Shatdal

રશિયા-યુક્રેન યુધ્ધના વિસ્તરી રહેલા વ્યોમથી ઘેરાતા જતા ચિંતાના વાદળ

By GS Team
18 Aug 20267 mins read
રશિયા-યુક્રેન યુધ્ધના વિસ્તરી રહેલા વ્યોમથી ઘેરાતા જતા ચિંતાના વાદળ
  • મીડ વીક- હસમુખ ગજજર
  • સપ્ટેમ્બર મહિનામાં સંસદ ડયૂમાની ચૂંટણીઓ પૂરી થયા પછી રશિયા મોટા પાયે મોબિલાઇઝેશનની યોજના બનાવી રહયું હોવાનું ઝેલેન્સ્કી માને છે. તુર્કીના વિદેશમંત્રી હાકન ફિદાને તો ચેતવણી આપી છે કે પુતિન છેલ્લા વિકલ્પ તરીકે પરમાણુ બોંબનો ઉપયોગ કરવા મજબૂર બની શકે છે

ર શિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૪ વર્ષ કરતા વધુ સમયથી ચાલતા યુદ્ધમાં વિનાશક હુમલાની તિવ્રતામાં વધારો થયો છે. સંયુકત રાષ્ટ્રસંઘના અહેવાલ અનુસાર પહેલા બંને પક્ષોની સરહદ નજીક રહેતા લોકો સૈન્યદળોના હુમલાથી પરેશાન રહેતા હતા હવે લાંબા અંતરના સ્થળોને લક્ષ્ય બનાવાઇ રહયા છે. સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુકત કાર્યાલય અનુસાર ફેબુ્રઆરી ૨૦૨૨ પછી અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ નિદોર્ષ નાગરિકો માર્યા ગયા છે જેમાં ૭૭૫ બાળકો છે. રશિયાના મધ્યક્ષેત્ર તાતારસ્તાનમાં થયેલા યુક્રેની ડ્રોન હુમલામાં કમ સે કમ ૧૩ લોકોના મુત્યુ થયા હતા. નિજનેકામસ્ક શહેરની ટાનેકો રિફાઇનરીમાં ભારે આગ સાથે વિનાશ વેરાયો હતો. આ હુમલો યુક્રેન યુધ્ધ શરુ થયા પછીના સૌથી ખતરનાક ગણાતા હુમલાઓમાંનો એક છે. યુક્રેન રશિયન ઇલાકાની અંદર ૧૦૦૦ થી ૧૨૦૦ કિમી જેટલું ઘૂસીને હુમલા કરે છે જે ચિંતાનો વિષય છે. ગત માર્ચ મહિના પછી હિંસા અટકવાના સ્થાને પરિસ્થિતિ વધારે વકરી રહી છે. યુક્રનના ખારકીવ શહેરની એક રહેણાંક ઇમારત પર રશિયાએ કરેલા હુમલામાં ૧૦ લોકોના મુત્યુ થયા હતા. યુક્રેનના ડોનેત્સ્ક, સૂમી અને ઝાપોરિઝઝિયામાં
જાનમાલનું ભારે નુકસાન થયું છે. યુક્રેનની રાજધાની કીવ ઉપર તો અનેકવાર મિસાઇલ અને ડ્રોન વડે હુમલા થયા છે. યુક્રેન અને રશિયાએ એક બીજાના ઉર્જા સંયંત્રો, વીજળી પૂરવઠો, સ્કૂલો, આરોગ્ય કેન્દ્રો અને પરિવહન નેટવર્ક સહિતની પાયાની સુવિધાઓ પર હુમલા કરવામાં બાકી રાખ્યું નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમેર ઝેલેન્સ્કીએ પોતાની જાસૂસી એજન્સીઓના અહેવાલોને ટાંકીને આરોપ મુકયો છે કે રશિયા ૨૧ સપ્ટેમ્બરે રશિયાની સંસદ ડયૂમાની ચૂંટણીઓ પૂરી થયા પછી રશિયા મોટા પાયે મોબિલાઇઝેશન (લશ્કરી કાર્યવાહી)ની યોજના બનાવી રહયું છે. કેટલાક અહેવાલ મુજબ રશિયા આવનારા સપ્તાહોમાં પાંચ લાખ જેટલા નવા લડવૈયાઓ તૈયાર તરીને યુધ્ધને વિસ્તારવાના મૂડમાં છે. તુર્કીના વિદેશમંત્રી હાકન ફિદાને ચેતવણી આપી છે કે જે રીતે યુદ્ધમાં દબાણ વધતું જાય છે તે જોતા પુતિને છેલ્લા વિકલ્પ તરીકે પરમાણુ બોંબનો ઉપયોગ કરવા મજબૂર બની શકે છે. આથી જ તો આંતરરાષ્ટ્રીય સમૂદાયને વિસ્તરતા જતા યુધ્ધને રોકવા દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨થી શરુ થયેલા યુદ્ધમાં રશિયા કે યુક્રેન એકતરફી પીછેહઠ માટે તૈયાર નથી. રશિયા જેવી મહાસત્તા સામે યુક્રેન આમ તો ઘણું વામણું છે. રાંકડો માણસ પહેલવાન સામે ટક્કર લે ત્યારે આબરુ પહેલવાને બચાવવાની હોય છે. યુક્રેનમાં રશિયા લડે છે પરંતુ રશિયા સામે માત્ર યુક્રેન લડતું નથી. રશિયા જાણે છે કે ઝેલેન્સ્કીનું યુક્રેન એકલું નથી યુરોપિયન દેશો અને અમેરિકાનું સમર્થન અને મદદ ધરાવે છે. ઝેલેન્સ્કીએ યુક્રેનને ઉછીની તાકાત લઇને યુધ્ધમાં ટકાવી રાખ્યું છે. યુરોપિયન દેશો જાણે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોવિયત સંઘના જમાનાની વિસ્તારવાદી માનસિકતા ધરાવે છે. રશિયાને ચેચન્યા અને ક્રિમિયા પછી યુક્રેન પર વર્ચસ્વ મળી જાય તો યુરોપના દેશોએ લાંબા ગાળે ડરમાં જીવતા રહેવું પડશે. રશિયાનું નામ પડતા જ ફિનલેન્ડ અને સ્વીડન જેવા દેશો કંપવા લાગે છે. યુક્રેન મેદાન ના છોડે અને રશિયાને પ્રતાડતું રહે તેના માટેની તન,મન અને ધનથી તૈયારીઓ થતી રહે છે. યુક્રેન યુધ્ધની શરુઆતમાં ઝેલેન્સ્કીએ ટહેલ નાખી હતી કે મને હથિયારો આપો હું રશિયાને હરાવી દઇશ. એ સમયે આ દાવો હાસ્યાસ્પદ લાગતો હતો. આજે ભલે યુક્રેને રશિયાને હરાવ્યું નથી પરંતુ પુતિનનો મનસૂબો પૂરો થવા દીધો નથી. લોહી લૂહાણ થયેલું યુક્રેન રશિયા પર હુમલા કરવામાં કોઇ જ કસર છોડતું નથી. યુક્રેને ટિપિકલ મિલિટરી ઓપરેશનના સ્થાને અસ્ત્રો શસ્ત્રોમાં જુગાડ કરીને એક નવી જ યુધ્ધનીતિ ઉમેરી છે. રશિયાનું સૈન્ય યુક્રેનની અંદર ઘૂસી તો ગયું છે પરંતુ યુક્રેનના સૈનિકોએ ભારે લડત આપેલી છે.
સોવિયત સંઘનું વિઘટન થયા પછી રશિયાએ શીતયુધ્ધના જમાનાનું વર્ચસ્વ ટકાવી રાખવા પોતાના ક્ષેત્રીય હિતો પર ધ્યાન આપવા માંડયું હતું. સિંગલ સુપર પાવર તરીકે સ્થાપિત થયેલા અમેરિકાને અવગણીને આસપાસ પ્રભાવ મજબૂત કરવા પ્રયાસ કર્યા. અમેરિકાના નેજા હેઠળનું પશ્ચિમી ગઠબંધન રશિયા જેને પોતાનું પ્રભાવ ક્ષેત્ર સમજતું હતું ત્યાં સુધી સક્રિય રહેવા પ્રયાસ કરવા લાગ્યું. બે મહાશકિતઓ વચ્ચેની ચડસા ચડસી હંમેશા અવિશ્વાસ, અસુરક્ષા અને પ્રતિ સ્પર્ધા વધારનારી સાબીત થાય છે. લાંબા ગાળે સ્થાઇ શાંતિના સ્થાને સંઘર્ષ પેદા થાય છે, બસ યુક્રેન યુધ્ધ આનું જ એક ઉદાહરણ છે. દુનિયામાં ભલે શાંતિવાદીઓ શાંતિની માળા જપે, આંતરરાષ્ટ્રીય જોખમો ભલે ઉભા થાય પરંતુ મહાસત્તાઓને હંમેશા પોતાના હિતોની જ પરવા હોય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઇ પણ ભોગે યુક્રેન પર કબ્જો કરીને નિયંત્રણ કરવા ઇચ્છે છે.
યુધ્ધના મેદાનમાં રશિયાને ગમે તેટલું નુકસાન થાય તેની કોઇ જ પરવા નથી. પુતિન સ્પષ્ટ માને છે કે ગમે તેટલો સમય લાગે જીતતો પાકી જ છે. પશ્ચિમી દેશો અને યુરોપ યુક્રેનને તગડું રાખીને પુતિનનું પાણી ઉતારવા માંગે છે. ૪ વર્ષની મહેનત પછી યુક્રેનના કુલ વિસ્તારના ૨૦ જેટલા ભૂ ભાગ પર રશિયાનો કબ્જો છે. જેમાં ડોનેત્સ્ક, લૂહાન્સ્ક, બતમુખ અને ઝાપોરિઝઝિયા મારિયુપોલ પોર્ટ સહિત અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. ડોનેત્સ્કમાં રશિયાએ ભયંકર ખૂંવારી વેઠવી પડી છે. થોડીક સફળતા માટે પણ અઢળક સૈન્ય રિસોર્સ કામે લગાડવા પડયા હતા. વ્યૂહાત્મક પોક્રોવસ્ક પર કબ્જા માટે એક વર્ષ સુધી મહેનત કરવી પડી હતી. યુધ્ધની શરુઆતમાં જીતેલા પ્રદેશો રશિયા પાસેથી છોડાવીને યુક્રેન ફરી કબ્જો પણ કરેલો છે. રશિયા અને યુક્રેન યુધ્ધ ચડાવ ઉતારની સેંકડો ઘટનાઓથી ભરેલું છે. યુધ્ધવિરામ માટે રશિયાનું માનવું છે કે યુક્રેન હારેલા વિસ્તારોને માંડી વાળીને સોંપી દે, યુક્રેન નાટો કે યુરોપીય સંઘમાં જોડાય નહી તેમજ અમેરિકા અને યુરોપના દેશો કોઇ પણ પ્રકારની ક્ષેત્રિય અખંડિતતાની ગેરંટી યુક્રેનને આપે નહી. યુક્રેન આનાથી ઉલટું રશિયા ફરી હુમલો ના કરે તે માટેની સુરક્ષા ગેરંટી માંગે છે. રશિયા જીતેલા પ્રદેશો પાછા આપીને ૨૦૨૨ પહેલાની પૂર્વવત સ્થિતિ ઉભી કરે તેવું ઇચ્છે છે. વોલોડીમિર ઝેલેન્સ્કી પોતાના દેશ યુક્રેનની ક્ષેત્રીય અખંડિતતા સાથે સમાધાન કરી લે કે રશિયાના વ્લાદિમીર પુતિન પીછેહઠ કરે આ બંને મુશ્કેલ છે. બંને પક્ષોએ ખૂવારી અને ખર્ચ એટલો વેઠયો છે કે પારોઠના પગલા ભરવા પોષાય તેમ નથી.
યુકેની જાસૂસી એજન્સી જીસીએચકયુ (ગર્વમેન્ટ ક્મ્યુનિકેશન્સ હેડ કવાટર્સ) અનુસાર ૨૦૨૨માં યુક્રેને મોટા પાયે હુમલા શરુ કર્યા પછી લગભગ ૪ થી ૫ લાખ જેટલા રશિયન સૈનિકો માર્યા ગયા છે. એક સ્વતંત્ર મીડિયા સંસ્થાના અનુમાન અંર્તગત ૨૨૩૫૩૯ રશિયન સૈનિકો અને અધિકારીઓના નામોની પુષ્ટિ થઇ શકી છે. ગત ફેબુ્રઆરીમાં ઝેલેન્સ્કીએ કબૂલ્યું હતું કે તેના ૫૫૦૦૦ સૈનિકો શહિદ થયા છે. રશિયા પોતાના કુલ સરકારી બજેટનો ૪૭ ટકા યુક્રેન પર ખર્ચ કરે છે. વર્ષે ૧૩૫ થી ૧૪૮ બિલિયન ડોલર યુધ્ધમાં વપરાય છે. ૨૦૨૨માં યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કર્યા પછી સેના અને યુધ્ધ સાથે જોડાયેલો ડાયરેકટ કુલ ખર્ચ ૪૫૦ બિલિયન ડોલર જેટલો થયો છે. રશિયાએ રાષ્ટ્ીય નાણા ભંડારનો ઉપયોગ કરવો પડયો છે અને સોના જેવી સરકારી સંપતિ વેચવાનો વારો આવ્યો છે. યુક્રેનની વાત કરીએ તો ૨૦૨૫માં યુક્રેનનો સૈન્ય ખર્ચ ૮૪.૧ બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો. યુક્રેન જીડીપીનો ૪૦ ટકા ખર્ચ યુધ્ધ પાછળ કરે છે. સૈનિકોનો પગાર,ગોળા બારુદ અને યુધ્ધ ટેકનીક અપવાનવા પાછળ યુક્રેનને મહિને ૫ બિલિયન ડોલરની જરુર પડે છે. રશિયા સાથે યુધ્ધમાં જોતરાયા પછી સંરક્ષણ ખર્ચ બાબતમાં યુક્રેનનો દુનિયાના ટોપ ટેન દેશોમાં સમાવેશ થાય છે. યુક્રેન યુધ્ધમાં ઘરેલું અને વિદેશી હથિયારોનો ઉપયોગ કરે છે. ડ્રોન ઉત્પાદન અને ટેકનીકમાં ખૂબ મોટી સફળતા મેળવી છે. રશિયાએ શસ્ત્રોના પૂરવઠા માટે ઘર આંગણે ઉત્પાદન વધારીને સંરક્ષણ ઉધોગને મજબૂત બનાવ્યો છે. યુક્રેન અને રશિયાના પોત પોતાના હિતો એક બીજાથી જરાંય મેચ થતા નથી. રશિયા પર યુધ્ધ જીતવાનું પ્રેશર છે તો યુક્રેન પર પણ આંતરાષ્ટ્રીય મદદગારો, ગૂપ્ત ભાગીદારોનું જબરદસ્ત દબાણ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માને છે કે લાંબા અંતરના ડ્રોનથી રશિયા પર હુમલા વધારવાનું કારણ પુતિનને મંત્રણાના મેજ પર લાવવા મજબૂર કરવાનું છે. જો કે નિષ્ણાતો માને છે કે ઝેલેન્સ્કીના આ વલણની ઉલટી અસર પણ જોવા મળી શકે છે. રણ મોરચે થકવી દે તેવું યુધ્ધ કોઇ પણ દેશના હજારો કિમી દૂર સુધી પ્રસરવા લાગે તેવા સંજોગોમાં પરંપરાગત યુધ્ધમાં ધીરજ ખૂટવા લાગે છે. જયાં અસ્તિત્વનો સવાલ બની જાય છે ત્યારે હાર-જીત મહત્વની રહેતી નથી. આવી સ્થિતિમાં યુધ્ધને પૂર્ણ કરવાનો કોઇ આખરી વિનાશક વિકલ્પ તરફ નજર દોડતી રહે છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભૂતકાળમાં ન્યુકિલયર ધમકીઓ આપી પણ ચુક્યા છે જયારે યુક્રેન અણુબોંબ ધરાવતું નથી. રશિયાની ધમકીને ન્યુકિલયર બ્લેક મેલિંગ માનવામાં આવે છે પરંતુ આવી ધારણા કયાંક ખોટી ના પડે તેની કોઇ જ ગેરંટી આપી શકતું નથી. યુક્રેન યુધ્ધમાં શાંતિની વાતો થાય છે પરંતુ નમતું જોખવાની વાત થતી નથી. પુતિન માને છે કે ઝેલેન્સ્કીને યુદ્ધ રોકવામાં રસ નથી. ઝેલેન્સ્કી માને છે કે પુતિન યુધ્ધને રોકવા માટે તૈયાર નથી. યુક્રેન યુધ્ધ સમાપ્ત કરવા માટે અલાસ્કા ખાતે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પુટિન વચ્ચેની મેરેથોન મંત્રણાને એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો છે. યુધ્ધ પોતે જ એક સમસ્યા છે એનાથી કોઇ ઉકેલ આવતો નથી. યુધ્ધ એક એવું કેન્સર છે જેમાં એક સમયે બ્લાસ્ટ થાય ત્યારે બધુ જ ધરાશયી થઇ જાય છે. યુક્રેન અને રશિયા યુધ્ધના બિન શરતી સમાધાનનો દૂર દૂર સુધી કોઇ જ વરતારો જણાતો નથી ત્યારે નવેસરથી વકરી અને વિસ્તરી રહેલી લડાઇ દુનિયા માટે જોખમી સાબીત થવા વાર લાગશે નહી.