Shatdal

જાત સાથે પણ લડું એવો તકાજો આપજે...

By GS Team
18 Aug 20265 mins read
જાત સાથે પણ લડું એવો તકાજો આપજે...
  • શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • રૂપ તો ભીતરનું - આત્માનું મારામાં પ્રગટે, જેને જોતા સૌની આંખ ઠરે. એવી પ્રાર્થના કરું છું.

વાયરા ઊના ને ભીંજવતો વિસામો આપજે,
જાત સાથે પણ લડું એવો તકાજો આપજે
ભરજવાનીમાં મને નમણો ઝુરાપો આપજે,
ને વ્યથા જીરવી શકું એવો બુઢાપો આપજે.
જિંદગીના તું ભલે અઘરા સવાલો આપજે,
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે.
ટાઢ-તડકા આપજે, છાંયોય થોડો આપજે,
બાળપણ મહોરી શકે એવી નિશાળો આપજે.
પાંદડાં ખરતાં રહે છે કૂંપળોને માર્ગ દઈ,
આ ઊછરતી પેઢીને વળતો મલાજો આપજે.
કાગડોળે વાટ જોતી આંખનું આંસુ બની,
વ્હેમમાં સરકી શકું એવી ટપાલો આપજે.

  • અશ્વિન ચંદારાણા
    આપણે હંમેશા ભગવાન પાસે આપણા સુખની જ માંગણીઓ કરીએ છીએ. હંમેશા આપણે આપણા બાળકોને પણ કોઈ દુ:ખ ન પડે એવા લાડ લડાવીને જ ઉછેરવામાં માનીએ છીએ. પરંતુ આ પૃથ્વી ઉપર પ્રત્યેક જીવે, પ્રત્યેક પ્રાણીએ જીવન ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. થોડા દિવસો પહેલા ડીસ્કવરી ચેનલ ઉપર મનુષ્ય અને પ્રાણી જગતની વિશેષતાની એક ડોક્યુમેન્ટરી ફીલ્મ જોતો હતો. તેમાં એક ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે કે જંગલના પ્રાણીઓ તેમના બાળકોને પોતાના વગર જીવતા અને ઝઝૂમતા શિખવાડે છે. આપણે આપણા બાળકોને એટલા લાડ અને સગવડો આપીએ છીએ કે ક્યારેક જીવનમાં દુ:ખ આવવાના છે ત્યારે કેવું ઝઝુમવું પડશે એની કોઈ તાલિમ આપી નતી હોતી. જંગલના પ્રાણીઓ તેમના બાળકોને જંગલમાં સ્વનિર્ભર અને આત્મનિર્ભર થતા શીખવાડે છે. આપણે આપણા બાળકોના વિકાસમાં તેમને સુખ-સગવડો આપવામાં કદાચ આ વાતનો વિચાર ઓછો કર્યો છે.
    અશ્વિન ચંદારાણાની ગઝલ આપણને અંદરથી ઢંઢોળે તેવી છે. ભગવાનની પાસે આપણે ભલે સુખ માંગતા હોઈએ પણ સાથે-સાથે આપણી વિવેક દ્રષ્ટિથી દુ:ખની સામે ઝઝૂમવાની શક્તિ અને સૂઝ પણ માંગીએ એ જરૂરી છે. એવી પ્રાર્થના હોવી જોઈએ. ગઝલમાં 'આપજે' એ રદીફ છે. એક શાયર તેની ખુમારીથી ઈશ્વર-વિધાતા અને કુદરત પાસે કેવી-કેવી માંગણી કરે છે તેની આ ગઝલ છે. હે પ્રભુ ! તું મને જીવનમાં ઊના વાયરા આપવા હોય તો આપજે પણ એની સાથે હેત અને હૂંફથી ભીંજવતો વિસામો પણ આપજે. હું જગતની સામે જ નહીં જાતની સામે પણ લડી શકું એવી શક્તિ અને દ્રષ્ટિ આપજે. સાહસ આપજે. યુવાનીમાં નમણો ઝુરાપો આપજે પરંતુ હે પ્રભુ ! બુઢાપામાં મને એવો અશકત ના બનાવી દેતો. જીંદગીભરના દુ:ખો જીરવી શકું એવો હિંમતવાળો બુઢાપો આપજે. હે પ્રભુ ! હું તો તારું બાળક છું. તું ભલે જીંદગીના અઘરામાં અઘરા સવાલો આપે પણ પછી હું જે પૂછું એના જવાબો ય આપજે.
    હું એમ નથી કહેતો કે મારી જીંદગીમાં પુષ્કળ વૈભવી સુખ આપજે. મારી જીંદગીમાં ટાઢ અને તડકો ય આપજે અને બાળપણ નીર્ભાર થઈને ભણી શકે એવી નિશાળો આપજે. પીળા પાંદડા કૂંપળોને ખરવા માટે માર્ગ કરી આપે છે. એ જ રીતે આ ઉછરતી પેઢીને, આ કૂંપળોને પણ એ વિવેક આપજે. શીખવાડજે. સુખ ભલે ના આપે. પણ સુખની કે સુખના વ્હેમની કોઈ એવી ખબર તો આપજે જે મારી રાહ જોતી આંખોનું આંસુ બની જાય.
    ખૂબ ઓછા શબ્દોમાં કવિતાના ભાવ વિશ્વની વાતો કરવી એટલે જાણે અગાસીમાં ઘોડા ખેલવવા. અશ્વિન ચંદારાણા અને તેમના પત્ની મીનાક્ષી ચંદારાણા બંને એવા દંપતિ છે જે સાહિત્યને વરેલા છે. અને ગઝલને નિષ્ઠાથી ઉપાસી રહ્યા છે. ગુજરાતી ભાષામાં આવા ઘણાં દંપત્તિ સહજ યાદ આવી જાય. અશ્વિન ચંદારાણાના ગઝલ સંગ્રહ 'ભીતર ચાલે આરી' અને મીનાક્ષી ચંદારાણાના ગઝલ સંગ્રહ 'સાંજને સૂને ખૂણે' ગઝલ ચાહકોએ વાંચવા જેવા છે. મીનાક્ષીબહેન પણ ગઝલમાં એક સ્થળે પોતાના આત્માથી લઈને પરમાત્મા સુધી સૌને એક અરજી, એક વિનંતી કરે છે. બંને ગઝલો હૃદયની પ્રાર્થના અને પોકાર સમી છે.
    હે પ્રભુ ! મારા અવાજમાં, મારા કંઠમાં કરૂણા પ્રગટજો. તેમણે દયા નથી માંગી. મારામાં દયા પ્રગટી એમ વાત નથી કરી. મારામાં કરૂણા પ્રગટો એ પ્રાર્થના કરી છે. દયા એ કોઈનું દુ:ખ જોઈને કે કોઈ એવી પરિસ્થિતિ જોઈને પ્રગટેલી ભાવના છે. જ્યારે કરૂણા એ પરિસ્થિતિજન્ય નહીં, મન:સ્થિતિ જન્ય છે. મન એ એક એવી અવસ્થાએ પહોંચી જાય છે જ્યાંથી કરૂણા પ્રગટે છે. સર્વને માટે પ્રગટે છે. સતત પ્રગટે છે. દયા પરિસ્થિતિજન્ય અને ક્ષણિક હોય છે. આપણે શબ્દો બોલી નાંખીએ છીએ પણ એ પ્રત્યેક શબ્દની પાછળ રહેલા સંદર્ભોને અને રહસ્યોને આપણી યંત્રવત જીંદગીમાંથી ખોઈ નાંખ્યા છે. ભાષા સાથે યંત્રવત કામ પાડયું છે.
    રૂપ એ શરીરની વાત નહીં, રૂપ તો ભીતરનું - આત્માનું મારામાં પ્રગટે, જેને જોતા સૌની આંખ ઠરે. એવી પ્રાર્થના કરું છું. મારે ક્યાંય ગરજના માર્યા ઝૂકી નથી જવું. મારી બુદ્ધિની જડતાને લીધે મારે અહંકારમાં પણ ડૂબેલા નથી રહેવું. મારામાં નમ્રતા પ્રગટો તો એ નમ્રતા ખાનદાનીવાળી હોવી જોઈએ. મોતનો ભય જીવનમાં સતત આપજો પણ જીંદગી જીવવાની એક ખુમારી અને એક મસ્તી પણ આપજો. હે પ્રભુ ! તું મને એવી વાણી આપજે જ્યાં મારો શોક શ્લોક બની જાય. ભલે તોફાની સમંદર હોય મારી હોડી પોતાની મસ્તીમાં જીવનનો આ સમંદર પાર કરે એવી કૃપા રાખજે. સ્ત્રીનું મન જ્યારે ભાવની શુદ્ધ નિર્મળ અવસ્થાની ઝંખના કરે છે ત્યારે તેને મીરાંબાઈ, લલેશ્વરી, પાનબાઈ જેવા આદર્શ પાત્રો જ દેખાય છે. એટલે તો અંતિમ પંક્તિમાં કહ્યું છે કે મારું રાજ તું લઈ લે જે પણ જેમ મીરાંની લાજ રાખતો'તો ને એમ મારી લાજ રાખજે. આજે લખાતી ગઝલોમાં આવી પ્રાર્થનામય મસ્તીની ગઝલો ઓછી લખાય છે.હે પ્રભુ ! જીવનભર બારણાં ખુલ્લા છે, તોરણો બાંધ્યા છે. મારામાં તું અને તારામાં હું હોઈએ કોઈ વચ્ચે ના હોય બસ એવી મેજબાની આપજે.
    કંઠથી કરુણા નીતરજો, માંહયલો માંગુ રૂહાની,
    આંખ જે ઠારે બધાની, રૂપ એ ચાહં નૂરાની.
    બુદ્ધિની જડતા હરો જી ! ને મિટાવો બદ્ગુમાની,
    ના ઝૂકે મસ્તક ગરજવશ, એ જ મારી હો નિશાની
    જોર ભરજો બાહુઓમાં, દ્રષ્ટિ દેજો ખાનદાની,
    રાખજો ચરણો ભ્રમણરત, હો કૃપા, હો મહેરબાની.
    કાન સાંભળજો સદાઓ, હો બુઢાપો, હો જવાની,
    નાક સૂંઘો મર્મ ગહરા, સાંકળી મેઘા કહાની
    મોતના ઓથાર હેઠળ, મસ્ત દેજો જિંદગાની,
    કરતી હો મસ્તીમાં લયલીન, છો બને સમંદર તૂકાની.
    ઊકળે લાવા ભીતર, તો બર્ફશી દો બેજુબાની,
    શોક જ્યાં શ્લોકત્વ પામે, સાંપડો એવી જબાની.
    તીવ્ર એવો હો વિરહ, કે મીટ માંડું ત્યાં વિરાની,
    છો મિલન ના આપજો, બસ ધડકનો દેજો રૂમાની.
    દિ' ભલે હો ધોમધખતા, સાંજ સાંપડજો સુહાની,
    આપ હિંડોળે ઝૂલો, ને હું સજાવું પાનદાની.
    આપજો છંદોની ખેતી, ને કવનની બાગબાની,
    શબ્દને વરજો આની, હો મધુમય ખુશબયાની
    બારણાં ખુલ્લાં ને તોરણ, હો અસલ મુજ મેજબાની,
    હું મહીં તું, તું મહીં હું, ના કશાની દરમિયાની
    રડવડું, કચડાઉં પ્રેમે, આપ સરખા હો સુકાની,
    રાજ લઈ લો, લાજ રાખો, આપની મીરાં દીવાની.
  • મીનાક્ષી ચંદારાણા