પ્રેમ જેટલો મીઠો, તેટલો કડવો - એન કાર્સન

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- પ્રશિષ્ટ પરંપરામાંથી, આધુનિક સમય સુધી પહોંચી બંનેના મિશ્રણમાંથી નવાં સ્વરૂપોનું નિર્માણ કરી તેમણે આજનું જુદી ભાત પાડતું સાહિત્ય રચ્યું છે.
કો ઈપણ દેશ કે ભાષા-સાહિત્યને-કેવી વ્યક્તિને-સાહિત્યનું નોબેલ મળે ત્યારે આનંદની સાથે એવું પણ સંવેદન થાય, ચાલો, દિલ માટે સમજણ અને સંવાદનું, વિશ્વને, વિશ્વના માનવને નિહાળવાનું એક વધુ સારું નિમિત્ત પ્રાપ્ત થયું અથવા એક નૂતન અધ્યાયનો પ્રારંભ થયો. એન કાર્સનને ૨૦૨૬નો નોબેલ મળવાની જાહેરાત થઈ ત્યારે મારી ખુશી કંઈક વધી ગઈ હતી. હજી હમણાં ચારેક મહિના પૂર્વે કેનેડિયન સાહિત્ય વિશે મારો સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે માર્ગારેટ એટવૂડ, રુપી કૌર વગેરેની સાથે એન કાર્સનની કવિતાઓ વિશે પણ થોડું વાંચવાનું બનેલું. આ ત્રણે કવયિત્રીઓ મૂળે કેનેડાની, ત્રણનાં આંતર વિશ્વો અને વાત જુદી પણ ત્રણેય પોતાની રીતે તેમના ભાવકને ઘણી રીતે અ-સ્થિર કરી મૂકે છે. કાર્સનની તો અત્યંત સંકુલ એવા કાળની દીર્ઘયાત્રા સમી કવિતા છે. તેમનો શબ્દ અનેક સ્તરીય છે. તે સમય અને સમયની પાર તાકે છે, માણસને હયાતી અને હયાતી ન હોય તે પછી પણ વિશ્લેષિત કરે છે. માનવબોધની ક્ષિતિજો એમ ત્યાં વિસ્તરી જાય છે. વસ્તુ કે પદાર્થને અભિનવરૂપે ઊંડેથી પ્રસ્તુત કરે છે. એટલે જ સંભવત: નોબેલ માટે બોલતાં ચીની લેખિકા કેન ઝુએ, ભારતના અમિતાવ ઘોષ જાપાનના હારુકી તેમજ ભારતીય મૂળના સલમાન રશ્દી વગેરેનાં નામોમાં કળશ નિર્ણાયકોએ એન કાર્સન પર ઢોળ્યો હશે.
૧૯૫૦માં ટોરેન્ટોમાં જન્મેલા આ કવયિત્રી હાલ તો તેમના પતિ રોબર્ટ ક્યુરી સાથે ન્યૂયોર્ક અને આઈસલેન્ડ વચ્ચે શ્વાસ ભરતાં રહ્યાં છે. વ્યક્તિ તરીકે કાર્સન કંઈક અલગારી છે. નોબેલ પ્રાઈઝની સ્વીડિશ એકેડેમીના સેક્રેટરીએ બે વાર ફોન કર્યો, વાગી છતાં કાર્સને તે ઉપાડયો નહીં. પ્રાત:કાળે તે રસોડાની ફર્શ સાફ કરી રહ્યા ંહતાં. બીજી તરફ નાસ્તાના ટેબલ પર ચા-બિસ્કીટ પડયાં હતાં. ફોન કરતાં ખંડની સફાઈમાં તે એકાગ્ર વધુ હતાં. પતિ રોબર્ટે જ્યારે ત્રીજી વખત રિંગ વાગી ત્યારે આગ્રહ સાથે કાર્સનને ફોન ઉપાડવા રાજી કર્યાં. કોઈ વ્યક્તિ સવારે સવારે બેવાર ફોન કરે તો નક્કી કંઈક જરૂરી કામ હશે. એમ પણ તેમણે કહ્યું. અને કાર્સને ફોન ઉપાડયો. પછીની ઘટના કાર્સન એકાદ શબ્દમાં જ મૂકતાં કહે છે : 'કંઈક દીવાના કરી મૂકે તેવી પળ હતી.' કાર્સન અને આપણા માટે પણ ખરી જ ! આઈસલેન્ડની રાજધાની રેક્યાવિકમાં, પોતાના ઘરમાં પતિ સાથે સવારને માણતાં આ કવયિત્રી સ્વીડિશ એકેડેમીના સેક્રેટરીએ કહ્યું તેમ જરૂર એ પવનનું ગીત સૂણી રહ્યાં હશે ! આપણે એમ પણ જરૂર ઉમેરી શકીએ, નજર સામે, બારી બહાર ભૂરું આકાશ અને દરિયાઈ જળ કાર્સનની આંખો અને હૃદયમાં ઝીલાતાં હશે. કાર્સને તેથી જ કદાચ પ્રતિભાવ આપતાં એમ કહેલું હવે 'આનંદની ઉજાણી કરવા અમે અરણ્ય તરફ શાંતિનો સાદ માણવા ચાલતાં નીકળી પડીશું.' કાર્સનના વ્યક્તિત્વની કેટલીક રેખાઓ અહીં અનાયાસ કેવી પ્રકટ થઈ ગઈ છે !
જ્યુરીએ તેમની નોબેલ માટેની પસંદગી સંદર્ભે જે નોંધ્યું છે તેનું સ્મરણ કરવા જેવુ ંછે. જ્યુરીએ તેમને સાહસી-ક્રાંતિકારી સર્જનના સર્જકરૂપે નિહાળી તેમના સર્જનને આનંદ-સંવાદ તરફ લઈ જતા તત્વરૂપે જોયું છે. ઉપરાંત પ્રશિષ્ટ પરંપરામાંથી, આધુનિક સમય સુધી પહોંચી બંનેના મિશ્રણમાંથી નવાં સ્વરૂપોનું નિર્માણ કરી તેમણે આજનું જુદી ભાત પાડતું સાહિત્ય રચ્યું છે. તેમના સાહિત્ય પરત્વેનું આ નિરીક્ષણ તત્વત: તેમની પ્રતિભાને પૂરેપૂરી રીતે ઉઘાડી આપનારું છે. કાર્સનના સર્જનમાં આવું વૈશિષ્ટય કયા કારણે ? તેવો પ્રશ્ન થાય એ વિશે પણ કેટલુંક જાણવા જેવું છે.
તેમણે વિવિધ યુનિવર્સિટીઓમાં જેમાં પ્રિન્સેન્ટ યુનિવર્સિટી ઉપરાંત, મીસીગન, ન્યૂયોર્ક વગેરેમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે. જ્યાં તેમણે તુલનાત્મક સાહિત્ય, સર્જનાત્મક લેખન વગેરે તો ભણાવ્યાં જ છે. પણ સાથે તેમનું નિકટનું અનુસંધાન નૃવંશશાસ્ત્ર, ઇતિહાસ, કલાઓ વગેરે સાથે પણ એટલું જ રહ્યું છે. વળી શાળા જીવનમાં બપોરના ભોજન સમયના વિરામમાં એલિસ કોવાન્ નામની એક શિક્ષિકાએ તેમને ગ્રીક ભાષા અને ગ્રીક સાહિત્ય વિષે પણ ઘણું શીખવેલું, જે પાછળથી એ બધું જુદે રૂપે વટવૃક્ષ થઈ ફૂલીફાલી રહે છે. ઉપરાંત અહીં એ પણ જાણવું જોઈએ કે ઇસુ પૂર્વેના પાંચસો વર્ષનું સાહિત્ય વાચન તો તેઓ કરતાં હતા જે સાથે એમિલિ બ્રોન્ટ પોલ કેલેન, એમિલિ ડિકિન્સન, માર્ટિન હાઈડેગર, હોલ્ડરલીન, કાફકા, કીટ્સ, ફ્રેડરિક હેગલ, વર્જિનિયાવુલ્ફ વગેરે વિખ્યાત સર્જકો પણ તેમના રસનો વિષય બન્યાં હતાં.
આ મહાન સર્જકોની સાથે ગ્રીક ભાષા-તેનું સાહિત્ય અને વિશેષે તો ત્યાંના મિથે-પુરાકલ્પનોએ કાર્સનની જીવન-જગત અને મનુષ્યને જોવાની દ્રષ્ટિ જ સાવ બદલી નાખી હતી. ચીલાચાલુ પરંપરામાંથી બહાર રહી પરંપરાનું સ્વકીય રીતે ઉત્ખનન કરી, આધુનિક સંદર્ભો સાથે તે સર્વને સાંકળે છે. એક નવી સમજ, નવા વિચારો, નવો દ્રષ્ટિકોણ તેમાંથી તેથી પ્રાપ્ત થઈ રહે છે. તેમની સર્જનભોંય આવી સંનધ્ધ છે. અનેક મૂળિયામાંથી તે પોષણ મેળવે છે.
કવિ, નિબંધકાર, અનુવાદક, ભાષાવિદ વગેરે અનેકરૂપે તેમનું સાહિત્યને અર્પણ રહ્યું છે. પ્રેમ, ઇચ્છા, દુ:ખ-સુખ, સ્વશોધ, વેદના-અનુકંપા-કરૂણા, સ્મૃતિ-એકલતા વગેરે તેમના પ્રમુખત: સર્જન વિષયો રહ્યા છે. ખરું તો તેમણે જીવન વિચારમાં પુરાકલ્પનોનું નવી રીતે પુનનિર્માણ કરી, જુદો રાહ ચીંધ્યો છે તેમ, સાહિત્યના વિવિધ સ્વરૂપોની રૂઢ રેખાઓને પણ તિલાંજલિ આપી છે. તેમણે તેથી જ વિવિધ સ્વરૂપોનું એક પોતીકું સંકર રૂપ ઊભું કર્યું છે. પરિણામે આજનો તેઓ એક નિરાળો અવાજ બન્યાં છે.
તેમની મહત્વની કૃતિઓમાં 'ઓટોબાયોગ્રાફી ઓફ રેડ', 'ધ બ્યૂટી ઓફ ધ હસબન્ડ', 'ઇરોઝ ધ બીટર સ્વીટ', 'નોક્સ' વગેરે મુખ્ય છે. તેમની આવી વિશિષ્ટ પ્રતિભા અગાઉ પણ પોંખાતી રહી છે. 'ધ બ્યૂટી ઓફ ધ હસબન્ડ' માટે બ્રિટનનો અત્યંત પ્રતિષ્ઠિત એવો ટી. એસ.એલિયટ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મેક આર્થર ફેલોશીપ પણ મળી છે, ઉપરાંત ગુગગેનહીન એવોર્ડ પણ તેમના નામે છે. અને હવે આ નોબેલ પ્રાઈઝ…
એક જુદા અનુભવ વિશ્વને પામવા કાર્સનનાં કાવ્યો-નિબંધો પઠનીય બની રહે છે. ગદ્યને એક 'ઘર' લેખતાં આ કવયિત્રી કવિતાને ઝડપથી દોડી રહેલો, અંદરથી સળગતો માણસ પસાર થઈ રહે - એ રૂપે જુએ છે. સાફોનો એક શબ્દ 'ગ્લૂકૂપિકરૉન' અર્થાત્ 'પ્રેમ જેટલો મીઠો છે તેટલો જ કડવો છે' કાર્સન સર્જનમાં આ સંવેદના વિવિધરૂપે પ્રતિધ્વનિત થતી રહે છે.




