તમે રિયાનો લેટેસ્ટ GRWM જોયો?

- નેટ-બોલી
G RWM નો અર્થ Get Ready With Me (મારી સાથે તૈયાર થાઓ) થાય છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય શોર્ટ ફોર્મ્સ પૈકીનું એક છે. આ એવા વીડિયોનો સંદર્ભ આપે છે જેમાં કોઈ વ્યક્તિ તૈયાર થતી વખતે, એટલે કે મેકઅપ કરતી વખતે, વાળ ઓળતી વખતે, સ્કિનકેર કરતી વખતે, કપડાં પસંદ કરતી કે ઇવન કપડાં પહેરતી વખતે પોતાનો વીડિયો શૂટ કરે છે અને સોશિયલ મિડીયા યુઝર્સ (એટલે કે પોતાના ઓડિયન્સ) સાથે વાતો કરે છે.
મહત્વની વાત એ છે કે GRWM એ માત્ર એક બ્યુટી ટયુટોરિયલ (મેકઅપ શીખવતો વીડિયો) નથી. કોઈ સોશિયલ મિડીયા ક્રિએટર કદાચ લગ્ન, કોલેજ, ડેટ, પાર્ટી, ઓફિસ કે પછી સામાન્ય દિવસ માટે પણ તૈયાર થઈ રહ્યો હોય. તૈયાર થતાં થતાં તેઓ પોતાના જીવન વિશે વાતો કરી શકે છે, કોઈ કિસ્સો સંભળાવી શકે છે, પોતાના વિચારો રજૂ કરી શકે છે કે પછી ગોસિપ કરી શકે છે. જોનારાને એવું જ લાગે કે જાણે એ આ યુવતી (કે યુવક)ની સામે જ, એ જ રૂમમાં બેઠા છે. GRWM બદનામ પણ ખૂબ છે, કેમ કે અંગપ્રદર્શન કરવા માટે આ વીડિયો ફોર્મેટનો ભરપૂર ઉપયોગ થાય છે.
આની શરૂઆત ક્યાંથી થઈ?
આ ફોર્મેટની શરૂઆત યૂટયુબના શરૂઆતના સમયના બ્યુટી-વ્લોગિંગ કલ્ચરમાંથી થઈ હતી. GRWM સ્ટાઈલનો સૌથી પહેલો નોંધાયેલો વીડિયો જાન્યુઆરી ૨૦૧૧માં ન્યૂઝીલેન્ડની જીરચચચહર્ટ નામની બ્યુટી યુટયુબર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. એમાં એણે મેકઅપ કરતી વખતે વીડિયો બનાવ્યો હતો. ત્યાર પછી અન્ય બ્યુટી ક્રિએટર્સે પણ આ ફોર્મેટ અપનાવી લીધું. GRWM શોર્ટ ફોર્મનો ઉપયોગ ૨૦૧૨ સુધીમાં શરૂ થઈ ગયો હતો. તે યુટયુબ પરથી ઇન્સ્ટાગ્રામ અને ખાસ કરીને ટિકટોક પર ફેલાયો.
GRWM શબ્દપ્રયોગનો ઉપયોગ કેપ્શન, હેશટેગ, વીડિયો ટાઇટલ કે સંજ્ઞા તરીકે થઈ શકે છે. જેમ કે-
'મારી પહેલી ડેટ માટે GRWM !'
'હું લગ્ન પહેલાં એક GRWM શૂટ કરી રહી છું.'
'તે રિયાનો લેટેસ્ટ GRWM જોયો?'
'ગઈકાલે શું બન્યું એ હું તમને કહું છું, ત્યાં સુધી મારી સાથે GRWM કરો.'
આ પણ જાણી લો…
GRWM આટલું સફળ થવાનું એક મોટું કારણ એ છે કે તૈયાર થવાની પ્રક્રિયા કોઈ કિસ્સો-કહાણી કહેવાનું એક બહાનું બની જાય છે. કદાચ તમે કોઈનો મેકઅપ જોવા માટે વીડિયો પર ક્લિક કર્યું હોય, પણ તમે વીડિયો જોવાનું ચાલુ રાખો છો કારણ કે તે વ્યક્તિ મસ્ત રીતે કશીક વાત કહી રહી હોય છે.
આ ફોર્મેટ પ્રોડક્ટ પ્રમોશન માટેનું એક સહજ માધ્યમ પણ બની ગયું છે. મેકઅપ, સ્કિનકેર, કપડાં અને હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ સહજતાથી આ રૂટિન દરમિયાન દર્શાવી શકાય છે, જેના કારણે ઇન્ફ્લુએન્સર્સ અને બ્રાન્ડ્સ માટે GRWM ખૂબ જ આકર્ષક બની ગયું છે.
આ ફોર્મેટ દિવસેને દિવસે વધુ ક્રિયેટિવ અને ક્યારેક વિચિત્ર પણ બનતું ગયું છે. લોકો પાર્ટીઓ અને ડેટ્સથી લઈને ખૂબ જ અસામાન્ય કે લાગણીશીલ પરિસ્થિતિઓ સુધી દરેક બાબત માટે GRWM બનાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, GRWM હવે 'જુઓ, હું કેવી રીતે તૈયાર થાઉં છું'થી આગળ વધીને 'આવો, મારી સાથે વાત કરો, મારી લાઇફમાં શું ચાલી રહ્યું છે તે સાંભળો…' બની ગયું છે.




