જુઠના પાયા ઉપર રચાયેલો સંબંધ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રજનીગંધા - વિભાવરી વર્મા
- સૌમ્યા સાથે મેરેજ કરવામાં તને ખાસ રસ એટલા માટે છે કે એની પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે !
'યા ર, કંઇક લોચો છે… આખું મિસ-મેચ છે !'
'શું મિસ-મેચ છે ? મેં જે છોકરીને મેરેજ માટે પસંદ કરી છે એ મારી સાથે મેચ નથી થતી, એમ કહેવા માગે છે ?'
'ના… મામલો એનાથી વધારે ગડબડ લાગે છે !
'શું ગડબડ લાગે છે ?''
વાત એમ હતી કે અમેરિકામાં છેલ્લા પાંચ વરસથી આઈટી કંપનીમાં જોબ કરી રહેલા રાહુલે ત્યાંની જ એક ભારતીય લોકો માટેની ઓનલાઈન મેરેજ બ્યુરોમાં જોઇને એક છોકરી પસંદ કરી હતી.
એ છોકરીનું નામ સૌમ્યા હતું. મુળ એ હૈદરાબાદની રહેવાસી હતી. અમેરિકામાં બન્ને એકબીજાને મળતા રહ્યા, પછી મેરેજ કરવાનું નક્કી કર્યું.
હવે સુરતમાં રહેતા રાહુલના ખાસ બાળપણના દોસ્ત અર્ચનને તેણે આગ્રહ કરેલો ઃ
'સાલા, તારે મારી સાથે હૈદરાબાદ આવવું જ પડશે. મારાં મમ્મી પપ્પાને લઇને હું સૌમ્યાના મમ્મી પપ્પાનો મુલાકાત કરાવવા હૈદરાબાદ જઇ રહ્યો છું. તારે પણ સાથે રહીને આ સંબંધ પાકો કરવામાં આગળ રહેવાનું છે, સમજ્યો ?'
અને એટલે જ, અર્ચન રાહુલનાં મા-બાપ સાથે હૈદરાબાદ ગયો હતો. પણ અહીં અર્ચનને 'ડાઉટ' થઇ રહ્યો હતો.
'અલ્યા, શેનો ડાઉટ છે તને ?'
'જો રાહુલ, આ તારી સૌમ્યાનાં મમ્મી એક હાઈસ્કૂલમાં ટિચર છે, બરાબર ? અને સૌમ્યાના પપ્પા એક કોલેજમાં પ્રોફેસર છે, રાઇટ ?'
'રાઈટ ! જોને કેટલાં ભણેલાં ગણેલા પેરેન્ટસ છે !'
'એ તો ઠીક છે, પણ યાર, એમના વ્યવસાય અને એમના એપાર્ટમેન્ટનું ઇન્ટિરીયર જરાય મેચ નથી થતું !'
'હવે તને એમના એપાર્ટમેન્ટના ઇન્ટિરીયર સામે શું વાંધો છે ?'
'અલ્યા, તેં જોયું નહીં ? કેટલું વધારે પડતું ભભકાદાર ઘર હતું ? મોટાં મોટાં કાચનાં ઝુમ્મર… જંગલી ટાઈપની મોટી મોટી ડિઝાઈનવાળાં ગોલ્ડન કલરનાં બારી બારણાંનાં પરદા… અને સોફા ? જાણે કોઈ નવાબના પેલેસમાંથી ઉઠાવી લાવ્યા હોવ તેવા ! અતિશય મોટી સાઇઝનાં ! યાર, કોઈ ટિચર અને પ્રોફેસર ટાઈપનાં લોકો પોતાના ઘરમાં આવા સોફા કરાવડાવે ?'
'અરે, પોતપોતાનો ટેસ્ટ હોય ! એમાં શું ?'
'પણ આવો ટેસ્ટ ? આ તો જરાય મેચ નથી થતો ! અને દિવાલો તો જાણે મુગલે આઝમનો શીશમહલ હોય એમ રંગીન કાચની ડિઝાઈનોથી મઢી મુકેલો હતો ! યાર રાહુલ, મને પાકી શંકા છે કે આ એમનું પોતાનું ઘર છે જ નહીં !'
'એવું નથી અર્ચન ! સૌમ્યા જ મને કહેતી હતી કે એમણે જુનો બંગલો વેચીને આ નવો ફ્લેટ લીધો છે.'
'અને એમાં આવું ઘનચક્કર જેવું ઇન્ટિરીયર કરાવડાવ્યું ? તને બીજી એક ડીટેલ કહું ?'
'બોલ.'
'તેં સૌમ્યાનાં મમ્મી પપ્પાનાં કપડાં જોયાં ? એની મમ્મીએ સિમ્પલ લાઇટ ગ્રીન કલરની સિલ્કની સાડી પહેરી હતી. ગળામાં માત્ર એક જ સોનાની ચેઈન હતી. હાથમાં પણ બે જ સોનાની બંગડીઓ ! અને સૌમ્યાના પપ્પા ? એમણે જે મોઘું લિનનું શર્ટ પહેરેલું એ એમની સાઇઝ કરતાં કેટલું મોટું હતું ? આગલા ખિસ્સામાં રાખેલા મોબાઈલને લીધે આખું શર્ટ ખેંચાઈને આગળ આવી જતું હતું ! જાણે એ શર્ટ એમનું હોય જ નહીં !'
'તું યાર, કંઇ જાસૂસ બની ગયો છે કે શું ?'
'હજી સાંભળ, આપણે જમવા બેસવાના હતાં ત્યારે સૌમ્યાની મમ્મીએ પેલી જાજરમાન ઘરેણાંનો ઠઠારો કરીને બેઠેલી સ્ત્રીને શું કહ્યું હતું ? કે 'મૌસીજી, પાપડ કહાં રખે હૈ ?' અલ્યા, પોતાના જ કીચનમાં પાપડ ક્યાં મુક્યા છે તે મમ્મીને પોતાને જ ખબર ના હોય ? મને તો લાગે છે કે જેને એ લોકો 'મૌસી-મૌસી'' કહ્યા કરતા હતા એનું જ આ ઘર હતું! કેમકે એનાં ભભકાદાર કપડાં, ઘરેણાં અને વર્તન આ ત્રણેય ઘરના ઇન્ટિરીયર સાથે મેચ થતું હતું !'
'એટલે ? તને શું લાગે છે, સૌમ્યાના મમ્મી પપ્પા આખો નકલી દેખાડો કરી રહ્યા છે ?'
'ના, કદાચ આ સૌમ્યાનો જ આઇડિયા હશે.'
'જા જા ! એવું તું કયા હિસાબે કહે છે ?'
'જો રાહુલ તેં જ મને કહ્યું હતું કે સૌમ્યા સાથે મેરેજ કરવામાં તને ખાસ રસ એટલા માટે છે કે એની પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે !'
'હાસ્તો યાર ? હું છેલ્લાં પાંચ પાંચ વરસથી એચવનબી વિઝામાં નોકરી ટીચું છું. ગ્રીનકાર્ડની લોટરીમાં મારો નંબર લાગતો જ નથી. એનાા કરતાં કોઈ ગ્રીનકાર્ડવાળીને જ પરણી જાઉં તો -'
'તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય, રાઇટ ? અને એટલે જ તું જ્યારે જ્યારે સૌમ્યાને મળવા જતો હતો ત્યારે તારા એક ફ્રેન્ડની મોંઘી મર્સિડીસ કાર લઇને જતો હતો ! તને માત્ર ૨૫ હજાર ડોલરની સેલેરી મળે છે છતાં તેં સૌમ્યાને એમ કીધું છે કે તને મહિને ૧ લાખ ડોલર મળે છે !'
'એટલું તો બિલ્ટ અપ કરવું જ પડે ને ? નહીંતર એ મને શા માટે પસંદ કરે ?'
'તો હવે એક કામ કરીએ -'
આમ કહીને અર્ચને લેપટોપ ખોલીને અમેરિકન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ખોલી. એમાં સૌમ્યાનું નામ, ફોટો વગેરે વિગતો નાંખતાં થોડી જ વારમાં જે પરદા ઉપર દેખાયું તે જોઇને રાહુલને ચક્કર આવી ગયાં !
કેમ કે તેમાં સૌમ્યાનું સ્ટેટસ માત્ર 'વિઝિટીંગ વિઝા'નું હતું !
'લે, જોઈ લીધું ? આનો મતલબ એમ થયો કે સૌમ્યા દસ વરસ સુધી છ મહિના અમેરિકામાં અને છ મહિના હૈદરાબાદમાં રહી શકે છે ! અને તું ? તું એમ સમજતો રહ્યો કે તેં બહુ મોટી માછલીને ફસાવી છે !'
રાહુલનું માથું ભમી રહ્યું હતું. અર્ચને કહ્યું ઃ 'રાહુલ, જે સંબંધનો પાયો જ આવડા મોટા જુઠ ઉપર રચાઈ રહ્યો છે એ સંબંધ કેટલો ટકશે ?'
'યાર, મને કંઇ જ સમજાતું નથી.'
'જસ્ટ વિચાર કર. સૌમ્યા તારી સાથે ભારતમાં મેરેજ કરશે. ભારતની જ કોર્ટમાં મેરેજ રજિસ્ટર કરાવશે. અને પછી કોઇને કોઈ બહાને ઝગડીને ભારત આવી ગયા પછી તારી પાસે છૂટાછેડા માગશે તો તને એ ડિવોર્સ કેટલામાં પડશે ?'
(એક સત્યઘટના ઉપરથી)




