Shatdal

ઠોકર વિના આંખો ખુલે?

By GS Team
15 Sep 20263 mins read
ઠોકર વિના આંખો ખુલે?
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

જે સત્ય બહુ સરળતાથી આપણી નજર સમક્ષ આવતું રહે તેની મોટે ભાગે આપણને કદર હોતી નથી. સંસ્કૃતની ઉક્તિ - ''અતિ પરિચયાત અવજ્ઞા'' જેમ માનવ સંબંધોની બાબતે સત્ય છે, એમજ મહાન સાહિત્ય કે સંતવાણીની બાબતે પણ સાચી સાબિત થતી રહે છે. જો વારંવારનાં પુનરાવર્તનથી માણસનું રૂપાંતર થતું હોત તો કથા-પારાયણ-શિબિરો વગેરેમાંથી બહાર આવતાં ટોળાંના સદસ્યોની બાબત ''ગેરંટી'' મળી જતી હોત !
મહાભારતમાં માતા કુંતા ભગવાન શ્રીકૃષ્ણ પાસે ''દુ:ખ''ની માગણી કરે છે એ પ્રસંગ આજ સુધીનાં સમગ્ર વિશ્વ સાહિત્યમાં અનુપમ છે. તમે ઈશ્વરમાં માનો કે ન માનો, એની કૃપામાં માનો કે નહીં, એક હકીકત સીધી સાદી છે કે ઠોકર વિના અચાનક પડતાં દુ:ખ વિના માણસ અંતર્મુખ બનવા પ્રેરાતો નથી. હા, એવા રીઢા ગુનેગારો હોય છે, જે ગમે તેટલી ઠોકર ખાવા છતાં જાગૃત થતા નથી, પણ કદાચ એમને માટે કુદરત બહુ મોટી ઠોકરનું આયોજન કરતી હશે. માણસની સંવેદનશીલતાને જગાડનારી એક માત્ર તાકાત છે. અકલપ્ય, ગણતરીમાં નહોતું એવું અચાનક દુ:ખ ! એ દુ:ખને પ્રતાપે કટ્ટરપણે નાસ્તિક વ્યક્તિ ઈશ્વર તરફ વળે કે નહીં, લાચારી અને અન્યનાં દુ:ખ બાબત વિચારતી તો ચોક્કસ થઈ જાય છે, અને અન્યની જગ્યાએ પોતાની જાતને કલ્પવી એ ઈશ્વર તરફનું પહેલું પગથિયું નથી ?
આ જગત પરિવર્તનશીલ છે, અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નથી, સુખ અને દુ:ખ કઈ ક્ષણે રંગ બદલે છે એની રાજા રામને પણ ખબર નથી હોતી. આ અને આવાં વાક્યોને આપણે ખૂબ ચવાયેલાં, ફિલસુફી ડહોળતાં વાક્યો કહીને હસી કાઢતા હોઈએ છીએ, કારણ માત્ર એટલું જ કે જ્યાં સુધી આ વાક્યો શાહીમાં લખાયેલા અક્ષરોને બદલે જીવતા જાગતા ધડાકા જેમ આપણાં જીવનમાં સાકાર ન બને ત્યાં સુધી આપણાં મથ્યાભિમાનનું પડળ દૂર થતું નથી. સંજોગોની એકાદ જોરદાર અને ક્રૂર ટક્કર આપણા રચેલા પત્તાનાં મહેલને તોડી પાડે, આપણા હોશકોશ ન રહે ત્યારે જ પડળ દૂર થાય છે, ને સમજાય છે કે આપણે જે કાયમી સત્યોને ફિલસુફી કહી, આંખ મિચકારીને હસી કાઢતા હતા, એ ફિલસુફી જ સનાતન છે, ને બાકી બધા મૃગજળના પરપોટા છે.
ભલભલા કલંદર સિકંદરને ખબર નથી હોતી કે પોતે મનની આંખો પરનાં પડળના રોગથી પીડાય છે. ગેસ-ચેમ્બરમાં સાવ નિર્દોષ બાળૂડાંથી માંડીને નેવું વર્ષના વૃદ્ધોને ધકેલનાર હિટલરની આંખે આવાં જ પડળ હતાં દુનિયાના નાનામાં નાના અન્યાયોથી માંડીને ઊંડીને આંખે વળગતા અન્યાયોનું સર્વેક્ષણ કરવામાં આવે તો એક સર્વસામાન્ય વાતનો દોર હાથમાં આવે છે. આ સર્વસામાન્ય સત્ય એ છે કે અન્યાય કરનાર માણસ માત્ર પોતાનાથી એક યા બીજી રીતે લાચાર પર જ અન્યાય આચરતો હોય છે.
માણસનાં પડળ ખુલે તો એ ઘણે અંશે અન્યાય કરતો અટકે.
જેનાં પોતાનાં હૈયાંનાં દ્વાર ખુલે, એજ એક તળપદું સત્ય પારખી શકે કે ''વ્યૂહાત્મક પરિસ્થિતિ'' સંજોગો પ્રમાણે કરવટ બદલતી હોય છે. આપણે ત્યાં કહેવત છે કે, ''ચપટી ધૂળનો પણ ખપ પડે !'' બે બદામનો જણાતો જણ ક્યારે કરોડની કિંમતનો થઈ પડે છે તેની ખબર નથી પડતી, ને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. સંજોગોની ''કેલિડોસ્કોપ'' જેવી વ્યૂહરચના સામે, માનવ-ઈતિહાસમાં આજ સુધી કોઈ જ કાળાં માથાંના માનવીનું રાજકારણ સફળ નથી થયું.
સંયોગોની ઠોકર જ માણસને રાક્ષસ બનતો અટકાવી શકે છે. જ્યાં સુધી સંજોગોની અચાનક ઠોકર લાગતી નથી ત્યાં સુધી વ્યક્તિ પડળોથી પીડાય છે, અને સનાતન સત્યો એને ''સૂફિયાણી ફિલસુફી માત્ર'' લાગે છે.