પરમેશ્વર એક પાર્ક છે, કીર્તન એક ક્લબિંગ છે!

- અનાવૃત-જય વસાવડા
- ધર્મ 'એક્સપાન્શન ઓફ ઇથોસ'માંથી હવે 'એકસ્ટેન્શન ઓફ ઇગો' થતો જાય છે એમાં ભક્તિ એક ઇવેન્ટ છે, ઇમાનદારી નથી !
એ ક સમય હતો કે શ્રાવણ મહિના સિવાય શાંત એવું એકાદું શિવાલય ગામમાં હોય. કોઈ બાળકોને બે મુઠ્ઠી પ્રસાદ વધુ આપતા હસમુખા વૃદ્ધ પુજારી એને સાચવીને સાફ કરતા હોય. ત્યાં બીજા ભગવાનોના દેરાં પણ હોય. બે ચાર રંગબેરંગી ફૂલો ને તાંબાની લોટીમાં સ્વચ્છ જળ આટલું અર્ઘ્ય હોય. કેમિકલ કંકુથી મુક્ત ઓરસિયે લસોટેલું ચંદન હોય. ઋચા કે સ્તવનોનો નાદ પ્રભાતે અને આરતીનો ઘંટારવ સાંજે ગૂંજતો હોય. આરતી બહુ લાંબી ન ચાલે. પાંચેક મિનિટ સાઉન્ડ સીસ્ટમ લઇને ઉભી હોય એવી. પ્રસાદીમાં પેંડા પતાસાં તો તહેવારે હોય. બાકી તાજા વધેરેલા પાડેલા શ્રીફળની શેષ, સાકરિયા દાણા કે ખટમીઠી ગોળી. પગથિયે સાંજે બેસી સુખદુ:ખની વાતો કરતા બે ચાર યુગલો ને આંગણે વૃક્ષની છાંયમાં રમતા પાંચ સાત નાના બાળકોનો કિલ્લોલ. શક્રાદય કે હનુમાન ચાલીસા જેવા થોડા માઈક વિના પાઠ કરવા આવતા ભાવિકો અને વ્રત છોડવા આવી દર્શન કરતી ભાવિકાઓ.
સિમ્પલ અનકોમ્પ્લિકેટેડ એવા આસ્થાના ભૂતકાળનું આખું એક ભારતીય ચિત્ર છે આ શબ્દોમાં. જે હવે ઝડપભેર ભૂંસાતું જાય છે. હવે આસ્થામાં એકાંત રહ્યું નથી, ભક્તનો ભાવ એટલે ભીડ એ જ વાસ્તવ છે. ભારતમાં આ માનસિકતા વધુ છે, ને વિદેશવાસી ભારતીયોમાં પણ. વિકસિત ગણાતા પશ્ચિમી રાષ્ટ્રોમાં તો મોટા ભાગે ધર્મસ્થાનો જે ચર્ચ કે સિનેગોગ હોય એ હેરિટેજ પ્રોપર્ટી તરીકે વધુ ધ્યાન ખેંચે. હા, એક્ટીવિટીઝ ને ટોળાં તો ત્યાં પણ છે, પણ મસમોટા નવા ધર્મસ્થળો ઓછા બને છે. નવી પેઢીમાં એથીસ્ટ કે એગ્નોસ્ટિક યાને પ્રચલિત ધર્મમાં ખાસ ભરોસો ન રાખનારા વધતા જાય છે. એટલે સાયન્સ લર્નિંગ એક્ટીવિટી સેન્ટર્સ કે પાર્કસ વધુ વિકસે છે. ઇસ્લામિક દેશોમાં જ્યાં સમૃદ્ધિ છે ત્યાં આલીશાન ગ્રાન્ડ મોસ્ક છે, ધાર્મિક માહોલ તો બિલકુલ છે. પણ એમાં ટેકનોલોજી સિવાય આધુનિક એન્ટરટેઇનમેન્ટની ભેળસેળ ઓછી છે. જો કે પ્રગતિ માટે ત્યાં પણ વિઝનરી એકેડેમિક સ્પેસ વધે છે. સાઉદીમાં ફ્યુચર સિટીનો પ્લાન છે, દુબઇમાં ફ્યુચર મ્યુઝિયમ શરૂ થઇ ગયું છે, ને વિશાળ બગીચા ને બીચની પબ્લિક સ્પેસ તો છે જ.
પણ ભારત આ બાબતે અનોખું છે. અહીં નામ ધર્મનું ને કામ મનોરંજનનું એવું એક કમાલ કેમ્બિનેશન ચાલી ગયું છે. એનઆરઆઈ દોસ્તો પણ થોડા પરદેશમાં સેટલ થાય તો પોતાની કોમ્યુનિટી હિસ્ટ્રી હેરિટેજનું કોઈ ઇન્ટરનેશનલ ક્લાસનું મ્યુઝિયમ નથી બનાવતા કે જ્યાં રહેતા હોય એ પ્રજા કનેક્ટ થાય, કે લાયબ્રેરી એન્ડ સાયન્સ એક્ટીવિટી સેન્ટર, ફન પાર્ક કે લેંગ્વેજ લર્નિંગ લેબ નથી બનાવતા. મંદિર બનાવે છે. આખા વિસ્તારમાં એક મોટું એમ પણ નહિ. સામસામી સ્પર્ધા કરતા હોય એમ અનેક. ત્યાં જ વ્યાખ્યાનો થાય, બાળકો ભાષા શીખે અને ખાસ તો નિ:શુલ્ક કે દાન મુજબ મફત ભોજનપ્રસાદ મળે !
મંદિરો ને મેળાવડાઓ મોટાં ને બ્રાન્ડેડ હોય તો એનું રૂપાંતર હવે આપણે ત્યાં થીમ પાર્કસમાં થતું જાય છે. ત્યાં ભવ્ય પ્રદર્શનો, સ્થાપત્યો, રંગબેરંગી સુશોભન, ફેમિલી આઉટિંગ થાય એવી સુવિધાઓ, સ્વાદિષ્ટ ફૂડ ઓપ્શન્સ, ખાણીપીણી સાથે કાર્નિવલ ટાઈપ ફન ગેઇમ્સ, કલ્ચરલ મ્યુઝિયમ, જે તે ગુરૂજી કે પંથની યશોગાથા, અવનવા ફોટોજેનિક પોઇન્ટસ. પબ્લિક એમાં વધુ ઉમટે છે. સેમ્પલ માટે ભારતમાં સૌથી વધુ પૂજાતા કૃષ્ણના વૃંદાવનના બાંકેબિહારી મંદિર સામે ત્યાં જ વિશાળ રીતે આકાર લઇ ચૂકેલા વિરાટ ને રંગરંગીન પ્રેમમંદિર જોઇ લો. (વારસાના કોઇ વિવાદમાં એમની દીકરીઓના કાર એક્સિડન્ટસના ન્યુઝ આવેલા પછી સમાચાર ખાસ નથી)
હમણા તમિલનાડુમાં કોર્ટના આદેશ બાદ જાણીતા મંદિરોનાં ફોટોગ્રાફીની મનાઇ કરવામાં આવી, કારણ કે યંગસ્ટર્સ સેલ્ફીને વિડિયો બનાવવા ત્યાં આવતા હતા એવું ધ્યાને ચડેલું. ફોટોગ્રાફી પર બેન આવ્યો એ સાથે જ ત્યાં આવનારાની સંખ્યા એક જ મહિનામાં ૨૦% સત્તાવાર આંકડા મુજબ ઘટી ગઈ ! મતલબ, દર્શન કરતાં સેલ્ફીમાં વધુ રસ હતો મુલાકાતીઓના એક
વર્ગને !
લેટેસ્ટ ટ્રેન્ડ ડિવોશનલ જામ કે ભજન ક્લબિંગનો છે. યુવકયુવતીઓબહોળી સંખ્યામાં મોંઘી ટિકિટો લઇને પણ આવે છે. ભક્તિ એક ઇવેન્ટ છે હવે. યુવા ગુરૂ કે ગુરૂણીઓ ગાઈ નાચી શકે તો બેસ્ટ, નહિ તો કીર્તન સ્પેશ્યાલિસ્ટસ આવે છે. બે-ત્રણ કલાક કોઈ કોન્સર્ટની જેમ સ્પેશ્યલ સાઉન્ડની બીટ્સ પર ટ્રાન્સમાં આવીને હિપ્પીઓની જેમ યુવાવર્ગ ઝૂમે છે. આ વાઈરલ છે. કથામાં કીર્તન કે રાસ થતા કે બેઠાંબેઠાં ભજન-ગરબા થતાં એનાથી એક સ્ટેપ આગળ. તે સમાજમાં સંસ્કૃતિના ઠેકેદારો પણ કહે કે આ બહાને પણ ભક્તિરસમાં ભીંજાઈને નવી પેઢી નાચે તો ખોટું શું છે.
વેલ, ખોટું તો કશું જ નથી પણ આ ચેન્જ કોઈ મૌલિક નથી કે એના મૂળિયા કંઈ સનાતન નથી. મૂળ તો સમય જતાં આધુનિક થવાને બદલે દેશ માનસિક રીતે સંકુચિત થતો જાય છે. પણ નાચવું, આનંદ કરવો વગેરે તો પ્રાકૃતિક જરૂરિયાતો છે. આપણે ત્યાં કલબ, પબ કે ડિસ્કોથેકનું કલ્ચર અમુક મહાનગરોના પોશ વિસ્તારો સિવાય તો છે નહિ. ડાન્સ તો વાઇરલ ને ટ્રેન્ડિંગ છે. મ્યુઝિક તો એવરગ્રીન છે. એટલે એનર્જી ક્યાંક તો નીકળે ને ! આમે ય, વર્ષોથી આપણે ત્યાં ભજનો કે સ્તવનો તો સિનેમાના ગીતોની બેઠ્ઠી ધૂન પર જ ગવાતા હતા. કોઈ મોરારિબાપુ જેવા વિરલા જ ફિલ્મોને વખોડતા નહોતા ને સ્વીકારે છે. બાકી બધા સિનેમાનો વિરોધ કરે પણ એની કમ્પોઝિશન, સ્ટાઇલ, સેલિબ્રિટી તરીકે એના કલાકારોની હાજરી બધું સ્વીકારી લે ને એનો પ્રચાર પણ ઉછળી ઉછળીને કરે ! આ હિપોક્રેસી મિક્સિંગ થયું !
એ જ રીતે ટોપ ક્વોલિટી થીમ પાર્ક તો આપણે ત્યાં એક પણ નથી. ડિઝનીલેન્ડ કે યુનિવર્સલ કે સીવર્લ્ડ ટાઇપ. એના જ કોન્સેપ્ટ તફડાવી એમાં ઈન્ડિયન કલ્ચરનો મસાલેદાર વઘાર કરીને મંદિરમેળાના નામે પીરસી દેવામાં આવે છે. કોઈ એકનોલોજમેન્ટ વિના. એક સમયે યંગ સ્ટુડન્ટસને ચર્ચ સાથે જોડવા વેસ્ટર્ન વર્લ્ડમાં કોળાના કેન એકઠાં કરીને ફંડ રેઈઝિંગ થતું. એ પણ પસ્તી-ભંગારના નામે આપણે ત્યાં બઠાવી લેવામાં આવ્યું.
ના, સારા વિચારનો પ્રચાર થાય એની સામે વાંધો નથી. વાંધો એટલો જ છે કે એને પોતાનો કરી લીધા પછી ભક્તિના નામે ઉછળી ઉછળીને પરદેશની, ત્યાંથી ફ્રી મોડર્ન લાઇફસ્ટાઇલની ટીકા કરવામાં આવે. હવે તો કોઈ ગતાગમ ના હોય એવા એવા સેલિબ્રિટી વિડિયોજીવી આચાર્યો ફૂટી નીકળ્યા છે. તેમનું જનરલ નોલેજ સાતમાં ધોરણના સ્ટુડન્ટ જેટલું પણ નથી હોતું, પણ રીલમાં વાઇરલ છે, ટ્રેન્ડિંગ છે. કરોડોના ચાર્જ કરે છે. મોંઘીદાટ ગાડીઓમાં રસાલા સાથે ઠાઠથી પ્રવાસ કરે છે !
આ ધરમના નામે ધંધો વિશ્વવ્યાપી છે. સદીઓ પહેલા વેટિકનનું આખું રજવાડું પોપના આધિપત્ય નીચે બન્યું. ઈરાનમાં ક્રાંતિના નામે રાજાશાહીની જગ્યાએ મુલ્લાશાહી એવી જડબેસલાક ચોંટી ગઈ કે ખૌમેની ને ખામેનાઈ પછી પણ હજુ સુપ્રીમ લીડર તરીકે ચૂંટાયા વિનાના ધર્મગુરૂ જ છે ! આપણે ત્યાં 'રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ ભગવાધારી' જેવા સૂત્રો સાથે ભગવાધારી સાધુ સાધ્વીઓ સાંસદ, ધારાસભ્ય, સી.એમ. પણ થઈ ગયા! તો આમાં ક્યાં 'ચેત મછંદર ગોરખ આયા' વાળા દટ્ટણ સો પટ્ટણ, માયા સો મિટ્ટી વાળો ભરથરીભાવ રહ્યો ? આ તો સંસાર છોડી દીધા પછી સવાયો સંસાર ભોગવવાની વાત જ થઈ ને ! એમાં તપ ને સાધના શું ? રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ કે રણછોડદાસજી મહારાજને ચૂંટણી લડતા કે શિબિરો-પ્રવાસો- મહાસંમેલનોનું આયોજન કરતા કલ્પી શકો ?
હવે કોર્પોરેટ 'ધર્મ'નો જમાનો આવી ગયો છે. પવિત્ર સ્થાનક આઉટડેટેડ છે. જૂની કે રામમંદિર જેવી નવી જગ્યા કે આશ્રમ જાણીતો થાય એટલે ફરતું આખું બિઝનેસ નેટવર્ક ગોઠવાઈ જાય. મીડિયા પ્રમોશનની માયાજાળ શરૂ થાય. ભક્તિ કરવાના નામે દર્શન ધક્કામુક્કીમાં ચંદ સેકન્ડ કરવા મળે. એમાં પણ વીઆઈપી ટિકિટસ આવી ગઈ મલ્ટીપ્લેક્સની લકઝરી રિકલાઇનર્સ માફક ! બાકી હરોફરો, ફોટા પડાવો, રીલ બનાવો, ખાવપીવો, શોપિંગ કરો. પ્રસાદ ખરીદો, દાન કરો. આખું સેટઅપ ધમધમતું રહે છે યાત્રાના નામે. હોટલ, રેસ્ટોરાં, પ્રસાદ, પાર્કિંગ, દુકાન, ચપ્પલ સાચવવા સુધીનું !
અને મક્કા કે વેટિકનની માફક જ એની સ્વતંત્ર ઈકોસીસ્ટમ અલાયદી ઈકોનોમી ઊભી કરે છે. સંચાલન કમિટીનો દોરદમામ હોય છે. એની નજર તળે જ કારોબાર ચાલે છે. પૈસાની હેરાફેરી બેશુમાર થાય છે. પુજારીઓ તો સેલ્સ માર્કેટિંગ ટીમ જેમ બહાર દેખાતો ફેસ હોય છે. વેપારી દિમાગના લોકો વ્યવસ્થા કરવા લાગે છે. તીર્થયાત્રા ઈવેન્ટ છે, આસ્થા ઈન્ડસ્ટ્રી છે, ભક્તિ ઈન્ફ્રાસ્ટ્રકચર છે. બિઝનેસ ડેવલપમેન્ટ માટે ભારતમાં આ મામલે જગ્યા ને રોલ મોડલની કમી નથી. અહીં દેશદીઠ બે-ચાર મહાન ધર્મસ્થળ નથી. ગામદીઠ દસ-બાર હોય છે. અવનવા બાબાઓ ને કિસમ કિસમના ધામો. જ્યાં જુઓ ત્યાં સ્પિરિચ્યુઅલ (કોઈ રિલિજીયસ શબ્દ પાછું ના વાપરે) ડેસ્ટિનેશન ને એને જોરે ફેલાતું રિયલ એસ્ટેટ ! મદીમાં તો વધુ ધમધમવા લાગે એવું આશા અને આરઝૂઓનું બજાર ! બહુમતી હિન્દુઓના વધુ, બાકી યથાશક્તિ જૈન, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમના પણ જાતભાતના દેરા, ગુરૂદ્વારા, દેવળ, દરગાહ, મઠ વગૈરાહ વગૈરાહ. જેટલા હાથ જોડી આવતા ભક્તો વધુ એટલો જ કેલ્કયુલેટરમાં પ્રોફિટનો હિસાબ વધુ તહેવારો પર વિશેષ પ્રચાર. યૂથ ને જેન ઝી માર્કેટ ઉપર એકસ્ટ્રા ફોક્સ.
પછી કોઈ પૂછે નહિ કે માનસરોવરમાં ગયેલા શ્રધ્ધાળુઓ ગુજરી જશે એવો અંદેશો બધા પ્રશ્નોના ઉકેલ આપતા ગુરૂજીઓને કેમ ન આવ્યો ? સાઇકિયાટ્રીસ્ટની જગ્યાએ ગોઠવાઈ ગયેલા બાબાબેબી લોગ નાગરિક હિતના પ્રશ્નો બાબતે કે પેટન્ટ, જીડીપી, એજ્યુકેશન બાબતે પોતાની સંસ્થાઓ ખોલવા સિવાય કેમ મૌન છે ? દીક્ષાના વરઘોડા, શોભાયાત્રા, કંકોત્રી, મંદિરના ઉદઘાટનો આ બધા તામઝામ કરવો હોય તો બાપડા ગૃહસ્થાના બે-ચાર ટાપટીપ-ફેશન-મોજમજાના શોખને કેમ વખોડો છો ?
અરે તર્કનું તત્વજ્ઞાન જવા દો, અહીં તો બાકાયદા રામમંદિરમાં ચોરી થઈ એ બ્હારથી કહેવાયું પછી માંડ ફરિયાદ દાખલ થઈ. પુરાવા છતાં હાથ ખંખેરવામાં આવ્યા. કોઈ એટલું કબૂલતું કે જેના માટે સરળ ભોળા ભક્તોએ લોહી રેડયા એવી પાવન જગ્યાએ ભગવાનનું ધન ચોરી જવાના કુવિચાર આવ્યા ક્યાંથી ? ને પાપનો ડર મંદિરમાં કામ કરનારને જ ના હોય તો બીજાને શું પુણ્યશાળી બનાવશે ? બલ્કે ટાળમટોળના નામે 'ગધેડાને તાવ આવે' એવા જવાબો શરૂ થઈ ગયા કે 'એ તો કાળાબજારિયા આસ્થાવિહીનોનું દાન જ ચોર લઈ ગયા' કે 'હિન્દુનું ધન હિન્દુ ચોરી જાય એમાં બીજાએ શું બોલવાનું' કે 'આ તો શ્રીકૃષ્ણએ માખણ ચોરેલું એવી લીલા હતી !' ગજબ છે, કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના !
સનાતનમાં તો સંસાર ત્યાગ પછી ભિક્ષા એટલે માંગવી પડતી કે આર્થિક ઉપાર્જનથી દૂર રહેવાનું હોય. પણ હવે ધર્મ જ અર્થનું સાધન છે. ધર્મક્ષેત્રે જોડાયેલા કે ધાર્મિકતાને જોરશોરથી આગળ કરતા આગેવાનોનાં ભાગ્યે જ નૈતિકતા જોવા મળે છે. ખટપટ, ઈર્ષા, હુંસાતૂંસી, વ્યભિચાર, હત્યા બધું વધુ જોવા મળે છે. ઉલટું તથાકથિત ઓર્ગેનાઇઝડ રિલિજીયનમાં ! આજે ટ્રેન્ડમાં રહેવા અમુક પરોપકારી સાધુજનો પણ સહજ નથી. અવનવી અંધશ્રદ્ધા સારી નવી ભાષામાં ફેલાવે છે. મોજની, સુખની, આનંદની, ખુશીની એલર્જી હોય એમ પરલોકની જ વાતો કરે છે. એમની આસપાસ એક નેટવર્ક હોય છે બ્રાન્ડ એન્ડ ઈમેજ બિલ્ડિંગના બિઝનેસનું ! પરદેશમાં ભણેલા યુવક-યુવતીઓ એ ચલાવીને ફંડફાળા મેળવે છે.
હવે નીતિ છોડી ચૂકેલા બાબાઓ વેપાર પણ સાધુતાને આગળ કરીને કરે છે ! નાસ્તિકો કે વૈજ્ઞાનિક આધુનિક તર્ક અથવા વિસ્મયથી જોનારા તો ખેર આસ્થાવાન નથી પણ શ્રધ્ધાળુઓ એવા કેવા કે કર્મમાં બેઇમાની બધે ચાલે છે, એ
સ્વીકારી લે ?
કદાચ હવે આપણે ફટાકડા ફોડવા, જુલુસ શોભાયાત્રા કાઢવી, કાવડયાત્રાથી કલાબિંગ સુધી નાચગાન કરવા, શણગારવાળા નવા કપડાં પહેરવા, ઘોંઘાટ કરવો અને બીજા સાથે સરખામણી કરી ગુંડાગીરીની કોપી કરતી અહંકારનું શક્તિપ્રદર્શન કરીને ધમાલ કરવી એને જ ધર્મના લક્ષણો માની લીધા છે. અભ્યાસ કે ઔદાર્ય, સરળતા કે સૌંદર્યને નહિ ! કહેવાતા ધાર્મિક લોકોના નખરાં કે નિવેદનો બાબતે જ આપણી ધાર્મિક લાગણી નથી દુભાતી, જે બધે દુભાતી રહેતી હોય છે બીજે ! સારું છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહેવું પડયું કે ડીજેનો ઘોંઘાટ એ ગણેશોત્સવની સાચી રીત નથી !
પણ સાંભળે છે કોણ ? લવ, સર્વ, રિમેમ્બર ગોડ એન્ડ લિવ ધ ટ્રુથ એટલો સાદો સંદેશ આપતા નીમ કરોલી બાબા પણ હેશટેગ બન્યા. ફિલ્મ ચાલી એટલે ને ચમત્કારોના રોમાંચને લીધે, ભક્તિના અનુસંધાનથી નહિ !
ઝિંગ થિંગ
'મૂંહ મેં રામ, હાથ મેં તિજોરી !' (ચંદાચોરી પછી એક હિન્દીભાષી ફેસબુક સ્ટેટસ)




