સત્યને આંચ આવવા દીધી નહીં!

ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ભા રતરત્ન ઍવોર્ડના વિજેતા વિખ્યાત ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બિધાનચંદ્ર રૉય (૧૮૮૨ થી ૧૯૬૨)ના કૉલેજજીવન દરમિયાન એક કપરી મૂંઝવણ ઊભી થઈ.
વાત એવી બની હતી કે બિધાનચંદ્ર રૉય પટણાની જે કૉલેજમાં અભ્યાસ કરતા હતા. એ જ કૉલેજના એક અધ્યાપકે મોટર-અકસ્માત કર્યો. આ અકસ્માત અધ્યાપકની બેદરકારીના કારણે થયો હતો, તેથી તે અધ્યાપક સામે અદાલતી કાર્યવાહી શરૂ થઈ.
અદાલતમાં બિધાનચંદ્ર રૉયને બનાવના સાક્ષી તરીકે હાજર કરવામાં આવ્યા. એમણે નજરોનજર જોયું હતું કે અધ્યાપકની બેદરકારીથી આ ગંભીર અકસ્માત સર્જાયો હતો; પરંતુ પોતાના અધ્યાપક વિરુદ્ધ કઇ રીતે વાત કરવી એની ભારે ગડમથલ હતી.
બિધાનચંદ્ર રૉયને જોઇને અધ્યાપકને આનંદ થયો. એમને ગળા સુધી ખાતરી હતી કે પોતાનો શિષ્ય પોતાની વિરુદ્ધમાં એક હરફ પણ નહીં ઉચ્ચારે. આવા તેજસ્વી યુવાનને માટે એની કારકિર્દી જ સર્વસ્વ હોય છે.
બિધાનચંદ્રના પિતા પ્રકાશચંદ્ર અને માતા અઘોરકામિનીના ઉમદા અને સંસ્કારી જીવનનો યુવાન બિધાનચંદ્ર પર ઘણો પ્રભાવ પડયો હતો. 'શ્રીમદ્ ભગવદ્ગીતા' એને અતિ પ્રિય હતી અને રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓ આનંદભેર ગાતો હતો. આવા સંસ્કારી બિધાનચંદ્રએ સત્યપાલનના સંસ્કાર છોડયા નહીં. એણે અદાલતને કહ્યું કે અધ્યાપકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે. અધ્યાપકને મોટી રકમનો દંડ થયો.આ સત્યપાલનનું પરિણામ એ આવ્યું કે અધ્યાપકે રૉયને દાઢમાં રાખી પરીક્ષામાં ઓછા ગુણ આપી નાપાસ કર્યો. એ પછી એક વાર અધ્યાપક સામે મળતાં. ડૉ. બિધાનચંદ્ર રૉયે કહ્યું,
'અદાલતમાં આપની વિરુદ્ધ જુબાની આપવા બદલ આપે મને અનુત્તીર્ણ કર્યો ખરું ને ?'
અધ્યાપકે કહ્યું, 'તારામાં એટલી સીધીસાદી સમજણ તો હોવી જોઇએ કે મારી વિરુદ્ધમાં જુબાની આપવાથી કારકિર્દીને શું થાય ? વિચાર કર, તારું વર્ષ બગડી ગયું. મારી તરફેણમાં જુબાની આપી હોત તો તું ઊંચા ગુણે પાસ થયો હોત.'
યુવાન બિધાનચંદ્ર રૉયે અધ્યાપકને જવાબ આપતાં કહ્યું, 'સાહેબ, એક વર્ષ બચાવવા ખાતર હું કદી અસત્ય નહીં બોલું. મારું વર્ષ ભલે બગડયું, પણ મારા સત્યને મેં આંચ આવવા દીધી નહીં એ મારે મન અત્યંત મૂલ્યવાન છે !'
સત્ય બોલનાર ક્યારેય લાભ કે હાનિનો વિચાર સુધ્ધાં કરતો નથી. ડૉ. બિધાનચંદ્ર રૉયે સત્યવ્રતને સહેજે ખંડિત થવા દીધું નથી. સામાન્ય રીતે ટૂંકી દ્રષ્ટિ રાખનારને જૂઠાણું કે અસત્ય લાભદાયી લાગે છે, પણ અંતે તો સત્યને પંથે ચાલનાર વિજયી ઠરે છે.









