શંકા...શંકા...શંકા... આખરે જીવ લીધો !

- રજનીગંધા-વિભાવરી વર્મા
- હું બેડરૂમમાં છું. મારા પતિએ મને દોરડાં વડે પલંગ સાથે બાંધી રાખી છે ! ના…ના… તમે બારણું ખોલીને અંદર જોવા પણ ના આવશો ! મારા પતિએ ક્યાંક કેમેરા સંતાડી રાખ્યા છે !
'મ ને તો લાગે છે કે મહુવા મેડમને એના ધણીએ મારી જ નાંખ્યાં છે !
'મને પણ એવું જ લાગે છે. જુઓને, એમના બંગલાની બહાર ત્રણ દિવસથી હું દૂધનાં પાઉચ મુકીને આવું છું પણ એ હજી દરવાજા પાસે જ પડયાં છે !'
'અરે, મેં પણ જોયું ! ત્રણ ત્રણ દિવસનાં મેં મુકેલાં શાકભાજી હજી દરવાજાની બહાર જ પડયાં છે.'
'મતલબ કે-'
'કાં તો મહુવા મડમ સખત બિમાર છે અથવા એના પેલા રાક્ષસ જેવા ધણીએે એની ખુબસુરત પત્નીને મારી નાંખી છે !'
સિલીગુડી હિલ સ્ટેશનના છેક છેવાડાના વિસ્તારમાં આવેલા ચામતાગુડી ગામમાં આ વાત ધીરે ધીરે ફેલાવા લાગી હતી.
અને વાત ખોટી પણ નહોતી. ગામની પાછળના ભાગમાં એક ઊંચી ટેકરી ઉપર એક નાનકડી બંગલી હતી. એનો જાડિયો ભૂંડ જેવો દેખાતો માલિક રોજ સવારે ઘરેથી નીકળીને સિલીગુડીમાં આવેલી એક સસ્તી મટનની દુકાને જવા માટે નીકળી જતો હતો.
બપોરે જમવા માટે પાછો બંગલી પર આવતો બે કલાક નસકોરાં બોલાવ્યાં પછી ફરી પોતાની દુકાને જતો અને સાંજે ધૂમ્મસ ફરી વળે એ પહેલાં તો પાછો બંગલીમાં પહોંચી જતો હતો. એ સ્વભાવે બહુ અકડુ હતો. ભાગ્યે જ કોઈ સાથે ત્રણ શબ્દથી વધારે લાંબી વાત કરતો એમાં પણ જો તમે એની પત્ની વિશે કે બંગલી વિશે કંઇ પૂછો તો ચીડાઈ જતો.
એને મહુવા જેવી ખુબસુરત પત્ની શી રીતે મળી એ જ નવાઈની વાત હતી. પરંતુ પત્નીની ખુબસુરતી જ મહુવા માટે સજા બની ગઈ હતી.
છેલ્લા ત્રણ વરસથી જ્યારથી મહુવા પરણીને આવી, લગભગ ત્યારથી જ એ કદી બંગલીની બહાર દેખાઈ નહોતી. જે કંઇ ઘરવખરીનો સામાન જોઇએ તે ફોન કરીને મંગાવી લેતી. પણ દર વખતે કહેતી : 'તમે એ સામાન બંગલીના દરવાજાની બહાર જ મુકી દેજો. મારો પતિ બહુ શંકીલો માણસ છે. એ મને તમારી સાથે મામુલી વાત કરતાં પણ જોશે તો મારી સાથે ઝઘડો કરશે. તમને હંટર વડે મારશે !'
મહુવા આ જ રીતે રોજનું દૂધ, છાપું, કરિયાણું, ઇસ્ત્રીનાં કપડાં વગેરે દરવાજાની બહાર જ મુકાવતી. એ તો ઠીક, જ્યારે ઘરમાં કંઇ બગડી જાય, નળ રીપેર કરવાનો હોય, ગેસની સગડી સમારવાની થઇ હોય, ગેસનો બાટલો બદલવાનો હોય કે સીધો સાદો વીજળીનો ગોળો પણ બદલવાનો હોય તો ફોનમાં કહેતી : 'દરવાજો ખુલ્લો છે. તમે અંદર આવીને તમારું કામ પતાવી લો. હું બેડરૂમમાં છું. મારા પતિએ મને દોરડાં વડે પલંગ સાથે બાંધી રાખી છે ! ના…ના… તમે બારણું ખોલીને અંદર જોવા પણ ના આવશો ! મારા પતિએ ક્યાંક કેમેરા સંતાડી રાખ્યા છે ! એને ખબર પડશે તો સળગતા લાકડા વડે મને ડામ દેશે ! પ્લીઝ, ચૂપચાપ તમારું કામ પતાવીને તમારું બિલ મોબાઈલમાં જ મોકલી દો. પતિને પૂછીને હું તમને ઓનલાઈન પૈસા મોકલાવી દઈશ !'
ચામતાગુડી ગામમાં મહુવા મેડમની વાત હવે ગલીએ ગલીએ પહોંચી ગઇ હતી. છેવટે કોઈએ હિંમત કરી :
'આપણે પોલીસને ખબર કરવી જોઇએ !'
'હા : પોલીસને લઇને આપણે બધા ત્યાં બંગલી પર જઇએ ! ચાર દિવસથી પેલો ભૂંડ જેવો બિપેન થાપા પણ દેખાયો નથી. એ હરામખોર મહુવા મેડમનું ખૂન કરીને ક્યાંક ભાગી ગયો લાગે છે…'
આખરે પોલીસ જ્યારે એ બંગલીના દરવાજા તોડીને અંદર પહોંચી ત્યારે અંદરનું દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગઈ !
સોફા ઉપર બિપેન થાપાનો ગંધાતો મૃતદેહ પડયો હતો ! બાજુમાં ચીઠ્ઠી હતી. એમાં લખ્યું હતું : 'શંકા…શંકા…શંકા… આ શંકા બહુ બુરી ચીજ છે. મારી પત્ની મહુવા જરૂર કોઇ જુવાનના પ્રેમમાં છે એવી મને છેલ્લા ત્રણ વરસથી શંકા હતી. આજે મેં એને મારી નાંખી છે !એની લાશને હું નજીકની નદીમાં વહાવી આવ્યો છું…'
પણ એ પછી મને એટલો બધો પસ્તાવો થયો છે કે મેં જાતે જ ઝેર પી લીધું છે ! શું મતલબ છે આ જીંદગીનો ? શંકા…શંકા…શંકા… બહુ બુરી ચીજ છે…
આ ચીઠ્ઠી મળ્યા પછી પોલીસે એ નદીમાં ખુબ તપાસ કરી… દૂર દૂર માઇલો સુધી તપાસ કરી … પણ મહુવાની લાશ એમને ક્યાંયથી મળી નહીં.
પણ પેલી તરફ સીલીગુડીથી થોડા જ કિલોમીટર દૂર, નેપાળ બોર્ડર ક્રોસ કર્યા પછી એક નાનકડા શહેરની એક હોટલમાં મહુવા અને એનો પ્રેમી બિજોય રંગરેલીયાં મનાવી રહ્યાં હતાં !
બિજોય હસતાં હસતાં કહી રહ્યો હતો : 'બિચારી પોલીસ હજી તારી લાશને શોધી રહી હશે.'
મહુવા તેના પ્રેમીની છાતીમાં ગાલ ઘસતાં કહી રહી હતી : 'અને આખું ચામતાગુડી ગામ મારા સાવ ઓછાબોલા, બુધ્ધુ, ડફોળ અને ભોળિયા પતિને 'ક્રુર રાક્ષસ' તરીકે વરસો સુધી યાદ કરતું રહેશે !




