અમૃતસમ ગોબિંદગઢ ફોર્ટ મ્યુઝિયમ - અમૃતસર

- રસવલ્લરી-સુધા ભટ્ટ
અમૃતસરનું બીજું નામ અંબારસર
આપણા દેશના સમૃદ્ધ કલાવારસાને જીવત્ દાન આપ્યાં જેવું કોઈ સુખ નથી - આનંદ નથી - મોકો નથી. દેશના ખૂણે ખૂણે જન્મેલી-કોળેલી, ખીલેલી વિવિધ કળા આપણે મન મોટી મિરાત છે, વિરાસત છે. એને સાચવવાની આપણી ફરજ તો છે જ, એ આપણો હક્ક પણ છે. એને નવલાં રૂપે મઢીને - સજાવીને, નૂતન અવતાર આપીને, નવાનકકોર નામે ઓળખાવીને, નવા વાઘા પહેરાવીને તેને નવજીવન આપીએ તો જરૂર આપણા પૂર્વજો આશિષ વર્ષા કરે. તેમની આંતરડી ઠરે અને એના આંતર તરંગો સ્પર્શે તો ખરે જ… ટાઢક થઈ જાય હોં હૈડે !! ભારત દેશના ભવ્ય ઈતિહાસને પણ જો આ ક્ષણે યાદ કરીએ તો દરેક રાજ્યની ખાસિયત સમી કળા ત્યાં પ્રવર્તતી હોય - તેના રખેવાળો પણ સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર આદિ કળા પ્રકારોને હેમખેમ રાખવાની ફિરાકમાં જ હોય અને પછી એ નેક કાર્ય પત્યા પછી જુઓ એમના મુખારવિંદો પર કેવું તેજ પ્રગટે છે તે ! પંજાબ રાજ્યનું સૌથી મોટું શહેર છે લુધિયાણા. બીજા ક્રમે આવે અમૃતસર. આ શહેર સુવર્ણ મંદિરની ગાદી સાચવે છે અને સરહદે વાઘા બોર્ડર એની શાન છે. ફક્ત આ બે જ એનાં સીમાચિહનો નથી. પવિત્ર હરમંદિર સાહિબ ગુરુદ્વારા એટલે કે સુવર્ણ મંદિરને પાંગથિયે અહીં ગામ વચાળે ''ગોબિંદગઢ ફોર્ટ મ્યુઝિયમ'' નામની એક અતિ સુંદર ઈમારત આવેલી છે. આ તીર્થસ્થાને પધારતા ભાવિકોમાંથી ભાગ્યે જ કોઈ મુલાકાતી આ કિલ્લે પગ મૂકતા હશે. ૧૭૬૦માં બંધાયેલ આ કિલ્લો સરકાર હસ્તક છે અને તેનો જિર્ણોદ્ધાર કરવામાં આવેલો છે.
પ્રસિદ્ધ કોહિનૂર હીરો મહારાજા પાસે હતો
કિલ્લાના ભીતરતમ વિસ્તારમાં તોશખાના (તિજોરી) અને બુરજોની વચ્ચેથી એ રસ્તો (૧૮૦૫માં) પસાર થતો. મહારાજાએ કિલ્લાને વધુ મજબૂત બનાવ્યો અને હરમંદિર સાહેબને બચાવવા સારુ કિલ્લાની ઊંચાઈ થોડી વધારી. ગ્રાન્ડ ટ્રન્ક રોડ બનાવી લૂંટારૂ આક્રમણખોરોથી શહેરને બચાવ્યું. દરમ્યાન નવી ખાઈ અને નવા દ્વારો પણ બનાવ્યા. ફ્રેન્ચ મિલિટરીની પ્રેરણા મુજબ સાંપ્રત પ્લાન બનાવ્યો. ફોર્ટનો કાયાકલ્પ કર્યો. રણજિત સિંહજી અહીં પોતાની તિજોરી રાખતા. બે હજાર સૈનિકોને તેની તૈનાતમાં સુરક્ષા કાજે રાખ્યા. આ કિલ્લાને બે દરવાજા હતા : નલવા ગેઇટ અને કેલર ગેઇટ. ચાર બુરજો ઉપર તોપ અને બાજુના ખૂણે છજાને કારણે સ્થાપત્યના અંગો એકમેક સાથે એકસૂત્રે બંધાયા. અસ્ત્ર-શસ્ત્ર, આધ્યાત્મિક બિંદુ, વિકાસોન્મુખ - રચનાત્મક વ્યાવહારિક અંદાજના અહીં માન-પાન હતાં. જૂનું અને મજબૂત સચવાય અને નબળાનું રક્ષણ થાય એ જ હેતુ હતો. કિલ્લા ફરતે એક બંગલો છે. આગલા જૂના સિખ મકાનની જૂની ઈંટોને આમાં પુન: વાપરી. અગાઉ આ કિલ્લાને આઠ વોચ ટાવર હતા. અહીં સિક્કા ''મિન્ટ'' પણ હતી. પાછળથી આ ઈમારતો તોડી પડાઈ. અલબત્ત, સિખ સમયમાં મહારાજાએ જે રીતે આ સ્થળની માવજત કરી એને કારણે ગોબિંદગઢ વધુ મજબૂત બન્યો. દીવાલે દીવાલે પડદા જેવા ઢોળાવ ચણ્યા. દીવાલો ઉપર અલંકૃત ભાત, કોતરણી અને નકશીના નઝારા પણ જોવા મળ્યા. ગોળાકાર ઊંચી જગતી (પ્લિન્થ)ને કારણે આ સ્થાપત્ય શોભી ઊઠયું. ગુંબજ, સ્તંભો અને લાઇટનીંગની વ્યવસ્થામાં પંચકોણી બુરજ હરખાય. મિલિટરી એંજિનિયરીંગ સાથે પૂર્વીય છેડે લાકડાના છજાવાળું મકાન સુંદર વુડન બ્રેકેટ, લાકડાના મોભ, હાઈ સિલિંગ અને ઈંટની ટાઇલ્સથી શોભે છે. સ્તંભો પ્રભાવી લાગે. એ છે દરબાર હોલ !
કિલ્લો રૂપાંતરિત થયો સંગ્રહાલયમાં
સમૃદ્ધ સ્થાપત્યના મોટા હિસ્સાસહ પ્રસ્તુત સ્થળે મળી આવતા પ્રાચીન-પુરાતત્ત્વીય નમૂના આ કિલ્લામાં પ્રદર્શિત થયેલા નમૂનારૂપે દેખા દે છે. જૂની જે-તે ઈમારતો સ્વયમ્ એક પ્રદર્શિત નમૂનારૂપે ખુલ્લા આકાશ તળે જાણે કે ઝગમગે છે. દિલને કિલ્લા જેવું વિશાળ બનાવીએ તો એમાં બધુંય સમાય. પંજાબ સરકારે એક ખાનગી કંપની ''માયાનગરી''ને અહીં મ્યુઝિયમની માયા ઊભી કરવાની જવાબદારી સોંપી છે. આ આકર્ષણોના ઉમેરણને લીધે મ્યુઝિયમ જીવંત રહ્યું છે. મહારાજા રણજિતસિંહના જીવન પર આધારિત એક ૭ઘ શો ઓગણીસમી સદીની સેર કરાવે છે. તોશખાનામાં કોહિનૂર હીરાની રેપ્લિકા (નકલ) છે, તો સંગ્રહમાં મળી આવે છે જૂના સિક્કા-અલભ્ય રત્નોસમો ખજાનો. અહીં વોરફેર (યુદ્ધને લગતો) સંગ્રહ છે. યંત્રો, અસ્ત્ર, શસ્ત્ર, પોષાક, બખ્તર અને અનેક આકૃતિઓ છે. અહીં સ્પિરિટ ઓફ પંજાબમાં જીવંત પ્રસ્તુતિ છે લોકનૃત્યોની - ભાંગડા, ગટકા, ગિદ્દા, કોમેડી, રમતગમત અને ધોલીની. સંગ્રહસ્થાન પંજાબનો ચટાકો પીરસે છે વિવિધ ખાણી-પીણીમાં. હાટ બઝારમાં ખરીદી કરવાનું મન થાય એવી ફૂલકારી, જુટ્ટીઝ, શાલ, એન્ટિક વસ્તુઓ મળી જાય. ''ગણગણતી દીવાલ'' અંતર્ગત પ્રોજેકશન મેપિંગ ટેકનોલોજીથી લેસર લાઇટના શો સંધ્યાકાળ પછી માણવા મળે - જે પંજાબી અને અંગ્રેજી - બે ભાષાઓમાં છે. આ ફોર્ટ પરિસર સ્વયમ્ એક સંગ્રહાલય છે જેમાં માત્ર મકાનોમાં મૂકાયેલી કલા કૃતિઓ જ નહિ, પરંતુ વારસાગત ઈમારતો પણ એક કલાકૃતિની ગરજ સારે છે.
લસરકો :
અહીં કેનન પર બે પર્શિયન શિલાલેખો છે : ''ઝમઝમા નામે આ તોપ મજબૂત પકડ ધરાવે છે.'' અન્ય લખાણ છે : ''આ વિનાશકારી તોપ-ગોળા સ્વર્ગના સૌથી મજબૂત શસ્ત્રથીય વધુ શક્તિશાળી છે.''
દેશની સૌથી મોટી તોપ 'ઝમઝમા' લાહોરમાં કાસ્ટ થઈ હતી
લાંબા સમય સુધી પ્રસ્તુત કિલ્લો આર્મીના કબજામાં હતો. ૧૦ ફેબુ્રઆરી- ૨૦૧૭માં એને જનતા માટે ખુલ્લો મુકાયો. આજે એ કિલ્લો એક મ્યુઝિયમ અને થીમ પાર્કમાં વિકસિત કરાયો છે. પંજાબના સમૃદ્ધ ઈતિહાસના આ ભંડાર સમા કિલ્લાને તત્કાલીન સમયના લોકો ખૂબ ચાહતા અને એના પ્રાચીન નામને સમય જતાં ભૂલી ગયા. ધિલ્લોન જાટ રાજવંશની નિશ્રામાં એ કિલ્લો ઢંકાઈ ગયો હતો. એ રાજવંશની માલિકી ધિલ્લોન જાટના નામે બોલતી હતી. મહારાજા રણજિતસિંહે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા દશમા સિખગુરુ - ગુરુ ગોબિંદસિંહજીના નામે આ કિલ્લાનું નવેસરથી નામકરણ કર્યું. શ્રી ગુજ્જરસિંહજી અને મહારાજા રણજિતસિંહજીએ કિલ્લાને ઈંટ, ચૂનાના પ્લાસ્ટર થકી નવો ઓપ આપ્યો. પુન: સ્થાપિત કિલ્લા પર તેમણે સૌનું સ્વાગત કર્યું. આ કિલ્લો અમૃતસર શહેરના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલો છે. તે આકારમાં ચોરસ છે. તેને એક હજાર પેરામીટર પર અગાઉ પણ ઈંટની દીવાલ અને ચૂનાના પ્લાસ્ટર વડે બનાવાયો હતો. આ કિલ્લા પર પચીસ તો કેનન (તોપ) છે… જે આડી દીવાલ (રેમ્પાર્ટ) ઉપર કાયમી ધોરણે ગોઠવાયેલી છે. ૧૮૦૫ સુધી મૂળ રાજવીઓના કબજામાં રહેલ આ સ્થળ ૧૯૪૭માં બ્રિટીશ આર્મીએ કબજે કરી લીધું અને તેને ટેકનોલોજીના ઉપયોગ વડે એડવાન્સ વેપનરીનું કેન્દ્ર બનાવી દીધું. ખેર… એ અગાઉ કિલ્લે જે બન્યું તે પણ અદ્ભુત હતું. પેલી તોપોમાંની બે તોપ ''ઝમઝમા'' બહુ પ્રખ્યાત હતી. તે મહારાજાની પ્રિય હતી. નવા બાંધકામમાં કિલ્લાની ફરતે ગોળાકાર - ફરતો રસ્તો બન્યો.




