એન્જિનીયર એક એવો માણસ છે જે દુનિયામાં કંઈ પણ ઠીક કરી શકે છે

- ગેસ્ટ પોસ્ટ
- દુનિયામાં જેટલી પણ શોધ થઈ છે, જે માનવજીવનને વધુ સાનુકૂળ, સહેલી કે ઉપયોગી બનાવે છે, જે માનવતાવાદી છે, એ બધી ટેકનોલોજીનો પ્રતાપ છે. સવારે જાગીએ ત્યાંથી લઇને રાત્રે સૂવા જઈએ ત્યાં સુધી જીવન જીવવાની પ્રક્રિયાને જે કંઈ વધુ બહેતર બનાવે છે તે સઘળું એન્જિનીયરિંગની દેન છે.
'ટાઈટન- મેઈડ ઇન ઇન્ડિયા' વેબ સિરીઝ જેણે જોઈ હશે એને ખ્યાલ હશે કે ઘડિયાળ સફળતાપૂર્વક બની ગયા પછી એને માર્કેટમાં વેચવાની ચેલેન્જ ઊભી થાય છે. તે વખતે ટાઈટનની ઘડિયાળના બોક્સ ભરી ભરીને દુકાનોમાં અને શોરૂમમાં બતાવવાની, ક્વાર્ટઝ ટેકનોલોજીને સમજાવવાના પ્રયત્નો ચાલતા હતા. ત્યારે માર્કેટમાં ય્સ્ની માંગ વધુ રહેતી. મોટે ભાગે લોકો ય્સ્ની મિકેનિકલ વોચ જ પહેરતા હતા. ક્વાર્ટઝ ટેકનોલોજીને કોઈને સમજાતી નહોતી. ટાઈટન કંપનીનો એક એન્જિનીયર કોઈ દુકાનદારને સમજાવતા કહે છે, 'હજી થોડો સમય આ ઘડિયાળને રાખી મૂકો, આની માંગ ધીમે ધીમે વધશે.' દુકાનદાર કહે છે, 'તમારી ઘડિયાળ તો કોઈ લઈ જ નથી રહ્યું. તમે પણ આ નોકરી છોડી ય્સ્માં લાગી જાવ, કેમ કે બધાને એ જ ઘડિયાળ જોઈએ છે.'
એ એન્જિનીયર થોડો થાકીને, થોડો માયુસ થઇને પોતાનાં કપાળ પર હાથ ફેરવી રહ્યો હોય છે ત્યારે પાછળથી કોઈનો હાથ એના ખભાને સ્પર્શે છે.
'ગૌરવ ધર?! આઈઆઈટી ગ્રેજ્યુએટ, એકેડેમિક ટોપર ગૌરવ ધર… આ કર્ટન બોક્સ સાથે શું કરે છે તું?'
ગૌરવ: 'યાર, તું નહીં સમજે…'
ગૌરવનો મિત્ર અવિનાશ કહે છે, 'અરે સમજાવ તો ખરા, મેં તો સાંભળ્યું હતું કે, તું તો ટાટા ગુ્રપની કોઈ કંપનીમાં કામ કરે છે. તો આ બધું શું છે? શું ચાલી રહ્યું છે, ભાઈ?'
ગૌરવ: 'યાર, તને ખબર છે, મારા નાના વારે વારે મારા હાથમાં મશીન પકડાવી દેતા હતા, કે ચાલો આને રીપેર કરો જોઉં!'
અવિનાશ: 'અફકોર્સ યાદ છે, એટલે જ તો અમે તારા ઘરે નહોતા આવતા, એ ડરથી કે ક્યાંક અમને કોઈ કામ ના પકડાવી દે.'
ગૌરવ: 'તો એક દિવસ એમને મને એક ઘડિયાળ આપી, મારી મમ્મીની, જે હંમેશા પહેરીને રાખતી હતી, ક્યારેય ન કાઢતી. જે દિવસે એ ગુજરી ગઈ ત્યારે પણ મને યાદ છે કે એ ઘડિયાળ એણે પહેરેલી હતી. એ ઘડિયાળ જોઈને હું રડવા લાગ્યો. મારા હાથ ધૂ્રજવા લાગ્યા. મેં નાનાને કહ્યું કે મારાથી આ ઠીક નહીં થાય. કેટલું નાનકડું મશીન છે આ… એટલે નાનાએ એમનો મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢયો અને દસ મિનિટમાં રીપેર કરી નાખી. જેવી ઘડિયાળ ચાલવા લાગી એટલે એક ક્ષણ માટે તો લાગ્યું કે…'
ગૌરવ આગળ બોલી શકતો નથી. એનું ગળું અને આંખો ભરાઈ જાય છે… અને ત્યારે એક દર્શક તરીકે આપણે સમજી જવાનું કે એની મમ્મી કોઈક સ્તરે ફરી જીવંત થઈ રહી છે…
આગળ ગૌરવ જે બોલે છે એ સમજવા જેવું છે કે, 'ખબર નહીં, પણ એ ક્ષણે ઘણું બદલાઈ ગયું. એ દિવસે મને ખ્યાલ આવ્યો એન્જિનીયર્સ કુડ ફિક્સ એનીથિંગ ઇન ધ વર્લ્ડ… એન્જિનીયર એક એવો માણસ છે જે દુનિયામાં કંઈ પણ ઠીક કરી શકે છે… મારી કંપનીનું નામ 'ટાઈટન' છે.'
આ દુનિયામાં જેટલી પણ શોધ થઈ છે, જે માનવ જીવનને વધુ સાનુકૂળ, સહેલી કે ઉપયોગી બનાવે છે, જે દર્દીને પીડાથી મુક્ત કરવામાં કે એની પીડા ઓછી કરવામાં મદદરૂપ બને છે, એવી જે જે શોધો થઈ છે, જે વધુ માનવતાવાદી છે, એ બધી ટેકનોલોજીનો પ્રતાપ છે.
મારા પપ્પા પણ એક એન્જિનીયર હતા. એેમને મેં આવા ઈલેક્ટ્રીસિટી સંબંધિત ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરતાં જોયા છે. મારા હસબન્ડ પણ એન્જિનીયર છે. 'ટાઇટન- મેઇડ ઇન ઇન્ડિયા' સિરીઝનો આ સીન જોઈને મને એમના માટે વધુ માન થઈ ગયું.
આજે એક ગૃહિણી તરીકે હું આ વિચારું તો સવારે ઉઠીને નળ ખોલું ને પાણી આવે, વોટર પ્યોરીફાયરની સ્વિચ દબાવું ને માટલું ભરાય, ગેસ ઑન કરું ને રસોઈકામ થાય, ફ્રીજ ખાવાપીવાની વસ્તુને તાજી રાખે છે, વોશિંગ મશીન અમારું અડધું કામ સહેલું કરી નાખે છે. નીચે ઉતરવા કે ઉપર જવા લિફ્ટની સ્વિચ દબાવો ને ગતિ જાય. સવારે જાગીએ ત્યાંથી લઇને રાત્રે સૂવા જઈએ ત્યાં સુધી માનવજીવનને જે કંઈ વધુ બહેતર બનાવે છે તે સઘળું એન્જિનીયરિંગની દેન છે.
- મિલી મેર




