નાગરિક નંબર 0123456789 : યે આરામ કા મામલા હૈ?

અનાવૃત-જય વસાવડા
ઓળખનો પુરાવો આપો… સરનામાની ખરાઈ કરાવો… જન્મતારીખનું પ્રમાણપત્ર લાવો… આવકનો દાખલો આપો… બધે આમ ધકકા ખવડાવ્યા કરેછે તંત્ર. અને આટઆટલી ખબરદારી છતાંય વળી ગુનેગારો ગમે ત્યારે ગાયબ થઈ શકે! ગમે ત્યાં નામ બદલાવીને રહી શકે… મિલકતો પણ ખરીદી શકે! વહીવટીતંત્રની અડધોઅડધ શકિતઓ (અને રૂપિયા પણ!) એકની એક વાત અનેક વખત 'વેરિફિકેશન' કરવામાં વેડફાય છે.નકામા કાગળિયાઓનો ખડકલો થાય છે, અને હાડમારી ઘટતી નથી!
આ અટપટું ટાઈટલ છેક ૨૦૦૨માં લખેલા લેખનું છે ! પણ એના કન્ટેન્ટને અપગ્રેડ કરીને આજના એંગલે નવેસરથી વિચારતા પહેલા આટલું જાણી લો.
મૂળ મામલો એવો હતો કે ૧૯૮૦ની ઇન્દિરા ગાંધીએ કમબેક કરેલો એ ચૂંટણી વખતે ત્યાર બાદ થયેલી ૧૯૮૧ની વસતિગણતરી મુજબ દેશની વસતિ ૬૮.૫ કરોડ હતી. એમાંથી ૩૫ કરોડ લોકો તો ૨૧ વર્ષથી ઓછી ઉંમરના હતા. મતલબ મતદાન કરી શકે એવા ૩૩.૫ કરોડ હતા.૧૯૮૦માં તો એથી ઓછા પણ હોઈ શકે. પણ ભારતના ચૂંટણી પંચની મતદારયાદીમાં સત્તાવાર નોંધાયેલા મતદારો હતા ૩૬.૧ કરોડ ! યાને ત્રણ કરોડ મતદાતાઓના નામ એવા હતા કે જે ખરરેખર અસ્તિત્વમાં જ નહોતા ! અને એ યાદી વિરોધ પક્ષોની સરકાર હતી કેન્દ્રમાં ત્યારે બનેલી. અર્થાત્ એટલા મતનું સરેરાશ બોગસ વોટિંગ થયેલું?
ખાતરીથી કહી ના શકાય, પણ એ સમયે રાતોરાત થયેલા ભાગલા અને એને લીધે કોઈ ઘરવખરી કે દસ્તાવેજો ભારત આવેલા ( મોટા ભાગના હિંદુ ) નિરાશ્રિતોત્ગ્રામીણ ભારત, રાજાશાહી, શિક્ષણ અને એક સળંગ બંધારણીય સરકારનો સદીઓથી અભાવ, કંગાળ સ્વદેશી ટેકનોલોજી, નવી ઘડાતી જતી વહીવટી બ્યુરોક્રસી, તંગ આર્થિક હાલત, ગરીબો પાસે કાગળ સાચવવાની વ્યવસ્થાનો અભાવ વગેરે કારણોસર નાગરિક નોંધણીના ઓળખપત્રના પાયાનું કામ કરવું શક્ય નહોતું. આપણો બહુ જૂની ફાઈલોનો ઓરડો ખોલીને ફરી બધ કરી દઈએ એની ગોઠવણીને પહોંચી ના વળાય એટલે એવો ઘાટ હતો. માનવતાના નાતે ચલાવી લેવાયું.
પણ યાદ છે, પેલા ચૂંટણી પંચના અસ્તિત્વની ભારતમાં ટટ્ટાર કરોડરજ્જૂ સાથે નોંધ લેવડાવી ને ભલભલા રાજકીય નેતાઓને એસીમાં પોતાના નામથી પરસેવો છોડાવી દેતા ચીફ ઈલેકશન કમિશ્નર ટી. એન. શેષન ? આવો વિરોધાભાસ ટાળવા નેવુંના દાયકામાં ટી.એન.શેષને ચૂંટણી કમિશ્નર તરીકે વોટર્સ આઈકાર્ડ ફરજીયાત કરવાની ઝૂંબેશ ઉપાડેલી ! એ વખતે જાતભાતના કારણોસર એનો ખાસ્સો વિરોધ થયેલો. શેષનને માટે ગુજરાતી લેખકોએ પણ મનસ્વી ને તરંગી હોવાનાં માછલા ધોયા હતા. એ માટે ફોટા પડાવી વિગતો નોંધાવવાની કડાકૂટ સ્વયં સરકારી અધિકારીઓને પણ ગમી નહોતી. કોઈએ ધાર્મિક તો કોઈએ ૩૩૦૦ કરોડ જેવા જંગી ખર્ચ ( ત્યારે ૧૩,૦૦૦ કરોડના દેવામાં નવું કયાં ઉમેરવું ) જેવા આર્થિક કારણોસર એનો વિરોધ કરેલો. એક-બે વખતના મતદાન માટે આવી ખર્ચાળ પ્રક્રિયા ઘણાને સમય અને સાધનના વેડફાટ જેવી લાગેલી. હરીફરીને વાત એ જ. ભારત જેવા દેશમાં આવી પ્રક્રિયા ભારે માથાકૂટ માંગી લે તેવી છે. જે માન્ય નાગરિક છે બધા કાગળો સહિત એ ભલે આગળ વધતા, પણ બધાને માન્યતા આપવાની પ્રક્રિયા વ્યવહારમાં કઠિન છે. માંડ વોટર્સ આઈડી કાર્ડ આવ્યા પણ દાંત નાખ વગરના સિંહ જેવા. એ પછી આધાર વિચારથી વ્યવહારમાં આવતા મનમોહનથી મોદી સુધીની સરકાર ફરી ગઈ. અગેઇન, નંબર આવ્યો, નાગરિકતા નહિ !
એ વખતે હજુ ઈલેકટ્રોનિક અને ડિજીટલ યુગનો પુરેપુરો અને ખરેખરો સ્પર્શ સમગ્ર ભારતને થયો નહોતો. યુપીઆઈ કે મોબાઈલ ફોન્સ આજે ખેડૂતો કે ટ્રક ડ્રાઈવરો માટે પણ અજાણ્યા નથી. આ સાધનોનો દુરૂપયોગ થાય છે, પણ જો સર્વેક્ષણ કરીને કોઈને પુછો કે આ ટેકનોલોજીકલ પ્રગતિથી તમારી તકલીફો વધી છે કે સુવિધાઓ…તો જવાબ સ્પષ્ટ મળશે: સુવિધાઓ!
પણ ભારત જેવા મહાવિરાટ રાષ્ટ્રમાં કોઈ પણ નવો વિચાર કે શોધ ઝડપથી અવ્યવસ્થિત અને અનિયંત્રિત બની જાય છે. એકઝામ્પલ:- મોબાઈલના પ્રિપેઈડ કાર્ડ માટે દરેકે પોતાના પ્રમાણિત નામ, સરનામાવાળું ફોર્મ ભરવાનું ફરજીયાત બનાવવાનો આદેશ! એ વખતે ઉદ્દેશ સાચો હોવા છતાં આ આદેશનો અમલ ખબરદારીને બદલે કેવી બેદરકારીથી થતો એ યાદ છે?એક સાદી ઝેરોક્સ/ફોટોકોપી (જેમાં ઘાલમેલ આસાન છે) સાથે જોડીને ગમે તે ચંગુમંગુ એ ફોર્મ જેમ તેમ ભરીને બેફાર્મા કાર્ડ વેંચતા. હેતુ સિઘ્ધ થતો નથી, કાગળિયા પરનું કામ વધે છે. આવું જ કોઈ પણ ગામની પંચાયત કચેરીએ સાદાસીધા કામ માટે આપવા પડતા 'દાખલા' વખતે થાય છે.
ફી ભરવા માંગતા વિદ્યાર્થીઓ કે ટેક્સ ભરવા માંગતા નાગરિકો કે જમીન મકાન લેવા વેંચવાવાળા કે સ્વજનના મૃત્યુ બાદ બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવાવાળાએ પણ આવી જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે ડગલે ને પગલે… પછી બેન્કમાં ખાતું ખોલવવાનું હોય કે લાયબ્રેેરીમાં, વિમાનની ટિકિટ લેવાની હોય કે ચૂંટણીની એક જ પ્રકારના સવાલો પૂછાય છે કે ''તમારી ઓળખનો પુરાવો આપો… સરનામાની ખરાઈ કરાવો… જન્મતારીખનું પ્રમાણપત્ર લાવો… આવકનો દાખલો આપો'' અને આટઆટલી ખબરદારી છતાંય વળી નીરવ મોદીઓ કે મેહુલ ચોકસીઓ ગમે ત્યારે ગાયબ થઈ શકે! ગમે ત્યાં નામ બદલાવીને રહી શકે… મિલકતો પણ ખરીદી શકે!
'લાખ દુ:ખોકી એક દવા હૈ- સિટિઝન આઈડેન્ટીટી કાર્ડ યાને નાગરિક ઓળખપત્ર. ના, કોથળામાંથી બિલાડું નથી કાઢયું… બલ્કે બિલાડાને વાઘ બનાવ્યો છે. તમારી ઓળખનો પુરાવો આપો… સરનામાની ખરાઈ કરાવો… જન્મતારીખનું પ્રમાણપત્ર લાવો… આવકનો દાખલો આપો… બધે આમ ધકકા ખવડાવ્યા કરેછે તંત્ર. અને આટઆટલી ખબરદારી છતાંય વળી ગુનેગારો ગમે ત્યારે ગાયબ થઈ શકે! ગમે ત્યાં નામ બદલાવીને રહી શકે… મિલકતો પણ ખરીદી શકે! આ દેશ કરોડો માથાઓથી ઠસોઠસ ઉભરાઈ પડયો છે. વહીવટીતંત્રની અડધોઅડધ શકિતઓ (અને રૂપિયા પણ!) એકની એક વાત અનેક વખત 'વેરિફિકેશન' કરવામાં વેડફાય છે. વૃક્ષોનો સોથ વાળતા નકામા કાગળિયાઓનો ખડકલો થાય છે, અને હાડમારી ઘટતી નથી!
જવાબદાર માણસ સામા વ્યકિતને ઓળખતો હોય તો પણ પૂરાવાના અભાવે ચૂપ રહે છે. અકાળ અવસાન પામેલ વ્યકિતના વારસદાર છો, એવું સિઘ્ધ કરવામાં પણ મોંએ ફીણ આવી જાય છે. લાચારીથી આ તમાશો બધા નિહાળે છે. તમે બેન્કમાં ખાતું ખોલાવો કે તરત નવો નંબર માથે ઝીંકાય છે. કોલેજમાં ભણવા જાય ત્યારે વઘુ એક નંબર… આર.ટી.ઓ. રજીસ્ટ્રેશનનો એક ઓર નંબર.. હાઉસ ટેકસ માટે ફરી નંબર… વીજળી બિલ માટે પણ પાછો નંબર… વોટર કનેકશનની અરજીનો ય નંબર…
અમેરિકામાં એક શહેરમાંથી બીજા શહેરમાં કોઈ માણસ જાય, અને બીજા શહેરની પોલિસને એ 'શંકાસ્પદ' લાગે, તો તરત એ અજાણી વ્યકિતનો 'સોશ્યલ સિકયુરિટી નંબર' માંગીને એની ઓળખ ચકાસી શકે છે. આ પ્રથાઅમેરિકામાં શરૂ થઈ ત્યારે કોમ્પ્યુટરાઈઝેશન નહોતું, પણ આજે દરેક વ્યકિતનો રેકર્ડ, એનું કાયમી નિવાસસ્થાન, કુટુંબ - અભ્યાસ - આવકની વિગતો બઘું જ કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવે છે. ગમે તે જગ્યાએથી એનો નંબર કોમ્પ્યુટરમાં 'એન્ટર' કરો… કે તરત આ 'પ્રોફાઈલ' તમારી નજર સામે! આ જ નંબરના આધારે પછી તો એની આવક ખર્ચે કે બેન્ક ખાતાઓ કે પ્રવાસોની વિગતો પણ મળે… કારણ કે આ બધી પ્રવૃત્તિઓ માટે આ નંબર આપવો જ પડયો હોય! નંબર એક, નિરાંત અનેક!
બારકોડ પર ખાસ 'સ્કેનર' જે હવે મોબાઈલમાં પણ હોય છે એ તેના પર ફેરવવાની સાથે જ એ વસ્તુનું નામ, કિંમત, બનાવટની વિગતો, તારીખ, કંપનીનું નામ, એકસપાયરી ડેઈટ ઈત્યાદિ તમામ વિગતો જાણી શકાય. નકલ અને અસલ વચ્ચેનો ભેદ પારખી શકાય! (બારકોડ નકલ કરીને રિપ્રિન્ટ કરી શકાય, પણ સ્કેનરમાં એ બનાવટ પણ પકડી શકાય)જો આપણે બારકોડ સીસ્ટમ સગવડતા માટે સ્વીકારી હોય, તો પછી એ જ પ્રકારની નાગરિક નંબર પ્રથા સ્વીકારવામાં શો વાંધો છે?
આ દેશનું શાસનતંત્ર સુધારવું હોય, તો પહેલું કામ કશી નવી ક્રાંતિ કરવાનું નથી. જે છે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે. અપાર વૈવિઘ્ય, પ્રચંડ વિસ્તાર અને અસંખ્ય ભાષાઓને લીધે ભારતમાં ભાગેડુઓને ખાસ્સી છટકબારી મળે છે. ગમે ત્યારે બહારના માણસો સરહદ ઠેકીને અહીં વસવાટ કરે છે. હવામાં ઓગળી ગયા હોય, એમ ત્રાસવાદીઓ ગાયબ થઈ જાય છે. પુલવામા કે પહેલગામના ઓગળી જ ગયા ને હવામાં ! ત્રાસવાદી તો ઠીક, મામૂલી ચીભડાં ચોર પણ ચપટી વગાડતા બનાવટી દસ્તાવેજો મેળવી શકે છે. છીંડાઓ રોકવા માટે જે કાનૂની થીગડાંઓ મારવામાં આવે છે, એ તો ગૂંચવાડો ઘટાડવાને બદલે ઉલટો વધારે છે! સરવાળે ચોકસાઈ તો વધતી નથી, વધે છે કેવળ પેપરવર્ક!
આજે જ્યારે આપણી આખી દુનિયા સ્માર્ટફોનની એક ક્લિક પર સમાયેલી છે, ત્યારે વન નેશન વન ઈલેકશન કરતા વન નેશન, વન સિટીઝન આઈડેન્ટીફિકેશનની પહેલી જરૂર છે.આ સ્વપ્ન નથી, પણ અનિવાર્યતા છે. વિશ્વના અંદાજે૧૦૦ થી વધુ દેશો પાસે નાગરિકો માટે સત્તાવાર આઈડીની વ્યવસ્થા છે ! એસ્ટોનિયા જેવો ટચુકડો દેશ ડિજિટલ ગવર્નન્સમાં વિશ્વનું 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' છે. સિંગાપોરમાં સિંગપાસ સીસ્ટમ છે. યુરોપના મોટાભાગના દેશોમાં દરેક નાગરિકને એક યુનિક નંબર ફાળવવામાં આવે છે, જેનો ઉપયોગ જન્મથી મૃત્યુ સુધી ટેક્સ, આરોગ્ય સેવા, બેંકિંગ અને સરકારી યોજનાઓમાં થાય છે.આ નંબર સામાન્ય રીતે નાગરિકની જન્મતારીખ અને અન્ય પર્સનલ કોડનું મિશ્રણ હોય. નોર્વેમાં એમ જ છે. પોલેન્ડમાં પેસેલ નંબર છે. ચેક રિપબ્લિકમા રોંદે સિસ્લો છે. ઈટાલીમાં કોડિસ ફિસ્કલે છે. બધાના સ્માર્ટ કાર્ડ છે. જર્મનીમાં પર્સનાલાઉસવેઇસ નામનું આઈડી કાર્ડ છે, જેનો ઉપયોગ જરૂરી ડેટા માટે થાય . ઉંમરની જરૂર હોય ત્યાં જન્મતારીખ નહિ આપવાની ! આમ પણ, ક્રિપ્ટો બ્લોક્ચેઇનથી ચાલી શકે તો આવા ડિજીટલ નંબર કેમ નહિ ?
તો, આપણા દેશના તમામ નાગરિકોના ઓળખનો ડેટા કોમ્પ્યુટરાઈઝડ કરીને એમને નંબર આપવાનું કાર્ય ભગીરથ છે. પણ અસંભવ નથી. જો ૧ વર્ષમાં વસતિગણત્રી થઈ શકે, મોબાઈલ ફોનનું નેટવર્ક ગોઠવાઈ શકે, મલ્ટીનેશનલ કોલ્ડ ડ્રિન્કસનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે… તો પછી અહીં શું વાંધો છે? જસ્ટ રિમેમ્બર, સામ પિત્રોડાએ આવું જ મહાભારત કાર્ય ગામેગામ ટેલિફોનના એસ.ટી.ડી. નંબર આપી, તેનું ભારતવ્યાપી નેટવર્ક બનાવતી વખતે સફળતાથી કરેલું ! આજે એ સગવડ કેવી સહેલી અને વહાલી લાગે છે? એમ જ આજે માથાના દુખાવા જેવું લાગતું નાગરિક નંબરનું કામ એકવાર પુરૃં થયા પછી કાયમ માટે માથાનો દુખાવો મટાડતી દવાની ગરજ સારશે! એ રીતે એનો ખર્ચ પણ વસૂલ થઈ જશે.
સવાલ એ થાય કે આ કામ કોણ કરશે? કોણ તે વળી સરકાર! આમ પણ બધી જ સરકાર કામ કરતાં કામ કરવાનો દેખાવ વઘુ કરે છે. કામને ખાનગી એજન્સીઓ અને અન્ય સંસ્થાઓ સાથેના સંકલનથી વહેંચી શકાય. આ ગામેગામ બ્યુરોક્રેટસનું ધરખમ જાળું બિછાવાયું છે, એ કેવળ જંતુનાશકો છાંટવા ને બંદોબસ્ત કરવા માટે જ છે? કામ સરકાર બીજાઓ પાસે કરાવી શકે છે. એણે માત્ર જોરદાર સુપરવિઝન જ રાખવાનું છે! અમૃત કુંભના આયોજન થાય તો આ પણ થઇ શકે.
ભારતની એક અબજની વસતિ હોઇને ૧૧થી વધુ આંકડાનો આંકડાનો સિટીઝન આઇ.ડી. નંબર રાખવો જોઇએ. જયાં કેવળ રાષ્ટ્રીય નાગરિકતા, ઉંમર કે સરનામું સાબિત કરવા માટે જ નંબરની જરૂર પડે, ત્યાં સીધો જ એ નાગરિક નંબર આપમેળે આવી જાય… જેમ કે, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્કમટેકસ, ઇલેકટ્રીસિટી, વોટર, ગેસ કનેકશન એટસેટરા.
હવે કેટલીક બાબત એવી આવે કે જયાં દરેક નાગરિકને પોતાની વાત બીજા ન જાણી જાય, તેમ ખાનગી રાખવાની હોય. નાગરિક નંબર તો જાહેર હોય, પછી એ જ નંબર બેન્ક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડમાં અપાય તો ગમે તે ગુમનામ ગુનેગારને પણ તમારી પ્રાઇવેટ લાઇફ કે લેવડ-દેવડમાં ગોલમાલ કરવાની આસાન તક મળી જાય એનું શું ?
નો પ્રોબ્લેમ. આવા સંજોગોમાં બેન્ક એકાઉન્ટ માટે ૧૧ ને બદલે ૧૪ આંકડાનો આઇડેન્ટીફિકેશન નંબર આપો. પ્રથમ ૧૧ અંકો નાગરિક નંબર મુજબના રહે, અને એકથી વઘુ બેન્ક ખાતા હોય તેમ પાછલા ત્રણ અંકો બદલાય! એવું નવા જન્મેલા માટે કરી શકાય. ક્રેડિટ કાર્ડ કે એવી કોઇ બાબત માટે ૧૬ અંકોનો નંબર રાખવાનો…
પ્રથમ ૧૧ અંકો તો નાગરિક નંબરના જ, પછીના બાકીના ૫ અંકોનું કંપની અને કાર્ડહોલ્ડર ધારે તેમ કોમ્બિનેશન રચીને એ બીજાથી સાવ ખાનગી અને એકસકલુઝિવ રાખી શકે. જસ્ટ આઈડિયા છે, સુધારાને અવકાશ પૂરો.
આ નાગરિક નંબરનું આઇડેન્ટીટી કાર્ડ મશીનમાં 'વંચાય' તેવું મેગ્નેટિક કે ચિપવાળું બનાવવાથી કે મોબાઈલમાં સ્ટોર થઇ શકે એવું ડિજીલોકર વર્ઝન આપવાથી બોગસ મતદાન ટાળી શકાય, ઓળખના પુરાવા લઇને સહી કરાવવા માટે ઓફિસોમાં લાગતી લાંબી લાઇનો ટાળી શકાય, લાંબાલચક કાગળોને બદલે માત્ર નંબર લખવાની જગ્યા જ રાખીને ફોર્મ્સ ટૂંકા બનાવી શકાય! પછી 'ઇ-ગવર્નન્સ' ને ટેક્સ ફોર્મ્સ પણ ઇઝી થઇ જાય. ધારો કે, કોઇ ઠગે બનાવટ કરીને આવું ફોર્મ તમારા નામે ભર્યું હોય, તો રેકોર્ડસના ક્રોસ ચેકિંગમાં એ તરત ઉઘાડો પડી જાય! કારણ કે એનો પણ એક નાગરિક નંબર હોય, અને ધારો કે એણે પોતાના મોબાઈલ પરથી આવું તિકડમ કર્યું હોય, તો એ મોબાઈલ ખરીદતી વખતે એણે આ નંબર આપવો પડયો હોય!
અલબત્ત, પહેલે જ ધડાકે ચિત્ર આવું ગુલાબી નહિં બને. વખત જશે. ધીરજ રાખવી પડશે. આવા કાર્ડમાં પણ અનેક ભૂલો અને ગોટાળાઓ અવશ્ય બહાર આવશે. પણ એના દેખીતા ફાયદાઓના એકાદ દાયકામાં સાક્ષાત્કાર જરૂર થશે. આવો નાગરિક નંબર કોઇ જાદુઇ લાકડી નથી. કેવળ એનાથી જ સિકયોરિટી જળવાશે એવું ન માનવું. એ માટે ફિંગરપ્રિન્ટથી લઇને આઘુનિક આય સ્કેનજેવી ઘણી પદ્ધતિઓનો સંગમ કરવો પડે. એક મોટો પ્રોબ્લેમ પ્રાઇવસીનો થાય. નાગરિક નંબર 'એન્ટર' કરીને સરકારી સાઇટસ પરથી કોઇપણ માણસ ગમે તેની બધી જ વિગતો જાણી શકે. અહીં બે ભાગ પાડી શકાય. નામ, સરનામું, ફોન નંબર જેવી વિગતો જાહેર રખાય… અને નાણાંકીય વ્યવહારો, પરિવાર વગેરેની વિગતો મેજીસ્ટ્રેટ કક્ષાની વ્યકિત લેખિત હૂકમ કરે, પછી જ જાણવા મળે એવી ગોઠવણ કરી શકાય.
નાગરિક નંબરનો સીધો ફાયદો કાળા નાણાંને રોકવામાં થશે. ફરજીયાતપણે તમામ દેશવાસીઓએ પોતાના નાણાંકીય વ્યવહારો પારદર્શક બનાવવા જ પડશે. દરેક પાસે નંબર હોઇને નિકટના કુટુંબીના નામે રખાયેલી રકમ પણ તરત ઝડપી શકાય. બીજો મહત્વનો ફાયદો ગુનેગારને પકડવામાં થશે. ગુનો થતાં જ રોકી શકાય એવી જડબેસલાક સીસ્ટમ તો પૃથ્વીના પટ પર કયાંય નથી, પણ ગુનો થયા બાદ ઝડપભેર ગુનેગાર ઓળખાઇ જાય, તેવી સીસ્ટમથી પણ ઘણો ફરક પડી જાય. અમેરિકાનો સોશ્યલ સિકયોરિટી નંબર કંઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો રોકી ન શકયો, પણ એને લીધે જ ૨૪ કલાકમાં એ હુમલો કોણે કર્યો અને હૂમલાની આગલી રાત્રે મોહમ્મદ અટ્ટા એન્ડ કંપનીએ શું કર્યું એ ઝપાટાબંધ જાણી શકાયું. જેમ ખૂની આંગળાની છાપ મુકતો જાય તેમ દરેક વ્યકિત જયારે જયારે પૈસા ઉપાડવાથી લઇને ટિકિટ લેવા સુધી પોતાનો નાગરિક નંબર વાપરે, ત્યારે પુરાવાઓ મુકતો જાય! પછી કોમ્પ્યુટર પર સર્ચ આપીને પણ તેની સાચી ઓળખ કે વર્તમાન સ્થાન શોધી શકાય. સાદી છેતરપિંડી તો આરામથી પકડી શકાય. અને સોશ્યલ નેટવર્ક પરનો ફેક પ્રોફાઈલનો ત્રાસ પણ નિવારી શકાય !
એને નામ પણ આધારથી આગળ આપી શકાય કે આધારને અપગ્રેડ કરીને 'ઇન્ડિયન સિટિઝન આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ' આઈસીઆઈડી આધાર કરી દેવાય જેથી સાવ નવી પ્રક્રિયાનો ખર્ચ પણ બચે ને ભારતના નાગરિકો ના હોય એવાનું પાણી દૂધથી અલગ પણ તારી આવે ! હા, આ નંબર કદાચ થોડેક અંશે તમારા એકાંત પર તરાપ મારે, પણ આપણા દેશની સમસ્યા ખાનગીપણાનો અભાવ નથી, બલ્કે પારદર્શકતાનો અભાવ છે!
ખાટલે મોટી ખોડ તો એ છે કે આવા ઇસ્યુ આપણે ત્યાં ચકચાર બનતા નથી. અરે પોતાની ગાડીમાં સરવાળે જ ખર્ચ વધારતા ઇથેનોલ સામે પણ વાહનચાલકો એકસાથે બોલી ના શકતા હોય તો આ નંબર માટે ક્યાંથી બોલે ? ગત સપ્તાહે પાસપોર્ટના લેખમાં લખેલું એમ એ મેળવવ માટે ભારતના નાગરિક હોવાનું સાબિત કરવું પડે, એમાં નાગરિકતા લખાય પણ (બીજી હોય તો એ લખી નખાય ને ! ) પણ છતાં પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નહિ !
કેટલાક ગૂંચવાડા વધે એમાં જ ભ્રષ્ટાચારને મોકલું મેદાન મળે છે !
ફાસ્ટ ફોરવર્ડ
'તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે.'
( માત્ર આદિવાસી સંસ્કૃતિના માહોલ માટે પણ જોવા જેવી ને વાર્તા ને અભિનય ને સંગીત બોનસમાં એવી ગુજરાતી ફિલ્મ 'કડકનાથ'નો સંવાદ )









