WhatsAppની મોટી ભૂલ: Meta AI ચેટબોટ માટેની ગુપ્ત સૂચનાઓ વેબસાઇટના કોડમાંથી થઈ લીક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp Leaks Hidden AI Chatbot Rules: વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપની વેબસાઇટ પરથી મેટાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ માટે ઘડવામાં આવેલી આંતરિક અને ગોપનીય સૂચનાઓ અજાણતા લીક થઈ ગઈ છે. પ્લેટફોર્મના આશરે 80 જેટલા હેલ્પ અને FAQ પેજીસના બેકએન્ડ કોડમાં આ છુપાયેલી સૂચનાઓ જોવા મળી હતી. આ નિર્દેશોમાં ખાસ કરીને “WHAT NOT TO SAY” નામના વિભાગો હેઠળ ચેટબોટને યુઝર્સને કોઈપણ પ્રકારની કાનૂની સલાહ ન આપવા, નિયમનકારી સત્તામંડળોનો સંપર્ક ન કરવાની સલાહ આપવા તેમજ કંપનીની જવાબદારી સ્વીકારવાથી બચવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા.
ગુપ્ત સૂચનાઓમાં કઈ બાબતોનો થયો ખુલાસો?
પ્રાઇવસી એનાલિસિસ કંપની 'Redact'ના સંશોધકો દ્વારા કરવામાં આવેલી તપાસ અનુસાર, વોટ્સએપના વેબપેજીસના સોર્સ કોડમાં “HelpContentGalaxyLLMInclude” હેડિંગ હેઠળ આશરે 100 જેટલા ઇન્સ્ટ્રક્શન બ્લોક્સ છુપાયેલા હતા. આ સૂચનાઓ સામાન્ય યુઝર્સને સ્ક્રીન પર દેખાતી નહોતી, પરંતુ વેબસાઇટના બેકએન્ડ કોડિંગમાં સ્પષ્ટ વાંચી શકાતી હતી.
● નિયમનકારી ઓથોરિટીનો ઉલ્લેખ ન કરવો: એકાઉન્ટ ડિલીટ કરવા સંબંધિત પેજ પર ચેટબોટને નિર્દેશ અપાયો હતો કે યુઝર્સને ડેટા પ્રોટેક્શન ઓથોરિટી, રેગ્યુલેટર કે સુપરવાઇઝરી ઓથોરિટીનો સંપર્ક કરવાની સલાહ ક્યારેય ન આપવી.
● કાનૂની સલાહ કે અર્થઘટન પર પ્રતિબંધ: જ્યારે કોઈ યુઝર કાનૂની કાર્યવાહી, વકીલ, કોર્ટ કે મુકદ્દમાનો ઉલ્લેખ કરે, ત્યારે ચેટબોટે વોટ્સએપની સેવાની શરતો, પ્રાઇવસી પોલિસી કે અન્ય કોઈ કાનૂની દસ્તાવેજોનું અર્થઘટન કરવું નહીં કે કંપની વતી કોઈ બચાવ રજૂ કરવો નહીં.
● પ્રાઇવસી કાયદાઓ પર મૌન રહેવું: યુરોપના GDPR, બ્રાઝિલના LGPD કે કેલિફોર્નિયાના CCPA જેવા ડેટા પ્રોટેક્શન કાયદાઓ અંગે યુઝર પ્રશ્ન પૂછે તો પણ ચેટબોટે તેના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કે અર્થઘટન કરવાનું ટાળવું.
● યુઝર ઓળખ અને આગામી ફીચર્સ: દિવ્યાંગ અથવા સાંભળવાની તકલીફ ધરાવતા યુઝર્સની સ્થિતિ માત્ર તેમની પૃષ્ઠભૂમિ તરીકે ગણવી, તેમની સપોર્ટ વિનંતી તરીકે નહીં; તેમજ હજુ સુધી લોન્ચ ન થયા હોય તેવા આગામી કોમ્યુનિટી ફીચર્સ વિશે ચર્ચા ન કરવી.
મેટાએ ટેકનિકલ બગ ગણાવી કોડ હટાવ્યો
એક ટેક મેગેઝિન દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ મેટાએ પોતાની તમામ અસરગ્રસ્ત લાઇવ વેબપેજીસ પરથી આ છુપાયેલો કોડ તાત્કાલિક ધોરણે હટાવી દીધો છે. વોટ્સએપના પ્રવક્તા જોશુઆ બ્રેકમેને સ્પષ્ટતા કરી કે આ ડેટા એક ટેકનિકલ બગના કારણે જાહેરમાં દેખાઈ રહ્યો હતો, જેને હવે સુધારી લેવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે આ સૂચનાઓ સીધી સામાન્ય જનતા માટે નહોતી, પરંતુ વોટ્સએપ સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા AI ચેટબોટને સચોટ માર્ગદર્શન આપવા માટે તૈયાર કરાઈ હતી, જેથી ચેટબોટ કાનૂની ગૂંચવણોમાં પડવાને બદલે માત્ર ટેકનિકલ પ્રોડક્ટ સપોર્ટ અને સચોટ માહિતી આપવા પર જ ધ્યાન કેન્દ્રિત રાખે.




