ડિજિટલ એરેસ્ટ : ઓન લાઇનની દુનિયામાં વધતી જતી 'ડાકુગીરી'

- મીડ વીક- હસમુખ ગજજર
- રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અનુસાર ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીમાં ભારતમાં ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીના ૨૪૧૫૩૭ કિસ્સાઓ બન્યા જેમાં ૩૦૧૨ કરોડ રુપિયાની રકમનું નુકસાન હતું. છેલ્લા ૬ વર્ષમાં ભારતીયોએ ૫૨૯૭૬ કરોડ રુપિયા ગુમાવ્યા છે
પ હેલાના સમયમાં માણસ પાકીટ કે થેલીમાં નાણા લઇને ઘરની બહાર નિકળે ત્યારે લૂંટાઇ જવાનો ડર અનુભવતો. આજની ડિજિટલ દુનિયામાં જો તમે ધ્યાન ના રાખો તો ઘરે બેઠા પણ લૂંટાઇ શકો છો.એવા ડિજિટલ ચોર કે જેમને તમે કયારેય મળ્યા નથી કે ઓળખતા નથીએ બેંકમાં જમા કરેલી તમારી જીવનભરની બચતમૂડી ઓહિયા કરી શકે છે. આ નવા જમાનાના ચોરો ઢીલા-પોચા કે નબળા મન ધરાવનારાને ડિજિટલ અરેસ્ટ કરે છે. ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલો વ્યકિત એક પ્રકારની અદ્વષ્ય જેલનો અનુભવ કરે છે. ભલે બધાને મળતો હોય પરંતુ મનથી કોઇનો ગુલામ બની ગયો હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સાયબર ફ્રોડ એમાં પણ ડિજિટલ અરેસ્ટના સમાચાર સર્વત્ર છવાયેલા રહે છે. આમ જોવા જઇએ તો ડિજિટલ અરેસ્ટ એવો કોઇ કાનુની શબ્દ નથી પરંતુ સાઇબર ઠગો દ્વારા અપનાવવામાં આવતી એક રીત છે જેમાં ખુદને પોલીસ, સીબીઆઇ, ઇડી, આવકવેરા વિભાગ, આરબીઆઇ, ટ્રાઇ કે કોઇ પણ સરકારી એજન્સીનો અધિકારી ગણાવીને વીડિયો કોલ પર ડરાવે છે. કોઇ ગંભીર કેસ થયો છે જો તમારે ધરપકડથી બચવું હોયતો તપાસ પુરી ના થાય ત્યાં સુધી વીડિયો કોલ બંધ કરશો નહી. ધીમે ધીમે બેંક ખાતા, ઓટીપી, રોકાણ અને જમા બચત સુધીની માહિતી મેળવી લે છે. સાયબર સિકયોરિટીની સાથે સ્કમર્સ લૂંટ ચલાવવાની નવી નવી ટેકનીક અજમાવતા થયા છે. સાબીતી રુપે ભોગ બનનારનું નામ, સરનામું, આધાર કાર્ડ, ડિટેઇલ્સ અને ટોપ એજન્સીઓના નામનો સાઇન કરેલો નકલી લેટર પણ હોય છે. કયારેક એવા પણ ફોન આવતા હોય છે કે તમારા આધાર આઇડીનો ખોટો ઉપયોગ કરીને ગેર કાયદેસર રીતે પેમેન્ટ કરવામાં આવ્યું છે. સાયબર ઠગો એકાઉન્ટની વેલિડિટીના નામે વ્યકિતના બેંક બેલેન્સની માહિતી મેળવવા સુધી પહોંચી જાય છે.
સાયબર ઠગનો એક માત્ર ઇરાદો વિવિધ પ્રકારની કહાનીઓ ઘડીને ડિજિટલ એરેસ્ટ કરીને નાણા પડાવવાનો હોય છે.ડિજિટલ ઠગની વાતો એટલી ચાલાકીથી ભરેલી હોય છે કે ભલ ભલા તેમાં ફસાઇ જાય છે.ભોગ બનનારામાં મોટા અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, સેલિબ્રેટીઓથી માંડીને વરિષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડિજિટલ જ્ઞાનનો અનુભવ ઓછો ધરાવતા વધારે ભોગ બનતા હોય છે. ડેટા ડિજિટાઇઝેશનની રફતાર વધી પરંતુ પર્સનલ ડિટેઇલથી લઇને ઓન લાઇન બેન્કિંગ માટે જાગૃતિ વધી નથી. જેમને બેઝિક ઇન્ટરનેટ શેફટીની જાણકારી ઓછી હોય તેમનો ફાયદો ઉઠાવે છે. જો કે એવા પણ કિસ્સા બને છે જે વ્યકિત કયારેય કોઇને ઓટીપી આપે નહી કે કોઇની જાળમાં ફસાય નહી એમનાથી પણ ભૂલ થઇ જાય છે. સ્કેમર્સ ખૂબ મોટું સાયકોલોજિકલ પ્રેશર ઉભું કરીને બેંક એકાઉન્ટની વિગતો અને પછી અંદર રહેલી બચત ચોરી લે છે. કોઇને ઓટીપી કે બેંક ડિટેઇલ આપશો નહી,શંકાસ્પદ કોલને તરત જ કાપી નાખો, મોબાઇલમાં અજાણી ફાઇલને ખોલવી નહી, ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર અનેક નંબરને સ્પેમ ડિસ્પેલે કરે છે આવા કોલ ઉઠાવશો નહી. ભારતમાં કોઇ પણ તપાસ એજન્સી કોઇ પણ વ્યકિતને વીડિયો કોલ પર ડિજિટલ એરેસ્ટ કરતી નથી આ એક પ્રકારની સાયબર ઠગાઇ છે. જન જાગૃતિ આ બધી બાબતોનો બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવતો હોવા છતાં ડિજિટલ અરેસ્ટની કરુણ કહાનીઓ વધતી જાય છે. કયારેક ડિજિટલ અરેસ્ટ માટે ડીપ ફેંક એટલે કે એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી) ની મદદથી ફર્જી વીડિયો, ઓડિયો કે ફોટો તૈયાર કરવામાં આવે છે. જેમાં કોઇ પણ વ્યકિતનો ચહેરો, અવાજ કે હાવભાવને બદલી નાખવામાં આવે છે જે બિલકૂલ અસલી જેવો લાગે છે. આનો ઉપયોગ બ્લેક મેલિંગ અને ખંડણી માટે થાય છે. જમીન પર ફરતા ચોર તો ખિસ્સામાં હોય એટલું જ લૂંટી લેતા ઓનલાઇનના પ્રદેશમાં ફરતા ડિજિટલ ચોર બેંક ખાતામાંથી જીવન ભરની કમાણી ઓળવી લે છે. મોબાઇલએ ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરવાની બારી છે આ બારીમાં કયાંક ડિજિટલ ચોર ડોકિયા કરતા હોય છે આથી તકેદારી રાખવાનો સમય આવ્યો છે. એવી પણ ઘટનાઓ બની છે જેમાં વીડિયો કોલ આવે ત્યારે સામે પોલીસની વર્દી પહેરેલો માણસ એમ કહે કે તમારા પર મની લોન્ડ્રિગ કે ડ્રગ્સનો કેસ થયો છે. વોકી ટોકીના અવાજ સાથે આસપાસનું વાતાવરણ પણ પોલીસ સ્ટેશન જેવું ઉભું કરે છે. પછી વીડિયો કોલ કરીને માણસ સતત ડરાવતો રહે છે. બેંક ખાતાની વિગત માંગે છે. ભોગ બનનાર એટલો બધો ડરી ગયો હોય છે કે સાયબર ડાકુઓ બેંકમાંથી પૈસા પણ ટ્રાન્સફર કરાવી લે છે. પછી પીડિતના ચહેરાને કોઇ અશ્લિલ વીડિયો સાથે જોડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દે છે. વાયરલ નહી કરવાના પણ ઓનલાઇન ડાકુઓ પૈસા પડાવે છે.
છેલ્લા બે થી ત્રણ વર્ષથી આવી ઘટનાઓ હવે અપવાદ રહી નથી રોજ બને છે. ડિજિટલ અરેસ્ટ ભારતમાં સૌથી મોટા સાયબર પડકાર છે. આનો ઘેરાવો માત્ર કોઇ એક દેશના સિમાડા પૂરતો નથી. દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં મોટા પાયે ડિજિટલ સ્કેમ ચાલે છે ખાસ કરીને મ્યાંમાર, કંબોડિયા અને લાઓસથી ચાલતા સંગઠિત તસ્કરી નેટવર્ક હેઠળ લવાયેલા મજબૂર ભારતીય નાગરિકોનો પોતાના જ દેશના લોકોને ઓન લાઇન ઠગવા માટે ઉપયોગ થાય છે. ભારત ડિજિટલ અર્થ વ્યવસ્થા તરફ આગળ વળી રહયું છે ત્યારે ડિજિટલ અરેસ્ટએ માત્ર ગ્રાહકો જ નહી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્વો પણ છે. ડિજિટલ અરેસ્ટ સામાન્ય પ્રકારની ઓન લાઇન છેતરપિંડીથી અલગ પડે છે. અપરાધીઓને પકડવા માટે પ્રત્યાપર્ણના કાયદા ઝડપી અને કડક બનાવવા જરુરી છે.વિદેશીભૂમી પરથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવનારા સુધી પહોંચવું તપાસ એજન્સીઓ માટે અત્યંત અઘરુ અને પેચીદું કામ છે.વિદેશી સાઇબર અપરાધીઓને માત્ર પોતાના દેશના કાનુન વ્યવસ્થાનો જ મામલો ગણવામાં આવે છે.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના આંકડા અનુસાર ડિજિટલ અરેસ્ટ અપરાધમાં ૨૦૨૫માં ભારતીય નાગરિકના ૨૨૪૯૫ કરોડ રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે સાયબર ક્રાઇમના નેટવર્કનો એક હિસ્સો હતા. ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીમાં ભારતમાં ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીના ૨૪૧૫૩૭ કિસ્સાઓ બન્યા છે જેમાં ૩૦૧૨ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. છેલ્લા ૬ વર્ષમાં વિવિધ સાયબર
ગુનામાં ભારતીયોએ ૫૨૯૭૬ કરોડ રુપિયા ગુમાવ્યા છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (આઇફોરસી) અને ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા ડિજિટલ એરેસ્ટથી જોડાયેલા ૮૩૬૬૮થી વધુ વોટ્સએપ એકાઉન્ટ, ૩૯૬૨ સ્કાઇપ આઇ ડી, લગભગ ૭.૮૧ લાખ સિમકાર્ડ અને ૨ લાખથી વધુ આઇએમઇઆઇ નંબરો બ્લોક કરવામાં આવ્યા છે. ૨૦૨૫માં સરકારે ૧૨ લાખ જેટલા સિમકાર્ડ બંધ કર્યા હતા. ૧૩.૩ લાખ મ્યૂલ (ફર્જી) ખાતા ફ્રીજ કરીને ૫૪૮૯ કરોડ રુપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ડિજિટલ અરેસ્ટએ ટેકનોલોજી આધારિત ગુનો છે આવા ગંભીર આધુનિક સાયબર અપરાધની સુવ્યવસ્થિત સ્પષ્ટ વ્યાખ્યા કરીને અસરકારક કાયદા ઘડવાની જરુરિયાત છે. ડીપફેક કે ડિજિટલ અરેસ્ટ કોને કહેવાય એની કાયદાની ભાષામાં સ્પષ્ટ વ્યાખ્યા અને સજાની સ્પષ્ટ જોગવાઇ હોવી જરુરી છે. હાલમાં ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ગુનાઓ માટે કોઇ સીધો કાયદો નથી. ભારતીય ન્યાય સંહિતા અંર્તગત છેતરપિંડી, બનાવટ અને અન્ય પ્રકારની નકલી ઓળખ બનાવવી, ગુનાહિત ધમકી અને ખંડણી સાથે જોડાયેલી કલમો, સુચના પ્રાધોગિકીની કલમો, અશ્લીલ તસ્વીરો કે વીડિયો પ્રસારિત કરવા સાથે જોડાયેલી કાનુની જોગવાઇ વગેરે જુદી જુદી કલમો ઉમેરીને કેસ તૈયાર કરવામાં આવે છે. માની લો કે કોઇ મહિલાનો ડીપફેક વીડિયો બનાવાયો હોયતો પોલીસે આઇ ટી એકટ, અશ્લિલ સામગ્રી, માનહાની અને છેતરપિંડી જેવી કલમો ઉમેરવી પડે છે. ડીપફેક બનાવવું એ જધન્ય અપરાધ આને લઇને કોઇ એક કલમ નથી. ડિજિટલ અરેસ્ટમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. ઘરેલું મોરચે સાયબર ક્રાઇમ વિરુધ અસરકારક કાયદા કાનુન ઉપરાંત વિદેશોથી ઓપરેટ થતા સ્કેમ નેટવર્કને અટકાવવા પડશે. સરહદનું રક્ષણ તો સૈનિકો ગોઠવીને પણ થઇ શકે પરંતુ વિદેશોમાંથી ઓપરેટ થતા ડિજિટલ ડાકુગીરીનું પગેરુ મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું હોય છે. છેવટે તો ડિજિટલ અરેસ્ટ હોય કે ડિપ ફેંક લોક જાગૃતિ જ સૌથી મોટું હથિયાર છે.









