Shatdal

મંઝિલે લાખ કઠિન આયેં, ગુઝર જાયેંગે, હૌંસલા હાર કે બેઠેં તો મર જાયેંગે

By GS Team
11 Aug 20265 mins read
મંઝિલે લાખ કઠિન આયેં, ગુઝર જાયેંગે, હૌંસલા હાર કે બેઠેં તો મર જાયેંગે
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • નીટ પેપર લીક પછીની પુન: પરીક્ષા માત્ર આવડતની નહિ, માનસિક મજબૂતાઈની પણ પરીક્ષા હતી !

૨૦૨૬ની નીટની પરીક્ષા ઘટનાચક્રો : પેપરલીક, પરીક્ષા રદ, ફરી નીટની પરીક્ષા.
આખા દેશમાં હાહાકાર મચવો.
પરંતુ આ બધા પડકારો, રાજકીય રમતો અને અન્ય પરિબળોનો સામનો કરી ફક્ત 'નીટ'પરીક્ષાની સફળતાની અને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી ડૉક્ટર બનવું એ જ લક્ષ રાખનાર વિદ્યાર્થીઓની આજે વાત કરવી છે.
પેપર લીક વગેરે ઘટના ખૂબ જ ખરાબ અને દુષ્કર્મ સમાન છે પણ આ સામાજિક પડકાર સામે આ વિદ્યાર્થીઓના દ્રઢ મનોબળ કરી પરીક્ષા આપી અને તે પણ પોતાના નીજી જીવનના પડકારો સાથે.
'ડૉક્ટર બનવું એ મારું સમજણ મેળવ્યા પછીનું સ્વપ્ન હતું. પહેલી બે વાર નીટની પરીક્ષામાં ઉત્તીર્ણ ના થઈ શકી. ૨૦૨૬ની નીટની પરીક્ષામાં સારા સ્કોરસાથે ઉત્તીર્ણ થઈ પરંતુ દસ જ દિવસમાં ખબર પડી કે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થઈ છે ને ફરી લેવાશે. આ ઘટનાએ શરૂઆતમાં હું ડીપ્રેશનમાં સરી ગઈ.
પરંતુ મારા શિક્ષકની પ્રેરણા અને દ્રઢ મનોબળ કરવાની શક્તિ આપી મારા પિતાજીની મહેનતનું ઋણ મારે ચૂકવવાનું હતું. આથી હું આત્મવિશ્વાસ ભેગો કરી ફરી તૈયાર થઈ ગઈ. આ સામે ઘણા દેખાવો, ઉપવાસ, રાજકીય રમતો, રાજીનામું વગેરે જબરજસ્ત ઘટનાઓ દેશમાં બની પરંતુ મારા પર તેની કોઈ અસર ના થઈ.
મારું તો એક જ લક્ષ હતું નવી નીટની પરીક્ષામાં સારો સ્કોર લાવી, સફળતા મેળવવી અને ડૉક્ટર બનવાના સપનાનો 'મત્સ્ય વેધ'. - આ શબ્દો છે બિહારના દરભંગા જિલ્લાના નાના ગામના સામાન્ય ટ્રક ડ્રાઇવરની દીકરી કાયનાત ખાનમનાં.
બીજી વિદ્યાર્થિનીના શબ્દો : 'હું આઠમા ધોરણમાં હતી ત્યારે મારા પિતાજી સખત માંદા પડયા. અમારી પાસે દવાના પૈસા ન હોવાના કારણે હૉસ્પિટલમાં જ મારા પિતાજીનું મૃત્યુ થયું. બીજા ગરીબોની પણ મેં હૉસ્પિટલમાં આ સ્થિતિ જોઈ હતી આથી મેં દ્રઢપણે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું.
મારી માતા પિતાના મૃત્યુ પછી ઘરકામ કરી ઘર ચલાવે છે અને મને ભણાવે છે. આ આર્થિક પડકારો તો હતા જ. તેમાં નીટનું પેપર લીક થયું અને પછીના ઘટનાચક્રો.
પરંતુ આ બધા સામે આંખ આડા કાન કરી મેં મહેનત જ કરે રાખી, મારું લક્ષ હતું નીટની પરીક્ષા પાસ કરી ડૉક્ટર બનવાનું ને ગરીબોની સેવા કરવાનું.
બીજી વાર પરીક્ષા આપી સફળતા મેળવી - આ શબ્દો છે લખનૌ જિલ્લાના નાના ગામની નીટ પરીક્ષા આપનાર વિદ્યાર્થિની નીલુના
આ દાખલાઓ આપી લેખ લખવાનું ખાસ કારણ એ કે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવા પડકારોથી ગભરાઈને આત્મહત્યા કરે છે (નીટની પરીક્ષાના ચક્રવ્યૂહને કારણે ૨૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી) તે આત્મહત્યા તરફ ન વળે. વિસ્તારથી જોઈએ કાયનાત ખાન અને નીલુંના પડકારો અને નીટની સફળતાના મત્યસ્ય વેધને.
કાયનાત બિહારના દરભંગા જિલ્લાના મોરાવર ગામની એક ટ્રક ડ્રાઇવરની દીકરી, ઘરની સ્થિતિ અતિ સામાન્ય. ભણવાની હોંશને કારણે કાયનાતે શરૂઆતનું શિક્ષણ બંગાળમાં નાના- નાનીના શહેરમાં લીધું સમય સાથે ડૉક્ટર બનવાના સ્વપ્નાને પણ ઉંમર સાથે ઉછેર્યું.
પરંતુ કોવિડ આવતા તેને પોતાના ગામ મોરવાર પાછા આવવું પડયું. અહીં તે ૧૨મા ધોરણનું શિક્ષણ ઑનલાઇન લેતી કારણ કે કોવિડના લોકડાઉનમાં શાળાઓ બંધ હતી ગામમાં વીજળીનાં કનેક્શનના કારણે ઇન્ટરનેટની આવનજાવન રહેતી. જેથી બારમાના શિક્ષણમાં ખલેલ પડતી. સાથે તે નીટની પરીક્ષાની તૈયારી પણ કરતી, તેના ડૉક્ટર બનવાના સ્વપ્ન માટે તેના ટ્રક ડ્રાઇવર પિતાએ, દીકરીની ભણવાની ધગશ, દ્રઢ મનોબળ અને તેના સપના પ્રત્યેનું સમર્પણ જોઈ દરભંગા શહેરના એક સામાન્ય વિસ્તારમાં રૂમ ભાડે રાખી.
કાયનાતના પિતાના શબ્દોમાં, 'પહલે હમ લોગ ગાંવ મેં રહતે થે લેકિન, બેટી કી પઢાઈ ઓર ડૉક્ટર બનને કા સપના કે પ્રતિ લગાવ દેખ કે દરભંગામેં એક રૂમ કીરાયે પે લિયા. ટ્રક ડ્રાઇવર કી કમાઈ મેં રૂમ કા કીરાયા, ઘર ચલાના ઓર પઢાઈ કા ખર્ચા મુશ્કીલ થા પર બેટી કે લિયે કરને કી ઠાન લી ઓર દિન રાત મેહનત કરને લગા.' કાયનાત અબ 'નીટ' કી પરીક્ષા મેં સફલ હુઈ અબ ડૉક્ટર બનેગી.' - આ શબ્દો એક મહેનતું પિતાના જે બીજા પિતાને પ્રેરણા આપે છે.
આ બધા પડકારો પાર કરી કાયનાત ખાનમ ત્રીજી વાર નીટની પરીક્ષામાં પાસ તો થઈ પરંતુ પેપર લીક થતા તે નિરાશ થઈ ડીપ્રેશનમાં સરી પડી. તે સમયમાં નીટના ક્લાસ માટે ભણાવતા શિક્ષક પ્રેરણાના સ્ત્રોત બન્યા. તેમણે કાયનાતને હિમ્મત આપી કે, 'છેલ્લી વાર નીટની પરીક્ષા આપ. તારામાં હોંશિયારી ને કાબેલિયત છે એમ જીવનમાં આવી મુશ્કેલીઓથી ન ડરાય.'
તેમણે કાયનાતને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તે ક્લાસમાં નીટ માટે એટલા અઘરા પેપર કાઢતા કે, એક સમયે કાયનાતનો આત્મવિશ્વાસ ડગી જતો પરંતુ આજે ખરું પડકાર ઝીલવાનું પ્રેરણાબળ હતું. બસ એ જ પ્રેરણાબળ હિંમત બની અને કાયનાત બીજી નીટની પરીક્ષામાં સારા માર્કસ ૫૯૩/ ૭૦૦ માંથી (AIR) નીટમાં ૧૪૦૭ નંબરે આવી અને તેની ડૉક્ટર બનવાની યાત્રાના પગરણ માંડયા.
બીજી વિદ્યાર્થિની નીલુની નીટની પરીક્ષા માટેની પ્રેરણા યાત્રા જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે લખનૌ જિલ્લાના નાના ગામની વતની નીલુ ધોરણ આઠમાં હતી ત્યારે પિતાજીનું બીમારીમાં અવસાન થયુ. તેમની તકલીફો અને પૈસાનાં અભાવે તબીબી ટ્રીટમેન્ટ ન કરી શક્યા આથી ડૉક્ટર બનવાનું સ્વપ્ન દ્રઢ બનાવ્યું.
પિતાના મૃત્યુના કારણે આર્થિક જવાબદારી માતાએ ઉપાડી અને તેણે ઘરકામ કરવા શરૂ કર્યા જેમાં તેને મહિને દસથી બાર હજાર રૂપિયા મળતા આ નાની આવકમાં ઘરખર્ચને અન્ય જવાબદારી ઉપરાંત તેણે નીલુના ભણવામાં ખાસ્સી મદદ કરી તે હૉસ્પિટલમાં રાત્રિ આયાની શિફ્ટ પણ કરતી.
નીલુ તેની મહેનત કરે જતી હતી, દ્રઢ મનોબળ અને સખત મહેનતે તેના બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં ૯૪ ટકા માર્કસ આવ્યા તેણે નીટની તૈયારી પણ કરી હતી આથી તે પરીક્ષાઓ આપી.
પેપર લીક થતા પરીક્ષા રદ થઈ પણ નીલુએ એ બધી ઘટનાચક્રને નજરઅંદાજ કરી અને ફરી મહેનત કરી નીટની પરીક્ષા આપી અને તેણીને 'વહાદીની' સ્કોલરશીપ મળી જે તેનો સંપૂર્ણ મેડિકલનો (તબીબી ભણતર)નો ખર્ચો ઉપાડશે.
ખાસ આ લેખ લખવા પાછળ બે મુદ્દાઓ પર ફોક્સ કરવું છે.
૧. 'નીટ'ની પરીક્ષા જેવી ઓલ ઓવર ઇન્ડિયાની પરીક્ષા કે કોઈ પણ પરીક્ષાનું પેપર લીક કરવું તે સામાજિક દુષ્કૃત્ય નહિ પણ કોઈનું ખૂન કરવા જેટલું જ ખરાબ કામ છે. કારણ કે આ કૃત્ય હજારો વિદ્યાર્થીઓની મહેનત, સપનાઓ ને માતાપિતાની મહેનત ને સપનાઓનું ખૂન કરે છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું આ પેપર લીક કરનારાઓનો આત્મા નહિ ડંખતો હોય ? આ કૃત્ય માટે તો આજીવન સખ્ત કેદની સજા જ હોવી જોઈએ જેથી સમાજમાં કોઈ આવી હિંમત ન કરે.
આ દ્રષ્ટાંતો એટલે આપ્યા છે કે ભારત જેવા દેશમાં જ્યાં કોઈ સામાજિક શિસ્ત કે કમિટમેન્ટ નથી ત્યાં આવી ઘટનાઓ બને જ ત્યારે વિદ્યાર્થીઓ આ પડકારનો સામનો કરી ઉપરની વિદ્યાર્થિનીઓની જેમ દ્રઢ મનોબળ કરી તેનો સામનો કરવો નહિ કે આત્મહત્યા. ઘરના કુટુંબીજનો અને શિક્ષકોનો સાથ ને પ્રેરણા મળવા ખૂબ જરૂરી છે.
વાંચકો તમારો શો અભિપ્રાય છે ?