Shatdal

નિદાન, ઉપચાર ચિન્હોના કે રોગના મૂળના?

By GS Team
11 Aug 20263 mins read
નિદાન, ઉપચાર ચિન્હોના કે રોગના મૂળના?
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

અં ગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે : ટુ ટ્રીટ ધ સિમ્પટમ્સ એન્ડ નોટ ધ કોઝ (બાહ્ય, બહાર દેખાતાં ચિન્હોનાં જ મલમપટ્ટા કરવા, અંદરનાં ઊંડાણની પરખ સાથે ઔષધોપચાર ન કરવા). પેટમાં અપચાને કારણે જૂનો કચરો જમા થયો હોય, ને પરિણામે માથું દૂખતું હોય, ત્યારે કોઈ વૈદ્ય જો માથું મટાડવાની ગોળી આપે તો ટૂંકા ગાળા માટે માથું મટી જવાથી રોગ દૂર થવાની ભ્રમણા ઊભી થાય. આ પ્રકારે ઉપચાર કરવા એ છીછરી પદ્ધતિ ભારે છેતરામણી હોવા છતાં લગભગ મોટા ભાગના ધર્મો કે સંપ્રદાયો આવી પદ્ધતિનો જાણ્યે અજાણ્યે આશ્રય લે છે.
મનના દરિયામાં મોટાં મોજાં ઉછળતાં હોય, આપણી અંદરનો સૌથી બોલકો 'અહંકાર' જાણે લાઉડ સ્પીકરથી જાહેર કરતો હોય કે 'મેં મૌનસાધના સ્વીકારી છે' ત્યારે પાંચ-સાત-પંદર દિવસો કે મહિનો વર્ષનાં જીભનાં મૌનની સાર્થકતા કેટલી ? હાસ્યાસ્પદ વિડંબના તો જુઓ કે આપણે આંબાનું વૃક્ષ વાવવા માટે બીજથી નહીં પણ ઝાડની ટોચથી શરૂઆત કરીએ છીએ ! બુલંદ ઇમારત રચવી હોય તો પ્રારંભ ક્યાંથી કરાય ? સાતમા, બારમા કે નેવુંમા માળની છતથી કે જમીનની અંદરના પાયા કે બુનિયાદથી ? જે ઇમારત રૂડી રૂપાળી દેખાતી હોય, પણ બુનિયાદ ન હોય એને છિન્નભિન્ન કરવા મોટું વાવાઝોડું નહીં, એકાદ બે હવાનાં ઝાપટાં પણ કાફી થઈ પડે.
વિધિ, સંપ્રદાય, ટીલાંટપકાં, સુષ્ઠુ સુષ્ઠુ રીતભાત મીઠી વાણી તમને બહારથી બદલી શકે, અંદરથી નહીં. મારા એક આખાબોલા પણ નિખાલસ હૃદયના મિત્રે અમુક વક્તૃત્વવર્ગ અંગે બહુ ધારદાર ટિપ્પણ કરતાં કહ્યું એ સમજુ માણસે વિચારવા જેવું છે : વક્તૃત્વના વર્ગ તમને 'કેમ' બોલવું એ શીખાવી શકે, 'શું' બોલવું એ માટે અમુક હદ સુધી ગોખણપટ્ટી કરાવી શકે, પણ શું બોલવું એ સૂઝાડી શકે નહીં.
બધું જ ઉપયોગી ખરું, પણ બધું જ આંતરિક રૂપાન્તર વિના એકડા વગરનાં મીંડા જેવું છે. તમે કોઈને સંગીતના વર્ગમાં મોકલીને અમુક 'ચીજો', અમુક ગીતો ગોખાવી શકો, એનામાં સંગીતની રૂચિ પ્રગટાવી ન શકો. કોઈનાં હૈયામાં દ્વેષ, ઇર્ષ્યા, હિંસાની ગંદકી હોય, તો દુનિયાનો કોઈ જ ધર્મ, ઉપદેશ, કથા કે પ્રભાવશાળી પ્રવચન એ બદલી ન શકે, કારણ કે એ ગંદકીનાં મૂળ બહુ ઊંડાં હોય છે. જિન્દગીની કોઈ વિસ્ફોટક ઘટના, હૈયાંનો કોઈ તીવ્ર, કારી ઘાવ કદાચ રૂપાન્તરમાં નિમિત્ત બની શકે.
ગાળ બોલનાર ને તમે અસંસ્કારી કહી શકો, અસંયમી કહી શકો, પણ એક પણ અપશબ્દ બોલ્યા વિના ગાળનું આચરણ કરનારને તમે સંસ્કારી અને સંયમી કહેશો ? કહેવા દો ને આજે આવા જ માપદંડ આધારિત મૂલ્યપ્રથા નો આપણે સ્વીકાર કર્યો છે. પરિણામે બાહ્ય સભ્યતા, બાહ્ય બોલકી મીઠાશ, ચાંપલાઈ વગેરે રતિભાર પણ વિશ્વસનીય રહ્યાં નથી. શેતાન પણ બાઈબલ-રામાયણ કે ધર્મગ્રન્થ ટાંકી શકે છે. પરસ્પરની સમજૂતીથી એક આખી દાંભિલ મૂલ્યપ્રથા ઊભી થઈ છે. સજ્જન તરીકે ખપવું હોય, સભ્ય કે સંસ્કારી તરીકે કામચલાઉ છાપ ઊભી કરવી હોય તો આંતરિક રૂપાન્તર નહીં, રીતભાતનું પરિવર્તન આજે જરૂરી છે. અહીં 'સજ્જન તરીકે ખપવું હોય' એ 'ઓપરેટિંગ વર્ડ' છે. મુદ્દો પ્રદર્શનનો છે, મુદ્દો ઝટ મંગની-પટ શાદીનો છે. મુદ્દો દર્શનનો નથી, મુદ્દો જાતને ખરેખરા અર્થમાં ગાળ-વિહોણી નિર્મળ બનાવવાનો નથી, મુદ્દો ગાળ વિહોણા, નિર્મળ દેખાવાનો છે.
જો વ્યક્તિગત જીવનમાં રોગિષ્ટ વિકૃતિ દેખાતી હોય તો પહેલી જરૂર આ રોગનાં મૂળમાં જવાની છે.