માત્ર લક્ષ્ય નક્કી ન કરો, પાછા ફરવાના રસ્તા પણ બંધ કરો

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- જીવનમાં Plan-B રાખવાનું શીખવું જ નથી. તમારી પાસે Plan-A જ હોવો જોઈએ. તમે કોઈ કામ શરૂ કરો ત્યારે મને નિષ્ફળતા મળશે એવો વિચાર જ ન કરો
આ પણે સૌએ એક કહેવત સાંભળી છે, ''કોશિશ કરવાવાળા ક્યારેય હારતા નથી.'' પરંતુ જીવનની સફળતાનું સત્ય કદાચ થોડું અલગ છે.માત્ર કોશિશ કરવાથી સફળતા મળતી નથી.સફળતા માટે કોશિશ કરતાં પહેલાં મનમાં જીતનો નિર્ધાર હોવો જરૂરી છે.
''હું સફળ થવાની કોશિશ કરીશ'' અને ''મારે સફળ થવાનું જ છે'' - આ બે વાક્યોમાં માત્ર શબ્દોનો નહીં, પરંતુ આખી માનસિકતાનો તફાવત છે. એક વખત જુદા જુદા ક્ષેત્રોમાં સફળતા મેળવનાર અને બિલિયોનેર લોકોની યાદીમાં સ્થાન મેળવનાર એક સફળ વ્યક્તિને પૂછવામાં આવ્યું :
''જ્યારે તમે કોઈ કામ શરૂ કરો છો ત્યારે શું તમે પહેલાંથી વિચારતા હતા કે જો નિષ્ફળતા મળશે તો કઈ સ્ટ્રેટેજી અપનાવીશ? શું તમારો Plan-B તૈયાર રહેતો?''
તેમણે ખૂબ જ સરળ પરંતુ અત્યંત શક્તિશાળી જવાબ આપ્યો :
''મેં જીવનમાં Plan-B રાખવાનું શીખ્યું જ નથી. મારી પાસે Plan-A હોય છે. હું કોઈ કામ શરૂ કરું ત્યારે મને નિષ્ફળતા મળશે એવો વિચાર જ કરતો નથી. હું માત્ર એટલું વિચારું છું કે મારે સફળતા મેળવવી જ છે.''
આ જવાબમાં સફળતાનું એક મોટું રહસ્ય છુપાયેલું છે.
Plan-B રાખવો ખોટો નથી. વ્યવહારિક જીવનમાં વિકલ્પો અને જોખમનું આયોજન જરૂરી છે. પરંતુ જ્યારે Plan-B તમારા મનમાં લક્ષ્ય કરતાં વધારે મજબૂત બની જાય, ત્યારે મુશ્કેલી આવતાં જ પાછા ફરવાનું મન તૈયાર થઈ જાય છે.
મોટાભાગના લોકોનું સપનું મોટું હોય છે, શરૂઆત પણ જોરદાર હોય છે, પરંતુ પ્રથમ મોટી મુશ્કેલી આવે ત્યારે તેઓ કહે છે, ''ચાલો, હવે બીજું કંઈક કરીએ.'' અહીંથી જ સપનાઓ અધૂરાં રહી જાય છે.સફળ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે ઘણી વખત તફાવત ક્ષમતાનો નથી હોતા, તફાવત હોય છે મુશ્કેલી સામેની માનસિકતાનો.
નેપોલિયન હિલનો “Burn Your Bridges” સિદ્ધાંત જીવનમાં ઉતારવા જેવો છે. નેપોલિયન હિલે સફળતા અંગે લખતી વખતે એક શક્તિશાળી વિચાર રજૂ કર્યો-“Burn Your Bridges” . તેનો અર્થ છે-જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ લક્ષ્ય તરફ આગળ વધો ત્યારે પાછા ફરવાનો સરળ રસ્તો તમારા મનમાં ખુલ્લો ન રાખો.
આ વિચાર પાછળ એક પ્રાચીન યુદ્ધકથા છે.
એક નબળો રાજા પોતાના કરતાં અનેક ગણા શક્તિશાળી શત્રુ સામે લડવા નીકળ્યો. તેની પાસે સૈન્ય ઓછું હતું અને શત્રુ પાસે વિશાળ સૈન્ય હતું. નબળા રાજાએ પોતાની સેના લઈને શત્રુના પ્રદેશમાં પ્રવેશ કર્યો. બંને પ્રદેશોને જોડતો એક પુલ હતો. સૈનિકો પુલ પાર કરી ગયા પછી રાજાએ આદેશ આપ્યો, ''આ પુલ સળગાવી દો.'' સૈનિકો ચોંકી ગયા.
''મહારાજ! હવે પાછા કેવી રીતે જઈશું?''
રાજાએ કહ્યું.
''હવે પાછા જવાનો કોઈ રસ્તો નથી. હવે આપણી સામે માત્ર બે વિકલ્પ છે-જીતવું અથવા મરી જવું.'' અને પછી એ નબળું સૈન્ય એવી તીવ્રતા અને અડગ નિર્ધાર સાથે લડયું કે તેણે શક્તિશાળી શત્રુને હરાવી દીધો. આ કથાનો અર્થ એવો નથી કે જીવનમાં હંમેશા તમામ વિકલ્પો નષ્ટ કરી દેવા જોઈએ. તેનો અર્થ એટલો છે કે લક્ષ્ય પ્રત્યેનો તમારો નિર્ધાર એવો હોવો જોઈએ કે પ્રથમ મુશ્કેલી આવતાં જ તમે પાછા ફરવાનો વિચાર ન કરો.
લોકો સપનાં શરૂ કરે છે, પરંતુ પૂર્ણ કેમ નથી કરતા? એની પાછળનું કારણ જાણવું છે?
ઘણા લોકો કહે છે, ''મારે પોતાનો વ્યવસાય શરૂ કરવો છે.'' વ્યવસાય શરૂ કરે છે.ભાગીદાર બનાવે છે.પૈસા રોકે છે.ઓફિસ શરૂ કરે છે.પરંતુ મનમાં એક વાક્ય પહેલેથી જ છુપાયેલું હોય છે, ''જો નહીં ચાલે તો બંધ કરી દઈશું.'' આ વિચાર ઘણી વખત શરૂઆતથી જ મનને અડધી શક્તિથી કામ કરાવે છે.
તેના બદલે વિચાર હોવો જોઈએ, ''આ વ્યવસાય સફળ થવો જ જોઈએ. મુશ્કેલી આવશે તો મોડેલ બદલીશ, વ્યૂહરચના બદલીશ, પદ્ધતિ બદલીશ-પરંતુ લક્ષ્ય નહીં છોડું.'' આ છે Plan-A ની માનસિકતા.Plan-A નો અર્થ એક જ રીતથી ચોંટીને બેસી રહેવું નથી.પરંતુ માત્ર પ્લાન એ એટલે લક્ષ્ય એક જ રાખો, રસ્તા અનેક શોધો.
વ્યવસાયમાં મુશ્કેલી આવે તો વ્યવસાય છોડવો નહીં-વ્યૂહરચના બદલો.પરીક્ષામાં નિષ્ફળતા આવે તો શિક્ષણ છોડવું નહીં-અભ્યાસની પદ્ધતિ બદલો. કારકિર્દીમાં અવરોધ આવે તો સ્વપ્ન છોડવું નહીં-નવી કુશળતા શીખો. પ્રથમ પ્રયાસ નિષ્ફળ જાય તો લક્ષ્ય નિષ્ફળ થયું એવું ન માનો. પ્રયાસ નિષ્ફળ થઈ શકે છે, લક્ષ્ય નહીં.
આપણે આપણા બાળકોને પણ ઘણી વખત કહીએ છીએ, ''ભણજે, પાસ થવાની કોશિશ કરજે.'' પરંતુ જો બાળક કહે, ''હું પાસ થવાની કોશિશ કરીશ.'' તો આપણે તરત પૂછીએ છીએ ''કોશિશ કેમ? પાસ થવાનું જ છે એવું વિચારીને તૈયારી કર.'' કારણ કે પરીક્ષામાં પણ માત્ર હાજરી આપવાથી પરિણામ મળતું નથી.લક્ષ્યને અંતિમ પરિણામ તરીકે સ્વીકારીને તેની દિશામાં સંપૂર્ણ તૈયારી કરવી પડે છે.
તમે રોજ ઓફિસેથી ઘરે જવાની કોશિશ કરો છો?…. ના… તમે ઘરે જાઓ છો. તમે શિયાળામાં ઠંડી સહન કરવાની કોશિશ કરો છો?…. ના…. તમે સહન કરો છો. જ્યારે જીવનમાં કોઈ બાબત માટે તમારો નિર્ણય અડગ બની જાય છે ત્યારે તમારી અંદરની શક્તિ અનેકગણી વધી જાય છે.
તમને મારી સલાહ છે કે જીતવા માટે રમો, હાર ટાળવા માટે નહીં. રમતમાં બે પ્રકારના ખેલાડીઓ હોય છે. એક વિચારે છે, ''હું હારી ન જાઉં.'' બીજો વિચારે છે, ''મારે જીતવું છે.'' પહેલા ખેલાડીનું ધ્યાન હાર પર હોય છે. બીજાનું ધ્યાન જીત પર. અને આ જ તફાવત જીવનમાં પણ છે.જો તમે સતત વિચારશો- ''ધંધો નિષ્ફળ જશે તો?'' ''લોકો શું કહેશે?'' ''મારી મહેનત વ્યર્થ જશે તો?'' ''જો હું હારી ગયો તો?'' તો તમારી ઊર્જા જીતવામાં નહીં, હારથી બચવામાં ખર્ચાશે.
પરંતુ જો તમે પૂછશો કે- ''મારે સફળ થવા માટે હવે શું કરવું જોઈએ?'' તો તમારું મગજ સમસ્યા નહીં, ઉકેલ શોધવાનું શરૂ કરશે.
સફળતાનો પ્રથમ સિદ્ધાંત છે, માટે “Burn the Excuses” આજથી કદાચ પુલ સળગાવવાની જરૂર નથી. પરંતુ એક કામ ચોક્કસ કરો, તમારા બહાનાના પુલ સળગાવી દો. ''સમય નથી.'' ''પૈસા નથી.'' ''મારી ઉંમર થઈ ગઈ.'' ''મારા સંજોગો ખરાબ છે.'' ''લોકો સાથ આપતા નથી.'' ''મારી પાસે તક નથી.'' આ બધા વાક્યોને તમારા મનમાંથી બહાર કાઢો. કારણ કે સફળતા માટે સૌથી મોટો અવરોધ ઘણી વખત બહાર નથી હોતો-મનના અંદરના પાછા ફરવાના રસ્તાઓમાં હોય છે.
યાદ રાખો લક્ષ્ય મોટું હોય તો મુશ્કેલીઓ આવવાની જ. મુશ્કેલી આવે એટલે રસ્તો ખોટો છે એવું જરૂરી નથી. ક્યારેક મુશ્કેલી એ સંકેત હોય છે કે તમે તમારા લક્ષ્યને ગંભીરતાથી આગળ ધપાવી રહ્યા છો. એટલે જ્યારે જીવન તમારી સામે દિવાલ ઊભી કરે ત્યારે લક્ષ્ય છોડશો નહીં. દિવાલ ઊંચી હોય તો સીડીઓ શોધો. દરવાજો બંધ હોય તો બીજી બારી શોધો. રસ્તો બંધ હોય તો નવો રસ્તો બનાવો. પરંતુ માત્ર એટલા માટે પાછા ન ફરો કે રસ્તો મુશ્કેલ છે. તમારી દિશા એક જ રાખો, વ્યૂહરચના બદલતા રહો.તમારો ઁનચહ-છ એટલે માત્ર એક યોજના નહીં- તમારા લક્ષ્ય પ્રત્યેનો અડગ સંકલ્પ છે.
અને જ્યારે મન કહે- ''કદાચ નહીં થાય…'' ત્યારે પોતાની જાતને એક જ જવાબ આપો- ''થશે જ. કેવી રીતે થશે તે હું શોધી કાઢીશ.'' કારણ કે સફળતા ઘણી વખત સૌથી બુદ્ધિશાળી, સૌથી શક્તિશાળી કે સૌથી નસીબદાર વ્યક્તિને મળતી નથી. સફળતા ઘણી વખત તેને મળે છે જે મુશ્કેલીની વચ્ચે પણ પાછો ફરવાનો નિર્ણય લેતો નથી.
કોશિશ કરો-પણ માત્ર કોશિશ માટે નહીં. સપનું જુઓ-પણ માત્ર સપનું જોવા માટે નહીં.
લક્ષ્ય નક્કી કરો-અને પછી તેને પ્રાપ્ત કરવા માટે આખરી જંગ લડો. હારની શક્યતા વિશે વિચારવામાં જીવન ન વેડફો. જીત માટે શું કરવું પડશે એ વિચારવામાં જીવન લગાવો.
ન્યુરોગ્રાફ
''લક્ષ્ય એક જ રાખો, રસ્તા અનેક શોધો.
મુશ્કેલી આવે તો વ્યૂહરચના બદલો, સપનું નહીં.
પાછા ફરવાના બહાનાના પુલ સળગાવી દો-
અને જીતના નિર્ધાર સાથે આગળ વધો.''




