સંત સદા સક્રિય હોય છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સં ત કબીરની વાત જ ન્યારી. જ્ઞાની અને મરમી સંત કબીર આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખાવા લાગ્યા. એમણે રામાનંદ સ્વામીને પોતાના ગુરુ કર્યા. સ્વામી રામાનંદ જાણતા હતા કે કબીરને શિષ્ય બનાવતાં વિરોધનો વંટોળ જાગશે, પરંતુ કબીરની યોગ્યતા જોઈને એમને શિષ્યપદ આપ્યું. સંત કબીરે સમગ્ર દેશનું પરિભ્રમણ કર્યું. નર્મદા નદીના બેટમાં ઊભેલો કબીરવડ આજે એમની પ્રવાસયાત્રાનો સંકેત આપે છે. એ જ રીતે દક્ષિણ ભારતમાંથી કબીરના અનેક શિષ્યો મળે છે.
મહાત્મા કબીર રાજ્યમાં જાણીતા હતા, છતાં તેઓ ચાદર વણીને ગુજરાન ચલાવતા હતા. લોકોને પ્રશ્ન થતો કે આવા સંત શા માટે આવું કરતા હશે ? આવા જ્ઞાનીને આમ ચાદર વણવાની જરૂર શી ? પરંતુ કબીરે તો ચાદર વણવાનું કામ ચાલુ રાખ્યું. ક્યારેક કોઈ કબીરને પૂછતા પણ ખરા કે તમે શા માટે ચાદર વણીને વેચવા નીકળો છો ?
સંત કબીરનું સૃષ્ટિ સાથેનું તાદાત્મ્ય એવું કે તેઓ કહેતા કે આના પરિણામે તો મેં તૈયાર કરેલ ચાદર પહેરનારા લોકોને જોવાની તક મળે છે. અનેક માનવરૂપો જોવા મળે છે ! આ કામ ન કરતો હોત તો ક્યાંથી આટલા બધાં માનવરૂપ જોવા
પામત ?
કોઈ વળતો પ્રશ્ન પૂછતું કે એમ તો વણકરો પણ ચાદર બનાવે છે તો તમે બનાવેલી ચાદરમાં ભેદ શો ? કબીર હસતાં હસતાં કહેતા કે બીજા વણે છે એની પાછળનો એમનો આશય પૈસા કમાવાનો હોય છે, જ્યારે હું વણું છું એની પાછળનો મારો આશય એમનો પ્રેમ મેળવવાનો છે.
સંત સમાજનો પ્રેમ મેળવે એને કબીર ઘણું મહત્ત્વ આપતા હતા. સમાજની કુરૂઢિઓ વિશે સખત ટીકા કરનાર સંત કબીર સમાજ તરફ કટુતાને બદલે સ્નેહનો ભાવ રાખતા હતા, આથી જ પોતે વણેલી ચાદર લઈને નીકળે અને કોઈ ગરીબ માણસને જુએ તો પ્રેમથી ઓઢાડી દેતા. કોઇને ઠંડીમાં ધૂ્રજતો જુએ તો સ્નેહથી આપી દેતા. સાથે એટલું પણ કહેતા કે ભાઈ આ ચાદર ખૂબ પ્રેમથી બનાવી છે. ઘણી મહેનત કરી છે, એને પ્રેમથી પહેરજે.
સંતની આ ખૂબી હતી કે જે કંઈ કરે તેમાં જીવ રેડી દેતા. એ ચાદર બનાવે તો ચાદરમય થઈ જતા. એ પ્રભુભક્તિ કરે તો ઈશ્વરમય બની જતા.
સંત સદા સક્રિયતામાં રહેતો હોય છે. આ સક્રિયતા જ એને સમાજ સાથે અનુસંધાન આપે છે અને તેથી જ પરમાત્મા અને સમાજ વચ્ચે સંત કડીરૂપ બને છે.









