Shatdal

વિશ્વ આખાના નિયમ તું બે ઘડી ભૂલી જજે અંતરાત્મા જે કહે બસ એ જ સાચું માનજે

By GS Team
4 Aug 20269 mins read
વિશ્વ આખાના નિયમ તું બે ઘડી ભૂલી જજે અંતરાત્મા જે કહે બસ એ જ સાચું માનજે
  • યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
  • સુકેતુ સ્તબ્ધ હતો. પોતે અહીં છે એ વાત આ સ્ત્રીએ એના પતિને કેમ ના કહી? અવનવી રંગીન કલ્પનાઓ વચ્ચે એના પેટમાં જાણે હજારો પતંગિયા ઉડાઉડ કરતાં હોય એવી અનુભૂતિ થતી હતી

ગુ રૂકુળ પાસે બાઇક ઊભું રાખીને સુકેતુએ બોપલમાં રહેતા મિત્ર બિપીનને ફોન કર્યો. ''અલ્યા, તારી રાહ જોઈને ઊભો છું. હમણાં વરસાદ તૂટી પડશે એવું લાગે છે. તું કેટલી વારમાં આવે છે ?''
''અહીંયા તો વરસાદ એવો તૂટી પડયો છે કે નીકળાય એવું જ નથી…'' બિપીને જવાબ આપ્યો. ''એક કામ કર. અત્યારે તું એકલો જઈ આવ.''
મોબાઇલ ખિસ્સામાં મૂકીને સુકેતુએ આકાશ સામે નજર કરી. ભયાનક કાળા વાદળો ઘેરાયાં હતાં. ગયા અઠવાડિયે અવિનાશભાઈએ પૂરી આત્મીયતા દર્શાવીને ફોન ઉપર વિગતવાર સરનામું સમજાવ્યું હતું. એ શબ્દો સુકેતુને યાદ હતા.
''જો દોસ્ત, અમદાવાદ તારા માટે અજાણ્યું છે, એટલે મારું સરનામું સમજી લે. હેલ્મેટ સર્કલથી તું આવે પછી ગુરૂકુળથી જમણા હાથે સીધે સીધું દોઢેક કિલોમીટર આગળ વધજે. એમ્પાયર શોપિંગ સેન્ટરની સામે ફાસ્ટફૂડની દુકાન પાસે જે ગલી પડે એમાં સૌથી છેલ્લે અમારા ફલેટ છે. ગ્રાઉન્ડ ફલોરના બે ફલેટ પૈકી અમારી જોડેનો ફલેટ તો બે વર્ષથી ખાલી જ છે. બાકી રહ્યો એ મારું ઘર. ત્યાં પહોંચીને બેલ મારજે. સાંજે સાડા સાત પછી હું ઘેર જ હોઉં છું. ગમે ત્યારે આવી જજે…''
સુકેતુએ કાંડા ઘડિયાળમાં જોયું. પોણા આઠ વાગ્યા હતા. વાત એમ હતી કે વડોદરાની ફાઇન આર્ટસમાં અભ્યાસ પૂરો કર્યા પછી સુકેતુ અમદાવાદમાં જાહેરખબરની એજન્સી ખોલવા માગતો હતો. અમદાવાદનું ફિલ્ડ એના માટે સાવ નવું હતું. ફાઇન આર્ટસના પ્રિન્સિપાલને સુકેતુ માટે લાગણી હતી. એમણે અમદાવાદમાં રહેતા પોતાના જૂના વિદ્યાર્થી અને હાલમાં જાહેરાતના ક્ષેત્રે માસ્ટરી ધરાવતા અવિનાશને ફોન કરીને સુકેતુની ભલામણ કરીને એને માર્ગદર્શન આપવા કહ્યું હતું. એ પછી સુકેતુએ અવિનાશને ફોન કર્યો ત્યારે એણે સરનામું સમજાવીને ઘેર આવવા કહ્યું હતું. એ દરમ્યાન સુકેતુએ પાલડીમાં મકાન ભાડે રાખ્યું એની પળોજણમાં છ-સાત દિવસ વીતી ગયા હતા. નવી એજન્સી ખોલતાં પહેલા પચીસ વર્ષના સુકેતુને કોઈ સિનિયરનું માર્ગદર્શન જરૂરી હતું એટલે અત્યારે અવિનાશભાઈને પહેલી વાર મળવા માટે સુકેતુ બાઇક લઈને એમના ફલેટ તરફ જઈ રહ્યો હતો. બોપલવાળો મિત્ર સાથે આવવાનો હતો, પણ વરસાદને લીધે એ સાથે આવ્યો નહોતો. આમ પણ એ માત્ર મૂડીરોકાણમાં જ ભાગીદાર બનવાનો હતો.
વિગતવાર સરનામું સમજાવેલું હતું એટલે સુકેતુ ફલેટ સુધી પહોંચી ગયો. બાઇક પાર્ક કરતી વખતે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો અને આકાશ ગોરંભાયેલું હતું. વીજળીના ચમકારા થતા હતા. જલ્દી ઊભા થઈ જવું પડશે એ વિચાર સાથે એણે બેલ દબાવ્યો. બારણું ખૂલ્યું એ જ વખતે જોરદાર વીજળીનો કડાકો થયો. સુકેતુને તો એક સાથે બે વીજળી ચમકી હોય એવું લાગ્યું. ત્રીસેક વર્ષની સાગના સોટા જેવી નમણી યુવતી સામે એ તાકી રહ્યો.
''સાહેબ નથી ?'' ડ્રોઇંગરૂમમાં નજર ફેરવીને સુકેતુએ પૂછ્યું. ''એ આવતાં જ હશે.'' બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો એ યુવતીએ કહ્યું. ''વાછટથી ભિંજાઈ જશો. પ્લીઝ, અંદર આવો.''
લગીર સંકોચ સાથે સુકેતુ બારણાંમાં જ ઊભો રહ્યો. વાઝડી સાથે જોરદાર વરસાદને લીધે વાછટ અંદર સુધી આવતી હતી. ''તમને સંભળાય છે, ભાઈ ? અંદર આવો.'' એ યુવતીના અવાજમાં આદેશ હતો. એની અવગણના કરવાનું સુકેતુ માટે અશક્ય હતું. સંકોચ સાથે એ અંદર પ્રવેશ્યો. પેલી યુવતીએ બારણું બંધ કરી દીધું.
''થેન્ક ગોડ ! તમે પલળ્યા નથી…'' એણે સુકેતુ સામે જોયું અને સોફા તરફ ઈશારો કર્યો. ''તમારા અવિનાશસરની મિસિસ છું, કલ્યાણી. તમે?''
''સુકેતુ. બરોડામાં ફાઈન આર્ટસ કર્યા પછી અહીં અમદાવાદમાં એડ એજન્સી શરૂ કરવાનો વિચાર છે. એ માટે સરના ગાઈડન્સની જરૂર હતી. ફોન ઉપર સરનામું સમજાવીને એમણે કહેલું કે સાંજે સાડા સાત પછી ગમે ત્યારે ઘેર આવજે.''
કલ્યાણીનું રૂપ જોઈને એની સામે નજર મેળવવાની પણ હિંમત ના હોય એમ સુકેતુ દીવાલ પરના ટીવીના સ્ક્રીન સામે તાકીને બોલ્યો.
''નો પ્રોબ્લેમ. હી વિલ ગાઈડ યુ…'' કલ્યાણીએ હસીને કહ્યું : ''અત્યારે તો તમારા ગાઈડ જ ગૂમ થઈ ગયા છે. કલાકાર આત્મા છે, એટલે આજે મોબાઇલ પણ ઘેર ભૂલી ગયા છે. બે-ત્રણ કામ પતાવીને બોપલમાં રહેતા એમના મોટા ભાઈ-મારા જેઠના ઘેર જવાનું કહેતા હતા. બસ, હવે આવતાં જ હશે.'' ફરીથી વીજળીનો જોરદાર કડાકો થયો અને પૂરી આક્રમકતાથી વરસાદ તૂટી પડયો. સુકેતુ ટીવી સામે જોઈ રહ્યો હતો. કોઈ જૂની હિન્દી ફિલ્મ ચાલુ હતી. કલ્યાણીએ ટિપોઈ પરથી રિમોટ હાથમાં લીધું અને ગુજરાતી ન્યૂઝ ચેનલ કરી. બ્રેકિંગ ન્યૂઝમાં અમદાવાદનો વરસાદ છવાયો હતો. એન્કર છોકરી ચિલ્લાઇ ચિલ્લાઇને બોપલ અને એસ.જી. હાઈવે પર ભરાયેલા પાણીના દ્રશ્યો બતાવી રહી હતી.
''તમે ચા પીશો ?'' કલ્યાણીએ નજીક આવીને પૂછ્યું એટલે સુકેતુએ નકારમાં માથું ધૂણાવ્યું. ''અરે ભાઈ ! સાહેબ ઘર લઈને નથી ગયા. શરમમાં ના રહેતા. આ વાતાવરણમાં ચા સારી લાગશે…'' એ રસોડા તરફ વળી. ''હું મારી બનાવું છું. ઈચ્છા હોય તો બોલો. ખોટી શરમમાં ના રહેતા.'' સુકેતુએ એની સામે જોયું અને હકારમાં માથું હલાવ્યું. બહાર વરસાદ ધોધમાર વરસતો હતો.
થોડી વારમાં કલ્યાણી ચા લઈને આવી ત્યારે ટીવી ઉપર વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો ચાલુ હતા. સુકેતુ સાહજિકતાથી જોઈ રહ્યો હતો. ''ઓહ ગોડ !…'' ચાના કપ ટિપોઈ પર મૂકીને ટીવી સામે જોઈને કલ્યાણી ચિંતાતુર અવાજે બબડી. ''સાહેબને આવવામાં તકલીફ પડશે. ખરેખર ઉપાધિ થઈ જશે.''
''કેમ ?'' વિજયે તરત પૂછ્યું.
''તમે અમદાવાદમાં નવા છો, એટલે તમને આ ઉપાધિની ખબર નથી. સહેજ વધુ પાણી ભરાશે એ પછી અહીં આવવાના બધા રસ્તા બંધ થઈ જશે…'' એણે પૂછ્યું. ''તમે તો પ્રોપર વડોદરાના છોને ?''
''વડોદરા તો હોસ્ટેલમાં રહીને ભણતો હતો. બાકી મૂળ ગામ તો બોટાદ.''
''બોટાદ ?…'' કલ્યાણીની આંખ ચમકી. ''બોટાદમાં ક્યાં ? તમારું આખું નામ ?''
સુકેતુને પણ નવાઈ લાગી. ''બોટાદમાં મહાલક્ષ્મી શેરીમાં ત્રણ માળિયું વૈદનું મકાન. મનસુખભાઈ વૈદ એ મારા પપ્પા.''
''ધત્ તેરેકી… સા… પેંડિયા!…'' કલ્યાણી ખડખડાટ હસી પડી. ''બકા, અત્યાર સુધી હું તને સાવ ખોટું તમે… તમે કહેતી રહી !'' હસતી વખતે કલ્યાણીનો ચહેરો આનંદથી ખીલી ઉઠયો હતો.
સુકેતુ ગૂંચવાયો હતો. પોતાના ઘરનું જે હૂલામણું નામ હતું - એની આ રૂપાળીને ક્યાંથી ખબર ?
''ડોબા ! તારી મોટીબેન નીલા મારી ખાસ બેનપણી. હું કોલેજમાં આવી એ જ વર્ષે મારા બાપાની બોટાદ બદલી થયેલી. કોલેજના પહેલા દિવસથી છેક બી.એ. વિથ સાયકોલોજી થઈ ગયાં ત્યાં સુધી અમે બંને એક જ બેન્ચ ઉપર બેસીને ભણેલાં. તારા ઘેર હું ને નીલા એક થાળીમાં કેટલીય વાર સાથે જમેલાં. તું તો હોસ્ટેલમાં રહેતો હતો એટલે મને સરખી રીતે નથી ઓળખતો. બાકી નીલા તો એના લાડકા ભાઈની એકેએક વાત મને કહે, એટલે એ રીતે હું તને બરાબર ઓળખું…'' એણે હસીને ઉમેર્યું. ''તું નાનો હતો ત્યારે રોજ નિશાળે જતી વખતે નાસ્તામાં પેંડો જ લઈ જતો હતો. પેંડા ના મળે ત્યારે કકળાટ કરીને આખું ઘર માથે લેતો હતો, એટલે તારું નામ પેંડિયો પડેલું એ પણ મને ખબર છે !…'' એણે ટીવીના સમાચાર ઉપર નજર ફેરવી અને સહેજ ગંભીર બનીને સુકેતુ સામે જોયું.
''પેંડિયા ! ટુ બી વેરી ફ્રેન્ક, ચા બનાવતી વખતે હું સિરિયસલી વિચારતી હતી કે આ માણસને કઈ રીતે ફૂટાડવો ? સાહેબ ક્યાંક ફસાઈ ગયા હશે અને ઘેર આવી શકે એવી કોઈ શક્યતા નથી, એટલે આ હીરોને ચા પીવડાવીને કઈ રીતે ભગાડવો એ પ્લાનિંગ વિચારતી હતી ! પણ થેન્ક ગોડ ! તું નીલાનો ભાઈ નીકળ્યો એટલે હવે વાંધો નહીં…'' એણે ખરા હૃદયની લાગણીથી પૂછ્યું, ''સાચું બોલ. જમવાનું બાકી છેને ?''
ભૂખ તો લાગી હતી અને આ પરિચય પછી જુઠ્ઠું બોલવાની જરૂર નહોતી. સુકેતુએ હકારમાં માથું હલાવ્યું. કલ્યાણી ઊભી થઈ. ''સાહેબના નસીબનું છે એ બધું આજે તને મળશે.''
બહાર કચકચાવીને વરસાદ વરસતો હતો. હોટલનું ખાનાર સુકેતુને કલ્યાણીના હાથનું ભોજન અમૃત જેવું લાગ્યું. એ આભારવશ નજરે કલ્યાણી સામે તાકી રહ્યો.
જમીને બંને ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર બેઠાં. ટીવી પર હેલ્મેટ ચાર રસ્તા અને બોપલમાં ભરાયેલા પાણીના અને ફસાયેલા વાહનોના દ્રશ્યો રિપિટ થયા કરતા હતા.
''પત્યું…'' કલ્યાણીએ સુકેતુ સામે જોયું. ''હવે અવિનાશ સવાર સુધી ઘેર નહીં આવી શકે અને તું અહીંથી જઈ નહીં શકે… એ ધૂની કલાકારને કોઈકનો ફોન લઈને મને ફોન કરવાની પણ સૂઝ નથી !''
એ જ વખતે કલ્યાણીનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન ઉપર અવિનાશના મોટાભાઈનો નંબર જોઈને એણે સુકેતુ સામે જોયું. ''તું ચૂપ રહેજે…'' નાક ઉપર આંગળી મૂકીને એણે સુકેતુને ચૂપ રહેવાની સૂચના આપીને ફોન ઉઠાવ્યો
''બોલો સાહેબ, મોટાભાઈના ફોન ઉપરથી ફોન કરવાનું છેક અત્યારે સૂઝ્યું ખરું તમને !…'' કલ્યાણી હસીને બોલી. ''અહીં પણ જોરદાર વરસાદ છે. હેલ્મેટ ચાર રસ્તે તો તળાવ ભરાયું છે…'' સામા છેડેથી જે કહેવાયું એ સાંભળીને એણે જવાબ આપ્યો. ''મારી જરાયે ચિંતા ના કરતા. આરામથી જમી લીધું છે. ટીવીનો કંટાળો આવશે ત્યારે ઊંઘી જઈશ. સવારે ઘેર આવો ત્યારે સાચવીને આવજો.''
મોબાઇલ ટિપોઈ પર મૂકીને એણે સુકેતુ સામે મોં મલકાવ્યું. સુકેતુ સ્તબ્ધ હતો. પોતે અહીં છે એ વાત આ સ્ત્રીએ એના પતિને કેમ ના કહી ? અવનવી રંગીન કલ્પનાઓ વચ્ચે એના પેટમાં જાણે હજારો પતંગિયા ઉડાઉડ કરતાં હોય એવી અનુભૂતિ થતી હતી. ફરીવાર સ્મિત ફરકાવીને કલ્યાણી ઊભી થઈને અંદરના રૂમમાં ગઈ. એની પીઠ પાછળ લહેરાતા ઘાટા લાંબા વાળ સામે સુકેતુ તાકી રહ્યો. બહાર હજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.
બે મિનિટ પછી હાથમાં ઓશિકું અને બ્લેન્કેટ લઈને કલ્યાણી બહાર આવી. ગૂંચવાયેલા સુકેતુના માથે ટપલી મારીને એ હસી પડી. ''પેંડિયા ! તું નીલાનો ભાઈ એટલે મારો નાનો ભાઈ જ કહેવાય. વધારે પડતું કશું વિચાર્યા વગર સોફા ઉપર આરામથી ઊંઘી જા. હું પણ થાકેલી છું અને સવારે છ વાગ્યે ઉઠવાનું છે. આ તારી નીલાબેનનું જ ઘર છે એમ સમજીને નિરાંતે સૂઈ જા. સવારે ચા બનાવીને તને જગાડીશ.''
એ અંદરના ઓરડામાં ગઈ અને બારણું બંધ કરી દીધું. વિચારોના આટાપાટામાં સુકેતુ સોફા ઉપર આડો પડયો.
સવારે વરસાદ અટકી ગયો હતો. સાડા છ વાગ્યે ચાનો કપ ટિપોઈ ઉપર મૂકીને કલ્યાણીએ સુકેતુને જગાડયો. ''ચા પી લે, બેટા ! હવે રસ્તાઓ ખૂલી ગયા હશે.''
સુકેતુ એ ચા પીધી. બૂટ પહેર્યાં અને બાઇકની ચાવી હાથમાં લીધી. કલ્યાણી એની સાથે બારણાં સુધી આવી.
''મારા વર્તનથી તને નવાઈ લાગી હશે…'' એનો અવાજ ગંભીર હતો. ''અવિનાશનો ફોન આવ્યો અને હું જવાબ આપતી હતી ત્યારે તારા મનમાં જાતજાતના વિચારો રમતાં હશે એનો મને ખ્યાલ હતો. ના કરવા જેવા વિચારો પણ તારા નાદાન દિમાગમાં ઘૂમરાતા હશે. રાઇટ ?'' સુકેતુ શરમાઈને નીચું જોઈ ગયો. ''સાંભળ, મારા ભાઈ ! અવિનાશ નખશિખ સજ્જન છે. મારા માટે એને અનહદ સ્નેહ અને લાગણી છે. એ છતાં એ મારો પતિ છે, પુરુષ છે. રાત્રે આપણે એવી પરિસ્થિતિમાં મૂકાયા હતા કે મેં તારી હાજરીનો ઉલ્લેખ ના કર્યો. મનના એક અગોચર ખૂણામાં શંકાના સાવ નાના ઈંડા દરેક પતિના હૃદયમાં ધરબાયેલાં હોય છે. કોઈ નબળી પળે એમાંથી એકાદ ઈંડુ ફૂટે અને એમાંથી શંકાનો કીડો સળવળાટ કરે એ પછી પતિ-પત્નીના સંબંધના સમીકરણો બદલાઈ જાય છે. તને આશરો આપવાની ફરજ મેં નિભાવી. આપણા મનની નિર્મળતા એ આપણી તાકાત હતી. સાથોસાથ પત્ની તરીકે મારે મારો ઘરસંસાર પણ સાચવવાનો હતો. પતિ તરીકે પુરુષના વર્તનની આગાહી શક્ય નથી. આજે નહીં તો પાંચ વર્ષ પછી પણ કંઈક વાંકુ પડે એ પળે પેલું ઈંડુ ફૂટે ને શંકાનો કીડો સળવળે… એવો કોઈ ચાન્સ લેવાની મારી તૈયારી નહોતી, ભાઈ !…''
સુકેતુ સ્તબ્ધ બનીને સાંભળતો હતો. ''અલબત્ત, એણે એ મતલબનું કંઈક પૂછ્યું હોત તો મારાથી જુઠું ના બોલાત, પણ એણે પૂછ્યું નહીં એટલે મેં જણાવ્યુ નહીં. આપણું મન પવિત્ર હોય તો પછી વધુ પડતાં વેવલાં થઈને પગ ઉપર કુહાડી શા માટે મારવી ?…'' એણે સુકેતુના માથે હાથ મૂક્યો. ''તું પણ આ આખી વાત ભૂલી જજે, મારા ભાઈ !''
એ બોલતી હતી. નાનપણમાં પૂજાની ઓરડીમાં દેવીઓની છબી સુકેતુએ જોઈ હતી. અત્યારે કલ્યાણીના ચહેરા પર એવું જ પવિત્રતાનું તેજ ઝળકતું હોય એવું એને લાગતું હતું.
(શીર્ષક પંક્તિ : લેખક)