સ્ત્રી જાતે જ શક્તિ છે...

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'દર્શનાબેન મારી ઉંમર તમારા જેટલી તો નથી પણ મને એટલું સમજાય છે કે, સ્ત્રી પોતે શક્તિ છે. ધારે તે સર્જન અને વિસર્જન કરી શકે છે…'
મ ણિનગરની એ ગલીઓમાં સવારનો સૂરજ હંમેશાં એક અનોખી તાજગી લઈને ઊગતો. કાંકરિયા તળાવ તરફથી વહેતી સવારની ઠંડી લહેરખીઓ સોસાયટીના વૃક્ષો સાથે સંતાકૂકડી રમતી હતી. સવારના નવ વાગ્યા હતા અને 'રાધે રેસિડેન્સી'ના બીજા માળે રહેતી નેહા ભીનાં કપડાં ભરેલું ટબ ઊંચકીને પોતાની બાલ્કનીમાં આવી.
ગળામાં પહેરેલો નાઈટગાઉન જેવો સાદો કુર્તો, નીચે મેચિંગ વગરની લેંઘી, ઊંચે રબરબેન્ડમાં અસ્તવ્યસ્ત બાંધેલો અંબોડો અને કપાળ પર પરસેવો અને ચિંતા, આ નેહાનું રોજિંદું સ્વરૂપ હતું. એક પછી એક ભીનાં કપડાં ઝટકારીને દોરી પર સૂકવતી વખતે અનાયાસ જ તેની નજર સામે આવેલા આતિથ્ય નામના ટેનામેન્ટ તરફ ગઈ.
ટેનામેન્ટનું દ્રશ્ય રોજની જેમ આજે પણ સેટ જ હતું. લીલાછમ મનીપ્લાન્ટ, બોગનવેલ, બારમાસી, જાસુદના મોટા છોડ, અન્ય ઝાડ અને રંગબેરંગી કૂંડાંઓથી સજાવેલી એ સુંદર નાનકડી લોનમાં લાકડાની ઝૂલતી ખુરશી પર દર્શનાબહેન બેઠાં હતાં. ઈસ્ત્રી કરેલો સુંદર સુતરાઉ કુરતો, સેંથી પાડીને વ્યવસ્થિત ઓળેલા સુંવાળા વાળ, હોઠ પર આછી લિપસ્ટિક અને ચહેરા પર ગજબનું તેજ. ટીપોય પર સવારની ચાનો ગરમ કપ અને સાથે એક પુસ્તક પડયું હતું. દર્શનાબહેન ધીમેથી ચાની એક ચૂસકી લેતાં અને પુસ્તકનું પાનું ફેરવતાં.
નેહાએ તેમને જોઈને ફરી નિસાસો નાખ્યો. તેણે પોતાના સુકાઈ રહેલા તુલસીના છોડ તરફ જોયું. છેલ્લા ત્રણ દિવસથી એ બિચારા છોડને સરખું પાણી પણ નહોતું મળ્યું. આ સિવાય તેની બાજુમાં બે કુંડામાં છોડ સાવ સુકાઈ ગયા હતા. નેહાને ગાર્ડનિંગનો અત્યંત શોખ હતો પણ તેની પાસે સમય ક્યાં હતો? પોતાનું ધ્યાન રાખવાની પણ ક્યાં ફુરસદ હતી? લગ્નનાં બાર વર્ષ અને બે બાળકો પછી તેનું આખું અસ્તિત્વ ઘડિયાળના કાંટે ફરતું એક રમકડું બનીને રહી ગયું હતું.
'સરસ જિંદગી છે. ક્યારેક હું પણ આમ નિરાંતે બેસીને ગરમાગરમ ચા પી શકું અને કોઈ પુસ્તક વાંચી શકું,' નેહા ગણગણી અને કપડાં સુકવીને અંદર પાછી જતી રહી.
ઘર સાફ કરવા અને રસોઈ કરવામાં જ બાર વાગી ગયા. બધું પડતું મુકીને તે એક્ટિવાની ચાવી લઈને ઘરની બહાર નીકળી.
સ્કૂલ બસ બાર વાગીને દસ મિનિટે દીકરા આયુષને ત્યાં ઉતારી જતી. આયુષને લઈને ઘેર આવી કે તરત જ તેની ધમાલ શરૂ થઈ ગઈ. દફતર સોફા પર ફેંકવું, બૂટ-મોજાં ક્યાંક ઊછાળવાં અને આખા દિવસની વાતો કરવી. નેહા તેના હાથ-મોં ધોવડાવતી જાય અને સાંભળતી જાય. હજુ આયુષ શાંત થાય ત્યાં તો એક વાગ્યે દીકરી દીયાની બસ આવવાનો સમય થઈ ગયો. ફરી નેહા દોડી. દીયાને લઈ આવી.
બંને બાળકોને જમાડયાં, તેમનું હોમવર્ક કરાવ્યું અને ત્યાં તો સાંજના પાંચ વાગી ગયા. બંને બાળકો નીચે સોસાયટીના ગાર્ડનમાં રમવા દોડી ગયાં. થાકેલી-પાકેલી નેહા બાલ્કનીમાં સુકવેલા કપડાં લેવા ગઈ. તેણે જોયું તો દર્શનાબેન ફરી ચાનો કપ, નાસ્તો અને કોઈ મેગેઝીન લઈને ઘરના નાનકડા બગીચામાં ગોઠવાઈ ગયા હતા. નેહાને ખૂબ જ જેલસી થતી હતી. તેને થયું કે, ઈશ્વરે દર્શનાબેનને જ નસીબ આપ્યું છે. મારા તરફ જોયું જ નથી.
સાંજના સાડા છ વાગ્યે નેહા બાળકોને લેવા નીચે ઉતરી ત્યારે તેણે જોયું કે, દર્શનાબેન તેમના જ એપાર્ટમેન્ટના ગાર્ડનમાં સુરેખાબેન ચક્કર મારતા હતા. તે બંને નેહા પાસેથી પસાર થયા અને દર્શનાબેને નેહા સામે જોઈને એક મીઠું, ઔપચારિક સ્મિત આપ્યું. નેહાએ પણ માંડ સ્મિત કર્યું પણ તેના મનમાં હજી ઈર્ષાનો અગ્નિ ભડકેલો હતો. 'કેટલું સુખી જીવન છે આ સ્ત્રીનું!' - નેહાએ મનમાં વિચાર્યું.
દિવસો વીતતા ગયા. ધીમે ધીમે તહેવારો શરૂ થયા પણ નેહા અને દર્શનાબેનની દિનચર્યામાં કોઈ ફેરફાર આવ્યો નહોતો.
રવિવારે સવારે પહેલું નોરતું હતું પણ વાતાવરણ થોડું અલગ હતું. ચોમાસું જવાની તૈયારીમાં હોવા છતાં વાદળો ઉમટેલા હતા. નેહાના ઘરમાં ઉત્સાહ હતો. સમીર પણ ઘરે હતો અને બંને બાળકો પપ્પા સાથે મસ્તી કરી રહ્યાં હતાં. સમીરે રસોડામાં આવીને નેહાને પાછળથી પકડી લીધી અને હસતાં હસતાં કહ્યું, 'આજે ગરમ ગરમ દાળવડાં બનાવ નેહા, બહાર મસ્ત વાતાવરણ છે.' નેહાએ બનાવટી ગુસ્સો બતાવી તેને રસોડામાંથી બહાર કાઢયો, પણ તેનું હૃદય એક અસીમ સંતોષથી ભરેલું હતું.
બપોરે જ્યારે બધાં જમી-પરવારીને ટીવી આગળ ગોઠવાયા. સાંજે બધાને ચા-પાણી, નાસ્તો કરાવીને નેહા કચરાની થેલી લઈને નીચે મૂકવા ઉતરી. તેણે જોયું કે તેની બિલ્ડિંગના ગેટ પાસે દર્શનાબહેન ઊભાં હતાં અને તેમના હાથમાં એક સૂટકેસ હતી. તેમની આંખો સૂજેલી હતી, જાણે આખી રાત રડયાં હોય.
નેહાથી રહેવાયું નહીં. અજાણી હોવા છતાં, સ્ત્રીસહજ સંવેદના તેને દર્શનાબહેન તરફ ખેંચી ગઈ.
'કેમ છો દર્શનાબહેન? ક્યાંક બહારગામ જઈ રહ્યાં છો?' નેહાએ ધીમેથી પૂછયું.
દર્શનાબહેને ચોંકીને જોયું. તેમનું રોજનું એ કૃત્રિમ સ્મિત આજે ગાયબ હતું. તેમની આંખોમાં શૂન્યતા હતી, એકલતા હતી.
'હા નેહાબહેન. થોડા દિવસ માટે નાસિક જઉં છું. અમારા આશ્રમમાં. મારી બહેન ધામમાં જતી રહી.' દર્શનાબહેનનો અવાજ ધૂ્રજી રહ્યો હતો.
'તમે એકલાં? તમારા પતિ… અને બાળકો?' નેહાએ સહજતાથી પૂછી લીધું. પૂછયા પછી તેને લાગ્યું કે પોતે કદાચ સીમા ઓળંગી ગઈ છે.
દર્શનાબહેને ઊંડો શ્વાસ લીધો. તેમની પાંપણ પરથી એક આંસુ સરીને ગાલ પર રેલાઈ ગયું. તેમણે અત્યંત ધીમા પણ ભારે અવાજે કહ્યું, 'મારા પતિનું પાંચ વર્ષ પહેલાં હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું. મારો એકનો એક દીકરો કેનેડા સ્થાયી થઈ ગયો છે. છેલ્લાં પિતાના અંતિમ સંસ્કાર કરવા આવ્યો હતો. ત્યારપછી તેણે ભારત તરફ કે મારા તરફ જોયું નથી. તેની પાસે મારી સાથે ફોન પર પાંચ મિનિટ વાત કરવાનો પણ સમય નથી.'
દર્શનાબહેન આગળ બોલ્યાં, 'રોજ સવારે હું મારી જાતને તૈયાર કરું છું, કારણ કે જો હું તૈયાર ન થાઉં તો મને લાગે છે કે હું મરી પરવારી છું. હું એ બગીચામાં કલાકો સુધી પુસ્તકો લઈને બેસી રહું છું, પણ મારું ધ્યાન પુસ્તકમાં નથી હોતું. હું સામે તમારી બાલ્કનીમાં જોતી હોઉં છું.'
'મારી બાલ્કનીમાં?' નેહા સ્તબ્ધ થઈ ગઈ.
'હા, નેહાબહેન,' દર્શનાબહેનના અવાજમાં પીડા હતી.
'હું તમને અને બાળકોનો જોતી હોઉં છું. તમારા વાળ વિખરાયેલા હોય, તમારા હાથમાં કપડાં હોય, પણ તમારા ઘરમાંથી બાળકોના કિલકિલાટનો અવાજ આવતો હોય. તમારો દીકરો સ્કૂલેથી આવીને તમને વળગી પડતો હોય. તમારા પતિ સાંજે ઘરે આવે ત્યારે તમે બંને સાથે હસતાં હોવ. હું રોજ ઈશ્વરને પ્રાર્થના કરતી કે, આ બધું એકલવાયું સુખ છીનવીને ભગવાન મને તમારા જેવો એકાદ વ્યસ્ત, અસ્તવ્યસ્ત અને થકવી નાખતો દિવસ આપી દે! જ્યાં કોઈ મારું નામ લઈને મને બૂમ પાડે, કોઈ મારી પાસે જમવાનું માંગે, કોઈ મારા પાલવમાં મોઢું છુપાવીને રડે. આ એકલતા અને સુખનો આડંબર મને અંદરથી કોરી રહ્યો છે. આ પુસ્તકો, આ કૂંડાં, આ સજાવટ, માત્ર મારા ખાલીપાને ઢાંકવાના વ્યર્થ પ્રયાસો છે.'
નેહા કંઈક બોલવા જાય ત્યાં જ ટેક્સી આવીને ઊભી રહી. દર્શનાબહેને પોતાનો સામાન ટેક્સીમાં મૂક્યો. જતાં જતાં તેમણે નેહાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, 'તમે ખૂબ નસીબદાર છો નેહાબહેન. જીવનની સૌથી મોટી સંપત્તિ માણસોનો પ્રેમ અને તેમની વચ્ચેની વ્યસ્તતા છે. જેને સમય નથી મળતો એ દુઃખી છે, પણ જેને આખો દિવસ કોઈની રાહ જોવામાં વિતાવવો પડે છે, એનું દુઃખ ઈશ્વર કોઈને ન આપે.'
'દર્શનાબેન મારી ઉંમર તમારા જેટલી તો નથી પણ મને એટલું સમજાય છે કે, સ્ત્રી પોતે શક્તિ છે. ધારે તે સર્જન અને વિસર્જન કરી શકે છે. તમે આશ્રમમાંથી પાછા આવો પછી મારી અસ્તવ્યસ્તતામાં જોડાશો તો મને ગમશે અને હું તમારી એકલતાના હિંચકે ઝુલવા આવીશ ક્યારેક.' - નેહાએ ટેક્સીમાં બેઠેલા દર્શનાબેનનો હાથ પકડીને કહ્યું. બંનેની આંખમા આંસુ આવી ગયા હતા.
દર્શનાબેન ટેક્સીમાં બેસીને રવાના થયા અને નેહા પોતાના ફ્લેટ તરફ ચાલી નીકળી.
જે જીવનને તે બોજ માનતી હતી, જે દોડધામથી તે કંટાળી ગઈ હતી, એ કોઈ બીજા માટે સ્વપ્ન સમાન હતું. તેણે ધીમા પગલે પોતાના ફ્લેટ તરફ ચાલવાનું શરૂ કર્યું. પગથિયાં ચડતાં ચડતાં તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી.
તેણે ઘરનો દરવાજો ખોલતાં જ જોયું તો સમીર અને સંતાનો તોફાનમસ્તી કરતા હતા. વેરાયેલાં રમકડાં, ટેબલ પરનું દફતર, સમીરનું હાસ્ય અને બાળકોનો કોલાહલ. આજે પહેલી વાર તેને આ બધી અસ્તવ્યસ્તતામાં એક અદભુત સંગીત સંભળાયું. આ કોઈ બોજ નહોતો, આ તો જીવંત હોવાનો પુરાવો હતો. પ્રેમથી છલકાતો એક સાચો સંસાર હતો.
'હે, મા ભગવતી, શક્તિ અને ભક્તિથી છલોછલ રાખજે.' - ઘરના ડ્રોઈંગરૂમમાં રાખેલી આદ્યશક્તિની તસવીર સામે જોઈને તે મનોમન બોલી.




