Shatdal

એરલાઇન એટિકેટ: પ્લેનમાં થેપલાં-ઢોકળા-ફાફડા ખવાય કે ન ખવાય?

By GS Team
1 Sep 20265 mins read
એરલાઇન એટિકેટ: પ્લેનમાં થેપલાં-ઢોકળા-ફાફડા ખવાય કે ન ખવાય?
  • પ્લેનમાં ઘરેથી લાવેલું લંચબોક્સ ખોલીને ખાવું… વ્હાય નોટ?
  • પ્લેનમાં ચાલવાની જગ્યાને ફૂડ-સર્વિસ કાઉન્ટર બનાવી દેવું, સહયાત્રીઓને તકલીફ થાય તેવું વર્તન કરવું… એબ્સોલ્યુટલી નોટ.

તાજેતરમાં એક રીલ ખાસ્સી વાઇરલ થઈ, જેમાં એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઉત્સાહી ગુજરાતીઓનું એક જૂથ ઘરેથી લાવેલાં થેપલાં, ઢોકળા, ફાફડા જેવી આઇટમો એકબીજા સાથે શેર કરીને મોજથી ખાઈ રહ્યા છે. ખાધા પછી એક સન્નારી મોટી પ્લાસ્ટિક બેગમાં એંઠી ડિશ વગેરે ભરી લેતાં પણ દેખાય છે. આ રીલ્સને કારણે નેટિઝન્સમાં ખૂબ ચર્ચા ચાલી. શું પ્લેનમાં આ રીતે ઘરેથી લાવેલી ફૂડ આઇટમ્સ ખવાય? શું આ અશિસ્ત છે? એટિકેટનો ભંગ છે? કંગાળ સિવિક સેન્સનું ઉદાહરણ છે?
કે પછી, નિયમોની મર્યાદામાં રહીને, સહયાત્રીઓને તકલીફ ન થાય તે રીતે ઘરેથી લાવેલું ખાવાનું ખાવામાં કશું ખોટું નથી? લો, કમેન્ટ્સ તમે ખુદ વાંચી લો…

લોકો અહીં કમેન્ટમાં લખે છે કે એ તે સૌ પોતપોતાને જે ખાવું હોય તે ખાય, તો મારો એક જ સવાલ છે: કોઈ ઘરેથી નોનવેજ આઈટમો લઈને આવે તો? મને ફિશ ફ્રાય બહુ પસંદ છે. શું હું અને મારું ફેમિલી પ્લેનમાં ઘરેથી લાવેલા ફિશ ફ્રાય મને મટન રોસ્ટના ડબ્બા ખોલીને ખાઈએ તો તે ચાલશે? તમે થેપલા-ઢોકળા-ફાફડા અલાઉડ કરશો તો પછી બીજી ફૂડ આઇટમોને ના નહીં પાડી શકો.

પ્લેનમાં સિવિક સેન્સ જાળવવી એટલે શું? (૧) જે ફ્લાઇટમાં અવેલેબલ હોય એ જ મોંઘીદાટ વસ્તુઓ ખરીદીને ખાવી? (૨) ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં તમને જે પીરસવામાં આવે તે ચુપચાપ ખાઈ લેવું? (૩) ખાતી વખતે આજુબાજુ કોઈની સાથે વાત ન કરવી? (૪) પ્લેનમાં ખાવાનું ટાળવું? (૫) ખાતી વખતે આજુબાજુ બેઠેલા સહયાત્રીઓને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું? મારો બીજો સવાલ છે: જો ટ્રેન અને બસમાં ઘરેથી લાવેલો ખોરાક ખાવાનું અસંસ્કારી ગણાતું ન હોય તો પ્લેનમાં ઘરનું ખાવાનું ખાવું શા માટે અસંસ્કારી ગણાવું જોઈએ?

પેટપૂજા કરી નાખી હોય તો હાલો, હવે ગરબા ચાલુ કરો.

અમુક લોકો બસમાં મુસાફરી કરે, ટ્રેનમાં મુસાફરી કે પ્લેનમાં મુસાફરી કરે… એમનો એટિટયુડ તો એકસરખો જ રહે છે.

અરે, પણ આ લોકો પ્લેનમાં આટલું બધું ખાવાનું લઈને કેવી રીતે આવ્યા? એરપોર્ટ પર સિક્યોરિટી ચેક વખતે તો પાણીની બોટલ પણ ખાલી કરાવી નાખે છે. પ્લેનમાં કેટલું ખાવાનું લઈ જઈ શકાય છે? આ નીતિ-નિયમો વિશે કોઈ કંઈ કહેશે?

બસ, આ કંગાળ સિવિક સેન્સને કારણે જ ભારતીયો વિદેશમાં બદનામ છે.

મને તો આમાં કશું વાંધાજનક લાગતું નથી. બધા લોકો પ્લેનમાં જે કંઈ પિરસાય છે તે ખાઈ ન પણ શકે. અમુક ચીજ ખાવાની મનાઈ હોય, કશાકની એલર્જી હોય, એવું બને. આવી સ્થિતિમાં ઘરેથી લાવેલી વાનગીઓ જ ખાવી પડે.

એરલાઇન્સવાળા ગુજરાતીઓને સ્પેશિયલ પરમિશન આપે છે કે શું?

પ્લેનમાં સર્વ થતી વાનગીઓમાં બહુ ચોઈસ હોતી નથી. મોટે ભાગે સેન્ડવિચ જે મળે છે અને તે પણ મોંઘીદાટ હોય છે. ફક્ત ગુજરાતીઓ જ નહીં, ભારતભરના લોકો પ્લેનમાં ઘરેથી લાવેલું ખાવાનું ખાય છે. તમે ક્યારેક હોંગકોંગથી ટોકિયો કોઈ પણ એરલાઇનમાં જજો. એમાં જ્યારે ખાવાનું સર્વ થાય છે કાચી માછલીની સ્મેલથી આખું પ્લેન ગંધાઈ ઉઠે છે.

થેપલા-ઢોકળા કંઈ પણ ખાઓ, પણ ખાધા પછી એંઠી ડિશો ઊંચકી લેવાની. કચરો નહીં કરવાનો. એંઠા હાથ સીટ પર નહીં લૂછવાના. પણ મેં આ રીલમાં જોયું કે ખાધા પછી બ્લુ રંગની મોટી પ્લાસ્ટિક બેગમાં આ લોકોએ કચરો કલેક્ટ કરી લીધો હતો.

હું ફરિયાદ નથી કરતો, પણ મેં ઘણી વાર જોયું છે કે ગુજરાતીઓ પ્લેન હજુ તો ટેક-ઓફ કરે તે પહેલાં જ નાસ્તાના ડબ્બા ખોલી નાખે છે. મેં તો એવાય લોકો જોયા છે, જે સીટની નીચે તમાકુ થૂંકતા હોય. એ જોકે નોર્થ ઇન્ડિયન્સ હતા.

હું વિદેશી છું અને ઇન્ડિયામાં મેડિકલ સ્ટુડન્ટ છું. હું જ્યારે પણ બસ, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી કરું છું ત્યારે મેં જોયું છે કે ઇન્ડિયન્સ આજુબાજુ બેઠેલા અજાણ્યા લોકોને પણ ફૂડ ઓફર કરશે, એમને આગ્રહ કરીને ખવડાવશે. પશ્ચિમના દેશોમાં પ્રાઇવસીનો કોન્સેપ્ટ ખાણીપીણી અને મુસાફરીમાં પણ લાગુ પડે છે, તેથી તે લોકોને આ પ્રકારની રીતભાત વિચિત્ર લાગે છે. હું મારી વાત કરું તો, મને તો મને તો ભારતીયોનો આવો સ્વભાવ બહુ ગમે છે.

આ લોકો ઘરેથી ખાઈને કેમ નહીં નીકળતા હોય? ખાવાની વાસ પછી ક્યાંય સુધી પ્લેનમાં ઘુમરાતી રહે છે ને બીજા લોકોને તકલીફ
પડે છે.

  • ફ્લાઇટમાં ખાવાપીવાના નિયમો

જુઓ, ફ્લાઇટમાં ખાવાપીવાના નિયમો વિશે મેં ચેટજીપીટી પર થોડું રિસર્ચ કર્યું છે. અહીં શેર કરું છું.
૧. સામાન્ય સૂકો ખોરાક કેબિન બેગેજમાં લઈ જવાની છૂટ છે. ઉદાહરણ તરીકે, સેન્ડવિચ, રોટલી, થેપલાં, પરોઠા, ખાખરા, બિસ્કિટ, કેક, ડ્રાયફ્ટ્સ, રાંધેલા ભાત, સૂકી ભાજી અથવા એવું જ રસા વગરનું શાક - આ બધું વ્યવસ્થિત પેક કરીને પ્લેનમાં લઈ જઈ શકાય છે અને ખોલીને ખાઈ શકાય છે.
૨. મુસાફરોએ માત્ર પ્લેનમાં વેચાતો અથવા એરપોર્ટ પરથી ખરીદેલો ખોરાક જ ખાવો પડે એવો કોઈ નિયમ નથી.
૩. જો ખોરાક પ્રવાહી, જેલ કે પેસ્ટ જેવો હોય તો તેના પર ૧૦૦ મિલીનો લિક્વિડ નિયમ લાગુ પડે છે. દાળ, ગ્રેવી કે રસાવાળું શાક, ચટણી, વધુ તેલવાળું અથાણું, સોસ, દહીં, જામ, હમસ, ઘી, તેલ, પીણાં આ બધી વસ્તુઓ પર સિક્યોરિટી રોક લગાવી શકે છે. આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ ૧૦૦ મિલી સુધીના કન્ટેનરને ૧ લિટરની પારદર્શક રિ-સીલેબલ બેગમાં લઈ જવાની છૂટ હોય છે. ભારતની એરલાઇન્સ પણ આ નિયમનું પાલન કરે છે.
૪. તબીબી કારણોસર બાળકોને અમુક જરૂરી પ્રવાહી કે ખોરાક લેવાની જરૂર હોય તો સિક્યોરિટી ચેકિંગ પછી મુસાફરી માટે જરૂરી માત્રામાં આ વસ્તુઓ લઈ જવાની પરવાનગી મળી શકે છે.
૫. જો એરપોર્ટ સિક્યોરિટી કોઈ વસ્તુને મંજૂરી આપે, તો પણ એરલાઇન કંપની પોતાની ફ્લાઇટમાં તેના પર પ્રતિબંધ મૂકી શકે છે. જેમ કે, ઢોળાઈ જાય તેવો, ગંદકી કરે તેવો, તીવ્ર કે અણગમતી ગંધવાળો ખોરાક અન્ય મુસાફરોને અગવડ પહોંચાડી શકે તેવો ખોરાક. ઘરેથી ખાવાનું લાવવાનું સ્વીકાર્ય છે, પરંતુ વધુ તેલવાળો કે તીવ્ર ગંધવાળો ખોરાક લાવવાની ના પાડવામાં આવે છે.
૭. ખોરાક સાથે લઈ જવો અને ફ્લાઇટમાં ખાવો એ બે અલગ બાબતો છે. સામાન્ય રીતે માન્ય ખોરાક ખાવા પર કોઈ રોક નથી હોતી, પરંતુ સુરક્ષાના કારણોસર (જેમ કે ટેક-ઓફ, લેન્ડિંગ અથવા ઈમરજન્સી વખતે) એરલાઇન તમને ક્યારે ખાવું તે અંગે નિયંત્રિત કરી શકે છે.
૮. અન્ય મુસાફર સાથે ખોરાક શેર કરવા પર કોઈ મનાઈ નથી. હા, જો ખાણીપીણીને કારણે પ્લેનમાં અવરજવર વધે, ગંદકી થાય કે ક્-મેમ્બર્સને અડચણ ઊભી થાય, તો સ્ટાફ તમને રોકી શકે છે.
૯. બહારનો ખોરાક લાવી શકાય છે એટલે બહારથી આલ્કોહોલ લાવીને પી શકાય એવું માની ન શકાય. ઉદાહરણ તરીકે, યુએસમાં એરલાઇન દ્વારા પીરસવામાં ન આવે ત્યાં સુધી બહારનો દારૂ ફ્લાઇટમાં પી શકાતો નથી.
૧૦. શું વધેલો ખોરાક બીજા દેશમાં (ડેસ્ટિનેશન કન્ટ્રીમાં) લઈ જઈ શકાય? એરપોર્ટ સિક્યોરિટી ક્લિયર થઈ ગઈ હોય, ફ્લાઇટમાં ખાવાની છૂટ હોય, પરંતુ અન્ય દેશમાં તે લઈ જવાની મનાઈ હોઈ શકે છે. ઘણા દેશો ખેતી, પર્યાવરણ અને બાયોસિક્યોરિટીના નિયમો હેઠળ તાજાં ફળો, શાકભાજી, માંસ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડાં કે બીજ લાવવા પર પ્રતિબંધ મૂકે છે.