Shatdal

ચરમ તીર્થંકર ભવરોગના મહાન ડોક્ટર !

By GS Team
6 Oct 20263 mins read
ચરમ તીર્થંકર ભવરોગના મહાન ડોક્ટર !
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
  • જૈન પરંપરા એટલે માત્ર બાહ્ય તપો સમજતા લોકોએ ભગવાન મહાવીરનાં નિર્દેશેલાં મનનાં તપ, 'પરિષહ'નો અભ્યાસ કરવા જેવો

ભ ગવાન મહાવીરનું અંતિમ પ્રવચન સમગ્ર માનવજાત માટે અણમોલ ખજાનો છે. જૈન પરંપરામાં એ પાવન પ્રવચન 'ઉત્તરાધ્યયન સૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. જીવન અને જગત વિષે વિચાર કરનાર દરેક વ્યક્તિએ આ અંતિમ પ્રવચન અચૂક મંથન કરવા જેવું છે.
અનિશ્ચિતતા અને ક્ષણિકતા અને એકલતા એ માણસની જિન્દગીનો બહુ મોટા પડકારો છે, જેનો સામનો કરવામાં બુદ્ધિ કે ચતુરાઈ પણ હારી જાય છે. ભગવાન મહાવીરે એક ભારે મહત્ત્વની ભૂમિકા એ આપી છે કે માણસ પોતે લાચાર નથી. એની પાસે આ પડકારો પર વિજય મેળવવાની કુદરતી બક્ષિસ છે. ભગવાન કહે છે : 'પુરુષા તુમિ મેવ તુમિ મિત્તં, કિં બહિયા મિત્ત મિચ્છસિ' (તું જ તારો સાથી છો, શા માટે સાથ માટે બહાર ફાંફાં મારે છે ?
હા, પણ ડગલે ને પગલે અનિશ્ચિતતા અને ક્ષણિકતાનો સામનો કરવો સહેલો નથી. અને જે સહેલું નથી એના પર વિજય મેળવવો એ જ તો તપ છે. ભગવાને એટલે જ બાર તપો પર ભાર મૂક્યો છે. છ તપો બાહ્ય એટલે કે શારિરીક તપ છે અને છ તપો આન્તરિક તપો છે.
આપણે હંમેશા મહાપુરુષોની અનુભૂતિવાણીને આપણી સગવડ મુજબ ઢાળતા રહ્યા છીએ, એટલે કોઈ 'તપ' શબ્દ બોલે એટલે પહેલો વિચાર ઉપવાસ કે શરીર દમનનો જ આવે. આ રીતે તપના અર્થને સંકુચિત કરનારા લોકોએ ભગવાનના મૂળ સંદેશને સમજવો જોઇએ.
ભગવાને છ આંતરિક તપોમાંથી એક મહત્ત્વનાં તપ તરીકે 'પરિષહ'નો ઉલ્લેખ કર્યો છે. આ 'પરિષહ' શું છે ?
તમે એક ટંક, બે ટંક, એક દિવસ, ત્રણ દિવસ કે વધારે ઉપવાસનો સંકલ્પ કરો એનું પણ મહત્ત્વ છે જ. તમે તમારી શારિરીક શક્તિઓને પડકારો છો. પણ તમે આવાં કોઈ તપનો સંકલ્પ ન કર્યો હોય, તમે કોઈ એવા સંયોગોમાં મૂકાવ કે ભૂખ લાગે છતાં આહાર ન મળે. તરસ લાગે છતાં પાણી ન મળે, ત્યારે તમારી આન્તરિક શક્તિની જબરી પરીક્ષા થાય છે. આવો સમય અચાનક આવી પડે. તમે ઉપવાસની પૂર્વ તૈયારી ન કરી હોય ને ભૂખ્યા તરસ્યા રહેવું પડે, અને એ વખતે મનની સમતા તમે જાળવી રાખો એ આન્તરિક તપને ભગવાન 'પરિષહ' કહે છે.
આ જીવન 'તીર્થ' બને અને એમાં ઊબડખાબડ રસ્તે આવતા અનુભવો પણ યાત્રા બને એવી વાત પર ચરમ તીર્થંકરે ભાર મૂક્યો છે. પણ આપણે આ 'પરિષહ'નો ભાવ કે વલણ કેળવી શક્યા કે નહીં એની ખબર પણ આન્તરિક જાગૃતિથી આવે. આ જાગૃતિ કોઈ વિધિની મોહતાજ નથી. આ જાગૃતિ માટે જૈન પરંપરામાં 'જયણા' શબ્દ વપરાય છે. અને આ માટે સતત જાતતપાસ જરૂરી. આ જાતતપાસ એટલે જ 'પ્રતિક્રમણ'. હા, આ બધી તીર્થંકરો એ જાત અને જગતના સૂક્ષ્મ અને વ્યાપક અભ્યાસ પછી કહેલી વાતો છે, અને એ 'સિંહણ'નું દૂધ છે. બધાને ન પચે. પણ દરેકે એ અનુભૂતિને જીવનની સરાણે ચડાવવાનો યત્ન કરીને લાભ મેળવવામાં ખોટું શું છે ?
જૈન પરંપરા એટલે માત્ર બાહ્ય તપો સમજતા લોકોએ ભગવાન મહાવીરનાં નિર્દેશેલાં મનનાં તપ, 'પરિષહ'નો અભ્યાસ કરવા જેવો.