Shatdal

પરમાત્મા સાથે જોડાણ માત્ર હૈયાની વાત

By GS Team
30 Jun 20262 mins read
પરમાત્મા સાથે જોડાણ માત્ર હૈયાની વાત
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
  • પરમાત્માની અનુભૂતિ સંપૂર્ણપણે હૈયાંમાં ઘટતી ઘટના છે
    બ રાબર નોકરીની શોધ માફક, યુવક-યુવતી (માફ કરજો, આધેડો અને વૃદ્ધો પણ ખરાં !) ના 'બાયોડેકા'ની સામટી નકલો એકસાથે દર્જન કે બે દર્જન જણાંને પહોંચે એ બીના હવે હાસ્યાસ્પદ લાગતી નથી. હવે જાણે આપણે બધા 'નિખાલસ' બની ગયા છીએ, નિર્દંભી, ખુલ્લા બની ગયા છીએ. લગ્ન એટલે સામાજિક કે શારીરિક જરૂરત સિવાય વિશેષ કશું નથી : હૈયાંનો મેળાપ, વ્યક્તિત્વના સ્તરની સંવાદિતા : બધી બાહ્ય ગણતરીઓની પેલે પાર, દીર્ઘજીવી અંત:સ્ફુરણાના ગમા-અણગમા વગેરે બાબતો તો ભોળાઓ, બેવકૂફો કરે ! બસ 'રજીસ્ટ્રેશન' કરાવો, મેરેજ-બ્યૂરોના મુકાદમના સંપર્કમાં રહો, જુદા જુદા રેસ્ટોરાંની વાનગી તપાસતા રહો એમ પંદર, વીસ, પચીસ મિનિટમાં આગંતુકને 'માપવા'ની કસરત થાય ને પછી 'કરો કંકુના !' ને પછી આત્મા ને દેહનું ઐકય સધાય ! પણ તમે એની દલીલ નહીં કરતા કે અહીં આંતરિક તાર મળવાને ક્યાં અવકાશ રહ્યો ?
    મનની શાંતિ કે એકાગ્રતા માટે, સતત પીડતા-ભયાનક અસંતોષને દૂર કરવા આધ્યાત્મિકતા, પરમાત્મા સાથેનું અનુસંધાન જ એક રામબાણ ઇલાજ છે એવું સાંભળીને એક મિત્ર અલગ અલગ ભરવાડોના વાડામાં ભેલાણ કરતા રહે છે. દર ચાર પાંચ મહિને મળે ત્યારે એમના મોઢે નવી વાત હોય : ફલાણા પંથની ધ્યાનાશિબિરમાં 'રજીસ્ટ્રેશન' કરાવ્યું છે, ઢીકણા પરિવારમાં જઈ આવ્યા પણ ત્યાં ચાબખા બહુ મારે છે, લૂકડાની હમણાં 'ડિમાન્ડ' છે, ત્યાં ચેલા તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પણ નંબર લાગે ત્યારે ખરો, આપણે તો ગયા અઠવાડિયે ફલાણા મહારાજ સાહેબની શિબિરમાં જઈ આવ્યા, શું બોલે છે ! શું 'ગનાન' છે ને છાતીએ છાતી ભીંસાય એટલી 'પબલિક' હોં આપણે તો સ્વાધ્યાયી, બીજે પગ પણ ના મૂકીએ. આપણે દર રવિ એકવાર તો મંદિરે જવાનું જ, હોં કે !
    આ લોકોને હવે કોણ સમજાવે કે પરમાત્માની અનુભૂતિ સંપૂર્ણપણે હૈયાંમાં ઘટતી ઘટના છે. પરમાત્મા સાથેનું પૂર્ણ-મિલન તો જવા દો, એના તણખા સાથએ તારા-મૈત્રક રચાય તો પણ માણસ આખો બદલાઈ જાય. (ગીતા કહે છે : 'સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્) દુનિયાનો કોઈ જ ઘર્મ, કોઈ જ સંપ્રદાય, કોઈ જ ધ્યાન-પદ્ધતિ, કોઈ જ 'પોપ્યુલર' 'આધ્યાત્મિક પ્રોફેશનલ' પરમાત્મા સાથેનાં પ્રેમલગ્ન માટેનો 'નુસખો', 'ફોર્મ્યુલા' આપી શક્યા નથી, છતાં પરમાત્મા સાથે લગ્ન માટના 'મેરેજ બ્યુરો' ધમધોકાર ચાલે છે ! કારણ સમજો છો ? આ ઉમેદવારો ને પેલાં ખરેખરાં પ્રેમલગ્નમાં રસ હોતો જ નથી, સંપ્રદાય કરેવાતી ધાર્મિકતા, ધ્યાનશિબિરો, ધાર્મિક રૂઢિઓ આ લોકો માટે સામાજિક જરૂરિયાત, કામચલાઉ 'ઇન્દ્રિયતૃપ્તિ'હોય છે. બરાબર 'મેરેજબ્યૂરો' પૂરી પાડી શકે એવી વ્યવસ્થા !
    ધર્મ કે ધ્યાનપદ્ધતિ પસંદગીનો કે બજારૂ વિષય નથી. તમે જો તૈયાર હો તો પરમાત્મા સાથેનાં મિલન-લગ્નમાં કોઈ પણ યજ્ઞા-પુરોહિત શ્રેષ્ઠ છે.