પૃથ્વી સામે અઘોષિત યુદ્ધ?

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- માનવની સહજ ક્રિયા-પ્રતિક્રિયાની જેમ જ પૃથ્વીને પણ સહજ ક્રિયા-પ્રતિક્રિયા છે. તે પ્રાણવાયુ આપવાની સાથે સ્ફૂર્તિ પણ આપે છે, ઊર્જાનો અનુભવ પણ કરાવી રહે છે
ક્યા રેક તીવ્ર રીતે પ્રશ્ન થાય છે : શું છીએ આપણે ? અરે, આપણે છીએ કોણ ? આ માલિકવેડા ક્યાંથી શીખી લાવ્યા છીએ ? અરે, આ આંટીઘૂંટીની જાળ ઊભી કરીને કઇ સિદ્ધિનાં પોટલાં બાંધવા ધાર્યાં છે ? ક્યા બેવકૂફોના ઇશારે પેલા જાદુગરની વાંસળીના સૂરની જેમ આપણે એમની પાછળ ચાલી રહ્યા છીએ - ખુદનું વિસ્મરણ કરીને ? તમે તમને તો અળગા કર્યા છે જ પણ જે ધરા પર તમારા ચરણ પડતા રહ્યા છે, તે ધરામાંથી સુગંધીભર્યા શ્વાસ લેતા રહ્યા છો, એ ધરાને પણ તમે સાવ અળખામણી બનાવી મૂકી છે ? તમારા આવવા અને અહીંથી ચાલ્યા જવાનો હેતુ શો છે ? તમે વિસ્તરી રહ્યા છો એવું માનતા હો તો તે નર્યો ભ્રમ છે. તમે તમારાથી, તમને જે ધારી રહી છે, પ્રેમ કરી રહી છે એ પૃથ્વીથી ઘણા દૂર કોઈ જ્વાળામુખી પર્વત બનીને જીવી રહ્યા છો. તમે કાં તો અંદર જ ઉલ્બણથી ઉકળતા રહ્યા છો ને નષ્ટ થઇ રહ્યા છો, કાં તો તમે મુખ ખોલી તમારો કે અન્યનો નાશ નોંતરી
રહ્યા છો.
તમને ક્યારેય એવું થતું નથી કે તમે જ આ પૃથ્વી છો ? તમે એક ભવ્ય વિરાસતનો અવિયોજ્ય અંશ છો ? તમે જ તે છો, અને તે ક્ષણે તમને અપરંપાર આશ્ચર્ય થાય તેવો તમારો જ ખુદનો રમણીય આકાર છે ? પણ તમારી પાસે એ સમય જ ક્યાં છે ? તમે તો સમયનું પૃથક્કરણ કરવા નીકળ્યા છો, તેનો હિસાબ-કિતાબ રાખનારા મુનીમ છો. તમને કોઇનો ગળપટ્ટો બાંધવો ગમે છે, તમને તમારા નામથી નહીં, અન્યના નામથી વધુ ઓળખાવવું ગમે છે. પૃથ્વી તો તમને મુક્ત જોવા ઇચ્છે છે. એના ખોળામાં અકુતોભય વિહાર કરવા તમને સદા નોંતરું દઇ રહી છે. તે ઠોકપૂર્વક કહી રહી છે કે અહીં સઘળું એક ચોક્કસ ક્રમ ધરાવે છે, એ દરેકનું એક મોહક સત્ય છે, જે સૌને સતત નવી સવાર, નવો સૂરજ, નવી રાત્રિઓ, નવાં મધ્યાહનો, નવી નવેલી ઋતુઓ ભેટ ધર્યા કરે છે. પેલું મેઘધનુષી વાતાવરણ, પેલો સદા નૂતન રૂપો ધારી રહેતો, ઉછળતો, ગાતો હૃદયસંવાદ રચતો સમુદ્ર, મીઠું મીઠું ઊર્મિકાવ્ય ગાતી કોઈ કન્યકા જેવી સરિતા, આ રુદ્ર-રમ્ય, ભવ્ય-નવ્ય રૂપોની પરિચાયક ધરા-બધું એની રીતે ગોઠવાયેલું છે. રખે, એવું ધારતા કે આ એક અકસ્માત છે. અહીં પણ માનવની સહજ ક્રિયા-પ્રતિક્રિયાની જેમ જ પૃથ્વીને પણ સહજ ક્રિયા-પ્રતિક્રિયા છે. તે પ્રાણવાયુ આપવાની સાથે સ્ફૂર્તિ પણ આપે છે, ઊર્જાનો અનુભવ પણ કરાવી રહે છે. મારી-તમારી જેમ જ એ પણ શુષ્કતા અનુભવે છે, ભીંજાય છે, દાહકતાની અનુભૂતિ કરે છે, શૈત્ય પણ માણે છે. પણ ત્યાં તમે તેના ક્રમને ખોરવી નાખો તો ? તો એનાં નિત્યનો ક્રમ તૂટતાં તે ચલિત થઇ જાય છે. તેનાં વિપરીત પરિણામો આવવાં પણ શરૂ થઇ જાય છે. પણ માનવ, એટલે આપણે, એ ઇંગિતોની ધરાર અવગણના કરીએ છીએ. ત્યારે આપણે જ પૃથ્વી છીએ, આ જે અસબાબ કે વૈભવ છે તે આપણો જ છે - એ સત્યનું વિસ્મરણ થઇ રહે છે. અને હવે ઉત્તરોત્તર આપણી ચબરાકી વધતાં એ પૃથ્વી અને આપણા સંબંધો એક નહીં, પણ જુદા છે તેવું વિચારતા થઇ ગયા છીએ. પેલી પૃથ્વી અને એનાં તત્ત્વોની માલિકી આપણી હોય, પ્રકૃતિ આપણા આશ્રયે હોય તેવું પ્રબળ પણે સમજતા - સમજાવતા થઇ ગયા છીએ. હવે ત્યાં તેલના ભંડારો નજરે પડવા માંડયા છે, હવે ત્યાં કિંમતી ધાતુઓ અને ખનીજતત્ત્વોની વધુમાં વધુ શોધમાં પડયા છીએ. વૃક્ષોની શ્રેણીઓની શ્રેણીઓનો વિકાસને નામે ડાટ વાળી દીધો છે. આપણે મિસાઇલ્સમાં પડયા છીએ, અણુબોમ્બ બનાવવાની સ્પર્ધામાં છીએ. આપણે યુદ્ધગ્રસ્ત બની જઈને નવાં નવાં અસ્ત્રશસ્ત્ર ખડકી રહ્યા છીએ. અને પૃથ્વી એ બધું ચુપચાપ સહન કરે છે. આપણે મલકતા મોંએ વિકાસની ગાથાઓ લખવા બેઠા છીએ. પણ આપણા ગાંડપણ ભરેલા મસ્તકોમાં હજી એ વિચાર ઝબક્યો જ નથી કે અરે, આ પૃથ્વીના તંત્રને ખોરવી નાખીને, પૃથ્વી જે પોતાની રીતે ઉત્તર આપશે તેનાથી આપણે જીવતા રહીશું ખરા ? આપણે ત્યારે આપણી જાતને પૃથ્વીથી અલગ કરીને, આપણે ખુદને કેટલી દયનીય બનાવી રહ્યા છીએ તે કદર સમજીશું. પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે. પૃથ્વી અને આપણું મૂલત: અદ્વેત છે. એ સત્ય જેટલું વહેલું સમજીશું તેટલો માનવજાતનો જયવારો છે.
બાકી, પૃથ્વી પ્રતિક્રિયા કશું આગોતરું જણાવીને નથી આપતી. પૃથ્વી કાગળ-પત્રથી કે સંકેતોથી એવી કોઈ જાણ પણ કરતી નથી કે કરવાની નથી. પૃથ્વી ત્યારે મનુષ્યને 'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં'નું સત્ય જ પ્રતીતી કરાવશે. હિમશીલાઓનાં તાંડવ, પૂરનાં તાંડવ, અસહ્ય ગરમીનું વાતાવરણ, ભયંકર રોગચાળો, ધરતીકંપ, કેટલુંક અપૂર્વ રીતે ક્રમ વિનાનું પછી નજર સામે આવશે. પૃથ્વીનો એ આપણા માટેનો બોધપાઠ છે.
આપણે ખરેખર તો અજાણતાં જ પૃથ્વી સામે પણછ ખેંચી છે, પણછ જ ખેંચી છે એવું નથી, અઘોષિત યુદ્ધ આદરી દીધું છે. જંગલો કપાય છે, જંગલો બાળી દેવાય છે, નદીઓ ખોદી નખાય છે કે નદીઓમાં રોજ રસાયણયુક્ત ઝેરી પદાર્થો ઠલવાય છે, દરિયાને પણ એવાં જ દૂષણોથી ભરી દીધો છે. જલસ્ત્રોતોનો પાર વિનાનો વેડફાટ થઇ રહ્યો છે. ફળો, શાકભાજી, અન્ન બધામાં વધુ નીપજ માટે આપણે સલ્ફેટ ખાતર વાપરતા થઇ ગયા છીએ. તેને પકવવા માટે પણ કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. પ્લાસ્ટિક, કલર્સ, ફાસ્ટફૂડ, જંકફૂડ-બધું જ પ્રકૃતિના સામે છેડે જઇને થઇ રહ્યું છે. બુદ્ધિને ગીરવી મૂકી દીધી છે. પરિણામે કેન્સર, ટી.બી., ત્વચારોગ, ફેફસાં આંતરડાં કે બીજા અંગોના અનેક રોગોથી માનવગ્રસ્ત થતો ગયો છે.
પ્રશ્ન પ્રકૃતિ સાથેના, પૃથ્વી સાથેના આપણા એકત્વભર્યા સંબંધોની પુન: સ્થાપનાનો છે. તેને આપણાથી ઈતર નહીં, પણ આપણી ભીતર જ જોવાનું શીખવાનું છે. પૃથ્વીની સાથે જે કંઇ અજુગતું કરીએ છીએ, એ ખરું તો એ છે કે આપણી સાથે જ આપણે કશું ક અઘટિત કરી રહ્યા છીએ, એ સત્ય વેળાસર પામી લેવા જેવું છે. વર્ડ્ઝવર્થ, ડબલ્યુ એમ.ડેવીઝ જેવા કવિઓએ તો નાજુક સંવેદનાઓ વડે કહ્યું છે જ કે વૃક્ષ નીચે, વૃક્ષની શાખાઓ નીચે ઘડીવાર ઊભા રહો, દૂર જતાં ઘેટાં કે ગાયોનાં ધણને જોઈ રહો, નિબિડ અરણ્યને માણો, કૂદતી-રમતી ખિસકોલીઓને નિહાળો, ઘાસ અને ઝરણાંઓના, રાત્રિના આકાશ અને તારાઓના સૌંદર્યને અંકે કરો. સમુદ્ર, વૃક્ષો, પંખીઓ, તેમનાં ગીત-સંગીત બધું તરસપૂર્વક આનંદો. એ તમારાં જ રૂપો છે. પૃથ્વી સાથે પ્રત્યક્ષ સંવાદ માટેનો એ ઉત્તમ તરીકો છે.









