ક્યાંક નાગદેવતા તો ક્યાંક મુત્યુ અને ડરનો પર્યાય ગણાતા સાપોની દુનિયા

- મીડ વીક- હસમુખ ગજજર
- દુનિયા ભરમાં ૨૧ થી ૨૫ લાખ જેટલી સ્નેક બાઇટની ઘટના બને છે જેમાંથી ૧૩ થી ૧૫ લાખથી વધુ કેસ ભારતમાં બને છે. દુનિયાભરની સંસ્કૃતિઓમાં ધર્મ સાહિત્ય,લોકકથાઓમાં સાપ સાથે જોડાયેલી અનેક માન્યતા, આસ્થા, વિશ્વાસ કે અંધ વિશ્વાસ જોવા મળે છે.
શ્રા વણ મહિનામાં પરંપરાગત રીતે નાગપંચમી, રાંધણ છઠ્, શીતળા સાતમ અને જન્માષ્ટ્રમી એમ તહેવારોની હારમાળા શરુ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક મહિલાઓ ચોથનું વ્રત પણ રાખે છે. શીતળા સાતમના બે દિવસ પહેલા નાગ પંચમી ઉજવાય છે. આ દિવસે ઘરમાં પાણીયારા કે દિવાલ પર કંકુથી નાગદેવતાનું ચિત્ર દોરીને પૂજા કરવામાં આવે છે. નાગને દૂધ,ધીનો દીવો,શ્રીફળ અને કુલેર અર્પણ કરવામાં આવે છે. પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યે આદર વ્યકત કરતી આ એક પ્રાચીન લોક પરંપરા છે. ગુજરાતમાં નાગને ક્ષેત્રપાળ અને પાકનું રક્ષણ કરનાર માનવામાં આવે છે. સાપ પાકને નુકસાન કરતા જીવજંતુઓનો નાશ કરે છે. આમ પણ સાપ અને માણસ જાતને સદીઓથી નાતો રહયો છે. ભારતીય સંસ્કૃતિમાં સાપ કે નાગને દેવતા તરીકે પૂજવામાં આવે છે. ભારત જ નહી દુનિયા ભરની સંસ્કૃતિઓમાં ધર્મ સાહિત્ય,લોકકથાઓમાં સાપ સાથે જોડાયેલી અનેક માન્યતા, આસ્થા અને વિશ્વાસ કે અંધ વિશ્વાસ જોવા મળે છે. કયાંક પૌરાણિક કથાઓમાં સાપ દિવ્યદૂત તરીકે તો કયાંક દુર્ભાગ્યના સંકેત સ્વરુપ પણ માને છે. ચીની રાશિચક્રમાં 'ઇયર ઓફ ધ સ્નેક' આવે છે જેમાં જન્મેલાને પ્રતિભાશાળી માનવામાં આવે છે. ચીની રાશી ચક્ર પણ બદલાતું રહે છે. ૧૨ વર્ષના ચક્રમાં દરેક વર્ષનું પ્રતિનિધિત્વ એક જાનવર કરે છે જેમાં સાપ ઉપરાંત ઉંદર,બળદ, સસલું, ડ્રેગન, સાપ, ઘોડો, બકરી, વાનર, મરઘી, કુતરો અને સૂઅરનો સમાવેશ થાય છે. પ્રાચીન ઇજિપ્તમાં ફેણ ચડાવેલો કોબરા શાહી શકિતનું પ્રતિક માનવામાં આવતો હતો. ઉરેકસ નામે ઓળખાતો સાપ પ્રાચીન મિશ્રની કોબરાદેવી વાડજેટનું પ્રતિક હતો જે દેશ અને તેના રાજાઓનું રક્ષણ કરતો હતો. આનાથી વિપરિત ઓપોફિસ (એપેપ) નામના વિશાળ સાપને અંધકાર અને અરાજકતાનું પ્રતિક માનવામાં આવતો હતો. ગ્રીક પૌરાણિક કથાઓમાં સાપથી લપેટાયેલી એસ્કલેપિયસની લાકડી, ચિકિત્સા અને ઉપચારના પ્રતિક સમાન છે. આ પ્રતિકનો ઉપયોગ આજે પણ સ્વાસ્થ્ય દેખભાળ માટે થાય છે. સાપ પોતાની કાચળી ઉતારે છે એ નવા જીવનની શરુઆતના સંકેત સમાન છે આથી સાપને ચિકિત્સા સાથે જોડવામાં આવે છે. ચીની કિંવંદતી 'લેજેન્ડ ઓફ ધ વ્હાઇટ સ્નેક'માં બાઇ સુઝેન એક સાપનો આત્મા છે જે મહિલાનું સ્વરુપ ધારણ કરે છે. શૂ શિયાન નામના વિદ્વાન માણસને પ્રેમ કરવા લાગે છે જો કે તેના નેક ઇરાદાઓ છતાં સાપ હોવાના લીધે તેના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેનો અંત ખૂબજ દુ:ખદ હોય છે. હિંદુ ધર્મની કથા-વાર્તાઓમાં સાપ કે નાગને ખજાના અને પાણીના સ્ત્રોતનો રક્ષક માનવામાં આવે છે. શેષનાગને અનંતના નામથી પણ ઓળખવામાં આવે છે. શેષનાગ પોતાના વિશાળ અને ફેણવાળા શરીર પર બ્રહ્માંડનો ભાર સંભાળે છે અને ભગવાન વિષ્ણુને શ્રીરસાગરમાં આરામ કરવાની શૈયા આપે છે. શેષનાગનો અંત નથી મતલબ કે અનંત કાળ, સર્જન અને વિનાશના અનંત ચક્રોનું પ્રતિક છે. ભગવાન શિવના ગળામાં નાગ બિરાજમાન છે. દક્ષિણ અમેરિકામાં હોપી લોકો વરસાદ અને સારા પાક માટે થતી પ્રાર્થનામાં સ્નેક ડાન્સ કરે છે. ઓસ્ટ્રેલિયાના લોકો પૌરાણિક કથાઓમાં રેનબો સર્પને સૃષ્ટિનો રચયિતા માને છે. ઇસાઇ પરંપરામાં સાપ એડમ અને ઇવની ઉત્પતિની કહાનીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કહાની મુજબ સાપે ઇવને વર્જીત ફળ ખાવા માટે ઉશ્કરેણી કરેલી આથી તે પાપ અને નૈતિક પતનનો પર્યાય બની ગયો. જો કે કહાનીમાં સાપની ભૂમિકા મોક્ષ અને મુકિતના વિચારો પણ સામે લાવે છે તેમ છતાં સાપને વિશ્વાસઘાત અને કપટ સાથે જોડવામાં આવે છે.
ચોમાસામાં ખૂબ વરસાદ વરસે અને જમીનમાં પાણી ઉતરવા માંડે એટલે સરિસૃપ વર્ગના જીવો પોતાનું રહેઠાણ છોડીને જમીન પર વિચરતા જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેના માટે એરું- ઝાંઝરુ એવો તળપદો શબ્દ વપરાય છે. ચોમાસા પછી સર્પદંશની ઘટનાઓ ખૂબ વધી જાય છે. બધા સાપ ઝેરી હોતા નથી પરંતુ ઝેરી સાપનો દંશ જીવલેણ હોય છે આથી સાપથી માણસ જાત ડરતી રહે છે. ઇન્ડિયન સબ કોન્ટિનેટમાં સૌથી ડેન્જરસ સાપોમાં બિગ ફોર તરીકે ઓળખાતા ચાર સાપોની પ્રજાતિઓનો સૌથી વધુ ખોફ જોવા મળે છે. ખેતરમાં જોવા મળતો સ્પકટ્કલ્ડ કોબરા, રાત્રે સૂતી વખતે કરડનારો કોમન ક્રેટ, કિડની ડેમેજ કરનારો રસેલ વાઇપર અને ઇન્ટરનલ બ્લીડિંગ પેદા કરનારો સૉ સ્કેલ્ડ વાઇપર સામેલ છે. રેંટ સ્નેક, બેંડેડ કુકરી, બોન્ઝ બેક ટ્રી સ્નેક, સેંડબોઆ અને ઇન્ડિયન પાયથન મુખ્યત્વે બિનઝેરી સાપ છે. વિશ્વમાં સ્નેક બાઇટ (સાપ કરડવો) ની ૨૧ થી ૨૫ લાખ જેટલી ઘટનાઓ બને છે.જેમાંથી ૧૩ થી ૧૫ લાખથી વધુ કેસ ભારતમાં નોંધાય છે જે કુલ સ્નેક બાઇટસના ૬૦ ટકા છે. લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતમાં સ્નેક બાઇટનું ગ્લોબલ હબ બની ગયું છે. ભારત બાદ નાઇજિરિયામાં ૬.૬૬ લાખ, ઇન્ડોનેશિયામાં ૪.૯૦ લાખ અને કોંગોનો ૪.૬૭ લાખ સ્નેક બાઇટના કેસ બને છે. ભારતની વાત કરીએ તો અંતરિયાળ વિસ્તારોમાં સર્પદંશના અનેક બનાવો બને છે જેની નોંધ પણ લેવામાં આવતી નથી. ગ્રામીણ વિસ્તારોમાં સાપનું ઝેર ઉતારવા માટે ઘરગથ્થુ ઉપચારો અને તાંત્રિકોના ચક્કરમાં સમય બગડે છે.
લોકલ પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એન્ટીવેનમ અને વેન્ટીલેટર સપોર્ટની અછતથી તાત્કાલિક સારવાર નહી મળવાથી સર્પદંશથી થતો મૃત્યુદર વધે છે. યોગ્ય સમયે સારવારના અભાવે કાયમી અપંગતાનું જોખમ પણ વધારે છે. સર્પદંશના હાઇ રિસ્કવાળા વિસ્તારોમાં એન્ટીવેનમનો પૂરતો સ્ટોક અને સર્પદંશની સારવારના તાલિમબધ્ધ તબીબો હોવા જરુરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્નેક બાઇટને હાઇ પ્રાયોરિટી વાળી ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય બીમારી(નેગલેટેડ ટ્રોપિકલ ડિસીઝ) ની યાદીમાં સમાવેશ કર્યો છે. આફ્રિકામાં સાપ કરડવાથી થતા મુત્યુનું પ્રમાણ સૌથી વધારે લગભગ ૪૫ ટકા જેટલું છે. જયારે નોન ફેટલ કેસેઝ (ઝેર ફેલાવાથી) અને ઓવર ઓલ પેશન્ટસની સૌથી વધારે સંખ્યા બાબતમાં ભારત સમગ્ર ક્રાઇસિસનું મુખ્ય સેન્ટર બન્યું છે. મોન્સૂન દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે ખતરો રહે છે. સાપ બદલાની ભાવના ધરાવે છે એવી માન્યતા છે પરંતુ વૈજ્ઞાનિક રીતે જોઇએ તો સાપોનું દિમાંગ એટલું વિકસિત હોતું નથી. પ્રેમ અને દુશ્મનીના જટિલ ભાવોને સાપ સમજી શકતા નથી. લોકકથાઓ અને ફિલ્મની વાર્તાઓમાં ઇચ્છાધારી સાપ અને નાગમણીનો ઉલ્લેખ થાય છે પરંતુ આ માત્ર કલ્પનાઓ જ છે. વિશ્વભરમાં સાપની ૪૦૦૦થી વધુ પ્રજાતિઓ છે જે તેના આકાર કદ,પેટર્ન,રંગ અને અનુકૂલન પ્રમાણે ભિન્ન હોય છે. સાપ સરીસૃપ પ્રાણીઓના સૌથી વૈવિધ્યસભર જૂથોમાં સમાવિષ્ટ છે. સાપને અંગવિહિન અને લંબાઇ ધરાવતા શરીર દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે જે ભીંગડાથી ઢંકાયેલો હોય છે. સાપ માટે સૌથી મોટી મુશ્કેલી તેનો દેખાવ છે. ચંચળતાથી સરકતો, વિશિષ્ટ રીતે હલનચલન કરતો જોઇને કરડી જશે એવો ડર લાગવા માંડે છે. ઘર આંગણામાં કે પછવાડે તે દ્વષ્યમાન થાય ત્યારે લોકો મારવા પ્રેરાય છે. સાપની મોટા ભાગની પ્રજાતિ બિન ઝેરી હોય છે પરંતુ તેને ઓળખવા-પારખવાના જ્ઞાનનો અભાવ મોત તરફ દોરી જાય છે. ભારતની ઉષ્ણકટિબંધીય મોનસુન આબોહવામાં સાપની ૨૭૦થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી માત્ર ૬૦ જ ઓછા વત્તા પ્રમાણમાં ઝેરી છે. ઝેરી સાપની ચામડી ચમકતી હોય છે. ઝેરીલા સાપોનું માથું વિશિષ્ટ પ્રકારનું હાથ કે ત્રિકોણ જેવા આકારનું હોય છે. બિનઝેરી સાપોની ચામડી ચમકતી હોતી નથી. માથું સામાન્ય રીતે સાંકળુ અને લાંબું હોય છે. સાપ પોતાના ઝેરનો ઉપયોગ મુખ્યત્વે શિકારને પકડવા અને પાચન માટે કરે છે. કોબ્રા સહિતના દરેક સાપનું ઝેર એક સરખું હોતું નથી. સાપના ઝેર પણ વિવિધ પ્રકારના હોય છે જેમાં ન્યુરોટોકિસક, હેમોટોકિસક, માયો ટોકસિક અને સાયટોકિસક ઝેરનો સમાવેશ થાય છે. ઇલાપિડે પરિવારના બધા સાપ ઝેરી હોય છે જેમાં કોરલ સાપ, ક્રેટ્સ, મામ્બા, કોબ્રા અને દરિયાઇ સાપ મુખ્ય ગણવામાં આવે છે. આ બધા સાપના ઉપરના જડબાના આગળના ભાગમાં હોલો ફિકસ્ડ ફેંગ્સ હોય છે. કોરલ સાપ મુખ્યત્વે અમેરિકામાં જોવા મળે છે જયારે ક્રેટ્સ, મામ્બા અને કોબ્રા, આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. દક્ષિણ પૂર્વ એશિયાનો જાળીદાર અજગર (મલાયોપાયથોન રેટિકયૂલેટલ) વિશ્વની સૌથી લાંબી સાપ પ્રજાતિ છે જેની લંબાઇ ૧૦ મીટર સુધી વધે છે. દક્ષિણ અમેરિકાનો લીલો એનાકોન્ડા (યુનેકટેસ મુરિનસ) વિશ્વનો સૌથી ભારે સાપ છે જેનું મહત્તમ વજન ૧૦૦ કિલોથી વધુ નોંધાયું છે. આશ્ચર્યજનક એશિયન ઉડતા સાપની માન્યતા છે. જેમાં ક્રાયસોપેલિયા પેરાડિસીનો સમાવેશ થાય છે. આ પાછળના ફેંણવાળા સાપ ખરેખર ઉડતા નથી પરંતુ તેઓ મોર્ફોલોજિકલ રીતે સરકવા માટે અનુકૂળ થયા છે. આ સાપ પોતાની પાંસળીઓ વિસ્તૃત કરી શકે છે અને શરીરને સપાટ કરી શકે છે. જેથી તેઓ ઝાડ પરથી કુદી શકે છે અને જોખમમાં આવે ત્યારે સલામત સ્થળે સરકવા માટે અંતર્મુખ પેરાશૂટ બનાવી શકે છે આથી તે ઉડતો હોય એવું લાગે છે. જળવાયુ પરિવર્તનના લીધે સાપની અનેક પ્રજાતિઓ પર ખતરો તોળાઇ રહયો છે. ખેતરોમાં ઉંદર સહિતના જીવજંતુઓ પાકને નુકસાન કરતા હોય છે. જીવજંતુઓને અંકુશમાં રાખવા મોંઘી દાટ કેમિકલ દવાઓ ખરીદવી પડતી હોય છે. ધામણ પ્રકારના સાપ બીન ઝેરી હોય છે આથી ખેતરમાં સાપ હોવોએ પાકની સુરક્ષાની કુદરતી ગેરંટી છે. સાપને ઓળખીને તેને મારવાના બદલે બચાવવો જોઇએ. ઝેરી સાપ પણ જયાં સુધી તેને ભયના હોય ત્યાં સુધી કરડતા નથી પણ સાવચેતી રાખવીએ જ સલામતી છે.




