Shatdal

થીજેલો સમુદ્ર અને કુહાડો

By GS Team
25 Aug 20265 mins read
થીજેલો સમુદ્ર અને કુહાડો
  • ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
  • આપણે સૌ ભિખારી છીએ. થોડું એક કોઈનું કામ કર્યું એટલે તરત સામે બદલાની અપેક્ષા રાખતા થઈ જઈએ છીએ

આ પણે 'માનવ'ને ભિન્ન ભિન્ન ખાનાંમાં વર્ગીકૃત કરીને ભલે મૂકીએ, પણ છેવટે 'માનવ'ને માનવ રૂપે જોવાની વાત વધુ મહત્ત્વની છે. અવસ્થાનુસાર માનવીય વિચાર કે માનવીય ચેતનાનાં રૂપ ભલે બદલાયેલાં લાગે પણ સમાનરૂપે એ બધામાં છે તે તો પેલું ધબકતું હૃદય છે. ખરી માવજત એ હૃદયની થવી જોઈએ. હૃદયથી બુદ્ધિ અને બુદ્ધિથી હૃદયની યાત્રા તો ચાલુ રહેવી જ જોઈએ. પણ ધર્મ-શિક્ષણ એ વાત કંઈક વિસારે પાડી રહ્યાં છે. બેબી બુમર્સ, ઝેન એક્સ, ઝેન વાય, ઝેન જી કે ઝેન આલ્ફા - એવી જે કોઈ સંજ્ઞાાનો ઉપયોગ કરીએ, પણ બધી વેળા હૃદયનું સંસ્કરણ એ બુનિયાદી બાબત છે.
આજે આખુંય વિશ્વ કંઇક અજંપા ભરેલું જોવાય છે. મોટાભાગની વ્યક્તિઓ, પછી તે કોઈ પણ ઉંમરની હોય, ઘણી રીતે આકુલ છે, જે કંઈ તેની નજર સામે છે તેના વિશે એ અસંતુષ્ટ છે અથવા તો તે વિશે તે કંઈક જુદું કહેવા ઈચ્છે છે. તેનામાં એક પ્રકારની નિરાશા વ્યાપેલી જણાય છે. 'માનવ' તત્ત્વને ભૂલીને અમાનવીય કહી શકાય તેવી તેની જીવનપદ્ધતિએ, વિચાર પદ્ધતિએ આપણી શ્રધ્ધાનાં મૂળિયાંને હચમચાવી મૂક્યાં છે. કેટલાક વિચારકો-કવિઓને તેથી જગતનું - ભાવિ, માનવજાતનું ભવિષ્ય ધૂંધળું લાગે છે. સુરેન્દ્ર શર્મા જેવો આપણા સમયના હિન્દી કવિ તેથી 'આ દેશમાં રાજા કૌરવ હોય કે પાંડવ કોઈ ફરક પડતો નથી' એવું લખે છે. અન્ય દેશો વિશે પણ આવું જ તારણ કાઢી શકાય તેવી સ્થિતિ છે. મહાભારતની કુન્તીની જેમ એક વર્ગ અહીં દુ:ખને સ્વીકારી ચૂક્યો છે. નિત્શે જેવા જમાનાની સાથે ખુદે બદલાવું જોઈએ એવું નિદાન કરે છે તો સોલબેલો જેવા યહૂદી નવલકથાકાર બધું જ, બધાં જ પ્રકારની પીડા, અપમાન સહન કરી લેવાનું કહે છે. સદાઅત મંટો જેવાનું દર્શન કંઇક આપણા આજના વિશ્વને પણ લાગુ પાડી શકીએ એવું છે તે કહે છે કે લોકોને વધુમાં વધુ ધાર્મિક બનાવી મૂકો જેથી કશાની તંગી કે અછત હોય તો તેને તે નસીબ લેખે, અત્યાચારો થાય તેને એ પોતાની કસોટી લેખે અને પોતાના અધિકારનો પ્રશ્ન ઉઠાવવાનો હોય તો તેમાં તે પાપ જુએ અને ગુલામી આવી પડે તો ઈશ્વરની ઈચ્છા સમજે અને કત્લેઆમ થતી હોય ત્યારે તેને તે મૃત્યુનો ચોક્કસ દિવસ લેખી મૂંગો રહે. હજી વધુ આવા અભિપ્રાયો જીવન વિશે તમે કહો તો એમાં થોમસ ગ્રેને પણ ઉમેરી શકો. તે તો કહે છે અજ્ઞાાનતામાં પરમાનંદ છે, ને બુદ્ધિશાળી હોવું એ મૂરખામીભર્યું છે. આવું તેનું વ્યંગ્યકથન બધે જ, બધી જ પ્રજાને લાગુ પડી શકે તેવું છે. પ્રેમચંદજી જેવા હિન્દીના પ્રથિતયશ નવલકથાકારને પણ આવા જ સંદર્ભે સાંભળવા જેવા છે. તે કહે છે કે જ્યારે માનવ શરમ અને આબરૂ-ઈજ્જતને ભૂલી જાય છે ત્યારે સમજો કે તેનું પતન થઈ ચૂક્યું છે. પ્રેમચંદજી જ બીજે એક સ્થળે એવું કહે છે કે શિક્ષણનો કંઈ નહીં તો એટલો પ્રભાવ અવશ્ય હોવો જોઈએ કે ધાર્મિક બાબતોમાં મૂર્ખોની પ્રસન્નતાને સર્વેસર્વા ન લેખીએ. જિબ્રાન જેવાનું મંતવ્ય પણ સ્મરણીય છે. તે કહે છે કે અજ્ઞાાનતાના આવાસમાં આપણા ખુદના આત્માને નિહાળી શકીએ તેવો કોઈ અરીસો નથી. લાઓત્સે જેવા ચીની ફિલસૂફ એક જુદે છેડેથી એવું કહેતા સંભળાય છે કે જે વ્યક્તિ રિક્ત-ખાલી રહેવામાં રાજીપો અનુભવતો હોય તે વાસ્તવમાં સમ્રાટોનો પણ સમ્રાટ છે. જ્યોર્જ ઓરવેલ પણ લાક્ષણિક રીતે પોતાની વાત મુકતાં કહે છે કે જે લોકો સારું વિચારી શકતા નથી એમના માટે વિચારવાનું કામ કોઈ બીજો જ જણ કરતો હોય છે. ઓ નીલ જેવા આજના માનવીની પૈસા પાછળની આંધળી દોડથી એવું કહેવા પ્રેરાયા છે કે પૈસો, પૈસો, પૈસો - આ પૈસા વિશે સાંભળી સાંભળીને હું કંટાળી ગયો છું. આઈન્સ્ટાઇનનું પેલું જાણીતું કથન પણ અત્રે સ્મૃતિમાં આવી રહે છે - તે કહે છે વિજ્ઞાાન ધર્મ વિના પાંગળું છે તો ધર્મ વિજ્ઞાાન વિના અંધ છે. તો વળી આપણા સૌના આદર્શરૂપ વિભૂતિ સ્વામી વિવેકાનંદ જાણે આજે સવારે જ કહી ગયા હોય તેવું સત્ય ઉચ્ચારી રહે છે : આપણે સૌ ભિખારી છીએ. થોડું એક કોઈનું કામ કર્યું એટલે તરત સામે બદલાની અપેક્ષા રાખતા થઈ જઈએ છીએ. એ રીતે દુકાનદારી આપણો ધંધો બની ગઈ છે. ધર્મની દુકાનદારી, સદ્ગુણોની દુકાનદારી, અરે, પ્રેમમાં પણ દુકાનદારી, ટી.એસ. એલ્યિટ પણ તેમના એક કથન વડે ઘણું સૂચવી જતા જણાય છે : એ વ્યક્તિ નર્યો મૂર્ખ છે જે પોતે એમ સમજે છે કે આખા ચક્રને પોતે જ ઘૂમાવી રહ્યો છે. ખરેખર તો તે તેનો એક નાનો અંશ જ છે. અને આપણા ગાંધીજી પણ ખબરદાર બની માણસજાતને માર્મિક રીતે કહી રહે છે. આપણે દરેક, એકે એક બીજાને અવળે રસ્તે ચઢાવી દેવામાં જવાબદાર છીએ. તો આજના અસત્યમય જીવન વલણોને ધ્વનિત કરી રહેતી લેખિકા વર્જિનિયા વુલ્ફ વળી એવું કહેતાં સંભળાય છે કે - આરામભર્યા કે નિરાંતભર્યા સમયમાં ક્યારેક તળિયે બેસી ગયેલું કે તળિયે પહોંચાડી દીધેલું સત્ય તરતું તરતું સપાટી પર આવી રહે છે.
આજે અહીં આવી અવતરણ લીલા વિસ્તારવાનું કારણ આજના વિશ્વના, આજના માણસનાં તેનાં વૃત્તિવલણોના ઘણાબધાં સંકેતો તેમાં પ્રાપ્ત થઈ રહે છે. સમયે સમયે માણસ પલટાતો રહ્યો છે, રસ્તો ભૂલતો રહ્યો છે, બુદ્ધિ ભ્રાંતિઓ સર્જતી રહી છે અને પેલું 'હૃદય' સાવ હાંસિયામાં ધકેલાતું જાય છે. સામાન્ય માનવીથી માંડીને શાસકો-સત્તાધીશો - પ્રબુદ્ધો સુધીના કોઈકને કોઈક રીતે આ ઘેરાવામાં આવી જતા જોવાય છે. એક સાવ નાનો વર્ગ, સત્યનો રાહ દેખાડે છે, પણ તે સામે અપેક્ષિત પ્રતિશબ્દ પ્રાપ્ત થતો નથી. સત્તા-ધર્મ-શિક્ષણ જ્યારે, જ્યાં જ્યાં દિશા ચૂકી જાય છે ત્યારે આપદા વચ્ચે જીવતી પ્રજાની પીડા અસહ્ય બની જતી હોય છે. ક્યારેક સમય થંભી જતો લાગે, અથવા તે થીજી ગયેલા બર્ફિલા સમુદ્ર જેવું રૂપ ધારી રહે. કાફકાના જુદા સંદર્ભમાં વપરાયેલા શબ્દોને યાદ કરીને કહું તો કુહાડી મારવાનું કામ કોઈકે તો કરવું પડતું હોય છે. કમસેકમ આપણામાંના થીજેલા સમુદ્રને આપણે કુહાડો મારીએ તો પણ ઘણું.