Shatdal

સપનામાં શું તમે આડેધડ કાર ચલાવો છો?

By GS Team
6 Oct 20264 mins read
સપનામાં શું તમે આડેધડ કાર ચલાવો છો?
  • સપનામાં તમે શું ફીલ કરતા હતા તે જાણવું પણ મહત્ત્વનું છે. ડર, અકળામણ, લાચારી, ઉત્સાહ કે જિજ્ઞાસા - આ તમામ લાગણીઓ એક જ સપનાને અલગ અર્થ આપી શકે છે.
  • સપનામાં ક્યારેક એવુંય દેખાય કે બેફામ ડ્રાઇવિંગ કોઈ બીજું કરે છે ને તમે બાજુની સીટ પર લાચાર થઈને બેઠા છો. સવારે ઉઠયા પછી જરા વિચારજો: તમારી લાઇફ શું બીજું કોઈ કંટ્રોલ કરી રહ્યું છે?

ત મને ક્યારેય એવાં સપનાં આવે છે, જેમાં તમારી કાર, બાઇક, તમે જેમાં મુસાફરી કરી રહ્યા છો તે બસ કે અન્ય કોઈ વાહન અચાનક વિચિત્ર રીતે વર્તવા લાગે? કદાચ તમને એવુંય દેખાય કે એન્જિન ચાલુ ન થાય, બ્રેક ન લાગે, સ્ટીયરિંગ વળવાનું બંધ થઈ જાય, વાહન કાં તો બહુ ઝડપથી દોડવા લાગે અથવા સાવ ધીમું પડી જાય, કે પછી ડ્રાઇવિંગ ન આવડતું હોય તોય તમે ધરાર ડ્રાઇવિંગ કરી રહ્યા છો.
શું અર્થ થાય
આવાં સપનાંનો?
વાહન આપણને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેથી આ સપનું આપણી જિંદગી કઈ દિશામાં આગળ વધી રહી છે તેનો સંકેત હોઈ શકે.
જો તમારું વાહન ચાલુ ન થતું હોય, તો કદાચ તમે જીવનમાં અટવાઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા છો. તમારી પાસે યોજનાઓ કે મહત્ત્વાકાંક્ષાઓ હોઈ શકે છે, પરંતુ તમને શરૂઆત કરવામાં કે આગળ વધવામાં મુશ્કેલી અનુભવાય છે.
સપનામાં જો વાહન ઊભું ન રહેતું હોય, તો તે દર્શાવે છે કે પરિસ્થિતિઓ તમારા નિયંત્રણ બહાર નીકળીને ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. નોકરી-ધંધો, જવાબદારીઓ, સંબંધો કે પરિસ્થિતિઓની ગતિ વધી રહી હોય અને તમે તેને ધીમી પાડવા મથી રહ્યા હો એવું બની શકે.
જો બ્રેક કામ ન કરતી હોય, તો તેનો મુખ્ય અર્થ એ છે કે તમને કોઈ બાબત અટકાવવામાં તકલીફ પડી રહી છે. કદાચ તમે થોડો વિરામ લેવા, કોઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા, કામનો બોજ ઘટાડવા કે કોઈ આદત બદલવા માંગો છો, પણ ખેંચાઈ રહ્યા છો.
જો સ્ટીયરિંગ કામ ન કરતું હોય, તો તે જીવનની દિશા અંગેની અનિશ્ચિતતા સૂચવે છે. તમે આગળ તો વધી રહ્યા છો, પણ તમે ક્યાં જઈ રહ્યા છો તેની પસંદગી તમારા હાથમાં નથી.
સપનામાં તમે શું ફીલ કરતા હતા તે જાણવું પણ મહત્ત્વનું છે. ડર, અકળામણ, લાચારી, ઉત્સાહ કે જિજ્ઞાસા - આ તમામ લાગણીઓ એક જ સપનાને અલગ અર્થ આપી શકે છે.
આ સપનાંના
જુદા જુદા પ્રકારો
આ સપનાંમાં ઘણું વેરીએશન હોઈ શકે છે:
એક પ્રકારમાં, કાર ચાલુ થવાનો ઇનકાર કરે છે. તમે વારંવાર ચાવી ફેરવો છો, પણ કંઈ થતું નથી. તમે કોઈ મહત્ત્વની મીટિંગ માટે મોડા પડી રહ્યા હોવ અને તમારે ગમે તેમ કરીને પહોંચવું જરૂરી હોય.
બીજા પ્રકારમાં, ઢાળ ઊતરતી વખતે બ્રેક ફેલ થઈ જાય છે. તમે પેડલ વધુ જોરથી દબાવો છો, તોય વાહનની ગતિ વધતી જ જાય છે.
ક્યારેક એક્સેલરેટર પરથી પગ હટાવી લીધા પછી પણ વાહન ઊભું રહેતું નથી.
બીજો સામાન્ય પ્રકાર છે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવો. રસ્તો સાવ સ્પષ્ટ દેખાતો હોય, છતાં વાહન તમે ઇચ્છો તે દિશામાં વળવા તૈયાર ન હોય.
ક્યારેક તમે ગાડી ચલાવતાં ન આવડતું હોવા છતાં જાતે ડ્રાઇવિંગ કરી રહ્યા છો. તમે ડ્રાઇવરની સીટ પર છો અને તમારી કાર ઓલરેડી ફુલ સ્પીડમાં છે.
આ પ્રકારના સપનામાં ઘણું ચિત્ર-વિચિત્ર દેખાઈ શકે છે. કાર અચાનક વિશાળ બની જાય, સાવ નાની થઈ જાય, ઊંધી દિશામાં દોડવા લાગે, હવામાં ઊડવા માંડે, નીચે રસ્તો જ ન હોય કે પછી સાવ અજાણ્યા નિયમો મુજબ ચાલવા લાગે. ક્યારેક એવુંય દેખાય કે ડ્રાઇવિંગ કોઈ બીજું કરે છે ને તમે બાજુની સીટ પર લાચાર થઈને બેઠા છો. જરા વિચારજો: તમારી લાઇફ શું બીજું કોઈ કંટ્રોલ કરી રહ્યું છે?
આ સપનામાંથી શીખવાનું શું?
આ સપનામાંથી મળતો સૌથી ઉપયોગી મેસેજ આ હોઈ શકે: રસ્તો કેવો મળશે એ કદાચ હંમેશાં આપણા હાથમાં નથી હોતું, પણ સ્ટીયરિંગ કોના હાથમાં છે તે આપણે ચોક્કસ તપાસી શકીએ છીએ. આવું સપનું આપણને જીવનનાં એવાં પાસાઓ તરફ ધ્યાન આપવા પ્રેરિત કરે છે જ્યાં આપણે અટવાયેલા, બોજ હેઠળ દબાયેલા, દિશાહીન કે નિયંત્રણ ગુમાવી ચૂકેલા અનુભવીએ છીએ. તે આપણને એ પણ યાદ અપાવે છે કે સતત ગતિ વધારતા રહેવું એ જ પ્રગતિ નથી. કેટલીકવાર ડહાપણ એ વાતમાં હોય છે કે આપણે ગતિ ધીમી કરીએ, થોડીવાર ઊભા રહીએ, વાહન તપાસીએ અને નક્કી કરીએ કે આપણે ખરેખર ક્યાં જવું છે. ડ્રાઇવિંગ ન આવડતું હોવા છતાં વાહન ચલાવવાના સપનાનું એક વધુ પોઝિટિવ અર્થઘટન એ પણ હોઈ શકે કે કદાચ તમે કોઈ તદ્દન નવા ક્ષેત્રમાં પગ મૂકી રહ્યા છો. તમે પૂરેપૂરા તૈયાર નથી, પણ તમે આગળ વધતાં વધતાં ઘણું શીખી રહ્યા છો.
તમને ક્યારેય આવ્યું છે આવું સપનું ક્યારેય?