Shatdal

સિનેમા એટલે સમયને અદ્રશ્ય કરી દેવાની કળા

By GS Team
6 Oct 20264 mins read
સિનેમા એટલે સમયને અદ્રશ્ય કરી દેવાની કળા
  • ગેસ્ટ પોસ્ટ

જ્યા રે પણ હું એકલો, નવરો બેઠો હોઉં ત્યારે ઘણીવાર એક વિચાર ઝબકી જાય છે: સિનેમા ખરેખર શું છે? શું સિનેમા માત્ર મનોરંજનનું એક સાધન છે? શું તે ફક્ત સ્ટોરીટેલિંગ છે? યા તો કોઈ વ્યક્તિની કલ્પનાની અભિવ્યક્તિ? કે પછી માનવજાત જાણે છે તે તમામ કળાઓનો અનોખો સંગમ છે? સિનેમા આ બધું તો છે જ, પણ સિનેમા તેનાથી પણ વિશેષ છે. સિનેમા કળા જગતમાં કદાચ સૌથી અદ્ભુત વિરોધાભાસ સર્જે છે: તે કાલ્પનિક દુનિયા ઘડે છે અને પછી આભાસી સત્યને વાસ્તવિક અનુભવ બનાવી દે છે. A virtual reality experienced as an actual reality within a make-believe world. આપણે અંધકારમય ઓડિટોરિયમમાં બેઠા છીએ અને સારી રીતે જાણીએ છીએ કે આપણે જે જોઈ રહ્યા છીએ તે સાચું નથી, છતાં બે-ત્રણ કલાક માટે આપણે હસીએ છીએ, રડીએ છીએ, ડરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, ધિક્કારીએ છીએ, અતીતમાં સરી પડીએ છીએ અને જાણે એ કાલ્પનિક જિંદગી આપણી પોતાની જ હોય એમ વેદના પણ વ્યક્ત કરીએ છીએ. સિનેમાની આ અસાધારણ તાકાત છે.
માનવીય અભિવ્યક્તિના સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે સિનેમા વિકસ્યું છે, પણ શું સિનેમા પોતે વાસ્તવિક છે? ના. સામાન્ય અર્થમાં તો બિલકુલ નહીં. સિનેમા એક ભ્રમ છે, એક આભાસ છે. પરંતુ આ આભાસ એક અત્યંત વાસ્તવિક બાબતમાંથી જન્મે છે, અને એ છે ખુદ જિંદગી.
પડદા પરનું દરેક દ્રશ્ય છેવટે તો માણસના અસ્તિત્વમાંથી જ પ્રગટે છે - આપણા અનુભવો, યાદો, ઈચ્છાઓ, નિષ્ફળતાઓ, સંબંધો, સપનાઓ, ચિંતાઓ, સંઘર્ષો અને લાગણીઓ. સિનેમા જિંદગીના આ કાચા માલને લઈને જે આભાસ ઘડે છે જે એટલો જીવંત લાગી શકે છે કે આપણે થોડીવાર માટે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણે કોઈ થિયેટરમાં બેઠા છીએ કે સ્ક્રીનને તાકી રહ્યા છીએ. અહીં જ સિનેમા મનોરંજન કરતાં કંઈક વિશેષ બની જાય છે.
સિનેમા એ અમરત્વ કે શાશ્વતતાનો એક સુંદર આભાસ સર્જે છે.
માનવ જીવન ક્ષણભંગુર છે, પણ આપણી અંદર ધરબાયેલી સહજવૃત્તિ આપણા અસ્તિત્વના અંતને સ્વીકારવા તૈયાર નથી થતી. આપણે સતત એવું કંઈક શોધતા રહીએ છીએ જે આપણા ગયા પછી પણ જીવંત રહે - કોઈ વિચાર, કળાકૃતિ, યાદ, વાર્તા, તસવીર, ગીત કે કોઈ ફિલ્મ. સિનેમા માણસની આ જ સહજવૃત્તિને, આ ઇન્સટિંક્ટને એક આકાર આપે છે, સ્વરૂપ આપે છે.
ફિલ્મમેકર ભલે સિત્તેર, એંસી કે સો વર્ષ જીવે, પણ એની ફિલ્મમાં કંડારાયેલી પ્રત્યેક ક્ષણ એના ગયા પછી પણ વર્ષો સુધી જીવતી રહે છે. એક ચહેરો, જે હંમેશાં યુવાન રહે છે. એક અવાજ, જે હંમેશા બોલતો રહે છે. એક સુંદર કુદરતી દ્રશ્ય, જે સતત અકબંધ રહે છે. એ દૃષ્ટિએ, સિનેમા માત્ર જીવનનું દસ્તાવેજીકરણ નથી કરતું, બલ્કે સિનેમા જીવનના આભાસને જાળવી રાખીને મૃત્યુને પડકારે છે.
જ્યારે પણ આપણે સિનેમા વિશે વિચારીએ છીએ, ત્યારે આપોઆપ આપણી જાત વિશે વિચારવા લાગીએ છીએ. આપણી આસપાસ શું બની રહ્યું છે, આપણે શું ભૂલી ગયા છીએ, આપણે શું દિલથી યાદ રાખવા માંગીએ છીએ અને કદાચ જેને ક્યારેય ભૂલવા જેવું નહોતું - આ બધું જ આપણા ચિત્તમાં સળવળવા લાગે છે. સિનેમા એક દર્પણ બની જાય છે - માત્ર બહાર દેખાતી વાસ્તવિકતાનું જ નહીં, પણ જે વાસ્તવિકતાને આપણે અનુભવીએ છીએ, યાદ રાખીએ છીએ અને લાગણીના સ્તરે જે સમજીએ છીએ તેનું દર્પણ.
કદાચ એટલે જ સિનેમાનો આપણી સ્મૃતિઓ સાથે આટલો ઊંડો સંબંધ છે.
કોઈ ફિલ્મ જોતાં અચાનક આપણને કોઈ વ્યક્તિ યાદ આવી જાય છે. કોઈ ગીત આપણને વીતેલા દાયકામાં ખેંચી જાય છે. કોઈ લોકેશન બાળપણના અનુભવની યાદ તાજી કરી દે છે. કોઈ સંવાદ અણધારી રીતે એવું કંઈક કહી જાય છે જે આપણે અનુભવ્યું હોય પણ ક્યારેય શબ્દોમાં વ્યક્ત કર્યું ન હોય. કોઈ પાત્ર આપણા જ વ્યક્તિત્વના એક એવા અંશનું પ્રતિબિબ બની જાય છે જેને આપણે કદાચ ક્યારેય સ્વીકાર્યો નથી.
અને અહીં જ, વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચે કશેક, સિનેમા પોતાનું એક રહસ્યમય વિશ્વ ઊભું કરવા લાગે છે. આ વિશ્વ ન તો સંપૂર્ણપણે સાચું છે, ન સંપૂર્ણ ખોટું. તે અત્યંત કાળજીપૂર્વક ઘડાયેલો એક એવો ભ્રમ છે, જે તેને અનુભવનાર વ્યક્તિ માટે બિલકુલ સાચુકલો બની જાય છે.
શું આપણે બધા પ્રગટપણે કે અપ્રગટપણે સતત બીજી કોઈ જિંદગી જીવવા મથી રહ્યા હોતા નથી? આપણે આપણી જાતને અલગ રીતે કલ્પીએ છીએ. નવા ભવિષ્યનાં સપનાં જોઈએ છીએ. ભૂતકાળમાં ડોકિયું કરીએ છીએ. નવાં પાત્રો, નવી દુનિયા અને નવી શક્યતાઓ ઘડીએ છીએ. આપણે આપણી મર્યાદાઓથી પર થઈને અને કદાચ આપણા નશ્વર શરીરથી પણ આગળ જઈને જીવવા માગીએ છીએ. સિનેમા માનવજાતની આ આદિમ ઝંખનાને સાકાર કરે છે. તેથી જ કદાચ સિનેમાનો અંતિમ હેતુ માત્ર મનોરંજન આપવાનો કે કોઈ વાર્તા કહેવા પૂરતો સીમિત નથી. સિનેમા કદાચ માનવજાતનો પોતાના અસ્તિત્વને અમર બનાવી દેવાનો એક પ્રયાસ છે.
પડદો પડે છે. ફિલ્મ પૂરી થાય છે. પ્રેક્ષકો બહાર નીકળી જાય છે. જિંદગી ફરી શરૂ થઈ જાય છે. છતાં, અંદર કંઈક બાકી રહી જાય છે.
એક ચહેરો, એક અવાજ, એક લાગણી, એક દ્રશ્ય, એક યાદ. આ જ તો સિનેમાનો સૌથી મોટો વિરોધાભાસ છે - તે સ્વયં ભલે એક આભાસ હોય, પણ તે આપણી ભીતર કશુંક સાચુકલું, કશુંક નક્કર મૂકી જાય છે. સિનેમા સમયને અદ્રશ્ય કરી દેવાની કળા છે. હજુય આગળ વધીને કહીએ તો, સિનેમા મૂળભૂત રીતે એક એવું ફિલોસોફિકલ મિકેનિઝમ છે, જેના દ્વારા માણસ સમય, વિયોગ અને અમર થવાની પોતાની ઝંખના સાથે તાલમેલ સાધે છે. સિનેમા એટલે નજરે દેખાતું થયેલું અમર થવાનું એ સપનું.

  • વિજય કે. પટેલ