Shatdal

કોઈ ટોકે તોય વટથી એ બિરાદર અવગણે વાત સાચી એમને વર્ષો પછી સમજાય છે

By GS Team
15 Sep 20269 mins read
કોઈ ટોકે તોય વટથી એ બિરાદર અવગણે વાત સાચી એમને વર્ષો પછી સમજાય છે
  • યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
  • જ્હોની સમયસર ઑફિસે આવી જાય. આરામથી પંખા નીચે બેસીને અખબારો કે મેગેઝિન વાંચ્યા કરે. છાપામાં શબ્દવ્યૂહની ઊભી-આડી ચાવીઓ ભર્યા કરે.

સ પ્ટેમ્બરની ત્રીસમી તારીખે બ્રાન્ચ મેનેજર સતીશ નિવૃત્ત થવાનો હતો. વર્ષો સુધી આ જ બ્રાન્ચમાં એણે કામ કર્યું હતું. નિવૃત્તિના દિવસે એક ભવ્ય સમારંભ યોજવાની બધા સ્ટાફ મેમ્બર્સની ઇચ્છા હતી, કારણ કે સતીશે દરેકની સાથે ખૂબ જ સારા સંબંધો જાળવીને ટીમવર્કને પ્રાધાન્ય આપ્યું હતું. આ કાર્યક્રમ કઇ રીતે ગોઠવવો એ અંગે સ્ટાફના બધાએ અંદરોઅંદર ચર્ચા કરી લીધી હતી અને અત્યારે સતીશને એની જાણ કરવા માટે દસેક માણસો સતીશની ચેમ્બરમાં આવ્યા હતા.
એ સહુ સ્ટાફ મેમ્બર્સ માટે સતીશે નાસ્તાનું કહીને અત્યારે ચા મંગાવી હતી. ચા પીધા પછી બધા સતીશના ટેબલની સામે ખુરસીઓમાં ગોઠવાઈ ગયા હતા. એ લોકો એમની વાતનો આરંભ કરે એ અગાઉ ટેબલ પર પડેલો લેન્ડલાઈન ફોન રણક્યો.
સતીશે રિસીવર હાથમાં લીધું. સામા છેડાનો અવાજ સાંભળીને સામે બેઠેલા સહુને શાંત રહેવાનો ઇશારો કર્યો. ફોનમાં કોઈ જવાબ આપ્યા વગર સતીશ સામેની વ્યક્તિની વાત શાંતિથી સાંભળી રહ્યો હતો. બધા ઉત્સુકતાથી એની સામે જોઈ
રહ્યા હતા.
પાંચ મિનિટ પછી ફોન મૂકીને સતીશે બધાની સામે જોયું. 'સોરી…' એ પછી સ્ટાફના જે જૂના ત્રણ માણસો હતા એમની સામે જોઇને જાણકારી આપી. 'અમેરિકાથી જ્હોનીનો ફોન હતો.'
એ પછી બાકીના સાતેય સામે જોયું. 'છ વર્ષ અગાઉ રિટાયર થયેલા આપણા એક સ્ટાફ મેમ્બરનો ન્યુજર્સીથી ફોન હતો.' એ પછી હસીને એણે વધુ પરિચય આપ્યો. 'અમેરિકા અને જ્હોની નામ સાંભળીને તમારી આંખ સામે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિનું ચિત્ર ઊભું ના કરતા. એનું ક્રિશ્ચિયન નામ અઘરું હતું એટલે અમે બધાએ એનું હૂલામણું નામ જ્હોની જ રાખી દીધેલું. બધા એને જ્હોની કહીને જ બોલાવતા હતા. અકાળ વૃદ્ધ જેવો ચીમળાયેલો ચહેરો, ઊંડી ઊતરી ગયેલી આંખો અને ટાલિયું માથું !…' સહેજ અટકીને અમે હસીને ઉમેર્યુ. 'ઓળખવા જેવો આલાગ્રાન્ડ નમૂનો છે. નખશિખ ટાઇપિસ્ટ. ઑફિસમાં ટાઈપ સિવાયનંઅ કોઈપણ કામ ક્યારેય નહીં કરવાની એણે તો ભીષ્મપ્રતિજ્ઞા લીધેલી. ઑફિસનું પૂરેપૂરું કામ કોમ્પ્યુટર ઉપર આવી ગયું એ પછી જ્હોનીભાઈને તો જલસો થઇ ગયો. કેટલાય ઑફિસર આવીને ગયા પણ જ્હોની એની જીદ પર અડીખમ. ટાઈપિંગ સિવાયનું કોઈ કામ હું નહીં કરું… બધાને જ્હોનીનો એ એક જ સ્ટાન્ડર્ડ જવાબ. અમુક ઑફિસરે એને પાસે બેસાડીને ચા પીવડાવીને સમજાવેલું કે ભાઈ, હવે ટાઈપિંગનું કોઈ કામ નથી, તો સહેજ રસ લઇને ક્લેરિકલ કામમાં મદદ કરો. જ્હોની એ એવી સલાહ ગણકારી નહોતી. કોઈ કડક અધિકારી બીજું કંઇક કામ સોંપવા ઇચ્છે ત્યારે જ્હોની કાયદાનો આશરો લે. મારી એપોઇન્ટમેન્ટ ટાઈપિસ્ટ તરીકે જ થયેલી છે એટલે ટાઈપિસ્ટને ટાઈપિંગ સિવાયનું કોઈ કામ તમે ક્યારેય ના આપી
શકો !…'
એક સાથે આટલું બોલીને સતીશ લગીર ્ટક્યો. યાદ કરીને એણે આગળ કહ્યું. 'જ્હોનીની આવી દલીલ પછી કડક ઑફિસર ઢીલો થઇ જાય. કોઈપણ કર્મચારીની કેડર બદલવાની સત્તા તો માત્ર હેડ ઑફિસ પાસે. અહીંના કોઈ ઑફિસર ઇચ્છે તો પણ જ્હોનીને ટાઈપિસ્ટમાંથી ક્લાર્ક ના બનાવી શકે. જ્હોની સમયસર ઑફિસે આવી જાય. આરામથી પંખા નીચે બેસીને અખબારો કે મેગેઝિન વાંચ્યા કરે. છાપામાં શબ્દવ્યૂહની ઊભી-આડી ચાવીઓ ભર્યા કરે. છાપામાં કોઈ રસ પડે એવા સમાચાર હોય તો એ પાનું લઇને બીજા પાસે જઇને એનો ટાઈમ પણ બગાડે. બાકીના સ્ટાફ મેમ્બર્સને પણ જાણે આ જ્હોની નામનું રમકડું મળી ગયું હતું. ભલભલા ઑફિસરની સામે વટથી તલવાર ખેંચીને કામ કરવાની જ્હોની ના પાડી દે, એ જોઇને બીજાઓને એની ઇર્ષા
થતી હતી…'
નમૂના જેવા કર્મચારીની આ વાત બધા ધ્યાનથી સાંભળતા હતા. સતીશ યાદ કરીને બોલી રહ્યો હતો.
'એ અરસામાં બ્રાન્ચ મેનેજર તરીકે જાનીસાહેબ આવ્યા. જાની સાહેબ અમારે ત્યાં આવ્યા એ અગાઉ એમના વિશેની બધી જાણકારી અમને મળી ગઈ હતી. નખશિખ સજ્જન અને સહૃદયી અધિકારી. એમની સામે લડતો ક્યારેય ના ફાવે, પણ રડતો ક્યારેય નિરાશ ના થાય એવો એમનો સ્વભાવ. શિસ્ત માટે ખૂબ કડક પણ કોઈ કર્મચારીના સંતાનની માંદગી કે એવું કોઈ કારણ એમને વ્યાજબી લાગે તો એને બધી છૂટ આપે.'
જાનીસાહેબે જ્હોનીને સમજાવવા ખૂબ મથામણ કરી પણ પથ્થર ઉપર પાણી. જ્હોનીની નફટાઈ જોઇને જાનીસાહેબનો જીવ બળતો. એ દુ:ખી થઈ જતા; પરંતુ ઑફિસના નિયમો જ્હોનીની તરફેણમાં હતા એટલે એ સમસમીને રહી જતા. અલબત્ત, ક્યારેક પેલાના મૂળિયાં બાળી નાખે એવું બોલતા પણ જ્હોની ઉપર એની કોઈ અસર નહોતી થતી. ઑફિસમાંથી છૂટીને જ્હોની પોતાની બીજી નોકરી પર જતો હતો. ન્યુ ક્લોથ માર્કેટમાં એક મારવાડી શેઠની પેઢી પર બે કલાક ટાઇપિંગનું કામ કરતો હતો. અહીં ઑફિસમાં આખા વર્ષમાં ના કર્યું હોય એટલું કામ એણે ત્યાં બે કલાકમાં કરવું પડતું હતું, એ પણ સાવ ઓછા વળતરમાં. એના આ ગેરકાયદેસર ઑફિસના નિયમ વિરૂદ્ધની નોકરી અંગેની જાણકારી પણ જાનીસાહેબના કાને પહોંચી હતી. તક મળે ત્યારે જ્હોનીને સંભળાવતા હતા કે અહીં મફતનો માતબર પગાર મેળવે છે અને ત્યાં શેઠિયો તને ચૂસી લે છે ! એ આવી ટકોર કરે પરંતુ જ્હોની બિન્દાસ હતો…'
જ્હોનીના પરિચયની આટલી કથા કહ્યા પછી સતીશે બધાની સામે જોયું. 'હું રિટાયર થવાનો છું એની એને ખબર પડી એટલે મને શુભેચ્છાઓ આપવા એણે ફોન કરેલો પરંતુ વચ્ચે કોઈ બાળકના રડવાનો અવાજ આવ્યો એટલે એણે કહ્યું કે દસેક મિનિટ પછી ફરીથી ફોન
કરું છું…'
ફરી વાર ચા-નાસ્તો આવી ગયો હતો. ચા-નાસ્તાની સાથે ઑફિસના આવા કામચોર-દાધારંગા નમૂનાઓ વિશેની ચર્ચા ચાલી. બારેક મિનિટ પછી ફરીથી ફોન રણક્યો એટલે બધા શાંત થઇ ગયા.
'સતીશ, સોરી, ટેણિયાએ ધમાલ કરી મૂકેલી એટલે વાત અટકાવી દેવી પડેલી…' જ્હોનીનો અવાજ ગંભીર બન્યો. 'દસ-બાર મિનિટ મને સાંભળવાની અનુકૂળતા તો છે ને ?'
'જ્હોનીભાઈ, જેટલી ઇચ્છા હોય એટલું બોલો. સાવ ફ્રી છું અત્યારે.' બધાની સામે આંખ મિચકારીને સતીશે હસીને જ્હોનીને કહ્યું. 'તમારા ડોલરિયા દેશમાં સેકન્ડે સેકન્ડની ગણતરી હોય, અહીં અમારે ઇન્ડિયામાં જલસા છે. તમતમારે આરામથી બોલો.'
'સતીશ, આજે અચાનક જાનીસાહેબની યાદ આવી ગઈ એટલે તારી સાથે વાત કરવાનું મન થયું…' જ્હોનીનો અવાજ વધુ ગંભીર બન્યો. 'ટુ બી વેરિ ફ્રેન્ક, દર રવિવારે ચર્ચમાં જાઉ છું. ત્યાં કન્ફેશનબોક્સ હોય છે એના વિશે તો ખબર છે ને ? તો સાંભળ…' જ્હોનીનાં ધીમા અવાજની ગંભીરતા વધુ ઘેરી બની.
'વચ્ચે કશું પૂછ્યા વગર મને હૈયું ઠાલવી લેવા દે. એમ ધારી લે કે હું અત્યારે કન્ફેશન બોક્સમાં ઊભો છું.' શબ્દોની પસંદગી માટે જ્હોની લગીર અટક્યો. સતીશ પણ ગંભીર બનીને આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો.
'જાનીસાહેબના શબ્દો હજુય કાનમાં પડઘાય છે, સતીશ ! ઓફિસે મને ટાઇપિસ્ટ તરીકે નિમણૂંક આપેલી. શરૂઆતમાં કામ રહેતું હતું, પણ નોકરીના છેલ્લા ચૌદ વર્ષ તો મેં નીંભર બનીને રીતસર જલસા જ કરેલા. કોમ્પ્યુટર્સ આવી ગયા પછી મારી પાસે કંઇ જ કામ નહોતું. છેક રિટાયરમેન્ટ સુધી મેં હરામીવેડા કરેલા. ઑફિસ છૂટયા પછી ન્યુક્લોથ માર્કેટની પેઢીમાં બે કલાક કામ કરતો હતો. આપણી ઓફિસના પગાર કરતાં દસમા ભાગની રકમ મળતી હતી, તોય ત્યાં મારે દસ ગણું કામ કરવું પડતું હતું. ઓપન સિક્રટ જેવી આ વાતની જાની સાહેબને ખબર હતી. એમણે એનો ઉલ્લેખ કરીને કહેલું કે જ્હોની, આ મુદ્દે ઇન્કવાયરી કરીને કાગળિયાં કરીએ, તો તારે ઘેર બેસવાનો વખત આવે, પરંતુ કોઇના પેટ ઉપર લાત મારવાની હલકાઈ મારામાં નથી. આવું કહીને એમણે અનેકવાર મને ક્લેરિકલ કામ સોંપવા પ્રયત્ન કરેલો, પણ મેં પૂરેપૂરી નફટાઈ કરેલી. અંતે, એક દિવસ ચિડાઈને એ બબડેલા કે જ્હોની, આ હરામની કમાણી તને નહીં પચે, ફૂટી નીકળશે…!'
એક શ્વાસે આટલું કહ્યા પછી જ્હોની લગીર અટક્યો. 'સતીશ, એ ભલા અધિકારીને મારા ઉપર કેટલો ગુસ્સો આવ્યો હશે ત્યારે એ આવા શબ્દો બોલ્યા હશે ! આ હરામના પગારની કમાણી તને ફૂટી નીકળશે… એવી એમની વાત યાદ આવે છે, પણ પારાવાર પસ્તાવા સિવાય બીજો કોઈ ઉપાય નથી મારી પાસે !'
ગળું રૃંધાતું હોય એમ એ થોડી વાર ચૂપ રહ્યો. 'મારે સંતાનમાં એકનો એક દીકરો-એ તો તને ખ્યાલ છે ને ? મિસિસના ભાઈઓ તો વર્ષોથી અમેરિકા છે એટલે એમની મદદથી અમારો સમીર બાર વર્ષનો હતો ત્યારે જ એને અમેરિકા મોકલી દીધેલો. એની પાછળ મારું અને શ્રીમતીજીનું પણ સેટિંગ થઇ ગયેલું એટલે રિટાયર થયો એના મહિના પછી જ અમે બંને પણ અહીં આવી ગયાં. અમારા સમાજની એક રૂપાળી કન્યા અમે અમદાવાદમાંથી શોધી કાઢેલી. સમીરે ભણવામાં કંઇ ઉકાળ્યું નહોતું. છતાં અમેરિકાની લાલચમાં એ રૂપસુંદરી મળી ગઈ. લગ્ન થઇ ગયા. અમેરિકા આવ્યા પછી એણે પણ એક મોલમાં નોકરી શોધી કાઢી. આ ડોલરિયા દેશમાં જીવવું હોય તો નોકરી વગર છૂટકો નહોતો…'
બધા સ્ટાફ મેમ્બર્સ ચૂપચાપ બેસીને સતીશના ગંભીર ચહેરા સામે તાકી રહ્યા હતા.
સામા છેડે જ્હોની હૈયું ઠાલવીને મનનો ભાર હળવો કરી રહ્યો હતો.
'મોલમાં સાથે કામ કરતા એક પંજાબી લઠ્ઠા સાથે એ રૂપસુંદરીની આંખો મળી ગઈ હતી. મારો સમીર એટલો ડોબો કે પેલીના છાનગપતિયાંની એને બહુ મોડી ખબર પડી. ત્યાં સુધીમાં તો પેલા બંનેએ એકબીજાં સાથે જીવવા-મરવાના કોલ આપી દીધા હતા. એ રૂપસુંદરી પ્રેગ્નન્ટ થઇ ત્યારે મારા છોકરાને સજ્જડ શંકા હતી એટલે એ ધૂંધવાયેલો અને ઘરમાં ઝઘડાનો આરંભ થયો…' સહેજ અટકીને જ્હોનીએ ગળું ખોંખાર્યું અને યાદ કરીને આગળ વધ્યો. 'આજથી બે વર્ષ અગાઉ એ રૂપસુંદરીએ દીકરાને જન્મ આપ્યો. એના મહિના પછી એ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. એમાં મારા દીકરાએ જબરજસ્ત મૂર્ખામી કરીને પેલી ઉપર હાથ ઉપાડયો. પત્યું. પેલીને તો પંજાબી પ્રેમીનો જોરદાર સપોર્ટ હતો, એટલે અમારી બકરી ડબ્બામાં આવી ગઈ. મરણમૂડીની જેમ સાચવી રાખેલી મારી રિટાયરમેન્ટની રકમ ઉપરાંત ત્યાં ખોખરામાં બંગલો હતો એ વેચીને બધીય રકમ એ રૂપસુંદરીને આપી દેવી પડી એ પછી એનાથી છૂટકારો મળ્યો.'
એના અવાજમાં પસ્તાવાની સાથે પારાવાર પીડા છલકાતી હતી. 'સતીશ ! અત્યારે રીતસર હેન્ડ ટુ માઉથ જેવી દશા છે. પેલી તો પંજાબીને પરણીને એની સાથે જલસાથી જીવે છે પણ સમીર ભયાનક ડિપ્રેશનમાં ડૂબી ગયેલો. નોકરી પણ છૂટી ગયેલી. વીસ દિવસ પહેલા બીજી નોકરીના પહેલા દિવસે એની કાર સ્ટાર્ટ નહોતી થતી, એટલે પાગલની જેમ ભયાનક ઝનૂનથી ચિડાઈને એણે કારને ધક્કા મારવાનું શરૂ કર્યું અને એની આવી મૂર્ખામીને લીધે એ હાંફી રહ્યો હતો અને એ જ વખતે એને માસિવ એટેક આવી ગયો અને ગણીને બે જ મિનિટમાં એ ગુજરી ગયો !'
જ્હોની હવે રીતસર રડતો હતો. 'સતીશ, મારી દશા તો જો. બધા પૈસા ગુમાવ્યા, એકનો એક દીકરો ગુમાવ્યો એ પછી અત્યારે હું એક ચોકલેટની ફેકટરીમાં આઠ કલાક ઊભા રહીને મજૂરી કરું છું. એમાંય કોર્ટે બાળકની જવાબદારી અમને વળગાડી છે. કઇ રીતે જીવું છું એ મારું મન જાણે છે, સતીશ ! હરામની કમાણી ફૂટી નીકળશે એવા જાનીસાહેબના શબ્દોનો અર્થ અત્યારે સમજાય છે !'
ઊંડો નિ:સાસો નાખીને જ્હોનીએ રડમસ અવાજે ઉમેર્યું. 'આ જે બાળક છે એ માનસિક વિકલાંગ છે. મંદબુદ્ધિનું આ બાળક સમીરનું છે કે પેલા પંજાબીનું - એનીયે કોઈ ખાતરી નથી, એ છતાં મારી મિસિસનો આખો દિવસ એને સંભાળવામાં જાય છે. સતીશ ! હરામની કમાણી આવી રીતે આ લેવલે ફૂટી નીકળશે એની તો કલ્પના પણ નહોતી. જાનીસાહેબને યાદ કરીને મનોમન માફી માગું છું. તું સાંભળે છે ને, સતીશ ? હું કઇ દશામાં જીવું છું એ તને સમજાય છે ને ?'
જ્હોની રડીને હૈયું ઠાલવતો હતો. સતીશ ગંભીર બનીને સહાનુભૂતિથી સાંભળ તો હતો. સામે બેઠેલા બધાએ હવે ધીમા અવાજે ગુસપુસ શરૂ કરી દીધી હતી.
(શીર્ષક પંક્તિ : લેખક)