Shatdal
ચર્ચિલની પૂર્વાભાસ શક્તિ અને સંકટોમાંથી બચાવ
By GS Team
1 Sep 20266 mins read

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- હકારાત્મક વિચારસરણી ધરાવનાર અદ્રશ્યને જોઈ લે છે, અમૂર્તની અનુભૂતિ કરી લે છે અને અસંભવને પ્રાપ્ત કરી લે છે. પૂર્વાભાસ વાસ્તવમાં આત્માનું જીવનની વૈશ્વિક ધારામાં ડૂબી જવું છે.
‘Intuition is a perception of realities which are not known to the conscious mind :પૂર્વાભાસ એ વાસ્તવિક્તાઓની એક અનુભૂતિ છે જે આપણા જાગૃત, ચેતન મનને ખબર નથી હોતી.'
- Carl Jung (કાર્લ જુંગ)
‘Intuition is a flash of insight that transcends the limitatinos of intellect : પૂર્વાભાસ અંતદ્રષ્ટિની એ ચમક છે જે બુદ્ધિની સીમાઓની પાર જતી રહે છે.' - Henry Bergson
(હેનરી બર્ગસા)
‘Intuition is really a sudden immersion of the soul into universal current of life : પૂર્વાભાસ વાસ્તવમાં આત્માનું જીવનની વૈશ્વિક ધારામાં ડૂબી
જવું છે.' - Paulo coelho
(પાઉલો કોએલો)
‘I have a premonition that I will be called upon to save the state or the Empire : મને એક એવો પૂર્વાભાસ થાય છે કે મને દેશ કે સામ્રાજ્યને બચાવવા માટે (સમય આવ્યે) બોલાવવામાં આવશે.'
‘The positive thinker sees the invisible, feels the intangible and achieves the impossible : હકારાત્મક વિચારસરણી ધરાવનાર અદ્રશ્યને જોઈ લે છે, અમૂર્તની અનુભૂતિ કરી લે છે અને અસંભવને પ્રાપ્ત કરી લે છે. - Winston Churchill (વિન્સ્ટન ચર્ચિલ)
બ્રિટનના પ્રસિદ્ધ, મુત્સદ્દી રાજનેતા, પ્રધાનમંત્રી, લેખક અને વક્તા વિન્સ્ટન ચર્ચિલ (૧૮૭૪-૧૯૬૫) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે. તેમણે નાઝી જર્મનીના સામે બ્રિટનના લોકોનું મનોબળ મજબૂત બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને ૧૯૫૩માં સાહિત્યનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.
વિંસ્ટન ચર્ચિલ અત્યધિક કલ્પનાશીલ (Fantasy-Prone), દિવાસ્વપ્ન (daydreaming) જોનારા વ્યક્તિ હતા જેમને પૂર્વાભાસ અને ભવિષ્યની ઘટનાનું પૂર્વદર્શન (Precognition) થઇ જતું હતું. વિદ્યાર્થી કાળમાં હેરો સ્કૂલના દિવસો દરમિયાન ચર્ચિલે તેમના એક મિત્રને કહ્યું હતું કે દેશ પર એક મોટું સંકટ આવશે અને તે ઇંગ્લેન્ડ અને સામ્રાજ્યને બચાવી લેશે. ઇ.સ. ૧૯૧૧માં લખાયેલ પત્રોમાં તેમણે યૂરોપની અસુરક્ષિત સ્થિતિ અને મોટા સંઘર્ષની વાત જણાવી હતી જે પાછળથી પહેલા વિશ્વયુદ્ધના રૂપે સાચી સાબિત થઇ હતી.
૧૮૯૯માં જ્યારે ચર્ચિલ એક યુદ્ધ સંવાદદાતા (War Correspondent) ના રૂપમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા ત્યારે તેમને બોઅર (Boer) સૈનિકોએ કેદી બનાવી દીધા હતા. જ્યારે તે જેલની દીવાલ કૂદીને ભાગ્યા ત્યારે તેમની પાસે ન તો કોઈ નકશો હતો ન તો કંઇ ખાવાનું. તે પૂરેપૂરા અજનબીોના દેશમાં દુશ્મનોથી ઘેરાયેલા હતા. તેમને રાતના અંધારામાં કોઈ એક ઘરનો દરવાજો ખખડાવાની પ્રેરણા થઇ. તે એક આત્મઘાતી પગલું પણ બની જાય એવી પૂરી સંભાવના હતી કેમ કે ત્યાંના મોટા ભાગના લોકો અંગ્રેજોના દુશ્મન હતા.પરંતુ તેમની અંતદ્રષ્ટિ સાચી હતી. ચર્ચિલે જે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો તે આખા વિસ્તારમાં એક માત્ર એવી વ્યક્તિ જ્હોન હાર્વર્ડનું ઘર હતું જે અંગ્રેજ મૂળના હતા અને અંગ્રેજો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. જ્હોન હાવર્ડે ચર્ચિલને કેટલાય દિવસો સુધી કોલસાની ખાણમાં છુપાવી રાખ્યા હતા અને પછી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના વિશે ચર્ચિલે પાછળથી લખ્યું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિએ જ તેમને પ્રેરણા આપી, તેમનો હાથ પકડી સાચા ઘરનાદરવાજા સુધી પહોંચાડયા હતા.
ચર્ચિલ પ્રધાનમંત્રી બન્યા તે પહેલાંની એક ઘટના છે. તે એક મહત્વપૂર્ણ મુસાફરી માટે એક પ્રાઈવેટ વિમાનથી ઉડ્ડયન કરવાના હતા. વિમાન ઉડ્ડયન માટે પૂરેપૂરી રીતે તૈયાર હતું. પરંતુ તે રન વે પર જાય તે પહેલાં ચર્ચિલને અજબ બેચેનીનો અનુભવ થવા લાગ્યો. તેમનું અંતર્મન કહેવા લાગ્યું - આ વિમાનમાં ના જઇશ. તેમણે છેલ્લી ઘડીએ એ વિમાનને ઉડતાં અટકાવ્યું. થોડી વાર પછી ખબર પડી કે વિમાનના એન્જિનમાં મોટી ગંભીર યાંત્રિક ખામી આવી ગઈ છે. જો વિમાન ઉડયું હોત તો તે ચોક્કસ ક્રેશ થઇ ગયું હોત ! ચર્ચિલની અંતદ્રષ્ટિએ એમને બચાવી લીધા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ચર્ચિલ સેનામાં એક બટાલિયન માન્ડરના રૂપે મોરચા પર લાગેલા હતાં ત્યારે એક દિવસ તેમની ટ્રેન્ચ (ખાઈ)માં બેઠેલા હતા. અચાનક તેમને ત્યાંથી ઊભા થઇ દૂર જતા રહેવાનો પૂર્વાભાસ થયો. એ માટે કોઈ નક્કર કારણ નહોતું. પણ તે કદી અંતરાત્માના અવાજને અવગણતા નહોતા. તે એક પળનો પણ વિલંબ કર્યા વિના ત્યાંથી ઊભા થઇને દૂર જતા રહ્યા. તે ત્યાંથી ખસી ગયા તેની થોડી જ મિનિટો બાદ ેક જર્મન તોપનો ગોળો તે જ જગ્યાએ આવીને પડયો જ્યાં તે થોડીવાર પહેલાં બેઠા હતા. એ ધડાકામાં ત્યાં બેઠેલા બીજા અનેક સૈનિકો મરણ પામ્યા, પણ ચર્ચિલ આબાદ બચી ગયા.
બીજી એક અદ્ભુત ઘટના ઓક્ટોબર ૧૯૪૦માં બની હતી. તે બીજા વિશ્વયુદ્ધનો શરૂઆતનો ગાળો હતો, જ્યારે જર્મનીની વાયુસેના (Luftwaffe) લંડન પર દિવસ-રાત ભયંકર બોમ્બાર્ડિંગ કરી રહી હતી. વિન્સ્ટન ચર્ચિલ રાતના સમયે બોમ્બાર્ડિંગથી થયેલા નુકસાનને જોવા-જાણવા અને રાહત કાર્યો કેવા ચાલે છે તે જોવા સ્વયં બહાર નીકળતા હતા. આવી એક રાત્રે ચર્ચિલ લંડનના એક વિસ્તારનું નિરીક્ષણ કરી પાછા પોતાના સુરક્ષિત સ્થાને જઇ રહ્યા હતા. ચર્ચિલ પાસે તે વખતે આધિકારિક બખ્તરબંધ (Armored) કાર હતી. સુરક્ષાના કારણોથી એમનો બોડીગાર્ડ ઇન્સ્પેક્ટર વોલ્ટર એચ. થોમ્પસન હંમેશા કારનો જમણી તરફનો દરવાજો ખોલતા હતા. ચર્ચિલનો એ કાયમી શિરસ્તો હતો કે તે કારમાં પાછળની તરફ જમણી સીટ પર જ બેસતા હતા. તે રાત્રે પણ ચર્ચિલની કારની પાછળની તરફની જમણી સીટની બાજુનો દરવાજો થોમ્પસને ખોલ્યો જેથી ચર્ચિલ અંદર બેસી જાય. ચર્ચિલ એ ખૂલ્લા દરવાજા પાસે આવીને અટકી ગયા. તે અંદર બેઠા નહીં. પણ કારની પાછળથી ફરીને બીજી તરફ જઈને ડાબી બાજુનો દરવાજો જાતે ખોલીને તે તરફની સીટ પર બેઠા. ડ્રાઈવર અને બોડીગાર્ડ બન્નેને નવાઈ લાગી કારણ કે આવું તેમણે પહેલાં ક્યારેય કર્યું નહોતું. થોડેક આગળ ગયા હશે ત્યાં આકાશમાંથી એક જર્મન બોંબ કારની નજીક જમણી તરફ પડયો. ધડાકો એટલો જોરદાર હતો કે કાર સડક પર ઉછળીને બે પૈડા પર થઇ ગઈ. બોંબનો મુખ્ય ભાગ અને તેના ઊડી રહેલા ઘાતક ટુકડા (Sharpenel) કારની જમણી તરફ પાછળની બારી અને સીટ પર જ પડયા. અંત:પ્રેરણા કે પૂર્વાભાસથી પ્રેરિત થઇ ચર્ચિલે એ દિવસે સીટ બદલી ના હોત તો તેમનું મરણ નિશ્ચિત હતું. પછી તેમણે તેમની ક્લેમેન્ટાઇનને કહ્યું હતું - 'હું જેવો કાર પાસે પહોંચ્યો તેવો મારી અંદરથી અવાજ આવ્યો હતો - 'ઊભા રહો. આજે આ સીટ પર ના બેસશો.' કોઈ અદ્રશ્ય શક્તિએ મને ડાબી તરફની સીટ પર બેસવા મજબૂર કર્યો હતો.'
૧૪ ઓક્ટોબર ૧૯૪૦ના રોજ બનેલી પૂર્વાભાસની ઘટના તો અત્યંત રોમાંચક છે. બીજું વિશ્વયુદ્ધ તેની ચરમ સીમા પર હતું. જર્મનીની વાયુસેના લંડન પર સતત ભારે બોંબવર્ષા કરી રહી હતી, જેને ધ બ્લિટ્ઝ (The Blitz) કહેવામાં આવે છે. ચર્ચિલનો આધિકારિક આવાસ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના બન્કર જેવા બેઝમેન્ટમાં ચર્ચિલ મંત્રીઓ સાથે રાત્રિભોજન લઇ રહ્યા હતા. તે વખતે મુખ્ય રસોડામાં ચર્ચિલની મુખ્ય રસોયણ (Cook) જોર્જિના લેન્ડમારે (Georgina Landemare) બટલર અને બીજા કર્મચારીઓ રસોડાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક ભોજન કરતાં કરતાં ઊભા થઇ ગયા અને લગભગ દોડીને રસોડામાં પહોંચી બધાને આદેશ આપતા અવાજે કહેવા લાગ્યા - ભોજન અહીં હોટ-પ્લેટ પર છોડી દો. અત્યારેને અત્યારે બધા કામ કરવાના બંધ કરી દો. એક પણ સેકન્ડ બગાડયા વગર અન્ડરગ્રાઉન્ડ એર-રેડ શેલ્ટર (બંકર)માં જતા રહો.' જોર્જિના અને સ્ટાફના લોકો ચર્ચિલના આદેશ પ્રમાણે તત્કાળ ત્યાંથી નીકળી બન્કરમાં જતા રહ્યા. ચર્ચિલ પણ પાછા પોતાના બન્કરમાં આવી અધૂરું ભોજન પૂરું કરવા લાગ્યા. બરાબર ત્રણ મિનિટ પછી જર્મન બોંબ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ અને બાજુના ટ્રેઝરી ભવનની વચ્ચે આવીને પડયો. એણે મુખ્ય રસાઇઘરનો કચ્ચરઘાણ કરી નાંખ્યો. ચર્ચિલે તેમના પૂર્વાભાસથી પ્રેરાઇને એ રસોઇઘર તત્કાળ ખાલી ના કરાવ્યું હોત તો જોર્જિના, બટલર અને રસોડાના કર્મચારીઓ, બધો સ્ટાફ મરણ પામી ચૂક્યો હોત!




