Shatdal

કલ્ચર શૉક : સંસ્કૃતિ આઘાત

By GS Team
11 Aug 20264 mins read
કલ્ચર શૉક : સંસ્કૃતિ આઘાત
  • શબ્દસંહિતા-પરેશ વ્યાસ
  • આ કલ્ચર શૉક બે દેશો વચ્ચેનો નથી, બે પેઢીઓ વચ્ચેનો છે

જીવન સમજવું હોય
તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ
સમંદરની વાત છે.

  • હેમેન શાહ
    'મેરે પ્યારે ભારતવાસિયોં' હવે 'હાય ફ્રેન્ડ્સ' થઇ ગયું. હાય હાય, આ શું થિયું? કલ્ચર શૉક અમને લાગ્યો! પેલી પંદર વર્ષની છોકરીએ મોદીસાહેબને માબહેનની ગાળો ભાંડી. મોદીસાહેબે એ દીકરીને માફ કરી દીધી. એમાં કોંગ્રેસવાળા દુ:ખી થઇ ગયા. વાત તો મોદી સાહેબે માફી માંગવાની હતી. અને મોદી સાહેબે મોટું મન રાખીને સૌને માફ કરી દીધા. જાઓ, તુમ ભી ક્યા યાદ કરોગે…. અંચઈ કહેવાય. નહીં?! પોતાના ઈન્સ્ટારીલમાં મોદી સાહેબ 'કલ્ચરલ શૉક' શબ્દ બોલ્યા. ખોટો તો નથી. પણ 'કલ્ચર શૉક' શબ્દ સ્ટૅન્ડર્ડ ગણાય છે. તેઓ બોલ્યાં કે અભદ્ર ભાષા સામે સમાજમાં આક્રોશ છે. અમને જો કે એવું ખાસ લાગતું નથી. કોઈ પણ સ્ટેન્ડ અપ કોમેડી કે વેબ સીરીઝ જુઓ, માબહેનની ગાળો છાશવારે આવે. પ્રેક્ષકો એને હસતા હસતા સાંભળે છે. સરકાર એમાં કાંઈ કરતી નથી. આપણાં પેટનું પાણી ય હાલતું નથી. હવે એ વિચારો કે ગાળ બોલનાર રુચિકા સિંઘની જગ્યાએ રુચિર સિંઘ હોત તો? સમાજમાં છોકરી અને છોકરાની ભદ્ર અભદ્ર ભાષાનાં અધિકૃત ધોરણ જુદા છે. ચંદ્રકાંત બક્ષી કહ્યું હતું કે ગાળ એ પુરુષની મેન્સિઝ(માસિક રજસ્ત્રાવ) છે. ગાળો બોલવી મર્દાનગી ગણાય. સ્ત્રી માટે આવું વિચારાય જ નહીં. સ્ત્રીને નાનપણથી શીખવાડાય છે કે અભદ્ર ભાષા વર્જિત છે. શું કલ્ચર શૉક(ભેનોિી જીર્રબં) આ છે?
    'કલ્ચર' એટલે સંસ્કૃતિ અને 'શૉક' એટલે આઘાત. દા.ત. ભારતનો છોકરો કે છોકરી અમેરિકા જાય તો શું થાય? ઇન્ડિયામાં તો કચરાં-પોતાં, ઠામ-વાસણ માટે કામવાળાં હતા. ઈસ્ત્રીવાળા ય હતા. અમેરિકામાં ડીઆઇવાય. ડૂ ઈટ યોરસેલ્ફ. અમેરિકામાં પ્રાઇવસીનું મહત્વ ઘણું. કોઈના ઘરે અચાનક પહોંચી ન જવાય. અને રહેણાંક વિસ્તાર સૂમસામ હોય. રસ્તા પર કોઈ દેખાય નહીં. ગન કલ્ચર પણ ખરું જ. અને ભારે એકલતા સાલે. ઘરઝૂરાપો ઘેરી વળે. ઉદાસી, ગુસ્સો કે લાચારી અનુભવાય. મન ન લાગે અને નવા દેશની સરખામણી પોતાના દેશ સાથે સતત થયા કરે. પછી ઊંઘ ન આવે, ખાવા-પીવાની આદતો દુ:ખી કરે અને સતત થાક લાગે. થાય કે આ અબ લૌટ ચાલે. કલ્ચર શૉક આ છે. એમ કે શરૂઆતમાં નવું વાતાવરણ ખૂબ જ રોમાંચક, આકર્ષક અને સકારાત્મક લાગે. આ 'હનીમૂન' છે. પછી આવે 'નિરાશા'. ભાષાની મુશ્કેલીઓ અને નાના નાના તફાવતો પણ ગુસ્સો કે કંટાળો લાવે. ઘરની યાદ ખૂબ સતાવે. પણ પછી ધીરે ધીરે સ્થાનિક રિવાજો જાણી લઈએ તો નવા મિત્રો બને અને જિંદગી સરળ બને. આ 'એડજસ્ટમેન્ટ' છે. અને છેલ્લે 'સ્વીકાર'. નવા વાતાવરણમાં સંપૂર્ણ રીતે ભળી જાઓ એટલે આત્મવિશ્વાસ આવી જાય. યુરોપમાં આથી ઊલટો સંસ્કૃતિ આઘાત. અહીં વર્કને ઓછું અને લાઈફને વધારે મહત્વ અપાય. ઝાઝું કામ નઈં કરવાનું. રજાને દહાડે ઇમેલનો જવાબ આપે તો સાહેબ ખુલાસો માંગે! જૈસા દેશ, વૈસા ભેષ. એપલનાં સહસ્થાપક સ્ટીવ જોબ્સ ૧૯૭૪માં ભારતનો પ્રવાસ કરીને અમેરિકા પાછા ફર્યા ત્યારે તેઓએ 'રિવર્સ કલ્ચર શોક' અનુભવ્યો હતો. તેમના મતે, પરદેશમાં અનુકૂળ થવા કરતાં પોતાના દેશમાં પાછા ફરવું વધુ મુશ્કેલ હતું. તેમણે કહ્યું હતું કે, મારા માટે ભારત જવા કરતાં અમેરિકા પાછા આવવું વધુ મોટો કલ્ચર શોક હતો. કેલિફોર્નિયાની સિલિકોન વેલીના અતિ-આધુનિક અને ભૌતિકવાદી વાતાવરણમાં પાછા આવ્યા, ત્યારે પશ્ચિમી દેશોની માત્ર લોજિક (તર્ક) પર ચાલતી દુનિયા તેમને ખૂબ જ મર્યાદિત અને અજાણી લાગી હતી. તેમના જીવનચરિત્ર લેખક વૉલ્ટર આઇઝેકસનને તેમણે જણાવ્યું હતું કે 'ભારતના ગ્રામીણ લોકો આપણી જેમ બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, તેઓ તેમની અંત:સ્ફુરણાનો ઉપયોગ કરે છે. અંત:સ્ફુરણા ખૂબ શક્તિશાળી વસ્તુ છે, મારા મતે બુદ્ધિ કરતાં પણ વધુ શક્તિશાળી. તેની મારા કામ પર ખૂબ મોટી અસર પડી છે'. તો આ છે કલ્ચર શૉક.
    મોદી સાહેબનાં ઇન્સ્ટાકથનમાં છે એ 'કલ્ચર શૉક' પરદેશગમનની નહીં પણ જનરેશનાગમન(!)ની વાત છે. અત્યારે સાત પેઢીઓ હયાત છે. 'સાયલન્ટ જનરેશન' જે આજે ૮૧-૯૮ વર્ષનાં છે. પછી આજે જે ૬૨-૮૦ વર્ષનાં છે એ 'બેબીબૂમર્સ જનરેશન'. તે પછી 'જનરેશન એક્સ', આજે જેઓની ઉંમર ૪૯-૬૧ વર્ષ છે. પછી ૩૦-૪૫ વર્ષનાં 'મિલેનિયલ્સ'. અને પછી જેની આ બધી બબાલ છે એ 'જનરેશન ઝી', જેઓ આજે ૧૪-૨૯ વર્ષનાં છે. અને તે પછી જેઓ મતદાર નથી એવી ૨-૧૩ વર્ષની 'આલ્ફા' અને ૨ વર્ષથી નાની છે એ 'બીટા' જનરેશન. મોદી સાહેબ બેબી બૂમર્સ જનરેશનનાં પ્રતિનિધિ છે. વિશ્વયુદ્ધ પછી બાળકોનો જન્મદર અચાનક વધી ગયો એટલે એવું નામ પડયું. સ્વભાવે મહેનતુ, પરંપરાગત મૂલ્યો, સ્વતંત્ર વિચારસરણી અને માનસિક મક્કમતા તેઓની ખાસિયત. તેઓની સાપેક્ષ જન ઝીની વાત નિરાળી છે. તેઓ ડિજિટલ છે. વર્ક-લાઈફ બેલન્સમાં માને છે. માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે. પર્યાવરણની તેઓને ચિંતા છે. રાજકીય નેતા વિના તેઓ વિદ્રોહ કરે છે, સોશિયલ મીડિયા તેઓનું હથિયાર છે, ભાષણોની જગ્યાએ મીમ્સ અને વ્યંગ દ્વારા તેઓ વ્યક્ત થાય છે અને…. કોઈનું સાંભળતા નથી. આ કલ્ચર શૉક બે દેશો વચ્ચેનો નથી, બે પેઢીઓ વચ્ચેનો છે. મોદી સાહેબને લાગે છે કે આવી અભદ્ર ભાષા… કેમ ચાલે? સાચી વાત પણ જેન ઝીને લાગે છે કે મુદ્દા પર આવો. આમ શિક્ષણ ક્ષેત્રે લાલિયાવાડી ન ચાલે. 'અમૃતકાલ' અને 'વિકસિત ભારત' આવશે ત્યારે તો અમે ૫૦ને આળેગાળે પહોંચી ગયા હોઈશું. અમે સમજણાં થયા ત્યારથી તો તમારી જ સરકાર છે. પ્રવર્તમાન શિક્ષણનીતિ માટે કોંગ્રેસી શાસનને દોષ દેવો અને દરેક વિરોધ દેશદ્રોહ છે-એવું ગણવું અસ્થાને છે. કલ્ચર શૉક આ છે.
    શબ્દ શેષ
    'હું અત્યારથી જોઈ રહ્યો છું, મારું મૃત્યુ કલ્ચર શૉકથી જ થવાનું છે.'
  • અમેરિકન ફિલ્મમેકર કોમેડિયન વૂડી એલન