જયગઢ-આમેરની ચોમેર સર્વ કળા અભિયાન

- રસવલ્લરી-સુધા ભટ્ટ
- 'જલેબ' શબ્દ અરબી છે. અર્થ થાય 'સૈનિકોની સવાઈ/સભાનું સ્થળ'
- બેલ્જિયમથી મંગાવેલા નાના નાના હજારો અરીસાઓ. અને કાચના ટુકડાઓને એવી રીતે જોડાય છે- જડયા છે કે માત્ર એક જ દીવો પ્રગટાવવાથી આખો મહેલ તારામંડળની જેમ ચમકી ઉઠે !
રણની કોરાશમાં ભીનાશ, ભેજ અને ભાવ લાવે ઉત્તમકળા કેવો છે આ કિલ્લો ? અરે..ઊંચા અંબરે મ્હાલતો આ અંબર કિલ્લો પોતાની અગાશીએ જઈ પોતાના સ્થાપત્યોનું બારીક નિરીક્ષણ કરે છે. ત્યાં છજા વટથી બહાર નીકળે છે. મુખ્ય પ્રવેશે ગોથિક દ્વારો સહ આસપાસ બે ટાવર જેવી રચના છે. જેમાં રંગ, કોતરણી- નકશીનો અને ચિત્રોનો મહામેળાવડો જામ્યો છે. દીવાલ, છત, છો, ધુમ્મટનો અંદરનો ભાગ- બધું જ અકલ્પનીય સુશોભન યુક્ત ! ભૌમિતિક ભાત, નજાકત ભર્યા ફળ, ફૂલ, કળી, વલ્લરી, પર્ણ, વૃક્ષ અને ગીચ વનરાજી ! બારી-બારણાં આસપાસની ફ્રેઇમ્સમાં ગુલાબી-પીળા રંગનો ઉત્સવ ! ભોંયતળિયાની પરસાળ સાદી પણ મદલ કરે વાત રસિકો સંગ કાનમાં હોં ! ગઢ પરની અસંખ્ય છતરીઓ આરામ ફરમાવતી ચારે કોર જુવે ! દૂર..દૂર.. ઊંચી ઊંચી દીવાલોની નસેનસમાં વાર્તા-કવિતા કોંતરાયેલી છે તે રસળવા માંડે, ઢોળાવની શોભા સ્વયમ અતિથિઓના પોંખણાં લે !
કિલ્લાના કોટ-કાંગરા ઇતિહાસ, બલિદાન અને શૌર્યની-યુધ્ધની છડી પોકારે છાતી પહોળી કરીને. કદીક ત્યાં રક્ત છાંટણાં થયાં હશે ! ઝિગઝેગ ભાત ધરાવતા ટાવરો રક્ષા સારુ કોટની રાંગેરાંગે શિર ઝુકાવી દે. 'અમે તો કોમળ કોમળ'ની ઓળખ આપતા પથ્થર હૃદયના આ સ્થાપત્યો ગઢના ઉપલાં વિભાગમાં આપણને નમણાં સૌંદર્યભરપૂર મહેલ જોવાનું ઇજન આપે. મહેલ પરિસરમાં પહોંચતા જ પેલી કઠોરતા પીગળીને નજીકત યુક્ત નજર્યુ લાગવાની બીક લાગે એવા મહેલો-આવાસો સુધી એની રસધારામાં રસિકોને વહાવીને લઈ જાય. કિલ્લાના મુખ્ય ચાર ભાગો- એટલે કે પ્રાંગણ ચારેય જુદી જુદી દિશે પધારવાનું આમંત્રણ આપે. પ્રથમ પ્રાંગણમાં પ્રવેશતાં જ જલેબ ચોક અને સૂરજ પોળ મળે. આ દ્વાર પૂર્વાભિમુખ હોવાથી સૂરજ પોળ. આ વિશાળ પ્રાંગણમાં સેનાની પરેડ અને વિજય સરઘસ નીકળતાં. ભવ્ય સોપાન ઉપર જવા પ્રેરે.
સ્થાપત્યની નસેનસમાં રંગબહારઃ અંદર અને બહાર !
સૈન્યને અનુરૂપ ખુલ્લું ભવ્ય, વિશાળ સ્થાપત્ય મુખ્ય મહેલ તરફ દોરવી જાય. 'જલેબ' શબ્દ અરબી છે. અર્થ થાય 'સૈનિકોની સવાઈ/સભાનું સ્થળ' જયસિંહના આ સમયગાળામાં વ્યક્તિગત બોડીગાર્ડ અને પરેડનો રિવાજ હતો. આર્મી કમાન્ડરને 'ફોજબક્ષી' કહેતા. અહીં શિલાદેવીનું મંદિર છે. જ્યાં પરિવારનો સ્ત્રીવર્ગ દર્શને આવતો અને પરેડ ઇત્યાદિમાં પણ રસ લેતો. મંદિરનાં ચાંદીના બારણાં કલાત્મક કોતરણી ધરાવે છે. પહાડી વાસ્તુ શિલ્પ સામૂહિક યોજના અંતર્ગત અહીંની સુરક્ષા પધ્ધતિ પણ ખાસ છે. પશ્ચિમ ઘાટના પર્વતોમાંનો બલિદાન આપતો આ પર્વત શિલાદેવીને કારણે નોંધાયેલો છે. કાળી, દુર્ગા, અંબાના સ્વરૂપમાં પથ્થરની બેઠક છે. પરવાળાની એક શિલા પણ અહીં મળી આવી છે. જ્યાં રાજાઓનાં કુળદેવીની સ્થાપના કરાઈ છે. અહીં ગણેશ પોળ પણ છે. ત્રિસ્તરીય મંદિર ફ્રેસ્કો (જડતર) કળાથી સજાવાયેલું છે. અહીં દિવાને આમ પ્રસ્તુતિઓ થતી જેને માર્બલની જાળી ભાતમાંથી ઝૂલવાળી કોતરણી-નકશીમાંથી નિહાળવાની સગવડ રાણીઓને મળતી દ્વિતીય પ્રાંગણમાં મુઘલ અને રાજપૂત શૈલીના અદ્ભુત મિશ્રણવાળા ઉત્કૃષ્ટ બેવડી હારવાળા અડતાળીસ સુશોભિત સ્તંભો છે. બહારની શ્રેણી લાલ પથ્થરની અને અંદરની આરસપહાણની શુભ્ર ! કમાનો અને કોતરણીવાળા મહલો શુધ્ધ હિંદુસ્તાની સ્થાપત્યની ઓળખ છે. અહીં જ ગણેશ પોળનો દરવાજો અતિ સુંદર છે. મહેલનું પ્રવેશ દ્વાર ચિત્રકામ, મોઝેક, નકશી-કોતરણીથી મોહક બન્યું છે. અહીં અર્ધ ગુંબજ અને મુઘલ શૈલીની જાળીઓ છે. ઉઠાવ આપતી છજા આકારની છત જોવા મળે છે. રાજા આ સ્થળેથી પ્રજાને સંબોધતા. કુંભી પર પેલા સ્તંભો કમાન અને છતને જોડે છે અને એની ઉપર થાંભલાની મથોટી જોડાય. તેની ઉપર ગેલેરીઝ છે. જેના ઉપરથી રાજા સૌને દર્શન દેતા તૃતીય પ્રાંગણમાં વિશ્વવિખ્યાત શીશ મહેલનો નયનરમ્ય નઝારો જોવા મળે.
અંબર પેલેસ-ખડક પર ઉભું…. શ્વસતું અચરજ
બેલ્જિયમથી મંગાવેલા નાના નાના હજારો અરીસાઓ. અને કાચના ટુકડાઓને એવી રીતે જોડાય છે- જડયા છે કે માત્ર એક જ દીવો પ્રગટાવવાથી આખો મહેલ તારામંડળની જેમ ચમકી ઉઠે ! કાચ સાથે પથ્થર પર ફૂલ છોડની ઝીણી કોતરણી પ્રાચીન મુઘલ સ્થાપત્યની સમકક્ષ છે. શીશ મહેલની સન્મુખ સુખનિવાસ છે જેમાં ચંદનકાષ્ટ અને આરસપહાણનું સ્થાપત્ય છે. પ્રાકૃતિક ઠંડક પ્રણાલી માટે મહેલની દીવાલ વચ્ચેથી પાણીની નાની નહેરો પસાર કરાવી હતી. સ્થપતિની બુધ્ધિમત્તા અને ઇજનેરી કૌશલ્યનો એ નમૂનો છે. અહીં ચોકમાં વચ્ચે ભૌમિતિક સ્ટાર આકારના 'ચારબાગશૈલી'ના બગીચા છે.
અહી મોઝેક અને શિલ્પોની મઝા કંઈક ઓરજ છે. કાચ જડિત પેનલ્સ, બહિર્ગોળ આકારનાં દર્પણ રંગીન વરખ (ફોઈલ) અને ચિત્રો કેન્ડલલાઈટમાં ઝગમગે. આ મહેલમાં આરસ જેવો અર્ધપારદર્શક સફેદ પથ્થર છે. જડતર યુક્ત દીવાલો આ ઇમારતને ભવ્યતમ બનાવે છે. ઉપસાવેલી ભાત અને નાનાં મોટાં શિલ્પો કલાની છડીદાર છે. કોતરણીમાં પતંગિયા, કમળ, માછલી, નાગ હાથી, સિંહ, ફૂલદાની, વીંછી, અનાજનાં ડૂંડા ગોપાયેલા છે. જેને શોધી કાઢે ભાવકો ! ચતુર્થ પ્રાંગણ મુખ્યત્વે લાલ બલુઆ પથ્થર ધરાવે છે. અહીં ઇન્ડો- ઇસ્લામિક અને રાજપૂત શૈલીનું સંમિશ્રણ છે. જનાનખાનાના બાર ઓરડાઓનું બાંધકામ પારંપરિક પધ્ધતિ મુજબનું છે. અહીં ગુપ્ત ગલિયારામાં થઈને રાજા વારાફરતી રાણીઓને મળવા જતા. કિલ્લાના બધા જ આંતર મહેલો સૂક્ષ્મ કલાતત્ત્વોથી રળિયાત છે. નિર્માણ સામગ્રી અને રંગ સંયોજન અદ્ભુત ! જૂનામાં જૂનો બારાદરી મહેલ મુખ્ય છે. જ્યાં ફેસ્કોવર્ક અને રંગીન ટાઈલ્સની સજાવટ છે. યુનેસ્કોએ વધાવેલ આ પરિસર રાજપૂત સંરક્ષણ વિભાગનું પર્વત સ્થાપત્ય ધરાવે છે. પાષાણમાં ગૂંથેલી વણાટકામ જેવી બારીકી ધરાવતો અંબર મહેલ આ કળાનો પ્રહરી છે.
લસરકો
અત્યાધિક રંગ સ્થાપત્ય અંગની મધુરતામાં વૃધ્ધિ કરી રાજવી ઠાઠમાઠ અને શખ્સિયતને ગૌરવ બક્ષે ત્યારે વેરાન કિલ્લો કલબલતી વસ્તીમાં પલટાઈ જાય.
જીવસૃષ્ટિનું સાંસ્કૃતિક મધુર મિલન!
રાજસ્થાનના કિલ્લાઓની ખાસિયત એ છે કે તેના દરેક કિલ્લાની લાક્ષણિકતા આગવી રહી છે. પ્રાચીન સ્થાપત્યમાં એનો સમાવેશ થયેલો હોવાથી સમયગાળા અને યુગની કેટલીક સમાન ઓળખ હોઈ શકે. વળી, પુષ્કળ પ્રમાણમાં ગુલાબી અને પીળાશ પડતા કાઠારેતિયા પથ્થરો અહીંથી મળી આવે છે. તેથી એ મુદ્દો પણ સમાન હોઈ શકે. હા, એક વધુ સામ્ય આરસપણાનું છે જે સફેદ તો હોય જ છે- પરંતુ તેમાં આછી શ્યામ, રાખોડી (ગ્રે), પીળી કે સ્હેજ ગુલાબી ઝાયા ધરાવે છે. સમયની સાથે જો એની માવજત યોગ્ય થઈ હોય તો તેની સફેદી પ્રકાશનું પરાવર્તન સુપેરે કરી શકે અને જાણે કે ઝગારા મારે ! આ કળાના પ્રાયોજકોને કુદરતી સંપત્તિ સહેલાઈથી અને વાજબી ભાવે મળતી તેથી તેમનું કામ સરળતાથી આગળ ચાલતું.
ગઢ અને સૈન્યની વચ્ચે દોસ્તીનો નાતો હોવાથી નાના-મોટા ખડકો કે પર્વતો સૈનિકોનું ધામ બની રહેતા. પર્વતની ધાર ઝૂલ રૂપે પડદાની ગરજ સારતી એટલે બાકોરાય સહેલાઈથી સાંપડતા. પણ આ તો ભાઈ રાજાઓ મહારાજાઓનો ખજાનો જ કહેવાય ! તેથી જ તેઓ પોતાનાં રહેઠાણ માટે પણ કિલ્લાની ખરબચડી જમીનને મહેનતથી અને કલાત્મકતાથી સમરસ કરતા. ધ્યાનનું ધ્યાન રહે અને હિલસ્ટેશન પર અડ્ડો ! દૂરથી કિલ્લા કે સ્થાપત્યોને માપી ન શકાય. ઊંચાઈએ ચડતાં ચડતાં એના રહસ્યો એક પછી એક ખુલતાં જાય. સૈનિકો અને રાજવંશસભ્યો તો હોય જ ત્યાં.. પણ ગજદળ, હયદળ પણ ત્યાં જ મળે. બાકી તળેટીએ રણમાં તપતા ઊંટ પરિવારો પણ ત્યાં મળવાનાં જ ! હેઠે ઉભા રહીને ઝીણી નજરે નેજવેથી જોઈએ તો પણ થોડો-ઘણો અંદાજ તો આવે હો !




