરજી આપનારાં બહેન હજી બેન્કમાં બેઠાં છે કે ગયાં?'
'જી બેઠાં છે ને ! કેબિનની બહાર જ બેસાડયાં છે.'
વિપુલ ત્રિપાઠીએ લેપ-ટોપમાં કંઈ હિસાબ જોવાનો ડોળ કરતાં સીસીટીવી કેમેરાનો સોર્સ ઓપન કર્યો. એ ત્યાં જ બેઠી હતી….. શરીર પણ એવું જ છે, એકવડીયું, અને વાળ પણ લાંબા રહ્યા છે, હજી.
'એ મને ઓળખશે ખરી ?' વિપુલ ત્રિપાઠીને ફરી વિચાર આવ્યો. જોકે ૩૦ વરસમાં ત્રિપાઠી સાહેબના માથે ટાલ પડી ચૂકી હતી, જાડા આઠ નંબરના ચશ્મા આવી ગયા હતા અને ફાંદ પણ બહાર આવી ચૂકી હતી. ઉપરથી જાડી મૂછ તો ખરી જ….
છતાં રહેવાયું નહીં એટલે ત્રિપાઠી ખુરશી પરથી ઊભા થયા. હાથમાં લોન માટેની અરજી રાખીને બહાર નીકળ્યા. બેન્ચ પર બેઠેલી રજનીબાળાને પુરેપુરી નિહાળી લીધા પછી પૂછ્યું :
'આ રજનીબાળા પુરોહિત, તમે છો ને ?'
'હાજી' એ ઊભી થવા જતી હતી.
વિપુલ ત્રિપાઠીએ હાથના ઈશારે એને બેસાડી દેતાં કહ્યું 'હમણાં બિઝી છું, પછી બોલાવું છું.'
'જી સાહેબ…'
પાછા કેબિનમાં આવીને બેઠા પછી ત્રિપાઠીને ખાતરી થઈ ગઈ કે રજનીબાળા એમને ઓળખી શક્યાં જ નથી. હળવેથી ટેબલ પર મુઠ્ઠી પછાડતાં એ બબડયા : 'અબ આયા હૈ ઊંટ પહાડ કે નીચે…'
મતલબ કે હવે બે વાત કન્ફર્મ થઈ ગઈ એક તો એ કે સરનેમ હજી 'પુરોહિત' છે, એટલે મોટે ભાગે મેરેજ તો નથી થયાં. અને બીજી વાત એ કે આ ઘરના રિપેરિંગ માટેની ચાર લાખની લોન પાસ કરવી કે ના કરવી તે મારા હાથમાં છે….'
વિપુલ ત્રિપાઠીને સ્કૂલના દિવસો યાદ આવી ગયા, કપડવંજની એ ગલીમાંથી જ્યારે પોતે સ્કૂલે જવા નીકળતો ત્યારે રોજ એનાથી દસ પંદર ડગલાં આગળ આ રજનીબાળા જતી હોય.
ગલીમાંથી નીકળીને નાના બજારમાં, અને નાના બજાર પછી જે ખુલ્લું મેદાન આવે એમાં પણ એ આગળ જ હોય. તે વખતે વિપુલના મનમાં આ બે ચોટલાવાળી માટે કંઈ કહેતાં કંઈ ફિલીંગ તો શું, પરવા પણ નહોતી.
ઉલ્ટું, વિપુલ પોતાની મસ્તીમાં જ રહેતો. ક્યારેક ભમરડો ઉછળતાં ઉછળતાં, તો ક્યારેક ખિસ્સામાંથી રબરનો બોલ કાઢીને મેદાનમાં ટપ્પીઓ પાડતાં પાડતાં તે સીટી વડે ફિલ્મી ગાયનો વગાડવામાં મસ્ત રહેતો હતો.
એમાંય, વિપુલનાં ફેવરીટ બે ગાયનો હતાં. એક તો 'રૂક જા ઓ જાનેવાલી રૂક જા… અને બીજું ગોરી ચલો ના હંસ કી ચાલ, જમાના દુશ્મન હૈ….' આ બન્નેમાં વચ્ચે જે મ્યુઝિક આવે, 'રૂક જા' પછી પેલું 'ટયાંઉ ટયાંઉ ટયાઉં…' અને 'દુશ્મન હૈ…' પછી 'ટેણેંણેં…ણેં….' એને વિપુલ બહુ મસ્ત રીતે સીટીમાં વગાડતો હતો.
પણ એમાં જ મોટી ઉપાધી થયેલી.
એક દિવસ વિપુલને પ્રિન્સિપાલ સાહેબે કેબિનમાં બોલાવીને બે લાફા મારીને ખખડાવી નાંખેલો 'હરામખોર ? છોકરીની પાછળ પાછળ જઈને એની છેડતી કરતાં શરમ નથી આવતી ? તારા બાપુજીને ફરિયાદ કરવી પડશે !'
વિપુલ તો ડઘાઈ ગયેલો ! છેડતી ? મેં કરી ? કોની કરી ? ક્યારે કરી ?
હકીકતમાં આ જ લાંબા ચોટલાવાળી રજનીબાળાએ ફરિયાદ કરી હતી કે 'પેલો વિપુલ રોજ મારી પાછળ પાછળ આવે છે અને સીટીમાં ગંદા ગંદા ગાયનો વગાડીને મને હેરાન કરે છે !'
બસ પત્યું ! એ દિવસે પ્રિન્સીપાલે પુરા ત્રણ કલાક માટે વિપુલને એના કલાસની બહાર અંગૂઠા પકડાવીને ઊભો રાખ્યો હતો ! આખી સ્કૂલમાં વિપુલના ધજાગરા થયેલા. એટલું જ નહીં, બીજા દિવસે વિપુલના બાપુજીને બોલાવીને ફરિયાદ કરેલી. જેના લીધે બાપુજીએ તેને સોટીએ સોટીએ ખૂબ મારેલો…એ દિવસથી વિપુલની સીટી હંમેશ માટે બંધ થઈ ગયેલી.
'અબ આયા હૈ ઊંટ પહાડ..કે નીચે…' વિપુલ ત્રિપાઠી બબડી રહ્યા હતા.
એ દિવસે બેન્ક બંધ થવા આવી ત્યાં સુધી તેમણે રજનીબાળાને 'બે મિનિટ…' 'પાંચ મિનિટ….' એવું અડધો અડધો કલાકે કહીને કેબિનની બહાર ચાર કલાક બેસાડી રાખી.
સાંજે કંટાળીને રજનીબાળા પુરોહિત જ્યારે જઈ રહ્યાં હતાં ત્યારે કાચની બારીમાંથી તેમની ચાલ જોતાં જોતાં વિપુલ ત્રિપાઠીએ આટલાં વરસો પછી ફરીથી સીટી વગાડી:
'ગોરી ચલો ના હંસ કી ચાલ, જમાના દુશ્મન હૈ…'
થાકેલાં રજનીબાળા પુરોહિત રીક્ષામાં જે રીતે વીલુ મોં કરીને જઈ રહ્યાં હતાં તે જોઈને વિપુલ ત્રિપાઠીને હૈયામાં ટાઢક થઈ રહી હતી. સીટીનું ગાયન અટકાવીને એ બબડયા :
'રજનીબાળાજી, હજી તો શરૂઆત છે…આ લોન પાસ કરાવતાં કરાવતાં તમને કમ સે કમ છ મહિના સુધી ના લટકાવું તો મારા ૩૦ વરસ પહેલાં પકડેલા અંગૂઠાની સોગંદ !'




