Shatdal

સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ એક વિહંગાવલોકન

By GS Team
11 Aug 20264 mins read
સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ એક વિહંગાવલોકન
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • દરેક વર્ગના લોકોને કોઇ ને કોઇ ફરિયાદ છે. એ ફરિયાદોનું નિરાકરણ સ્થાનિક લેવલે થતું નથી. પરિણામે સામાન્ય માણસ વધુ હતાશ થતો જાય છે

આ જે ૧૨ ઓગસ્ટ. બરાબર બોતેર કલાક પછી આપણે સ્વાતંત્ર્ય દિનની ઊજવણી કરીશું. સવાથી દોઢ અબજની વસતિ ધરાવતો આપણો દેશ વિશ્વની સૌથી મોટી અને સાત સાત દાયકા સફળતાથી વટાવી ગયેલી લોકશાહી ધરાવે છે. અગાઉ અનેકવિધ સમસ્યાઓ આવી, હજુય આવે છે અને આવતી રહેશે. પરંતુ લોકશાહીને હજુ સુધી તો આંચ આવી નથી. હજારો વિધાનસભ્યો અને આશરે સાડા પાંચસો સાંસદો ધરાવતા આ દેશમાં શાસક પક્ષ એકાદી બેઠક ગુમાવે તેથી કોઇ ઝાઝો ફરક પડે નહીં. ગયા સપ્તાહે બિહારની બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીરજ કુમાર હાર્યા ત્યારે વિપક્ષોએ એટલા બધા હર્ષનાદો કર્યા જાણે ભાજપે કેન્દ્ર સરકાર ગુમાવી દીધી હોય. ચૂંટણી વ્યૂહના નિષ્ણાત મનાતા પ્રશાંત કિશોર બાંકીપુર બેઠક પર જીત્યા અને ભાજપે ત્રણ દાયકાથી જે બેઠક પર વર્ચસ્વ હતું તે ગુમાવી.
હાલ કેન્દ્ર સરકારે જે બે ચાર મુદ્દા પર ખરેખર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે એ મુદ્દા આપણે સૌએ વિચારવા જેવા છે. માત્ર અહંક્લેશને કારણે અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તથા રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ. આ સંઘર્ષે સમગ્ર વિશ્વને ક્રૂડ ઓઇલની તંગીનો અનુભવ કરાવ્યો છે. આપણે ફક્ત આપણી વાત કરીએ તો કેન્દ્ર સરકારે વિવિધ સોર્સિસ દ્વારા આપણી પેટ્રોલ-ડિઝલ અને ગેસની જરૂરિયાત સંતોષવાના પ્રયાસો કર્યા છે. અમેરિકાને અકળાવે એ રીતે રશિયા અને અન્ય દેશો પાસેથી ઓઇલ મેળવવાનાં પગલાં પણ લીધાં. આટલેથી વાત પૂરી થઇ જતી નથી. કેન્દ્ર સરકારે મોટર કાર્સ માટે ઇથેનોલવાળું પેટ્રોલ વાપરવાની હાકલ કરેલી. બીજી બાજુ કેન્દ્રના જ પ્રધાન એવા નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી કે ઇથેનોલવાળા પેટ્રોલથી મોટરકારને નુકસાન થાય છે. કેન્દ્ર સરકારના પગલા સામે કેન્દ્રના જ પ્રધાને ટીકા કરી એ સૂચક છે. શાસક પક્ષમાં આંતરિક અસંતોષ વિકસી રહ્યો નથી ને ?
એ જ રીતે ૨૦ જુલાઇના કહેવાતા વિદ્યાર્થી આંદોલન વખતે વડા પ્રધાનની માતા અને બહેનને ગાળો અપાઇ એ મુદ્દે પણ શાસક પક્ષમાં બે તડાં પડયાં છે. વડા પ્રધાને ગાળો આપનારી યુવતીને માફી આપી એ ભાજપમાં ઘણાને ગમ્યું નથી. આ જૂથ કહે છે કે વડા પ્રધાન પોતાની માતાના મુદ્દે સંવેદનશીલ ન રહ્યા. એવું ન ચાલે.. તમે એકવાર માફી આપો પછી આવી નફ્ફટાઇનું પુનરાવર્તન થવાની શક્યતા વધી જાય છે. પહેલી જ વાર બનેલી આવી ઘટનાને યોગ્ય સજા દ્વારા ઊગતી ડામી દેવી જોઇએ.
આઝાદી દિનની પૂર્વસંધ્યાએ ઔર પણ કેટલીક બાબતો તરફ ધ્યાન આપવા જેવું છે. વધી રહેલી બેકારી, ગરીબી, જીવનજરૂરી ચીજોનો બેફામ ભાવવધારો, આ કારણોને લીધે યુવા પેઢીમાં વધી રહેલો અસંતોષ, અગાઉની સરકારો કરતાં વધુ વ્યાપક ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાતો…. સમાજના લગભગ દરેક વર્ગના લોકોને કોઇ ને કોઇ ફરિયાદ છે. એ ફરિયાદોનું નિરાકરણ સ્થાનિક લેવલે થતું નથી. પરિણામે સામાન્ય માણસ વધુ હતાશ થતો જાય છે. નેતાઓનાં પ્રભાવશાળી વક્તવ્યો અને પ્રવચનોથી સમસ્યાઓ દૂર થતી નથી.
સ્થાનિક સમસ્યા ઉપરાંત પાડોશની પરિસ્થિતિ પર દ્રષ્ટિપાત કરવાની જરૂર છે. પાક કબજા હેઠળના કશ્મીરમાં આંતરિક વિગ્રહ જેવી સ્થિતિ છે. ટીવી ચેનલ્સ પરનાં દ્રશ્યો જોઇએ ત્યારે ખ્યાલ આવે છે કે એક તરફ પાકિસ્તાની લશ્કર પીઓકેમાં અત્યાચાર વધારી રહ્યું છે તો બીજી બાજુ બલુચિસ્તાન લિબરેશન આર્મીના બળવાખોર યુવાનોને ઢાળી દે છે. ગયા સપ્તાહે ચોવીસ કલાકમાં ૩૪ બલુચ યુવાનોને પાકિસ્તાની લશ્કરે ઠાર કર્યા હતા. પીઓકેના બળવાખોરો ખુલ્લેઆમ ટીવી કેમેરા સામે ભારતની મદદ માગતા દેખાય છે. એવું જ બલુચિસ્તાનના બળવાખોરો પણ ઇચ્છે છે.
અગાઉ આપણે પૂર્વ પાકિસ્તાનને સહાય કરેલી જેના પગલે બાંગ્લા દેશનો જન્મ થયેલો. પરંતુ ત્યારની સ્થિતિ અને સંજોગો જુદા હતા. આજના સંજોગો અને સમસ્યા જુદાં છે.
ઘરઆંગણે શાસક પક્ષ એકલે હાથે ડઝનબંધ વિપક્ષોનો સામનો કરી રહ્યો છે. આ વિપક્ષોમાં પણ સરકારને તેમજ ખાસ તો વડા પ્રધાનને ગાળો આપનારા ઓછા નથી. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું એવી વિપક્ષોની મનોદશા છે. એમાંય પશ્ચિમ બંગાળમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતી લીધી એ પછી વિપક્ષો રઘવાયા થયા છે. વિદેશી પીઠબળથી કોઇ પણ રીતે કેન્દ્ર સરકારને પાડવી એ એકમાત્ર હેતુ હવે વિપક્ષો પાસે રહ્યો છે. સૌથી વધુ કરુણ સ્થિતિ તો એ છે કે વિપક્ષોમાં હાલના વડા પ્રધાનનું સ્થાન લઇ શકે એવો એક પણ કાબેલ કે કર્મકુશળ નેતા નથી. આમ છતાં દરેક નેતા એમ માને છે કે પોતે વડા પ્રધાન બનવાને લાયક છે. અન્યો તો ઠીક, આવરદાના નવમા દાયકામાં પોતાના પગ પર માંડ માંડ ઊભા રહી શકતા શરદ પવારે પણ વડા પ્રધાન બનવાનો અભરખો હજુ જતો કર્યો નથી. જિહાદી આતંકવાદ હજુ ફૂંફાડા મારી રહ્યો છે. રોજ એકાદ જવાન શહીદ થાય છે. એવા સમયે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવતી વખતે ૧૫મી ઓગસ્ટે વડા પ્રધાન કેવા પ્રતિભાવ આપશે એ જોવાનું રસપ્રદ થઇ પડશે.