Shatdal

શિક્ષણ એ ધંધો નથી, ધર્મ છે, ક્રિયાકાંડ નથી એક વ્રત છે

By GS Team
1 Sep 20264 mins read
શિક્ષણ એ ધંધો નથી, ધર્મ છે, ક્રિયાકાંડ નથી એક વ્રત છે
  • ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
  • શિક્ષક એ જ્ઞાનવાનની સાથે પ્રજ્ઞાવાન પણ હોવો જોઇએ. શિક્ષક એટલે શિક્ષણસિધ્ધ નહીં શિક્ષકસાધક, વિદ્યાપથનો આજીવન યાત્રી. શિક્ષક આવતીકાલનો પાયો નાખનાર દેવદૂત છે

પ્રશ્ન : આજના વિશ્વ સામેનો મોટો પડકાર છે શિક્ષણને કેળવણી બનાવવાનો. શિક્ષક દિને આપ એક શિક્ષકને શું માર્ગદર્શન આપશો ?
પ્રશ્નકર્તા : ફાગ્લુની પુરોહિત (એચ.કે.આર્ટસ્ કોલેજ) અમદાવાદ
શિક્ષણ એ ધંધો નથી ધર્મ છે, ક્રિયાકાંડ નથી વ્રત છે, ઉતાવળ નથી, પલાંઠીવાળીને સાધના કરવાની નિરાંત છે. શિક્ષણ એ નથી કેવળ હાજરીપત્રક કે નથી હોજરીપત્રક (પે-બીલ) જે ચિત્ત-સંયમ અને વિત્ત સંયમ ધરાવવા ઉત્સુક હોય, એણે શિક્ષણના પવિત્ર-મંદિરમાં સ્વાર્થના પગરખાં ઉતારીને પ્રવેશવું જોઇએ.
પદવીધારીઓ વધે અને પવિત્રતાધારીઓ ઘટે તો શિક્ષણ કેવળ પ્રવૃત્તિ બની જાય. માહિતીની અનરાધાર વર્ષાથી લીલો દુકાળ સર્જાય, મનવાંછિત પાક ન મળે. શિક્ષણ સંસ્થાએ જીવન ઘડતરની વાટડી છે, નગદ-નારાયણ સંચિત કરવાની 'હાટડી' માત્ર નથી.
અર્થાત્ કોઈ શિક્ષકમાં પોતાનામાં જ ઉત્તમ ગુણની પાત્રતા હોય છે અને કોઈક શિક્ષકમાં બીજાને તેવા ગુણો શીખવવાની પ્રવીણતા હોય છે. જેનામાં બન્ને વાતો બરાબર રીતે હોય એને જ શિક્ષકોમાં શ્રેષ્ઠ ગણવો જોઇએ.
શિક્ષક એ ટીચર પણ નથી અને પ્રીચર (ઉપદેશક) પણ નથી, એ છે 'ક્રીએટર' - સર્જક. મહાત્મા ગાંધીએ પોતાના એક ભાષણમાં એટલે જ કહ્યું હતું : 'આજીવિકાનું સાધન શરીર છે અને પાઠશાળા ચારિત્ર્યનિર્માણની જગા છે. પાઠશાળા કે શિક્ષણને શરીરની જરૂરિયાતો પૂરી કરનાર સાધન માનવું એ વાધરી (ચામડાની દોરી) માટે ભેંસને મારી નાખવા બરાબર છે. આપણા શિક્ષણમાંથી 'ધર્મ' ચાલ્યો ગયો છે એટલે શિક્ષણ 'વર વગરની જાન'' જેવું બની ગયું છે. શિક્ષકની પ્રતિભાની સપ્તપદી આ પ્રમાણે માનવામાં આવી છે.
૧. સમદ્રષ્ટિ ૨. શૈક્ષણિક કૌશલ્ય. ૩. જ્ઞાનની સજ્જતા ૪. પ્રતિબધ્ધતા ૫. સંવાદિતા ૬. ગુણવત્તાનો સતત આયાસ ૭. આત્મશુધ્ધિ અને ઉપાયયુક્તતા.
નવી સદીને 'ચીલાચાલુ' માણસો ખપવાના નથી એટલે શિક્ષકે 'ઇનોવેટીવ' બનવું પડશે. ભણાવવા માટે પોતે સતત ભણતા રહેવું પડશે, વિદ્યાર્થીને કાર્યકૌશલ્ય માટે સજ્જ બનાવવો પડશે. એનામાં અસ્તિત્વની સાર્થકતા અને સહજીવનની આવશ્યક્તાનું અભિસિંચન કરવું પડશે… આ છે બધી ૨૧મી સદીના શિક્ષણની અનિવાર્યતા.
જેને તાસ (પીરિયડ) એ ત્રાસ લાગે તેણે શિક્ષક ન જ બનવું જોઇએ. જિજ્ઞાસુ મન, લાગણીભીનું હૈયું અને નિષ્કલંક ચારિત્ર્ય ન ધરાવનારે પણ શિક્ષક ન જ બનવું જોઇએ. નહીં તો 'રોબોટ' અને શિક્ષકમાં ફેર શો ? વિનોબાજીના શબ્દોમાં કહીએ તો શિક્ષક/આચાર્ય શીલવાન, પ્રજ્ઞાવાન, જ્ઞાનવાન અને કરુણાવાન હોવો જોઇએ.
જે. કૃષ્ણમૂર્તિએ શિક્ષકની આચાર સંહિતા વિશે કહ્યું છે : 'મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી નથી, પણ શિક્ષણકાર છે. જો આપણે શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાના હૃદય અને મન સાફ હોવાં જોઇએ. જો શિક્ષણકાર પોતે જ વ્યગ્ર, દગાબાજ, પોતાની ઇચ્છાઓનાં જંગલોમાં ખાવાયેલા હોય તો તે કોઇને 'ડહાપણ'કેવી રીતે આળી શકે ? કે અન્યનો માર્ગ કઇ રીતે સરળ કરી શકે ?'
મનસુખલાલ જોબનપુત્રાએ એક સરસ અને સમયોચિત વાત કરી છે. 'ઓછી આવડતવાળો શિક્ષક નભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.'
એટલે શિક્ષકની આચાર-સંહિતામાં આ ચાર બાબતો કેન્દ્ર સ્થાને છે.
૧. જ્ઞાન શુધ્ધિ
૨. કર્મ શુધ્ધિ
૩. ભાવના શુધ્ધિ
૪. ચારિત્ર્ય શુધ્ધિ
થોમસ રિસ્કે શિક્ષકના વ્યક્તિત્વને સુંદર શબ્દોમાં પ્રસ્તુત કર્યું છે.
'સારાંશ એ જ કે શિક્ષક આવતીકાલનો પાયો નાખનાર દેવદૂત છે. એક એવો કલાકાર, જે વ્યક્તિત્વને ઉદ્ધાટિત કરવાની માટીમાં કાર્યરત છે. શિક્ષક એક એવો સન્મિત્ર છે, જેનું હૃદય પોતાના વિદ્યાર્થીઓના વિશ્વાસ અને ભક્તિભાવનો સદાય પ્રતિસાદ પાઠવે છે. શિક્ષક એક એવો નાગરિક છે, જેની સમાજસુધારણા માટેની પસંદગી કરી તેનો પરવાનો આપવામાં આવ્યો છે. શિક્ષક સંસ્કૃતિનો સંવાહક છે. એ સુયોગ્ય રુચિ, શુધ્ધ અભિગમ, વધુ શાલીન રીતભાત અને ઉચ્ચતર બુધ્ધિમત્તાને માર્ગે દોરી જાય છે.'
સન્માન કે પ્રશસ્તિપત્ર વ્યક્તિનું સન્માન નથી, પરંતુ તેનામાં રહેલી સારસ્વત કર્મોની સુપાત્રતાની ઉદ્ઘોષણા છે, આત્મદર્શન અને આત્મમૂલ્યાંકનના આવા અવસરનો જય હો.
આજનું શિક્ષણ 'કળા' બની આજીવિકાનાં સાધનો શીખવી રહ્યું છે. પણ જીવન વિકાસ માટે 'વિદ્યા' બનવા માટે ઊણું ઊતર્યું છે, આ કલંકને આપણે દૂર કરી શકીશું ? આ કલંક એક શિક્ષક જ દૂર કરી શકે. આજકાલ શિક્ષણ માત્ર આજીવિકાનું સાધન બની ગયું છે. શિક્ષણ જીવન માટે છે નહીં કે માત્ર ઉદરપૂર્તિ કે જીવિકા માટે ! એક શિક્ષણ શીખવે કે જીવનનિર્વાહ કેવી રીતે થાય, બીજું શિક્ષણ એ કે જે માણસને શીખવે કે જીવતર કેવી રીતે સાર્થક થાય. આ બન્ને વાતનો સમન્વય થાય તેનું નામ શિક્ષણ.
આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ ઉંડાણ ઘટયું છે. શિક્ષણ હવે ધર્મ મટી ધંધો બની ગયું છે. માણસ જ્ઞાનવાન બને પણ શીલવાન ન બને તો સમાજ માટે અભિશાપરૂપ જ બનવાનો.
પ્રત્યેક ઘર જ્યાં સુધી કેળવણીનું પ્રાથમિક કેન્દ્ર નહીં બને ત્યાં સુધી જીવન ઘડતરનો આરંભ નહીં થાય. જ્યાં સુધી સમાજમાં ભણેલો પ્રત્યેક માણસ આત્મસુધારને જીવનનું લક્ષ્ય નહીં બનાવે ત્યાં સુધી ભણતર સમાજશુધ્ધિનું સાધન નહીં જ બની શકે. આપણું શિક્ષણ કેળવણી નથી બન્યું એની જ આ બધી ભાંજગડ છે. આવા સંજોગોમાં શિક્ષકે માત્ર વિકાસની વાતથી સંતુષ્ટ ન થવું જોઇએ, પણ વિકાસની દિશા પરત્વે અધિક ગંભીર ચિંતન કરવું જોઇએ. વિદ્યાર્થીમાં કેવળ જ્ઞાનનો નહીં ડહાપણનો પણ વિકાસ થવો આવશ્યક છે. શિક્ષણ એ સાધન છે સાધ્ય નથી. સાધ્ય તો છે માનવનું ગરિમામય વ્યક્તિત્વ જેમાં દેશ સેવાની મહેક હોય, જેના હૃદયમાં સંવેદનશીલતાનું નિર્ઝર નિરંતર વહેતું હોય.
ટુંકમાં શિક્ષક માત્ર જ્ઞાનવાન નહીં પણ પ્રજ્ઞાવાન પણ હોવો જોઇએ.
પ્રજ્ઞાવાન શિક્ષક કેવો હોય ?
જ્ઞાનવાન, શીલવાન, સ્થિર બુધ્ધિવાળો, વિવેકશીલ, શિષ્યવત્સલ, નિરહંકારી, શિસ્તયુક્ત, સંયમી, જ્ઞાનના નવીનીકરણ પ્રત્યે સમર્પિત, પ્રમાદમુક્ત અને પ્રતિભાયુક્ત, નિષ્પક્ષ, દ્વેષમુક્ત, સમર્પણશીલ, ક્રોધવિજયી, કષ્ટરહિત, નિર્લોભી, આત્મદર્શી, અભિનવ પ્રયોગશીલ, પ્રજ્ઞાવાન, ધૈર્યવાન, સહિષ્ણુ, સમાજસેવી, સત્યનિષ્ઠ અને શ્રધ્ધાયુક્ત.