Shatdal

ગઈકાલના 'જેન ઝી'ને પણ જાણો

By GS Team
18 Aug 20267 mins read
ગઈકાલના 'જેન ઝી'ને પણ જાણો
  • ગાંધીજીને સાઉથ આફ્રિકાના સ્ટેશન પર ટિકિટ ચેકરે ફંગોળી દીધા હતાં ત્યારે તેમની વય ૨૪ વર્ષની હતી.. ડો.વિક્રમ સારાભાઈએ ૨૮ વર્ષની વયે PRLની સ્થાપના કરી હતી
  • વિવિધા-ભવેન કચ્છી
  • સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદમાં જગવિખ્યાત પ્રવચન ૩૦ વર્ષની વયે આપ્યું હતું.. ૧૯૮૩નો વર્લ્ડ કપ ભારતે જીત્યો ત્યારે કેપ્ટન કપિલ દેવ ૨૪ વર્ષના જ હતા!

આ જના યુગમાં 'Gen Z' શબ્દ માત્ર એક પેઢીની ઓળખ રહ્યો નથી. તે એક આખી માનસિકતા બની ગયો છે. ટેક્નોલોજી સાથે જન્મેલી પેઢી, પોતાના મતને નિર્ભયતાથી વ્યક્ત કરતી પેઢી, પરંપરાને પ્રશ્ન કરતી પેઢી, વિશ્વને એક જ ગામની જેમ જોતી પેઢી, ઝડપથી શીખતી અને ઝડપથી બદલાતી પેઢી' આવી અનેક વિશેષતાઓ સાથે Gen Zની ચર્ચા થાય છે. સામાન્ય રીતે ૧૯૯૭થી ૨૦૧૨ દરમિયાન જન્મેલી પેઢીને Gen Z તરીકે ઓળખવામાં આવે છે. એટલે આજે તેના મોટા સભ્યો ૨૯ વર્ષની આસપાસ છે.
પરંતુ અહીં એક રસપ્રદ સવાલ ઊભો થાય છે 'શું પોતાના સમયની પરંપરાઓને પ્રશ્ન કરનારા, નવી દિશા શોધનારા, દુનિયાને પડકારનારા અને નાની ઉંમરે જ પોતાની આગવી ઓળખ ઊભી કરનારા યુવાનો માત્ર આજની પેઢીમાં જ છે? જવાબ ઇતિહાસ આપે છે 'ના.' ભારતની આ યુવા પરંપરા સમજવા માટે ૧૯મી સદીથી શરૂઆત કરવી પડે.
સમાજમાં અંધકાર
૧૯મી સદીનું ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું. સમાજમાં જાતિભેદ, સ્ત્રીશિક્ષણનો અભાવ, બાળલગ્ન, અંધશ્રદ્ધા અને અનેક સામાજિક રૂઢિઓ હતી. પરંતુ આ જ અંધકારમાં એવી યુવા પ્રતિભાઓ ઊભી થઈ જેઓએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી.
સાવિત્રીબાઈ ફુલે તેનું અદભુત ઉદાહરણ છે. ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં છોકરીઓ માટે શાળા શરૂ થઈ ત્યારે તેઓ માત્ર ૧૭ વર્ષના હતા. એક એવી સમાજવ્યવસ્થામાં જ્યાં છોકરીને શિક્ષણ આપવાનો વિચાર પણ અસ્વીકાર્ય હતો, ત્યાં એક કિશોરી શિક્ષિકા બનીને ઊભી રહી. સાવિત્રીબાઈએ શિક્ષણને માત્ર વ્યક્તિગત પ્રગતિનું સાધન નહીં પરંતુ સામાજિક મુક્તિનું શસ્ત્ર બનાવ્યું. આજે Gen Z gender equality, inclusion ylu equal opportunity જેવા શબ્દો સાથે પરિચિત છે; સાવિત્રીબાઈએ આ જ મૂલ્યો માટે એવા સમયમાં સંઘર્ષ કર્યો હતો જ્યારે આ વિચારો માટે સામાજિક કિંમત ચૂકવવી પડતી હતી.
તેમની સાથે જ્યોતિરાવ ફુલેની યુવાની પણ સામાજિક પ્રશ્નોથી ભરેલી હતી. તેમણે શિક્ષણ અને સામાજિક સમાનતાને કેન્દ્રમાં રાખીને યુવા વયે જ એવી વિચારધારા ઊભી કરી જે પછીના ભારતના સામાજિક સુધારણા આંદોલનો માટે પાયારૂપ બની.
શિક્ષણના દૂત
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ૨૧ વર્ષની ઉંમરે ફોર્ટ વિલિયમ કોલેજમાં સંસ્કૃત વિભાગના વડા બન્યા હતાં. આગળ જતાં સ્ત્રીશિક્ષણ અને વિધવા પુનવવાહ માટે તેમણે કરેલા પ્રયત્નોએ ભારતીય સમાજના સુધારણાના ઇતિહાસમાં વિશેષ સ્થાન મેળવ્યું.
ગુજરાત માટે દાદાભાઈ નવરોજીનું નામ અહીં ખાસ મહત્વ ધરાવે છે. યુવાનીમાં જ તેઓ શિક્ષણક્ષેત્રે આગળ આવ્યા અને ૨૭ વર્ષની વયે Elphinstone Collegeમાં ગણિત અને કુદરતી વિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. ૩૦ વર્ષની વયે લંડન ગયા, ત્યાંની સંસદમાં પણ ચૂંટાયા.આગળ જઈને તેઓ લંડનમાં ભારતીય હિતનો અવાજ બન્યા. 'રાસ્ત ગોફ્તાર' અખબારનું પ્રકાશન કર્યું. કોંગ્રેસના સ્થાપક સભ્ય અને ત્રણ વખત પ્રમુખ તરીકે ચૂંટાયા. એટલે ભારતના યુવાનોનું વૈશ્વિકીકરણ આજની ઘટના નથી.
સાહિત્ય અને કળા
સાહિત્યમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આશરે ૨૭ વર્ષની ઉંમરે 'દુર્ગેશનંદિની' દ્વારા બંગાળી નવલકથાને નવી દિશા આપી. રવીન્દ્રનાથ ટાગોર તો કિશોરાવસ્થાથી જ સર્જનાત્મકતાના માર્ગે ચાલ્યા હતા. આશરે ૧૬ વર્ષની ઉંમરે તેમની રચનાઓ પ્રકાશિત થવા લાગી હતી. પછી તેઓ નોબેલ વિજેતા બન્યા.
કળામાં રાજા રવિ વર્માનું ઉદાહરણ પણ એવું જ છે. તેમણે ભારતીય પુરાણો અને પાત્રોને પશ્ચિમી ઓઇલ પેઇન્ટિંગની ટેકનિક સાથે જોડીને એક નવી દ્રશ્યભાષા ઊભી કરી. ૨૫ વર્ષની વયથી જ બ્રિટિશરોની દાદ મેળવી હતી. ૩૫ વર્ષની વયે વીએનામાં યોજાયેલ વર્લ્ડ પેઇન્ટિંગ પ્રદર્શન અને સ્પર્ધામાં ટોચ પર રહ્યા હતાં.
ભારતની છબી
આ જ સમયગાળામાં સ્વામી દયાનંદ સરસ્વતીની આધ્યાત્મિક શોધ પણ શરૂ થઈ. તેમણે યુવાનીમાં જ પરંપરાગત માન્યતાઓને અંધપણે સ્વીકારવાને બદલે સત્યની શોધનો માર્ગ પસંદ કર્યો. દેશને પછાત માનસિકતામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય તેમની ૨૫ વર્ષની વયથી કાર્ય અને સાધના આગળ ધપાવી. ૫૧ વર્ષની વયે આર્ય સમાજની સ્થાપના કરી હતી.
આ ક્રમમાં પછી પણ ભારતના ઇતિહાસમાં મોખરે આવે તેવી હસ્તી એટલે સ્વામી વિવેકાનંદ. અહીં ઐતિહાસિક ચોકસાઈ જરૂરી છે. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં તેમનું ઐતિહાસિક ભાષણ થયું ત્યારે તેઓ ૩૦ વર્ષના હતા, એટલે ૨૯ વર્ષની જેન ઝીની વય મર્યાદામાં તેઓ આવતા નથી. પરંતુ તેમની યુવાનીમાં જ નરેન્દ્રનાથ દત્તે ભારતીય આધ્યાત્મિકતા, તર્ક અને માનવતાના પ્રશ્નો અંગે ઊંડું મનન શરૂ કરી દીધું હતું. ભારતની આધ્યાત્મિક પ્રતિષ્ઠાને વિશ્વમાં નવી ઓળખ તેમણે આપી.
યુવા ક્રાંતિનો દોર
૨૦મી સદીમાં ભારતની યુવાનીનો ચહેરો વધુ આક્રમક, વધુ રાષ્ટ્રવાદી અને વધુ વૈજ્ઞાનિક બનતો ગયો. સ્વતંત્રતાની લડત જોર પકડતી હતી અને અનેક યુવાનો માટે જીવનનો અર્થ વ્યક્તિગત કારકિર્દી કરતાં મોટો હતો.
ભગતસિંહ તેનું સૌથી પ્રતીકાત્મક ઉદાહરણ છે. માત્ર ૨૩ વર્ષની ઉંમરે તેઓ અને ચંદ્રશેખર આઝાદ ૨૫ વર્ષની વયે શહીદ થયા હતાં.
ગાંધીજીને સાઉથ આફ્રિકાના રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર રંગભેદના નામે અપમાન કરીને ધક્કો મારી ફંગોળી દે છે અને તે ઘટના બાદ આગળ જતાં મોહનદાસમાંથી તેઓની મહાત્મા ગાંધી તરીકેની જીવન યાત્રા શરુ થાય છે. ટ્રેનમાં અપમાન થયું ત્યારે ગાંધીજીની વય ૨૪ વર્ષની જ હોય છે. સુભાષ ચંદ્ર બોઝે તો ૨૪ વર્ષની વયની આસપાસ ICS જેવી પ્રતિષ્ઠિત કારકિર્દીનો માર્ગ છોડીને રાષ્ટ્રીય આંદોલન પસંદ કર્યું.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની યુવાની પણ જ્ઞાન અને સંઘર્ષનું અનોખું મિશ્રણ હતી. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તકનો ઉપયોગ કરીને તેમણે અર્થશાસ્ત્ર, કાયદો અને સમાજવ્યવસ્થાનો ઊંડો અભ્યાસ કર્યો. આગળ જઈને તેઓ ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી બન્યા, પરંતુ તેમની બૌદ્ધિક લડતનો પાયો યુવાનીમાં જ તૈયાર થયો હતો.
વિજ્ઞાનની વાટે
જો રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં આ યુવાનો પ્રશ્નો પૂછતા હતા, તો વિજ્ઞાનમાં ભારતીય યુવાનો દુનિયાને નવા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
શ્રીનિવાસ રામાનુજનનું નામ અહીં કદાચ સૌથી પ્રેરણાદાયી છે. પરંપરાગત યુનિવર્સિટી શિક્ષણની મર્યાદાઓ વચ્ચે પણ તેમની ગણિતીય પ્રતિભા એવી હતી કે ૨૬ વર્ષની આસપાસ તેઓ બ્રિટિશ ગણિતજ્ઞા જી. એચ. હાર્ડીના સંપર્કમાં આવ્યા અને થોડા જ સમયમાં કેમ્બ્રિજની વૈજ્ઞાનિક દુનિયામાં પહોંચ્યા. રામાનુજન પાસે કમ્પ્યુટર નહોતું, ઇન્ટરનેટ નહોતું, ડિજિટલ લાઇબ્રેરી નહોતી' પરંતુ પ્રશ્નો હતા અને તેમને ઉકેલવાની અસાધારણ આંતરિક શક્તિ હતી.
સત્યેન્દ્રનાથ બોઝે પણ ૨૦ના દાયકાના અંતમાં આધુનિક ભૌતિકશાસ્ત્રને એવી દિશા આપી કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન સુધી તેમની પ્રતિભાની અસર પહોંચી. તેમના કાર્ય પરથી '‘Bose-Einstein statistics'' અને 'boson' જેવા વૈજ્ઞાનિક શબ્દો વિશ્વમાં પ્રચલિત થયા. મેઘનાદ સાહાએ તારાઓના ભૌતિક સ્વરૂપને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
હોમી ભાભાએ પણ યુવાનીમાં જ theoretical physicsમાં પોતાની દિશા નક્કી કરી હતી. તેમની આગળની સિદ્ધિઓએ ભારતના પરમાણુ વિજ્ઞાનને મજબૂત પાયો આપ્યો. ગુજરાત માટે તો વિક્રમ સારાભાઈનું નામ વિશેષ ગૌરવનું છે. ૧૯૪૭માં, માત્ર ૨૮ વર્ષની ઉંમરે, તેમણે અમદાવાદમાં Physical Research Laboratoryની સ્થાપના કરી.તે પછી કઈ હદના વિજ્ઞાનના ક્રાંતિકારી પ્રદાન આપ્યા તે આપણે જાણીએ છીએ.
અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેનનું ઉદાહરણ પણ અદભુત છે. તેઓ ૨૩ વર્ષની આસપાસ જાદવપુર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા હતા. આગળ જઈને તેમને નોબેલ પુરસ્કાર મળ્યો.
ઉદ્યોગની વાત
ઉદ્યોગક્ષેત્રમાં પણ ભારતની યુવાની પાછળ રહી નહોતી. જમશેદજી ટાટા ૨૦ વર્ષની ઉંમરે પરિવારના વેપારમાં જોડાયા અને ૨૯ વર્ષની ઉંમરે પોતાની વેપારી કંપની શરૂ કરી. આગળ જઈને તેમના સ્વપ્ને ભારતના ઔદ્યોગિક ઇતિહાસને બદલી નાખ્યો. ઘનશ્યામદાસ બિરલાએ પણ ૨૫ વર્ષની ઉંમરે જ્યુટ ઉદ્યોગમાં પ્રવેશ કરીને વ્યવસાયિક સામ્રાજ્યનો પાયો નાખ્યો. ધીરુ ભાઈ અંબાણીનું 'કર લો દુનિયા મુઠ્ઠીમેં' સ્વપ્ન ૨૮ વર્ષની વયે ફર્સ્ટ ગિયરમાં આગળ ધપી
રહ્યું હતું.
'આવારા' ૨૭ વર્ષની વયે
સંગીતના ક્ષેત્રમાં તો ભારતે બાળ અને યુવા પ્રતિભાની લાંબી પરંપરા જોઈ છે. લતા મંગેશકર અને આશા ભોંસલેએ પણ જેન ઝી વય સુધીમાં ફિલ્મી સંગીતની દુનિયામાં નામ કરી દીધું હતું. લેજેન્ડ ગાયક કે. એલ. સાઇગલથી માંડી રફી, કિશોર કુમાર, મન્નાડે ૩૦ વર્ષની વય સુધીમાં લોન્ચ થઈ ગયા હતાં. રાજ કપૂરે 'આગ' ફિલ્મ ૨૪ વર્ષની વયે અને 'આવારા' ૨૭ વર્ષની વયે બનાવી હતી. દિલીપ કુમારે ૨૨ વર્ષની વયે 'જવાર ભાટા' અને દેવ આનંદે ૨૩ વર્ષની વયે 'હમ એક હૈ' ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.નૌશાદ, ગુરુદત્ત, અન્ય સંગીત બેલડીઓ, નિર્દેશકોએ પણ ૨૯ વર્ષની વય સુધીમાં પાયો નાંખી દીધો હતો.
શાસ્ત્રીય સંગીતમાં જોઈએ તો પંડિત રવિશંકર સત્યજીત રેની 'અપુ ટ્રાયોલોજી' ફિલ્મના સંગીતકાર ૨૯ વર્ષની વયે બન્યા હતાં.ભારત આઝાદ થયું અને લાલ કિલ્લામાં સૌપ્રથમ ધ્વજારોહણ વખતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે શહનાઈ વાદન માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને આમંત્રણ મળ્યું હતું આ વખતે તેમની વય ૩૧ વર્ષની હતી.તે અગાઉ તેઓએ પહચાન બનાવી લીધી હતી.
રમતની દુનિયામાં ડંકો
રમતગમતમાં પણ ભારતની યુવા શક્તિએ વિશ્વને ચોંકાવ્યું. મેજર ધ્યાનચંદે ૩૧ વર્ષની વય સુધીમાં તો ત્રણ ઓલિમ્પિક રમી ભારતનું હોકીમાં સુવર્ણ અક્ષરે નામ લખાવી દીધું હતું. સચિન તેંડુલકર. માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર અને ૧૭ વર્ષની ઉંમરે ટેસ્ટ સદી ફટકારી ચૂક્યા હતા. ગાવસ્કરે ૨૨ વર્ષની વયે વેસ્ટ ઇન્ડિઝમાં તેની સૌ પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં ૭૭૪ રન ખડક્યા હતાં. રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. કપિલ દેવની કેપ્ટનસી હેઠળ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે તેની વય ૨૪ વર્ષની જ હતી. ચેસમાં વિશ્વનાથન આનંદ ૧૮ વર્ષની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બન્યા અને ભારતીય ચેસને વૈશ્વિક નકશા પર નવી ઓળખ આપી.
તમામ ક્ષેત્રોમાં આવા તો કેટલાયે ઉદાહારણો છે પણ બધાનો ઉલ્લેખ શક્ય નથી.