Shatdal

મિત્રતા : માનવ મનની પાયાની જરૂરિયાત- 2

By GS Team
11 Aug 20268 mins read
મિત્રતા : માનવ મનની પાયાની જરૂરિયાત- 2
  • વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
  • જીવનમાં હજારો ઓળખાણો બનાવશો પરંતુ થોડા જ મિત્રો બનાવજો. કારણ દુનિયા તમારી સિદ્ધિઓને યાદ રાખશે મિત્ર તમારા સંઘર્ષને યાદ રાખશે.

મ નોચિકિત્સામાં એક રસપ્રદ બાબત જોવા મળે છે. સામાન્ય રીતે પુરુષો જ્યારે દુ:ખી હોય ત્યારે મિત્રો સાથે ક્રિકેટ રમે છે. લાંબી ડ્રાઇવ પર જાય છે. ચા પીવે છે. હાસ્ય કરે છે. અર્થાત્, તેઓ પ્રવૃત્તિ દ્વારા પોતાની લાગણીઓ હળવી કરે છે. જ્યારે સ્ત્રીઓ સામાન્ય રીતે બેસીને વાત કરે છે. રડે છે. લાગણીઓ વહેંચે છે. એકબીજાને સાંભળે છે. બંને પદ્ધતિ સાચી છે. કારણ કે અંતે બંને એક જ વસ્તુ શોધી રહ્યા હોય છે… 'કોઈ મને સમજે.' ઘણી વખત મેં મહિલા દર્દીઓને કહેતા સાંભળ્યું છે… 'ડૉક્ટર સાહેબ… મારી સમસ્યા કોઈ ઉકેલે એ જરૂરી નથી… પણ કોઈ મને સમજી લે એટલું પૂરતું છે.' મિત્રતા ઘણી વખત એ સમજણનું બીજું નામ છે.
એક ૩૦ વર્ષીય મહિલા પ્રસૂતિ પછી ગંભીર પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં આવી. પરિવારમાં બધાને બાળકની ચિંતા હતી. પરંતુ, કોઈને માતાની ચિંતા નહોતી. તે સતત રડતી. પોતાને ખરાબ મા માનતી હતી. બાળક પ્રત્યે પણ અપરાધભાવ અનુભવતી. એક દિવસ તેની કોલેજની મિત્ર તેને મળવા આવી. તે કોઈ સલાહ આપવા આવી નહોતી. તે માત્ર તેની બાજુમાં બેસી રહી. બાળકને થોડીવાર પોતાની પાસે રાખ્યો. અને ધીમેથી એટલું જ કહ્યું… 'તું ખરાબ મા નથી… તું ફક્ત ખૂબ થાકી ગઈ છે.' આટલું સાંભળીને દર્દી પહેલીવાર ખુલ્લા દિલે રડી. ત્યારથી તેની સારવાર ઝડપથી આગળ વધી. પછી તેણે મને કહ્યું… 'ડૉક્ટર… લોકો મને સમજાવતા રહ્યા પણ મારી મિત્ર મને સમજતી રહી.' આ છે મિત્રતાની સૌથી મોટી સારવાર.
મિત્રતાનું સ્વરૂપ ઉંમર પ્રમાણે બદલાતું રહે છે.
બાળપણ :- બાળપણમાં મિત્ર રમકડાં વહેંચે છે. અહીં મિત્રતા નિ:સ્વાર્થ હોય છે. ન પૈસા, ન હોદ્દો, ન સ્પર્ધા, માત્ર આનંદ.
યુવાની : યુવાનીમાં મિત્રતા ઓળખ બનાવે છે. કારકિર્દી, પ્રેમ, સપનાઓ અને નિષ્ફળતાઓ. આ બધામાં મિત્રો સૌથી મોટો આધાર બને છે. આ ઉંમરે સારા મિત્રો જીવન બનાવી પણ શકે અને ખોટા મિત્રો જીવન બગાડી પણ શકે.
લગ્ન પછી : લગ્ન પછી મોટાભાગના લોકો મિત્રો ગુમાવવા લાગે છે. જવાબદારીઓ વધી જાય છે. સમય ઓછો થઈ જાય છે. પરંતુ સંશોધન બતાવે છે કે લગ્ન પછી પણ મિત્રતા જાળવનાર દંપતિઓ વધુ ખુશ હોય છે. કારણ કે, મિત્રો જીવનમાં સંતુલન જાળવી
રાખે છે.
વૃદ્ધાવસ્થા : - વૃદ્ધાવસ્થામાં મિત્રતા દવા બની જાય છે. સંતાનો વ્યસ્ત હોય છે. જીવનસાથી કદાચ સાથે ન હોય. નિવૃત્તિ પછી ઓળખ પણ ઓછી થઈ જાય છે. એવા સમયે બાળપણના મિત્રો ફરી મળી જાય તો માણસ ફરી યુવાન બની જાય છે.
એક ૭૦ વર્ષના નિવૃત્ત શિક્ષક પત્નીના અવસાન પછી ગંભીર હતાશામાં હતા. તેમણે મને કહ્યું… 'હવે જીવવાનું કોઈ કારણ નથી.' એક દિવસ તેમના બાળપણના ત્રણ મિત્રો તેમને મળવા આવ્યા. દર રવિવારે મળવાનું નક્કી થયું. ક્યારેક બગીચામાં ફરવું. ક્યારેક જૂના ફોટા જોવું. ક્યારેક માત્ર ચા પીવી. ત્રણ મહિના પછી તેઓ મારી સામે હસતા બેઠા હતા. તેમણે કહ્યું… 'ડૉક્ટર… હું ફરી જીવી રહ્યો છું.' હું ઘણી વખત કહું છું, નિવૃત્તિ પછી બે વસ્તુઓ સૌથી વધુ મહત્વ ધરાવે છે, સ્વાસ્થ્ય અને મિત્રો.
સોશિયલ મીડિયાની મિત્રતા, શું એક ભ્રમ છે ? આજે લોકો પાસે હજારો ફોલોઅર્સ છે. સેંકડો વ્હોટસેપ ગ્રુપ્સ છે. દરરોજ ઈનસ્ટાગ્રામ સ્ટોરીઝ છે. પરંતુ, આ બધું મિત્રતા નથી. આ ઓળખાણ છે. સાચી મિત્રતા ત્યારે દેખાય જ્યારે રાત્રે બે વાગ્યે તમને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે. સાચી મિત્રતા ત્યારે દેખાય જ્યારે આખી દુનિયા તમને ખોટા સમજે અને એક મિત્ર કહે ધહું તારી વાત સાંભળવા તૈયાર છું.' યાદ રાખજો લાઇક કરવું સહેલું છે, સાથે ઊભા રહેવું મુશ્કેલ છે.
મિત્રતા કેમ તૂટી જાય છે? મારા અનુભવ મુજબ મિત્રતા કોઈ એક મોટા ઝઘડાથી ઓછી તૂટે છે પણ નાના નાના અહંકારોથી વધુ તૂટે છે. મિત્રતા તૂટે છે જ્યારે, 'હું પહેલા ફોન કેમ કરું?' 'હંમેશા હું જ કેમ સમજું?' 'તે બદલાઈ ગયો.' 'તે હવે મોટો માણસ બની ગયો.' આ વાક્યો મિત્રતાના સૌથી મોટા દુશ્મન છે. સાચા સંબંધોમાં જીતવાની જરૂર નથી ટકી રહેવાની જરૂર છે. ઘણા લોકો મિત્ર ગુમાવતા નથી તેઓ વાતચીત ગુમાવે છે.
આ લેખ વાંચતા વાંચતા શું તમારા મનમાં કોઈ એક મિત્રનો ચહેરો આવ્યો? જો આવ્યો હોય તો આજે જ તેને ફોન કરજો. કદાચ તે પણ તમારી રાહ જોતો હશે અને કદાચ તે પણ એટલું જ કહેવા માંગતો હશે 'યાર… ઘણા દિવસથી વાત જ નથી થઈ…'
આ લેખ વાંચીને એવું ન માનશો કે દરેક મિત્રતા પવિત્ર જ હોય છે. મિત્રતાની જેમ જ ખોટી મિત્રતા (્ર્ટૈબ ખિૈીહગજરૈૅ) પણ એક વાસ્તવિકતા છે. મારા ક્લિનિકમાં ઘણા યુવાનો એવા આવે છે જેમને પ્રેમમાં નહીં, પરંતુ મિત્રતામાં દગો મળ્યો હોય છે. કેટલાક મિત્રો ફક્ત તમારો ઉપયોગ કરે છે. કેટલાક મિત્રો તમારી સફળતા સહન કરી શકતા નથી. કેટલાક મિત્રો સતત તમારી ટીકા કરે છે, તમારો આત્મવિશ્વાસ તોડી નાખે છે અને પછી તેને જ મજાકનું નામ આપે છે. આવા લોકો મિત્ર નથી, તેઓ તમારી માનસિક શાંતિના ચોર છે. સાચો મિત્ર તમને તમારી કિંમત સમજાવે છે. ખોટો મિત્ર તમને તમારી કિંમત પર શંકા કરાવે છે.
માનસશાસ્ત્ર કહે છે કે જે સંબંધમાં સતત ભય, અપરાધભાવ, અપમાન, ઈર્ષ્યા કે માનસિક થાક અનુભવાય, તે સંબંધ મિત્રતા હોય તો પણ સ્વસ્થ નથી. એટલે મિત્ર પસંદ કરતી વખતે માત્ર સાથે હસનાર નહીં પરંતુ તમારા વ્યક્તિત્વનો આદર કરનાર વ્યક્તિ પસંદ કરો.
એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગંભીર ડિપ્રેશનમાં હતા. વ્યવસાયમાં નુકસાન, દેવાં, અનીન્દ્રા, આત્મહત્યાના વિચારો. એક દિવસ તેમણે નક્કી કરી લીધું હતું કે હવે જીવનનો અંત આણવો છે.
ત્યારે અચાનક તેમના સ્કૂલના મિત્રનો ફોન આવ્યો. ત્રીસ વર્ષ પછી. માત્ર એટલા માટે કે, 'આજે તારો જન્મદિવસ યાદ આવ્યો.' બન્ને મળ્યા. વાતો શરૂ થઈ. દર્દીએ પહેલીવાર પોતાના મનનો ભાર કોઈની સામે ઉતાર્યો. પછી તેણે મને કહ્યું, 'જો એ ફોન અડધો કલાક મોડો આવ્યો હોત તો કદાચ હું આજે જીવતો ન હોત.' કેટલીક વખત ભગવાન પોતે મદદ કરવા નથી આવતા પણ મિત્રના સ્વરૂપે આવી જાય છે.
મિત્રો પસંદ કરવા એ એક કળા છે 'સંકટ પહેલાં હજારો મિત્રો હોય છે પણ સંકટ પછી જે બાકી રહે, તે જ સાચો મિત્ર.' મિત્ર પસંદ કરતી વખતે પાંચ બાબતો યાદ રાખજો. શું તે તમારી સફળતાથી ખુશ થાય છે? શું તે તમારી ગેરહાજરીમાં તમારી ઇજ્જત રાખે છે? શું તે તમારી ભૂલ પર તમને રોકે છે? શું તમારી પાસે કશું ન હોય ત્યારે પણ તે તમારી સાથે રહે છે? અને શું તેની સાથે રહેવાથી તમે વધુ સારા માણસ બનો છો? જો જવાબ ધહાધ હોય… તો ભગવાને તમને અમૂલ્ય ભેટ આપી છે.
કોઈ પણ લાંબા સમયની મિત્રતા એવી નથી જેમાં ક્યારેય ગેરસમજ ન થઈ હોય. મિત્રતા ટકી રહે છે કારણ કે ત્યાં અહંકાર કરતાં ક્ષમા મોટી હોય છે. કેટલાક લોકો આખી જિંદગી એક ફોન ન કરવાના અહંકારમાં મિત્ર ગુમાવી દે છે. એક પ્રશ્ન હું ઘણી વખત પૂછું છું. 'વધારે મહત્વનું શું છે? મિત્ર કે તમારો અહંકાર?' જીવનનો અનુભવ કહે છે. અહંકાર હંમેશા એકલો રહી જાય છે. મિત્રતા હંમેશા માણસને સમૃદ્ધ બનાવે છે.
મારા ક્લિનિકલ અનુભવમાં એક રસપ્રદ વાત જોવા મળે છે. સ્ત્રીઓ દુ:ખમાં મિત્રો સાથે વાત કરે છે. પુરુષો ઘણી વખત મૌન થઈ જાય છે. તેઓ વિચારે છે, 'હું બધું એકલો સંભાળી લઈશ.' આ મૌન ઘણી વખત ડિપ્રેશન, દારૂની લત, ચિંતા અને આત્મહત્યાના જોખમમાં વધારો કરે છે. દર વર્ષે વિશ્વમાં આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતાં વધુ હોવાનું એક કારણ એ પણ છે કે ઘણા પુરુષો પોતાની લાગણીઓ કોઈ સાથે વહેંચતા નથી. હું મારા દરેક દર્દીને એક સલાહ આપું છું. જીવનમાં ઓછામાં ઓછા બે એવા મિત્રો રાખજો જેમની સામે તમે રડી શકો. રડવાથી માણસ નબળો બનતો નથી. એકલા રડવાથી જરૂર નબળો બની જાય છે.
નિવૃત્તિ પછી માણસનો હોદ્દો સમાપ્ત થાય છે. ઓફિસ છૂટી જાય છે. બેઠકો બંધ થઈ જાય છે. મોબાઇલ ઓછો વાગે છે. ઘણા લોકોને લાગે છે કે હવે દુનિયાને મારી જરૂર નથી. એ સમયે બાળપણનો મિત્ર દરવાજે આવીને કહે, 'ચાલ… જૂના અડ્ડા પર ચા પીવા જઈએ.' અને માણસ ફરી વીસ વર્ષ નાનો થઈ જાય. વૃદ્ધાવસ્થામાં બ્લડપ્રેશરની ગોળી જેટલી જ જરૂરી વસ્તુ છે જૂના મિત્રોનો સાથ.
આજે મિત્રતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, એક્સેપ્ટ થઈ, અને આપણે તેને મિત્ર માનવા લાગ્યા. પરંતુ મિત્રોની સંખ્યા મોબાઇલ નક્કી કરતું નથી. મિત્રોની કિંમત સમય નક્કી કરે છે. ફેઈસબુક તમારી તસવીરો સાચવી શકે પરંતુ તમારી આંખના આંસુ લૂછી શકતું નથી. ઈનસ્ટાગ્રામમાં લોકો તમારી સ્ટોરીઝ જોઈ શકે પરંતુ તમારી જીવનકથા સમજી શકતું નથી. ઉરચાજછૅૅ પર હજારો મેસેજ આવી શકે… પરંતુ હોસ્પિટલના બેડ પાસે બેસી રહેવાની જગ્યા હજુ પણ માત્ર મિત્ર જ ભરી શકે છે.
ફ્રેન્ડશિપ ડે પર એક મિત્રને મળો. તેને ગળે લગાડો. અને કહો… 'આભાર… તું મારી જિંદગીમાં છે.' વિશ્વાસ રાખજો… આ શબ્દો સાંભળીને કદાચ તેની આંખ ભીની થઈ જશે.
એક વૃદ્ધ વ્યક્તિને પૂછવામાં આવ્યું, 'તમારી આખી જિંદગીમાં સૌથી મોટો નફો કયો થયો?' લોકોને લાગ્યંુ કે કદાચ તેઓ પોતાની કંપની વિશે કહેશે. સંપત્તિ વિશે કહેશે. પરંતુ તેમણે સ્મિત કરીને જવાબ આપ્યો, 'મેં જીવનમાં એવા પાંચ મિત્રો કમાયા જે આજે પણ મને મારા નામથી નહીં પણ પ્રેમથી બોલાવે છે.' કેટલી સુંદર વાત છે. અંતે માણસને તેની સંપત્તિ નહીં તેના સંબંધો ધનિક બનાવે છે.
એક દિવસ એવો આવશે. જ્યારે તમે તમારા કોઈ મિત્રને છેલ્લી વખત ક્યારે મળ્યા હતા તે તારીખ પણ યાદ નહીં હોય. સમય ખૂબ શાંત ચોર છે. તે ધીમે ધીમે વર્ષો ચોરી લે છે. મુલાકાતો ચોરી લે છે. સંબંધો ચોરી લે છે. અને પછી એક દિવસ ખબર પડે છે કે જે મિત્રને ફોન કરવાનો વિચાર દર અઠવાડિયે આવતો હતો તેને ફોન કરવાની તક હવે ક્યારેય નહીં મળે.
જિંદગીમાં પૈસા ફરી કમાઈ શકાય. પ્રતિષ્ઠા ફરી મેળવી શકાય. વ્યવસાય ફરી ઊભો કરી શકાય. પરંતુ સાચો મિત્ર ફરીથી બનાવવો બહુ મુશ્કેલ છે. એટલે મિત્રોને સાચવો. તેમને સમય આપો. તેમને સાંભળો. તેમને માફ કરો. અને સૌથી અગત્યનું તેમને ક્યારેય એવું ન લાગવા દો કે તેઓ એકલા છે.
મિત્રતા એ એવો સંબંધ છે જેમાં બે લોકો એકબીજાનું જીવન બદલવાનો પ્રયત્ન નથી કરતા… પરંતુ એકબીજાને જીવન જીવવાની હિંમત આપે છે.
ન્યુરોગ્રાફ
'જો જીવનમાં એક પણ એવો મિત્ર હોય, જેને તમે રાત્રે બે વાગ્યે ફોન કરી શકો… તો તમે દુનિયાના સૌથી ધનિક માણસ છો.'