Shatdal

છોઝિન બની એવરેસ્ટ સર કરનાર પ્રથમ અંધ મહિલા

By GS Team
25 Aug 20265 mins read
છોઝિન બની એવરેસ્ટ સર કરનાર પ્રથમ અંધ મહિલા
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • શારીરિક અક્ષમતાને તમારી તાકાત બનાવી, આંતરિક દ્રષ્ટિ કેળવો તો તેના વડે તમે કોઈ પણ કામ કરી શકો છો

મે ૧૯, ૨૦૨૫ સવારના ૮.૦૦ વાગ્યાનો દિવસ, હિમાલયના માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ઐતિહાસિક દિવસ બની ગયો. હિમાચલની એક અંતરિયાળ ગામની અંધ દીકરી છોઝિન એનગમોએ એવરેસ્ટ સર કર્યો હતો. દ્રષ્ટિહીન હોવા છતાં, આંતરિક દ્રષ્ટિ અને મનની આંખો દ્વારા તેણીએ હિમાલય અને વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ સર કરવાની ઉપલબ્ધિ હાંસીલ કરી હતી.
ભારતની તે સૌપ્રથમ અંધ મહિલા અને વિશ્વની પાંચમી અંધવ્યક્તિ તરીકે તેણે એવરેસ્ટ સર કર્યો હતો. 'જરૂરી નથી કે, તમારી પાસે આંખોની બાહ્ય દ્રષ્ટિ હોવી જ જોઈએ, તમારી શારીરિક અક્ષમતાને, તમારી તાકાત બતાવો તો, જે આંતરિક દ્રષ્ટિ મળે, તેના વડે તમે કોઈપણ કામ કરી શકો છો.' આ શબ્દો છે બ્લાઈન્ડ, મહિલા છોઝિન એનગમોના.
છોઝિનની વાત સાચી છે. આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં, ઘણી કોઈપણ રીતે શારીરિક અક્ષમ વ્યક્તિઓ, પોતાની અક્ષમતાને, આંતરિક શક્તિ, આત્મવિશ્વાસ ને દ્રઢ મનોબળ વડે ક્ષમતામાં ફેરવી પોતાના જીવનમાં પ્રગતિનાં સોપાન ચડે છે.
આવી જ જીવનની કહાની, છોઝિન એનગમોની છે. હિમાચલ પ્રદેશના નાના અંતરિયાળ ગામ, માં છોઝિનનો જન્મ. તે આઠ વર્ષની હતી, અને ત્રીજા ધોરણમાં ભણતી હતી, ત્યારે દવાની એલર્જીનું સાઈડ રીએક્શન આવતાં આંખોની સંપૂર્ણ રોશની ગુમાવી અને છોઝિનના જીવનમાં બાહ્ય તો અંધકાર છવાઈ જ ગયો હતો, પણ આંતરિક પણ અંધકાર છવાઈ ગયો.
બાહ્યઅંધકારના આવરણમાંથી બહાર કેવી રીતે આવી તે અંગે છોઝિન કહે છે કે : મારી આંખોની રોશની જતાં શરૂઆતમાં મને લાગ્યું કે મારા જીવનનો અંત આવી ગયો. બસ મારા જીવનમાં હવે અંધકાર જ અંધકાર. આવા અંતરિયાળ ગામડામાં તો અંધાપો જીવનનો અંત જ ગણાય. પણ મારા માતા-પિતા એ મને સપોર્ટ આપ્યો. અને મને જીવનની રાહ દેખાડી. આંખોની દ્રષ્ટિવાળા મારા બીજા ભાઈબહેનની જેમ જ મને ઉછેરવા માંડી. ખાસ કરીને મારા પિતાએ મને સમજાવ્યું કે, તારા જીવનમાં બાહ્ય અંધકાર જરૂર છવાયો છે, પરંતુ તારી આંતરિક દ્રષ્ટિ તેજવંતી બનાવ અને તારા સપનાઓ પર અંધકારનો ઓછાયો ના ઉતરવા દઈશ અને મને લેહની બ્લાઈન્ડ શાળામાં ભણવા મૂકી અને મારા જીવનનો વિકાસ શરૂ થયો.'
આ બ્લાઈન્ડ શાળામાં છોઝિનને શિક્ષકનો પણ સારો સપોર્ટ મળ્યો. શાળાનું શિક્ષણ પૂરું કરી ચંદીગઢમાં અગિયાર, બાર ધોરણ પાસ કર્યા અને સ્નાતકના શિક્ષણ માટે દિલ્હી આવી 'મીરાંડા હાઉસ' દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતકનું ભણવાનું શરૂ કર્યું. આ ભણતર કોલેજનું અઘરું હતું, પરંતુ છોઝિન તેના મનની દ્રઢતા અને આંતરિક દૂરદર્શીતા વડે એડજેસ્ટ કરતી ગઈ.
હેલન કેલર છોઝિનની રોલ મોડેલ હતી. કોલેજની બીજી છોકરીઓ સ્વીમીંગ કરતી, ફૂટબોલ રમતી આથી છોઝિન પણ તરતા શીખી અને રાજ્યકક્ષાનો ગોલ્ડમેડલ મેળવ્યો. કોલેજમાં ફૂટબોલ, ક્રિકેટમાં પણ ભાગ લેવા માંડયો આમ તેનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો હતો.
છોઝિનને નાનપણથી પહાડો બહુ ગમતા. પર્વતારોહણ તેનો પ્રિય વિષય હતો. શાળામાં ભણતા, ભણતા તે એરીક-પ્રથમ બ્લાઈન્ડ વ્યક્તિની ચોપડીઓ વાંચતી, જેને વિશ્વની પ્રથમ અંધવ્યક્તિ તરીકે હિમાલય અને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટનું ચઢાણ કર્યું હતું. મનમાં છોઝિનને ઊંડે ઊંડે પર્વતારોહક બનવાની ઇચ્છા હતી. અને તેના સ્વપ્નાને જાણે ઊડવા માટે પાંખો મળી.
બિહારની માઉન્ટેનીયરીંગ શાળામાં શારીરિક અક્ષમ વ્યક્તિઓ માટે ચાર અઠવાડિયાની પર્વતારોહણની ટ્રેનીંગનાં કેમ્પની જાહેરાત આવી. છોઝિને તેમાં એડમીશન મેળવ્યું અને તેમાં ૩૦ ટ્રેનીમાં તેને પર્વતારોહક તરીકેના ઉત્તમ ટ્રેનીનો એવોર્ડ મળ્યો અને છોઝિનનું હિમાલયના એવરેસ્ટ શિખર સર કરવાનું સ્વપ્નનો નિર્ણય પાકો થયો.
આ દરમ્યાનના વર્ષોમાં છોઝિને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનું ભણતર પૂરું કર્યું હતું, અને શિક્ષણે તેની આંતરિક દ્રષ્ટિનું તેજ અને આત્મવિશ્વાસ વધાર્યા હતા.
એવરેસ્ટ સર કરવો તે અંધકારમાં તેજ પ્રગટાવવા જેવું હતું, મારી સામે શારીરિક, માનસિક, આર્થિક અને સૌથી મોટો સામાજીક પડકાર, 'આ અંધ છોકરી એવરેસ્ટ કેવી રીતે સર કરશે ? વ્યર્થ ફાંફાં' એનો જવાબ આપવાનો હતો.
'એવરેસ્ટ સર કરવા માટે, શારીરિક તાકાત માટે મેં સ્વીમીંગ કરવા માંડયું, ઉપરાંત મનાલીથી નીલગીરી અને ત્રણ રાજ્યોમાં સાઈકલીંગ શરૂ કર્યું. મારી માનસિક સ્થિતિ તો મજબૂત હતી જ. પરંતુ આર્થિક સપોર્ટ માટે ના જ આવતી. આખરે યુનિયન બેંકવાળા તૈયાર થયા અને તેમના સપોર્ટથી મેં એવરેસ્ટ સર કરવા માટેનું અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું.'
આ માટે મારે ૨ અઠવાડિયા જુદા જુદા પર્વતોનું ચઢાણ ટ્રેનીંગ માટે કર્યું. જેમાં લડાખનો પર્વત કીંગ યેસ્ટ ને સીયાચીન ગ્લેસિયર દીવ્યાંગ ટીમ સાથે સર કર્યું. જેમાં હું એકલી જ મહિલા હતી. આ રીતે એવરેસ્ટ સર કરવા હું બધી રીતે સક્ષમ હતી.'
સૌ પ્રથમ છોઝિનને એવરેસ્ટ બેઝકેમ્પમાં જનરલ બે અઠવાડિયા તાલીમ આપવામાં આવી. ત્યારબાદ છોઝિનનું એવરેસ્ટનું ચઢાણ શરૂ થયું. શરૂઆતનું ચઢાણ સારું રહ્યું. ઠંડી હવાની થપાટો, બરફનો ક્યારેક વરસાદ, લીસ્સી સપાટી વગેરે પર મુશ્કેલીઓ આવતી રહી પરંતુ ટીમમાં બે શેરપા તેને માર્ગદર્શન આપતા રહ્યા. ટોચની નજીકના ચાર દિવસ પહેલા, છોઝિન ખૂબ થાકી ગઈ, તેના પગ થીજી ગયા હતા આથી ઉપડતા ન હોવાથી શેરપાને તેણે રોકાઈ જવા વિનંતી કરી પરંતુ શેરપાએ રોકવાની ના પાડી, કારણ કે એવરેસ્ટની ટોચ ખૂબ નજીક હતી.
આ ક્ષણ યાદ કરતા છોઝિન કહે છે કે : મારી આંતરિક દ્રષ્ટિએ મને ચાર મારા સંકલ્પો ને કારણો દેવડાવ્યા. મારું એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન, યુનિયન બેંકનો આર્થિક સપોર્ટ, મારા માતા-પિતાની આશાને સોસાયટી-સમાજને જવાબ. બસ એ યાદ કરી, હું ઘુંટણીયા તાણી, ઘસડાતી ટોચ સુધી પહોંચી ગઈ. અને મેં ભારત, આપણા દેશનો ત્રિરંગો એવરેસ્ટ પર ફરકાવ્યો. ઘણા બધા સમારંભોમાં મને પ્રશ્ન પૂછાય છે કે, ટોચ પર તમને તો દેખાતું નથી તો તમે એ વખતે શું જોયું ? શું અનુભવ્યું ?
મારો જવાબ હંમેશા હોય છે : હું મારી બાહ્ય આંખોથી ક્યારે પણ જોઈ શકવાની નથી. મેં મારી મનની આંખોથી દુનિયા કેવી દેખાય તે અનુભવી. મારા દેશ માટે મેં ગર્વનું કામ કર્યું તે દેશદાઝના ગર્વનો અનુભવ કર્યો.'
૪૧ દિવસની એવરેસ્ટ ટોચ પર જઈને પાછી આવનાર બ્લાઈન્ડ-અંધ છોઝિન અમેગોની સમાજને એક જ જવાબ છે : તમારી પાસે બાહ્ય દ્રષ્ટિ ના હોય પણ આંતરિક દ્રષ્ટિ હોય તો તમે બધું જ કરી શકો છો અને બાહ્ય દ્રષ્ટિ હોય તે આંતરિક દ્રષ્ટિના હોય તો તમે ડીસએબલ જ છો. માટે કોઈ પણ વ્યક્તિની શારીરિક અક્ષમતાથી તેના માપદંડ ના કાઢો. તેને બીરદાવી ના શકો તો કાંઈ નહિ પરંતુ તેની હિમ્મતની ટીકા ના કરો.
છોઝિનને સો સો સેલ્યુટ.