ગાંધીજીનું જીવન એટલે નૈતિક મૂલ્યોનો કંટકભર્યો પંથ!

- એક જ દે ચિનગારી-શશિન્
- દલીલ કરનારાઓ એમ પણ કહે છે કે બાપુના સંતપણાની માંદગી ભૂરકીની આજે ઉપયોગીતા શી ? અરે ભાઈ, ગાંધીચિંતનની હિંદ એકલાને જ નહીં, પણ સમગ્ર વિશ્વને જરૂર છે
'બે ટા, આજે ઓક્ટોબરની બીજી તારીખ છે. લે, આ ફોટાને વંદન કર.' પપ્પા પોતાના છ વર્ષના પુત્રને કહે છે.
'આ ફોટો કોનો છે પપ્પા ? રૂપિયાની નોટો પર છાપેલા કોઈ અન્કલનો છે ને ?' પુત્ર અજાણતાં જ કહે છે.
આવી મન:સ્થિતિ એકલા એ બાળકની જ નહીં, ગાંધજી વિશે અત્યારના નાના બાળકો પાસે ઉચિત જાણકારી નથી.
સત્યનું અમર ગીત ગાતાં ગાતાં મહાત્મા ગાંધીીજી તો સત્યલોકમાં સરી ગયા, પણ એમનું નામ વટાવી ખાનારા બધી રીતે તરી ગયા.
શાળામાં દરરોજ પ્રાર્થના કરાવાય છે. 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.' શિક્ષકો શાળાના બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે. 'હે પ્રભુ અમારી પર કૃપા કર, અમે સદા સાચું બોલીશું' પણ શું ઉત્તમ, પ્રતિજ્ઞાઓ કેવળ 'બાળકો' એ જ લેવાની છે કે પછી પ્રતિજ્ઞા લેવાના સમયે 'બાળક' જેવા નિર્દોષ બનવાનું છે ?
આપણે એમ માનીને ચાલીએ છીએ કે 'બાળકો' એ જ સત્યનિષ્ઠા, સંસ્કારનિષ્ઠા, અનુશાસન અને ખેલદિલી શીખવાની અને આચરવાની છે. શું મોટા થવું એટલે ખોટા થવું ? મોટા થવા માટે જ સરળતા, નિર્દોષતા, નિરાડંબરતા, નિખાલસતાનું બલિદાન આપવું આવશ્યક છે ? શું મોટાઈ છળકપટનો અને પ્રવંચક ચતુરાઇનો પર્યાય છે ?
આપણાં પ્રિય બાપુ 'ગાંધીબાપુ' એ સત્યના સાચા ઉપાસક હતા. એમને મન સત્ય એ સાધના છે, સત્ય એ યોગ છે, તપ છે, સત્ય એ ઇશ્વર છે. બાપુએ એમ કહીને સત્યને ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કર્યું છે. ત્યારે આપણી પણ ફરજ બની જાય છે કે આપણે પણ સત્યનું પાલન કરીએ. ભૌતિક સત્યો આપણે બેધડક ઉચ્ચારીએ છીએ, કારણ કે એ ખોટું પડે તો બોલનારે કશું ગુમાવવાનું હોતું નથી. પણ વ્યક્તિ, સમાજ કે ધર્મને સ્પર્શતી બાબતો વિષે સત્ય બોલવામાં સાવધ રહેવું પડે છે, કારણ કે એ જાણે છે કે એનું કથન 'અસત્ય' પૂરવાર થશે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. સત્ય ત્યાગ માગી લે છે. સત્ય બોલનારે જાતજાતની મુસીબતોનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. સત્યનો માર્ગ એ શૂરાનો માર્ગ છે, કાયરનો નહીં. કેવી વિચિત્રતા છે કે સત્યના પાઠ ભણાવવામાં આવે છે છતાં સત્ય બોલનાર શોધ્યા ય જડતા નથી, અને અસત્યને ભણાવવા માટે કોઈ પાઠશાળા નથી છતાંય અસત્ય બોલવામાં માણસો આપોઆપ પાવરધા કે નિષ્ણાત બની જાય છે.
ગાંધીજી સત્યવાદી હતા, ઉપરાંત સરળ હતા, આસ્થાવાદી હતા, નિર્દંભ હતા, વિનમ્ર હતા, ક્ષમાશીલ હતા, અહિંસાપ્રિય અને પ્રેમની સાકાર પ્રતિમા હતા. ગાંધીજીના જીવનકાળ દરમિયાન સત્યાગ્રહની કસોટી થઇ અને એવા અનેક પ્રસંગો બન્યા, જ્યાં ઘનઘોર નિરાશા સાંપડી, પણ ગાંધીજીએ પોતાના સત્યને કમજોર ન બનવા દીધું.
આજે ગાંધીજીને એમના મૂળ સ્વરૂપે આપણે રહેવા દીધા નથી. 'લોકઘાટના' મહત્માને 'રાજઘાટ' પર પોઢાડીને એ ફરી ન ઊઠે એમાં જ આજના નેતાઓ પોતાનું બુદ્ધિ ચાતુર્ય વાપરે છે. પોતે કેમેરાની આંખે દેખાય એ રીતે પુષ્પાર્પણ કરીને ગાંધીજીને છેતરી રહ્યા છે. એમાં ગાંધી પ્રેમ નહીં, પણ નર્યો દંભ પ્રતિબિમ્બિત થાય છે. આજે રાજનીતિ અનીતિથી ગંધાઈ રહી છે.
સત્યાગ્રહ આજે નાક દબાવીને મોં ખોલાવવાનું સાધન બની ગયો છે. 'હમારી માંગે પૂરી કરો' સૂત્રમાં માગણી પ્રધાન છે પણ સાચી માગણી પૂરી કરોનો તેમાં ભાવ નથી. હઠાગ્રહ, દુરાગ્રહ અને જિદને સત્યાગ્રહનું વસ્ત્ર પહેરાવીને અહિંસક સત્યાગ્રહ નહીં પણ હિંસક આચરણનો, અરાજકતા ફેલાવવા ઉપયોગ થઇ રહ્યો છે.
ગાંધીજી જ્ઞાતિવાદમાં માનતા નહોતા પણ પોતાને બધી જ જ્ઞાતિઓના પ્રતિનિધિ માનતા હતા. ગાંધીજી આમઆદમીના માણસ હતા.
ગાંધીજીને કેવળ રાજકીય આઝાદી નહોતી ખપતી, એમને સ્વસ્થ અને સ્વચ્છ શાસન પ્રણાલીની અપેક્ષા હતી. તેઓ સાદગીની વાત એટલા માટે નહોતા કરતા કે અમીરીના તેઓ વિરોધી હતા. પણ તેઓ માનતા હતા કે 'શ્રી' એટલે લક્ષ્મી એ સમાજની સંપત્તિ છે અને તેથી સુખાધિકાર સૌને મળવો જોઇએ. કેવી કરુણતા છે આ દેશની ! સત્ય અને અહિંસાના શસ્ત્રથી વિદેશી અંગ્રેજોને આપણે ભારતમાંથી દૂર કરી શક્યા, પણ એ જ શસ્ત્રો સ્વદેશી શેતાનોને ભગાડવામાં પાંગળા પુરવાર થયા. નૈતિક અને સામાજિક તથા ધાર્મિક સ્વાતંત્ર્ય વગર આઝાદી ક્યારેય પરિપૂર્ણ ન થાય. એટલે રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય વગરનું નેતૃત્વ પક્ષપલટુઓની પલટણ ખડી કરી શકે સમર્થ સાચા નેતાઓ નહીં.
ગાંધીજી નમકનું મૂલ્ય સમજતા હતા, એટલે તેઓ ન તો દેશ પ્રત્યે નમકહરામ બની શક્યા કે ન તો માનવો પ્રત્યે આજે દેશમાં મીઠું છે, પણ માણસમાંથી 'મીઠું' અદ્રશ્ય થઇ ગયું છે. મીઠા વગરના માનવીઓ નમકહરામ બની શકે, નમકહલાલ નહીં.
ગાંધીજી સ્વરાજમાં માનતા હતા પણ 'સ્વરાજ એટલે' અહિંસક સ્વરાજ જેમાં કોઈ કોઈના દુશ્મન ન હોય, બધા પોતપોતાનો ફાળો ભરે કોઈ નિરક્ષર નહોય, ઉત્તરોત્તર જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય, કંગાલ કોઈ ન હોય, મહેનત કરનારને મહેનત મળી રહે, તેમાં જુગાર, મદ્યપાન, વર્ગવિગ્રહ વ્યભિચાર ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે. મુઠ્ઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને લાખો લોક હવા-અજવાળા ન હોય તેવા અંધારિયામાં રહે એમ પણ હોય. કોઇના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજ્યમાં કોઈ તરાપ ન મારી શકે, ત્યાં તંત્ર વ્યવસ્થિત હોય, ત્યાં કોઈ ગેરવાજબી હક ભોગવી શકે નહીં.
આવું સ્વરાજ્ય આપણે ૭૫ વર્ષ વીતી ગયા છતાં પણ ભારતને આપી શક્યા નથી.
દલીલ કરનારાઓ એમ પણ કહે છે કે બાપુના સંતપણાની માંદલી ભૂરકીની આજે ઉપયોગિતા શી ? જ્યારે શસ્ત્રબળ નિર્ણાયક બનતું હોય ત્યારે અહિંસા અને હૃદયપરિવર્તન તેની સામે ક્યાં સુધી ટકી શકે ? પણ આચાર્ય કૃપલાનીજીએ કબૂલવું પડયું હતું કે, માનવ ને માનવ બનાવનાર સર્વ કોઇના વૈશ્વિક સંહારના જોખમના ભયથી ત્રસ્ત રહેતા આજના સ્પુટનિક યુગમાં નૈતિક મૂલ્યો ઉપર આધારિત ગાંધીજીના સામાજિક દર્શનની માત્ર હિંદ એકલાને જ નહીં, પણ સમગ્ર વિશ્વને જરૂર છે.
ગાંધીજીનું જીવન એટલે નૈતિક મૂલ્યોનો કંટકભર્યો પંથ. ગાંધી એટલે માણસાઈના સ્વપ્નોનો માળી.
આજના સંદર્ભમાં ગાંધીજીના જીવનમાંથી પ્રેરક બની શકે તેવી કેટલીક બાબતો.
૧. અહિંસા અને સત્યનિષ્ઠા
૨. મનુષ્ય માત્ર પ્રેમ અને સદ્વર્તન
૩. મન, વચન અને કર્મમાં નૈતિકતા અને સમાનતા
૪. સ્વાવલંબન અને સાદગી
૫. જાતિ-જ્ઞાતિની સંકુચિતતાનો ત્યાગ, સમભાવ
૬. અહંકારનો ત્યાગ અને વિનમ્રતા
૭. સત્યાગ્રહનો સ્વાર્થ માટે ઉપયોગ કરવાની વૃત્તિથી અલિપ્તતા
૮. પ્રેમ, સેવાભાવના, સહિષ્ણુતા, ક્ષમાભાવ
૯. આત્મદર્શન, સંયમ, ક્રોધત્યાગ, ઇશ્વરમાં શ્રદ્ધા, પ્રાર્થના, બિનસાંપ્રદાયિક્તા, નિર્ભયતા, શ્રદ્ધાશીલતા, શ્રમપ્રિયતા, સર્વોદયની ભાવના.




