‘‘તમારું ફેસબુક પેજ કે પ્રોફાઈલ બ્લોક કરી દેવામાં આવશે’’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફેસબુકમાં જાતભાતનાં સ્કેમ થતાં રહેતાં હોય છે, એક રીત છે આપણને ડરાવવાની
‘‘તમારું પેજ ડિસેબલ કરી દેવામાં આવ્યું છે… ‘ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ’ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે કે તમારા આર્ટિકલમાં અન્ય કોઈ વ્યક્તિના ખોટા નામ કે ફોટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે અન્ય લોકો ગેરમાર્ગે દોરાય તેવું કન્ટેન્ટ શેર કર્યું છે… અમે અગાઉ પણ તમને નોટિસ આપી હતી કે તમારું પેજ અન્ય કોઈ વ્યક્તિના ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો ભંગ કરે છે ત્યારે અમે તમને ચેતવ્યા હતા કે તમારું પેજ ડિસેબલ થઈ શકે છે. જો તમને લાગતું હોય કે અમારી સિસ્ટમે કોઈ ભૂલ કરી છે તો આ લિંક પર ક્લિક કરીને તમારું એકાઉન્ટ વેરિફાઇ કરી લો…’’
તમે તમારા પોતાના નાના મોટા બિઝનેસ કે અન્ય હેતુ માટે ફેસબુક પર પેજ ઓપન કરીને તેને ઓપરેટ કરતા હો કે પછી તમારું પર્સનલ પ્રોફાઇલ જ હોય, વહેલા મોડો તમારા ઇમેઇલ કે ફેસબુક મેસેન્જર મારફત આવો ‘એલર્ટ’ તમને મળી શકે છે.
જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડથી પરિચિત વ્યક્તિ તરત સમજી જાય કે તેમને સાણસામાં લેવા માટે આ એલર્ટ મોકલવામાં આવેલ છે. એલર્ટને ધ્યાનથી વાંચો તેમાં ઘણી બધી ભૂલો જોવા મળે. તેમાં આપેલી લિંક પર ક્લિક કરવાને બદલે ફક્ત માઉસથી હોવર કરો કે સ્માર્ટફોનમાં લિંક પર લાંબો સમય પ્રેસ કરો તો તરત સમજાય કે આ લિંક આપણને ફેસબુકના ઓફિશિયલ પેજ પર નહીં પરંતુ અન્ય કોઈ જગ્યાએ લઈ જાય છે.
આ ‘એલર્ટ’ નો હેતુ બહુ સ્પષ્ટ છે - આપણને ફેસબુકના લોગઇન પેજ જેવા લાગતા પેજ પર લઇ જવા અને ત્યાંથી આપણા ફેસબુક એકાઉન્ટના યૂઝરનેમ પાસવર્ડ મેળવવાનો પ્રયાસ કરવો.
તમને જાણીને નવાઈ લાગશે કે હજી બહુ મોટા પ્રમાણમાં લોકો આવી છેતરપિંડીનો ભોગ બની જાય છે.
આવા સ્કેમથી બચવાનો એક જ ઉપાય છે - આપણે માટે મહત્ત્વના કોઈ પણ એકાઉન્ટ સંબંધિત આવો કોઈ એલર્ટ આવે તો તેના પર આંખ મીંચીને વિશ્વાસ મૂકવાને બદલે તેને ધ્યાનથી તપાસવું. કોઈ એકશન લેવું જરૂરી લાગે તો પણ એ એલર્ટમાં આપેલી લિંક પર ક્લિક કરવાને બદલે નવી ટેબમાં જે તે એકાઉન્ટના ઓફિશિયલ પેજ પર જઇને ત્યાંથી જ લોગઇન કરવું. જો પેલો એલર્ટ સાચો હશે તો એ એકાઉન્ટના ઓફિશિયલ પેજ પર પણ આપણને તે એલર્ટ જોવા મળશે. ઓફિશિયલ સાઇટ પર એવું કંઈ જોવા ન મળે તો તેનો અર્થ એક જ - પેલો એલર્ટ બનાવટી છે. તેને સ્કેમ તરીકે રિપોર્ટ કરો અને એ ઇમેઇલ/મેસેજ મોકલનારને બ્લોક કરી દો.
તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાં ફેલાયેલા હેકર્સ આ રીતે બહુ મોટી સંખ્યામાં લોકોના ફેસબુક એકાઉન્ટ્સની વિગતો ચોરતા રહે છે અને તેની મદદથી અન્ય કેટલાય લોકોને ફેસબુક મેસેન્જર પર બનાવટી લિંક મોકલીને વધુ ને વધુ પ્રમાણમાં લોકોના ફેસબુકના યૂઝરનેમ-પાસવર્ડ ચોરે છે.એક અંદાજ પ્રમાણે દર અઠવાડિયે આ રીતે ઓછામાં ઓછા એક લાખ ફેસબુક બિઝનેસ એકાઉન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવે છે.!




